ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ભગવાન પણ ઓછી માયા છે?
પારદર્શક કાચની લિસ્સી લિસ્સી પાંચ ગોટી
ભગવાને મને આપેલી,
અને પાંચ મારા ભિલ્લુને
હું કોણ?
ખેલાડી નંબર વન!
રમ્યો કોઈબા, ટ્રાયેંગલ,
કરી મૂકી પાંચની પચ્ચીસ,
અદલીબદલીમાં લીધો ભમરડો,
એવું તો ચક્કર ચલાવ્યું
કે થઈ ગયા, પાંચ ગોટીની જગાએ
પાંચ કોટી!
ભિલ્લુ ભોળારામ
પાંચમાંથી એક તો નાખી ખોઈ,
બે દઈ દીધી કોઈને,
એક મેં આંચકી લીધી
બચ્યું શું? તો ’કે
એક ગોટી
ને એક લંગોટી
એવામાં રંગેચંગે આવી ચડી
ભગવાનની વરસગાંઠ
કીમતી ભેટસોગાતો લઈને ચાલ્યાં સૌ :
સો-સો રૉલ્સ રૉઈસ લઈને આચાર્ય,
હજાર-હજાર મછવા લઈને શાસ્ત્રીજી,
પવિત્ર-પવિત્ર ઍરોપ્લેન લઈને બાપુ
મેં પણ બનાવડાવ્યાં, ફૂલ
મારા (અને ભગવાનના) સ્ટેટસને શોભે તેવાં,
ખાસ ઑર્ડર આપીને :
ચાંદીની પાંખડીઓ અને સોનાના કાંટા,
ઉપરથી દસ-વીસ કેરેટનું તો,
મોંઘામાયેલું, ઝાકળ છાંટ્યું!
અને ભિલ્લુ? છટ...
એની પાસે શું હોય?
એક ગોટી
ભગવાન પણ ઓછી માયા છે?
ત્રણ-ત્રણ તો એનાં ભુવન
ઉંબરે આવીને ઊભા
રૉલ્સ રૉઈસ અને મછવા, ઍરોપ્લેન અને ફૂલ
સ્વીકારી-સ્વીકારીને નાખ્યાં, સ્વર્ગ નામની વખારે
પછી ભિલ્લુના હાથમાં હાથ પરોવીને, ભગવાન બોલ્યા,
‘કેમ વહાલા, ગોટી રમશુંને?’