ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત

Revision as of 23:02, 3 May 2024 by Atulraval (talk | contribs)
અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત


મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
ને મુઆ તારા ચહેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
રીતસર હારબંધ ઊડતા દીઠા!

કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે





અધવચ્ચે ઊભેલી સ્ત્રીનું ગીત • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ