સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કવિતા શીખવવાની રીત
૧. ‘કવિતા એ વાચનનો જ ભેદ છે તેથી વaચન શીખવવાના સઘળા નિયમો એ શીખવવાને પણ લાગુ પડે છે.’ ‘ગદ્ય’ અને એ, વાણીનાં બે રૂપ છે, અને તે ભણનારને સરખાં જ અગત્યનાં છે. વાંચનમાં ગદ્ય અને પદ્ય બંને પાઠ આવે છે, અને તે સરખી કાળજીથી શીખવવાં જોઈએ. પદ્ય મોઢે કરાવવામાં આવે છે તે ઉપરથી તે જુદી જાતનો જ પાઠ છે એમ કાંઈ ઠરતું નથી. તે છતાં કવિતા શીખવનારમાં વિશેષ ચાતુર્ય અને ખબડદારી જોઈએ છીએ એમાં કાંઈ શક નથી, કેમ કે ગદ્ય કરતાં પદ્ય વાણીનું ચડિયાતું રૂપ છે. ગદ્ય શીખવતાં જે જે નિયમો પાળવાના વિષયમાં કહ્યા તે સઘળા નિયમો કવિતા શીખવવામાં પાળવા જોઈએ જ, પણ તે પ્રત્યેક નિયમમાં પદ્યરૂપને લીધે કાંઈક વિશેષ લક્ષ આપવાનું છે. તે અહીંયા ટૂંકામાં બતાવીએ છીએ.
૨. ‘સમજૂતી પહેલાં જ કવિતા વર્ગમાં વંચાવી જવી એ સારો રસ્તો છે.’ તે દહાડે જેટલી કવિતા શીખવા ધારી હોય તેટલી બધી કડકે કડકે વર્ગમાં બધા પાસે છૂટક છૂટક અને ભેગી વંચાવી ગયા પછી જ સમજૂતી શરૂ કરવી. કેટલાક સારા શિક્ષકો તો ગદ્ય પાઠમાં પણ એ રીતે જ ચલાવે છે, અને કેટલેક પ્રસંગે એ પદ્ધતિ સારી છે તોપણ અમે ગદ્યને માટે ભલામણ કરી નથી તે છતાં અમે કહીએ છીએ કે પદ્ય શીખવવામાં તો એ ઉત્તમ છે, અને તેનું કારણ છે. ગદ્ય કરતાં પદ્યના વાંચવામાં પિંગળ વગેરે એટલી બધી વધારે બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે કે તેની સાથે સમજૂતી ચલાવતાં એકે પેટા વિષય બરાબર ચલાવી શકતો નથી. વળી કવિતા બોલવાની અખંડધારા ચાલવાથી નબળા છોકરા પણ સ-તાલ અને સ-સ્વર દેખાદેખી વાંચી શકે છે, અને સમજૂતી દાખલ કરવાથી જો તેનો ભંગ પડે તો તેઓ તેમ કરી શકે નહિ. બીજું, અર્થ ઉપર દૃષ્ટિ રાખવા જતાં વાંચવું પ્રફુલ્લ ચિત્ત થતું નથી અને પ્રફુલ્લ ચિત્ત વિના કવિતાનું વાંચન સારું થાય જ નહિ.
૩. ‘કવિતાનું વાંચવું રસ ભર્યું થવાને સારુ તાલ, સ્વર, અને ભાવ ઉપર ધ્યાન આપવું જોઈએ.’ શુદ્ધિ, સરળતા અને રસિકતા જે વાંચવાના ત્રણ ગુણ છે તે ત્રણે કવિતામાં વિશેષપણે હોવા જોઈએ, અને કવિતા એ રસપ્રધાન જ વસ્તુ છે તેથી રસિકતાની સંપૂર્ણ રીતે જરૂર છે. ગદ્ય વાંચવામાં હદની બહાર ભાવ બતાવવા જતાં વખતે હસવા જેવું થઈ જાય છે, પણ કવિતાના વાંચનમાં તેથી શોભા મળે છે. હાથ મોંના જે ચાળા ગદ્યમાં નાટક રૂપ દેખાય તે પદ્યના વાંચનમાં સમયોચિત ગણાય, તે છતાં કવિતાનું વાચન પણ ઢોંગ ભરેલું તો ન જ થવું જોઈએ. મતલબ કહેવાની એટલી જ છે કે કવિતામાં ભાવાનુભાવ દર્શાવતાં વધારે છૂટ લઈ શકાય છે. એનું માપ તો લખનારનો મનોભાવ વાંચનારના મનમાં કેટલે દરજ્જે આબેહૂબ ઊતર્યો છે તેના ઉપર જ આધાર રાખે છે. તેમ થયા વિના બધું ખોટું. ગુજરાતીમાં ઘણીખરી કવિતા ગવાય છે તેથી તેના સ્વર અથવા રાગ ઉપર પણ ધ્યાન રાખવાની જરૂર છે. હિંદુસ્તાની કવિતામાં માત્ર તાલ જ છે તો તે તેમ વાંચવી.
૪. ‘હાથ ઉપર તાલ નાંખીને જ કવિતા બોલવાની ટેવ પાડવી.’ જો કવિતા સરળતાથી વાંચતા આવડતી હશે, તો સ્વાભાવિક રીતે જ છોકરાં પોતાની મેળે ઘટતે ઠેકાણે તાળી પાડશે. માત્ર થોડી ટેવ પાડવાની જરૂર છે. જો તાલ નાંખવામાં ભૂલ કરે તો ઘણું કરીને બોલવામાં તાલની ભૂલ હશે એમ જ જાણવું, અને બોલવામાં તાલની ભૂલ હોય તો તે સુધારવાનો ઉત્તમ માર્ગ એ જ છે કે શિક્ષકે શુદ્ધ રીતે વાંચી સંભળાવવું. શિક્ષકને તાલ અને સ્વર સાથે કવિતા વાંચતા આવડવી જ જોઈએ. ફલાણા અક્ષર ઉપર તાલ નાંખ એમ કહ્યાથી ઘણો ફાયદો થતો નથી અને છોકરાં નાનાં હોય તો, તો ફાયદાને બદલે ગેરફાયદો થાય છે, કેમ કે એ સ્વાભાવિક નહિ પણ કૃત્રિમ માર્ગ છે. પિંગળ શીખવતી વખતે એ બધું શીખવાશે, પણ કેટલાક વર્ગમાં તો તે શીખવવાનું જ નથી અને શીખવવાનું હોય તોપણ તેનો આ સમય નથી. સારું વાંચ્યા પછી છંદના નિયમ કઢાવવા એ જ ખરી સૂચક પદ્ધતિ કહેવાય. તાળ ઉપર જ ધ્યાન રહ્યાથી વખતે કેટલાક છોકરા રાગ બહુ જ બગાડી નાંખે છે, પણ તેમ ન થાય તે ઉપર શિક્ષકે ધ્યાન રાખવું. સ્વર અને તાલ એ બંને હોય ત્યારે જ કવિતા બોલાવી શોભે છે.
૫. ‘પિંગલ શીખવવામાં પ્રથમ તાલ અને યતિ, અને ત્યાર પછી છંદનું માપ શીખવવું. એ બધું પાટિયા ઉપર સાક્ષાત્કાર કરવું જોઈએ.’ કેટલાક દોહરામાં તેર અને અગિયાર માત્રા છે એટલું કહ્યું એટલે પિંગળ શીખવી રહ્યા એમ સમજે છે. પણ એના કરતાં વધારે અગત્યનું એ જાણવાનું છે કે એમાં તાલ કેટલા અને કયા કયા છે, કેમકે કવિતાનું સરસ વાંચવું એના ઉપર આધાર રાખે છે. સરસ વાંચવામાં કુલ માત્રા જાણવાથી કાંઈ ફાયદો થતો નથી. અક્ષરછંદ હોય તો તો કયા કયા ગણ આવ્યા છે એટલું જ જાણવું બસ ગણી શકાય, પણ માત્રામેળ છંદમાં ઘણી વિગતની જરૂર છે. નવો છંદ આવ્યો હોય ત્યારે તો તે વાંચી રહ્યા પછી તેનું માપ વિસ્તારથી શીખવવું જોઈએ. જાણેલા છંદ હોય, તો આરંભ પ્રશ્નની રીતે તેનું માપ યાદ છે કે નહિ તે તપાસી જવું. નવા છંદને માટે સૂચક અને જાણીતાને માટે વ્યાખ્યાન પદ્ધતિ યોગ્ય છે. માત્રા, તાલ, અને ગણ એટલે શું એ તો હમેશાં પૂછી પૂછીને તાજું જ રખાવ્યા કરવું જોઈએ. પિંગળના પાઠના એ જ આરંભ પ્રશ્ન છે. ૪થા નિયમ પ્રમાણે સતાલ વંચાવ્યું હશે તો પછી અક્ષરો ઉપર તાલ માંડી જતાં છોકરાઓને સહજ આવડશે. પ્રથમ આ રીતે પાટિયા ઉપર તાલ માંડી જવા, અને તેને લીધે માત્રિક ગણ કેટલા પડ્યા તે બતાવવું. ભોજન/ આજ જ/ મ્યા જે/અમો હવે, દરેક તાલ અથવા માત્રિક ગણમાં કેટલી માત્રા છે તે છોકરાંઓ પાસે ગણાવી જોવી કે તે ઉપરથી જણાય કે એ છંદ ત્રિમાત્રિક, ચતુર્માત્રિક, પંચમાત્રિક, ષણમાત્રિક, સપ્તમાત્રિક તાલનો છે. યાદ રાખવું કે બધા છંદમાં એક તાલ જેટલી માત્રાનો હોય તેટલી જ માત્રાના બીજા બધા તાલ પણ આવે છે. એટલે, પહેલો તાલ ચાર માત્રાનો, બીજો ત્રણનો, ત્રીજો સાતનો ચોથો પાંચનો એમ કદી હોય જ નહિ. એ સાક્ષાત્કાર કરવાને સારુ પાટિયા ઉપર દરેક અક્ષરની કેટલી માત્રા છે તે તેની ઉપર લખવી અને તેનો સરવાળો તાલને અંતે માંડવો. તાલના માપનો સરવાળો કરતાં છંદની કુલ માત્રા નીકળશે. એ બધું લખવાની રીત નીચે પ્રમાણે છે.
૨ ૧ ૧ = ૪ ૨ ૧ ૧ = ૪ ૨ ૨ = ૪ ૧ ૨ = ૩
ભો જ ન આ જ જ મ્યા જે અ મો =૧૫
૧ ૨ ૩ ૪
એમાં આઠ માત્રાએ યતિ છે તે દર્શાવવાને બેવડી લીટી દોરી છે. ચોથા તાલમાં એક માત્રા ખૂટે છે ખરી, પણ ચોપાઈનો નિયમ જ એવો છે કે છેલ્લી ત્રણ માત્રા રાખવી અને એકની ખોટ તાનથી પૂરી પાડવી. ચરણાકુલક છંદ તાન રહિત છે તો તેનો ચોથો તાલ પણ બરાબર ચાર માત્રાનો જ થાય છે. કોઈ પણ માત્રિક છંદનું માપ ચિહ્નોથી લખી લાવો એમ કહ્યું હોય, તો છોકરાઓને ઉપર પ્રમાણે લખતાં આવડવું જોઈએ અને તેથી તેનો મહાવરો પાડવો. આ વાત આગત્યની જાણી અમે એક બીજો નમૂનો આપીએ છીએ.
૨ ૨ ૧ ૨ = ૭ ૧૧ ૨૧ ૨ =૭ ૧૧ ૨૧ ૧૧૨ =૭ ૨ ૧ ૧ ૧ ૨ = ૭ હે દેવના પણ દેવ તું તત- ખેવ દિલ માંધર દયા-૨૮ ૧ ૨ ૩ આ છંદ સપ્તમાત્રિક છે. સાત માત્રાની વ્યવસ્થા કેવી રીતે જોઈએ તે આ લખવાથી દર્શાતું નથી, પણ મોઢે શીખવવું જોઈએ. હરિગીત વગેરે કેટલા છંદમાં ત્રીજી માત્રાથી તાલ શરૂ થાય છે અને તેથી પહેલી બે માત્રા ને તાલ બહાર રાખવી પડે છે. છેલ્લા તાલમાં પાંચ માત્રા આવે છે. બીજા ચરણની યાદી બે માત્રા સાથે મળવાથી તે પૂર્ણ થાય છે. તે અપૂર્ણતા દર્શાવવાને માટે છેલ્લો તાલ છેડેથી લીટી વડે ન બાંધતા છૂટો રાખ્યો છે. ઉપલા ચોપાઈના માપમાં પણ છેલ્લો તાલ અપૂર્ણ રાખ્યો છે ખરો, પણ તેમ કરવાનું વિશેષ કારણ નથી. તે છતાં જ્યાં માત્રા ખૂટે ત્યાં છેલ્લો તાલ અપૂર્ણ દર્શાવવો એ નિયમ શીખાઉને સહેલો પડે એમ ધારી અમે તે પ્રમાણે કર્યું છે. ગરબી વગેરે દેશી કવિતાનું માપ પણ આ રીતે દર્શાવી શકાય. એવી કવિતા તો નિયમ બહાર જ છે એમ કેટલાક ધારે છે, તે બહુ મોટી ભૂલ છે. બધામાં અમુક જાતના અમુક તાલ હોય છે, અને તે છે તો કુલ માત્રાનું પ્રમાણ પણ છે જ. માત્ર એવી કવિતા બનાવનારાઓ ઘણાખરા અશિક્ષિત હોવાથી લઘુને ગુરુ અને ગુરુને લઘુ ગણવાની છૂટ હદથી જ્યાદે લે છે, પણ તે સઘળું આ રીતે માપ લખવાથી જણાઈ આવશે. અક્ષર છંદનું માપ તે લખવું સહેલું છે. માત્રિક છંદમાં જેમ તાલ જુદા પાડીએ છીએ તેમ ગણ જુદા પાડી જવા અને પ્રત્યેક ગણના સ્વરૂપ ઓળખવાને માટે તેના અક્ષર ઉપર લઘુ ગુરુનાં ચિહ્ન માંડવાં.
︶ - - ︶ - - ︶ - - ︶ - - હતો હું સુતો પા - રણે પુ- ત્ર નાનો = ૪ યગણ ૧ ૨ ૩ ૪
પછી તાલ અને યતિ એમાં વધારવાની મરજી હોય, તો સહેલથી વધારી શકાશે.
૬. ‘કવિતા શીખવવાની ત્રણ મતલબ વિશેષપણે આ પ્રમાણે છે ૧. વાંચવામાં રસિકતા આણવી. ૨. ભાષાનું ઉત્તમ જ્ઞાન આપવું. ૩. જુદા જુદા પદાર્થો અથવા બનાવોનાં ચિત્ર બાળ અંતઃકરણ ઉપર પાડી જુદી જુદી જાતની ઊંચી મનોવૃત્તિઓને જગાડવી.’ વાંચવાની જે ત્રણ મતલબો છે તેના કરતાં આ કાંઈ જુદી નથી, પણ માત્ર કેટલુંક વિશેષપણું એમાં રહેલું છે. આ ભેદ એ બંનેનો મુકાબલો કરવાથી માલમ પડશે.
૭. ‘કવિતા શિખવવાની મતલબોમાં જે વિશેષપણું રહેલું છે તે વિશેષપણાને અનુસરતી શીખવવાની રીત રાખવી જોઈએ.’ આ નિયમ પ્રમાણે કવિતાના વાંચવામાં કઈ બાબતો ઉપર વિશેષ ધ્યાન આપવું તે આપણે કહી ગયા. વાણીરસ અને પિંગળજ્ઞાન એ બે વધારાની વસ્તુઓ છે. વાણીરસને સારુ તાલ, સ્વર અને મનોભાવ ઉપર લક્ષ આપવાનું છે, અને છંદનું સ્વરૂપ સાક્ષાત્કાર કરી બતાવવું એ પિંગળજ્ઞાનમાં આવી જાય છે. હવે, સમજૂતી વિષે બોલીએ.
૮. ‘કવિતામાં ભાષા અને અર્થ એ બંને ઉપર સમાન લક્ષ અપાય છે.’ ગદ્ય લખનારનું મુખ્ય લક્ષ અર્થ ઉપર હોય છે, અને તેથી શીખવનારે પણ તેમ કરવું યોગ્ય છે. પદ્યમાં વાણી અને અર્થ એ બંને સમાન અગત્યનાં છે. કવિ અર્થ ઉપર જેટલું ધ્યાન આપે છે તેટલું જ ભાષાના ગુણ દોષ ઉપર પણ આપે છે. જેટલા અને જે શબ્દો તે લખે છે તેમાં કાંઈ પણ ફેરફાર કરવાથી તે કવિતાની ખૂબી બગડે છે. કવિતામાં વાણીની શુદ્ધતા, યથા યોગ્યતા, યથાર્થતા, અને સુવર્ણતા એ ચારે ગુણો સંપૂર્ણ રીતે દીઠામાં આવે છે, અને એ કારણને લીધે જ કોઈ ભાષાનું ઉત્તમ જ્ઞાન મેળવવાને માટે કવિતા એ અવશ્યનું સાધન છે. માટે જે પ્રમાણે કવિતામાં ભાષા ઉપર ધ્યાન અપાયેલું છે તે પ્રમાણે જ તે શીખવનારે પણ આપવું જોઈએ, અને તેમ કરવાથી જ એ કેળવણીનો હેતુ પાર પડે. ભાષા ઉપર કવિતામાં ગદ્ય કરતાં વધારે ધ્યાન આપવું એમ ઠર્યું. તો ભાષાની કઠિનતા દૂર કરવાને જે ચાર ઉપાય પ્રથમ બતાવ્યા છે તેનો ઉપયોગ આ પાઠમાં અલબત્ત વધારે કરવો જ જોઈએ. કવિતામાં પદચ્છેદ વગેરે ગમે એટલું પૂછીએ, પણ ઘણું કરીને તે વધારે નહિ ગણાય. એ સિવાય ‘સમાનાર્થ શબ્દના ભેદ, એક શબ્દના અનેકાર્થ અને વિરુદ્ધાર્થ શબ્દ’ પણ આ વિષયમાં ધોરણ જોઈને યથેચ્છ પૂછી શકાય, કેમ કે ભાષાની કેળવણી આપવી એ એક મુખ્ય હેતુ છે.
૯. ‘કવિતામાં જે વિલક્ષણ રૂપો આવે તે બાળકો પાસે નોંધાવતા જવાં અને તે ઉપરથી કવિતાનું વિશેષ વ્યાકરણ શીખવવું.’ ગદ્ય અને પદ્યના વ્યાકરણ નિયમ કેટલીક રીતે જુદા હોય છે. -તણો- -કેરો- વગેરે પ્રત્યયો ગદ્યમાં નથી વપરાતા અને પદ્યમાં વપરાય છે. અર્વાચીન ગુજરાતી ગદ્યમાં ‘લખે’ એમાં નિશ્ચયાર્થ વર્તમાનકાળનો અર્થ રહ્યો નથી, પણ પદ્યમાં બહુધા એ જ અર્થે વપરાય છે. ઘણા શબ્દ એવા છે કે તે પદ્યમાં વપરાય પણ ગદ્યમાં ન વપરાય. કેટલા અપભ્રંશ શબ્દો ગદ્યમાં લખ્યા હોય, તો અશુદ્ધ ગણાય પણ; તે જ શબ્દો કવિતામાં દોષરહિત કહેવાય. વાક્યરચનાનો ક્રમ પદ્યમાં જુદો હોય છે એ તો સઘળાના જ દીઠામાં આવ્યું હશે. આ બધી વાતો જાણવી જરૂરી છે અને એને પદ્યનું વિશેષ વ્યાકરણ કહે છે. કવિઓ જોડણીમાં ફેર કરે છે અથવા શબ્દો તોડી નાંખે છે એ પણ વિશેષ વ્યાકરણના પેટામાં આવી જાય. કેટલેક ઠેકાણે એ છૂટ લઈ શકાય એવી હોય છે અને કેટલેક ઠેકાણે નથી પણ લઈ શકાતી. એ સઘળી વાતનો વિચાર કવિતાના ભણનારે જાણવો જોઈએ.
૧૦. ‘કવિતા વંચાવી રહ્યા પછી શબ્દે શબ્દના અર્થ ખૂબ પૂછી જવા અને પછી અન્વય કરાવવો.’ શબ્દે શબ્દના અર્થ કહ્યા એટલે માર્મિક શબ્દાવળી અને ઉપવાક્યના અર્થ પણ પૂછવા એમ સમજવું. શબ્દના ચાર પ્રકારના અર્થ થઈ શકે છે : મૂળાર્થ, વાચ્યાર્થ, લક્ષ્યાર્થ, અને વ્યંગાર્થ. ઘણા શબ્દનો મૂળાર્થ અને વાચ્યાર્થ એક જ હોય છે, પણ તે જુદાયે હોય : જેમ કે પંકજ એ શબ્દનો મૂળાર્થ કાદવમાં ઉત્પન્ન થયેલું એવો છે. પણ વાચ્યાર્થ એટલે ભાષામાં ચાલુ અર્થ કમળ જ છે. અલંકૃત ભાષામાં વાચ્યાર્થની સાથે લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સમજવાના હોય છે, અને કવિતામાં અલંકાર વધારે હોય છે તેથી આ ચારે પ્રકારના અર્થ ઉપર ધ્યાન આપવાની વિશેષ જરૂર છે. આગળ ચિત્ર પાડવાનું અથવા અલંકારનું સાદૃશ્ય બતાવવાનું કહ્યું છે તે જો શબ્દના આ જુદા જુદા અર્થ સમજાવ્યા હશે તો સહેલથી થઈ શકશે. અન્વય કરાવવા પહેલાં આ રીતે વ્યુત્પત્તિ અને પદચ્છેદ સહવર્તમાન અર્થ પૂછવાની જરૂર છે. તેમ કર્યા વિના અન્વય કરતાં નહિ આવડે અને આવડશે તોપણ બાળક તેમાં સમજે છે કે નહિ તે માલમ પડશે નહિ.
૧૧. ‘ગદ્યના વ્યાકરણ નિયમ પ્રમાણે પદ્યને ગોઠવવું તેને અન્વય કહે છે, અને તે જ કવિતાનો અર્થ સમજવાને સારુ બસ નથી. ચરિતાર્થ લખ્યાથી કવિતાનો અર્થ સ્પષ્ટ થાય છે.’ ઘણા ખરા અન્વય કરીને જ બેસી રહે છે. ચરિતાર્થ લખવો તે શું એ જાણતા જ નથી. તેને માટે અન્વયની અહીંયાં વ્યાખ્યા આપવી પડી છે. એ શબ્દાર્થ કર્યા પછીનું બીજું પગથિયું છે. હજી એક ત્રીજું પગથિયું બાકી છે. અને તે સૌથી અગત્યનું છે. એને ચરિતાર્થ અથવા ભાવાર્થ કહે છે.
૧૨. ‘પદ્યનો સઘળો અર્થ તથા ભાવ ગદ્યમાં સારી છટાદાર ભાષામાં લખી બતાવવો એને ચરિતાર્થ કહે છે.’ અન્વય કરવામાં તો ગદ્યના નિયમ પ્રમાણે શબ્દોનો અનુક્રમ ફેરવી તથા જરૂરના જ ‘જો, તો, અને છે’ વગેરે થોડા શબ્દો ઉમેરીને વાક્ય ઘડવાનું છે. ગદ્યમાં ન વપરાતો હોય તો જ તે શબ્દ બદલી શકાય છે. આવી રીતે રચેલું વાક્ય ગદ્યમાં ઘણું જ કઢંગું દેખાય છે અને તેનો અર્થ અજાણ્યાથી સમજાતો નથી. કેટલાક અન્વય કરનારા તો ઉપર કહ્યું તે પ્રમાણે થોડા જરૂરના શબ્દ ઉમેરી શકાય છે તે પણ ઉમેરતા નથી, અને તે છતાં જે વાક્ય જ ન કહેવાય એવો લવારો બોલીને ભાવાર્થ સમજાવી ગયા એમ પોતાના મનમાં માને છે. એમ કદી થવું જોઈએ નહિ અને તેથી અમારે અન્વય અને ચરિતાર્થ એવા બે ભેદ અત્રે પાડવા પડ્યા છે. ચરિતાર્થની જે ઉપર વ્યાખ્યા આપી છે તે પ્રમાણે કવિતાનો અર્થ લખતાં આવડવું જોઈએ. એ રીતે લખે તો પછી તેને અન્વય, ભાવાર્થ, કે ગમે તે કહે, તેની અમને કાંઈ દરકાર નથી. ચરિતાર્થની વાત જ્યાં જ્યાં અમે ઉપર કરી ત્યાં તે લખવાનું કહ્યું છે તે ઉપરથી તે મોઢે કહી ન શકાય એવો અમારો અર્થ નથી. ચરિતાર્થ મોઢેથી પણ કહેવડાવી શકાય અને કહેવડાવવો જોઈએ જ, પણ એ વાત ખરી છે કે તે લખાવવાથી વધારે ફાયદો થાય છે, અને મોઢે બોલાવ્યો હોય તોપણ લખાવી જોવાની જરૂર રહે છે ખરી. ચરિતાર્થ સારી રીતે લખવો એ એક જાતનો નિબંધ જ છે અને તેથી ભાષાશૈલીની કેળવણી ઠીક મળે છે. આ ઠેકાણે સંભારવું જોઈએ કે કેટલાક કવિતાનો અર્થ ચરણ પ્રમાણે જુદી જુદી લીટીઓમાં લખે છે તે ખોટું છે. અન્વય કર્યા પછી જેને ચરિતાર્થ કરવો છે તે કદાપિ પ્રથમ એ પ્રમાણે લીટીબંધ પાટિયા ઉપર લખી જાય તો ફિકર નહિ, પણ જે અન્વય અને ચરિતાર્થ એક જ સમજે છે તેણે તો એમ ન જ કરવું જોઈએ, કેમકે ગદ્ય લખાણના લીટીમાં ભાગ પડતા નથી. ગદ્ય તો ચાલતી લીટીએ જ લખાય તેના વિરામચિહ્ન વડે જ ભાગ પાડવા જોઈએ... છોકરાઓને કવિતા મોઢે હોય છે તેથી ઘણું કરીને ઘણી ગુજરાતી નિશાળોમાં તેનો અર્થ કરતી વખતે ચોપડી બંધ કરવાની જ ટેવ પડી ગઈ હોય એ એકદમ દૂર થવી જોઈએ. ચરિતાર્થ લખવો કે કહેવો એ કેવું મોટું કામ છે તે જે મહેતાજીઓ સમજે છે તે તો કદી પણ એ વેળા છોકરાની ચોપડી બંધ રહેવા નહિ જ દે. કવિતાનો અર્થ સમજ્યા પહેલાં તે મોઢે કરાવવી એ જ મોટો પદ્ધતિ દોષ છે. પણ તેમ થયું હોય તો એ અર્થ કરતી વેળા કવિતાની ચોપડી ઉઘાડી જ રાખવાની કાળજી રાખવી. મોઢે હોય તોપણ ચોપડીમાં જોયાથી અર્થ કરવો વધારે સરળ પડે છે.
૧૩. ‘કવિતામાં સમભાવ કરાવવો એ જ એ અભ્યાસનો હેતુ છે.’ ગદ્ય અને પદ્ય શીખવવાની ત્રીજી મતલબમાં જે કાંઈ ભેદ છે તેને લીધે આ ભેદ ઉત્પન્ન થાય છે. ગદ્ય શીખવવામાં જ્ઞાન આપવું એ મુખ્ય હેતુ છે અને સમભાવ કરવું એ ગૌણપણે જ રહેલું છે. કવિતા તો રસપ્રાધાન્ય વસ્તુ છે અને તેથી સમભાવના ઉપર જ શીખવનારનું લક્ષ રહેવું જોઈએ. કવિનું લક્ષ ઊંચી મનોવૃત્તિ ઉત્પન્ન કરાવવા તરફ જ અખંડ રહેલું હોય છે. કવિતાથી જ્ઞાન મળતું હોય, તોપણ કવિનો તે મુખ્ય હેતુ નથી, અને ઘણી કવિતામાંથી તે થોડું જ મળે છે. પણ તે ઉપરથી કવિતાનો અભ્યાસ ઓછું અગત્ય ધરાવે છે એમ ઠરતું નથી. જ્ઞાન પામવા કરતાં પણ ઊંચી મનોવૃત્તિ થવી એ વધારે ઉપયોગી છે, કારણ કે મનુષ્ય જે સઘળાં કાર્ય કરે છે તેનું મૂળ વૃત્તિઓ જ છે. વૃત્તિઓ રૂડાં કે ભૂંડાં, મોટાં કે નાનાં, કામ કરવાનું મન કરે છે ત્યારે જ બુદ્ધિ તે કરવા મંડે છે અને તેમ કરવામાં તેને જ્ઞાનની સહાયતાનો ખપ પડે છે. એ રીતે ઉપયોગીપણામાં જ્ઞાન ત્રીજો તો, બુદ્ધિ બીજો, અને ઊંચી મનોવૃત્તિ જગાડવી એ જ પહેલો દરજ્જો ધરાવે છે. ઊંચી મનોવૃત્તિઓને જગાડવી એ ઉત્તમ કવિતાનું કામ છે. અને તેથી સારી કેળવણીમાં કાવ્ય એ સઘળા દેશમાં અવશ્યનાં ગણાય છે. માટે, ગદ્ય વાંચનમાં ભાવને અર્થની સમજૂતીમાં ગણ્યો હતો તેમ ન ગણતાં કવિતાના પાઠમાં રસને મુખ્ય ગણવો. ચિત્ર પણ એ ભાવને પ્રગટ કરવાને અર્થે જ છે, પણ ચિત્ર પ્રગટ થયા વિના ભાવ સમજાતો નથી. તેથી કવિએ શબ્દ વડે જે ચિત્ર ચીતર્યાં હોય તે ચિત્ર ‘દેખાડવાં અને મન ઉપર ન ભૂંસાઈ જાય એવી રીતે ઠસાવવાં’ એ કવિતા શીખવવામાં મુખ્ય કામ છે અને તે અર્થની સમજૂતીને ઠેકાણે છે. આ શીખવવામાં અર્થ કઠિનતાના જે ઉપાય બતાવ્યા છે તે જ કામે લગાડવાના છે. આ વિષય શીખવનારમાં ‘શબ્દ ચિત્રણ શક્તિ’ બહુ જોઈએ છીએ. પ્રદર્શન કરતાં પણ શબ્દ ચિત્રણ વધારે ઉપયોગી છે. કવિએ તો શબ્દ ચિત્રણ ઉત્તમ રીતે કર્યું હોય છે, પણ ઘણું કરીને તે પરિપક્વ અને કેળવાયેલી બુદ્ધિને અનુસરતું હોય. બાળકને માટે લખેલી કવિતાઓ પણ બાળબુદ્ધિને છેક અનુસરતી હોતી નથી. પદ્ય રૂપ જ કેટલીક વાણી અને અર્થની પ્રૌઢિ માગે છે અને તેથી બાળકના મનમાં બરાબર ચિત્ર પાડવાને તથા સમભાવ ઉત્પન્ન કરવાને સારુ શિક્ષક તરફથી બાળકની સ્વાભાવિક ભાષામાં શબ્દ ચિત્રણની જરૂર રહે છે. સારી કવિતામાં એક શબ્દમાં જે અર્થ સમજાવેલો હોય તે સાક્ષાત્કાર કરવાને સારુ ઘણું કરીને એક વાક્યની જરૂર પડે છે. યાદ રાખવું કે કવિતાનું રૂપ સ્વભાવિકપણે જ સંક્ષિપ્ત છે અને બાળકને સારુ તેને વિસ્તીર્ણ કરવું એ શિક્ષકનું કામ છે. શબ્દચિત્રણ કરવામાં ‘અલંકારમાં સાદૃશ્યપણું ક્યાં રહેલું છે તે વિસ્તારથી પ્રગટ બતાવવું’ એ મોટો પ્રકાર છે. શબ્દાલંકાર પણ શીખનારની યોગ્યતા પ્રમાણે પાઠની સાથે બતાવતા રહેવું, કેમ કે ભાષાનું બળ તે ઉપર કેટલેક દરજ્જે આધાર રાખે છે.
૧૮૭૯