આધુનિક કવિતાપ્રવાહ
“આધુનિક કવિતાપ્રવાહ” : જયંત પાઠક “આધુનિક કવિતાપ્રવાહ” ઈતિહાસલેખનનો એક શકવર્તી પુરુષાર્થ છે. સુન્દરમની “અર્વાચીન કવિતા” અટકે છે ત્યાંથી એમાં અર્વાચીન કવિતાનો ઈતિહાસ આગળ ચાલે છે. લેખકે એમાં શરૂઆતમાં નર્મદદલપતયુગ અને પંડિતયુગનાં વિશિષ્ટ લક્ષણો, તેના પ્રયોગો ને સિદ્ધિ-મર્યાદાઓ, તે સમયની રાજકીય, સામાજિક અને ધાર્મિક ભૂમિકા આપીને સંક્ષેપમાં દર્શાવ્યાં છે. અને એ ગાળાના મુખ્ય કવિઓની સમગ્ર કાવ્યપ્રવૃત્તિનું અવલોકન કરી તેમના વિશિષ્ટ પ્રદાનને મૂલવ્યું છે. નવીન કવિતામાં ભાષા, છંદ, વિષય અને ભાવાભિવ્યક્તિ જેવાં અંગો પર પ્રબળ પ્રભાવ પાથરનારા ઠાકોરની કાવ્યપ્રવૃત્તિ, તેમના પ્રયોગો અને સિદ્ધિઓની અહીં વિસ્તૃત વિવેચના છે. અને સુન્દરમ્, ઉમાશંકર તથા ત્રીશીના અન્ય કવિઓના પ્રદાનની તેના પ્રકાશમાં છણાવટ થઈ છે. નવતર કવિતાની અહીં વિસ્તૃત વેવેચના છે. લેખક દરેક તબક્કે સાંસ્કૃતિક ભૂમિકા અને પરિબળોનો આલેખ આપે છે અને ઈતિહાસલેખન અંગેની સૂઝ, સજ્જતા અને પરિપક્વતાનાં દર્શન કરાવે છે. — દક્ષા વ્યાસ