સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નવલરામ પંડ્યા/કરસનદાસ મૂળજી ચરિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૭. કરસનદાસ મૂળજી ચરિત્ર
[મહીપતરામ રૂપરામ નીલકંઠ]

આ ગ્રંથની પહોંચ અમે ગયે મહિને આપી હતી, અને આ વેળા તેનું યથાશક્તિ વિવેચન કરવાનો ઉમંગ રાખીએ છીએ; કેમકે એ ગ્રંથનો વિષય, વાણી અને વિવેક એ ત્રણે વિવેચકના ચિત્તને આકર્ષણ કરે એવાં છે. આ ગ્રંથના ગુણ દોષનું કાંઈ પણ મનન કરવા પહેલાં અમારે આટલું કહેવું જોઈએ કે રા. સા. મહીપતરામે આ ગ્રંથ પ્રગટ કરીને પોતાના ગુજરાતી ભાઈઓને બે મોટાં કલંકમાંથી મુક્ત કર્યા છે. આજપર્યંત આપણી ભાષામાં ચરિત્ર નિરૂપણનો સારો કે નઠારો એકે ગ્રંથ નહોતો. આ ગુજરાતી ભાષાને તથા વિદ્વાનોને મોટી હીણપત હતી. બીજું ભાઈ કરસનદાસ સરખા સુધારાના શૂર પુરુષને પડ્યાને સાત સાત વર્ષ થયાં તોપણ તેનાં પરાક્રમ સ્મરણ યોગ્ય સમજી કોઈએ સંગ્રહ ન કર્યો એ વાત સમસ્ત સુધારા સાથને બહુ જ નીચું જોવડાવી તેનું ઘણું ઢમઢોલપણું પ્રગટ કરતી હતી. ખરે આશ્ચર્ય છે કે મુંબાઈના કોઈ પારસીને પણ કરસનદાસનું ચરિત્ર લખવાનો તરંગ ન ઊઠ્યો. તોપણ જે થાય છે તે સારાને માટે જ. એ ચરિત્ર જેવા માણસથી લખાવું જોઈએ તેવા જ માણસના હાથમાં હાલ આવ્યું એ ઘણું જ સંતોષકારક છે. જેની જે વિષયમાં મસ્તી નથી તેનાથી તે વિષય સારો લખાતો નથી. મહીપતરામભાઈ સુધારાના વિષયમાં અનુભવી, ખંતી, અને ખરી દાઝવાળા છે, અને તેની સાથે જે બનાવોનું આ ચરિત્રમાં વર્ણન કરવાનું છે તેમાં થોડો ઘણો જાતે ભાગ લીધો હતો. વળી મરનાર સાથે કેટલાંક વર્ષ સુધી મિત્ર ભાવનો સહવાસ પણ હતો. તેથી એ ધારીએ છીએ કે કરસનદાસને પોતાના સાથી અને સમઉદ્દેશી રા. સા. મહીપતરામના જેવો બીજો યોગ્ય ચરિત્ર નિરૂપક મળવો મુશ્કેલ હતો. આ ચરિત્રનિરૂપકની કસાયેલી કલમ અને આ વિષયને સારુ વિશેષ યોગ્યતા ઉપરથી જે જે આશાઓ બંધાય તેમાંની ઘણી ખરી ફળીભૂત થઈ છે. અમે આ ગ્રંથ જોઈને પ્રસન્ન થયા છીએ. ભાષા શુદ્ધ, સરળ અને રસભરી છે. એક સુધારકના આવેશની નિર્મળ અને વિવેકયુક્ત ધારા આખા પુસ્તકમાં અખંડ ચાલી જાય છે, અને પ્રસંગોપાત્ત ‘સાસુ વહુની લડાઈ’ના લખનારનો હાસ્યરસ મર્યાદામાં રહીને ઠીક રમૂજ આપે છે. જુસ્સાની તાણમાં ખેંચાઈ જઈ કોઈ સ્થળે પણ સત્યતા કે નિષ્પક્ષપાતપણાનો ભંગ થવા દીધો નથી. જ્યાં જ્યાં પોતાના વિચાર જુદા હતા ત્યાં ત્યાં તે જણાવતાં આંચકો ખાધો નથી, અને તે વળી ખરી નમ્રતાની સાથે દર્શાવ્યા છે, આ ગ્રંથમાં મહીપતરામભાઈની નમ્રતા ખરેખર સ્તુત્ય છે. તેનો એક દાખલો ‘ઇંગ્લાંડમાં પ્રવાસ’નું વિવેચન કરતી વેળા સ્પષ્ટ લખ્યું છે કે એ વિષય ઉપર ગુજરાતી ભાષામાં બીજો કોઈ પણ ગ્રંથ એવો નથી, અને એ લખતી વેળા પોતે ‘ઇંગ્લાંડની મુસાફરી’ લખી છે તે સંબંધી ગ્રંથકારના સ્વાભાવિક અભિમાને કાંઈ પણ કલમને અચકાવી હોય એમ જણાતું નથી. તેમજ ગ્રંથમાં વિવેક અને ક્ષમા ભાવ પણ બહુ રાખ્યા છે. પોતાને કુધારા ઉપર ખરો અને પ્રસિદ્ધ ધિક્કાર છે, અને પંડે તે પક્ષ પક્ષ તરફથી બહુ ખમ્યું છે. તોપણ આ ચરિત્ર લખતી વેળા બહુ જ મોટું મન રાખ્યું છે, અને કેટલેક પ્રસંગે નામ દઈને ઠોક પાડ્યા હોત તો પણ અનુચિત ન કહેવાત એવું હતું. તોપણ કુધારાવાળાને જરાયે ભાંડ્યા નથી અને તેમની તરફ દયા તથા પ્રીતિ જ બતાવી છે. આ ઠેકાણે આપણા જૂના જુસ્સાવાળા સુધારક ઉપર પ્રાર્થના સમાજ જેવા રૂડા સમારંભે કેવી રૂડી અસર કરી છે તે સ્પષ્ટ માલમ પડે છે. સત્ય, ક્ષમા અને પરમાર્થ ઉપર અચળ દૃષ્ટિ રાખી આ ગ્રંથ મહીપતરામભાઈએ લખ્યો છે એમ સાફ જણાય છે, અને તેથી ઠેકાણે સુબોધકારક તથા દેશ કલ્યાણની મતિ ઉત્પન્ન કરનારો ગ્રંથ થયો છે. ચરિત્ર નિરૂપકમાં શોધ, સત્યતા, વિવેક અને વર્ણન શક્તિ એ ચાર ગુણ અવશ્ય જોઈએ. વાંચનારે જોઈ લીધું હશે કે એમાંના છેલ્લા ત્રણ ગુણ તો આ ગ્રંથકારે ઉત્તમ રીતે પ્રગટ કર્યા છે. શોધ પણ થોડી મુદતમાં બની શક્યો તે પ્રમાણે ઠીક કર્યો છે. પણ અમૃત પીતાં કોઈ ધરાતું નથી એ કહેવત પ્રમાણે આ ગ્રંથમાં જે હકીકતો રસભરી રીતે વર્ણવી છે તે વાંચતાં વધારે જાણવાની ઇચ્છા સ્વાભાવિક રીતે જ થાય છે, અને તેથી વધારે હકીકતો હાથ લાગી હોત તો સારું એમ સુજ્ઞ વાંચનારને લાગ્યા વિના રહેતું નથી. મહત્કર્મનુંજ વર્ણન ચરિત્ર નિરૂપકે કરવું જોઈએ એમ મહીપતરામભાઈનો વિચાર હોય એમ વખતે અમને લાગે છે. ઘણું કરીને આ ચરિત્ર કરસનદાસના જાહેર કામથી જ ભર્યું છે. એનો ખાનગી સ્વભાવ તથા રીતભાત કેવી હતી, એટલે એ મિત્ર વર્ગમાં, સ્ત્રી પુત્રાદિકના સંબંધમાં, રમતગમતમાં, એકાંતમાં કેવી રીતે વર્તતા હતા, તેનું ઉદાહરણો સહિત આખા ચરિત્રમાં કાંઈ પણ વર્ણન નથી. સર્વ સ્થળે કરસનદાસ સુધારકને જ જોઈએ છીએ. પણ કરસનદાસ માણસરૂપે દેખાતા નથી. સુધારાની પાઘડી હેઠે મૂકી કરસનદાસ કેવા દેખાય છે તે જોવાનો અવસર જ આવતો નથી. મહારાજનો મોટો હુમલો થયો, શેરની પડતીમાં દબાયા, નાત બહાર મુકાયા, વગેરે પ્રસંગો ઉપર એમને એકાંતમાં કેમ લાગતું, કયા મિત્રો આગળ પેટ ખોલીને પોતાની મૂંઝવણ જણાવી હતી, વગેરે ઘણી ઘણી બાબતો જાણવાની ઇચ્છા થાય છે, પણ આ ચરિત્ર ઉપરથી તૃપ્ત થતી નથી. એ પ્રસંગો ઉપર અને તેમજ ખુશી ખુશાલીના વખતમાં પોતાના એકાંતિક સ્નેહી ઉપર કાંઈ કાગળો લખ્યા હશે પણ તેમાંનો એકે આ ચરિત્રમાં દાખલ કરવાને મળી શક્યો નથી. ધર્મ અને નીતિ સંબંધી, રાજ સંબંધી, દેશની ભૂત અને ભવિષ્ય સ્થિતિ સંબંધી કરસનદાસ ખાનગીમાં કેવા વિચાર ધરાવતા હતા એ પણ જણાવવાની જરૂર હતી. એનો પોતાના બાપ તથા સ્ત્રી સાથેનો સંબંધ વધારે ખુલાસાથી વર્ણવાયો હોત તો સારું એમ લાગે છે. ઉપર જે અમે અપૂર્ણતા સૂચવી તે આ ગ્રંથનો દોષ બતાવવાના હેતુથી નહિ. પણ બીજી આવૃત્તિમાં તે બને તેટલી દૂર થાય એવા વિચારથી છે, અને તેથી અમે આ ચરિત્રનો સાર આગળ આપીશું ત્યાં જે જે સ્થળે શોધ કરી વધારે હકીકત મેળવવાની જરૂર જણાશે ત્યાં અમે તેની સૂચના કરવાનો વિચાર રાખીએ છીએ. અપૂર્ણતાના દોષની સામા તો મોટામાં મોટો એ જ જવાબ છે કે ગુજરાતી ભાષામાં એ બાબતનો એ પહેલ વહેલો જ ગ્રંથ છે. એ રીતે જોતાં તો આ ચરિત્ર નિરૂપકે જે જે હકીકતો મેળવી તે થોડી નથી. બીજું એ પણ યાદ રાખવું કે આપણા લોકમાં પ્રખ્યાત પુરુષની હયાતીમાં તેનાં ચરિત્રોની નોંધ રાખવાનો બિલકુલ રિવાજ નથી, અને કોઈની ખાનગી રીતભાત તથા ગુણ તેનાં સગાંવહાલાં સિવાય બીજા થોડા જ જાણી શકે છે. જ્ઞાતિ ભેદનો એક એવો ઘટ્ટ પડદો આવીને વચમાં નડે છે કે જાહેર કામોમાં એકબીજાની સાથે ફરનારા પણ પરસ્પરના ખાનગી અને ઘરસંસારી રીતભાતથી ઘણી વાર છેક અજાણ્યા હોય છે. આથી જે જે ઝીણી ઝીણી હકીકતો જન્મ ચરિત્રમાં બહુ જ ઉપયોગી ગણાય છે (કેમકે ખરા સ્વભાવની અટકળ તે વડે જ થઈ શકે) તે આપણા લોકમાં જાણવી બહુ જ અઘરી છે, અને જે કોઈના જાણવામાં હોય તે નોંધી રાખતા નથી અથવા સંભારીને પ્રસંગ ચરિત્ર લખનાર ઉપર મોકલતા નથી. અમને લાગે છે કે મહીપતરામ ઉપર ભાગ્યે એક જણે પણ વગર પૂછે કરસનદાસ સંબંધી કાંઈ હકીકત એ ચરિત્ર લખે છે એમ સાંભળી લખી મોકલી હશે. માટે અને કરસનદાસના સઘળા મિત્રો, ઓળખીતા. નાતભાઈઓ, નિશાળભાઈઓ, વગેરેને ભલામણ કરીએ છીએ કે, તેમણે આ યોગ્ય ચરિત્ર નિરૂપક ઉપર જે જે હકીકતો પોતાના જાણવામાં હોય તે લખી મોકલવી જોઈએ. એવા નાના નાના બનાવો અને વચનોથી જીવનચરિત્ર રસિક, સજીવ અને ખરેખરુંં ઉપયોગી થઈ પડે છે.[...]

ઈ. ૧૮૭૯