બૃહદ છંદોલય/‘છંદોલય’ વિશે

From Ekatra Wiki
Revision as of 16:55, 28 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
‘છંદોલય’ વિશે

નિરંજન ભગતની કાવ્યસૃષ્ટિ એટલે ૧૯૪૩ના ડિસેમ્બરમાં રચાયેલા ‘સોણલું’થી આરંભ કરીને ૨૦૧૮ના જાન્યુઆરીમાં રચાયેલા ‘મૃત્યુને’ સુધીનાં, ૨૦૧૮માં મરણોત્તર પ્રગટ થયેલા ‘બૃહદ છંદોલય’માં સમાવેલા ૩૬૦ કાવ્યો.[1] ૭૫ વર્ષનો આ ગાળો ત્રણ સ્પષ્ટ વિભાગોમાં વહેંચાયેલો છે: ૧૯૪૩થી ૧૯૫૮: ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘પ્રવાલદ્વીપ’ અને ‘૩૩ કાવ્યો’નાં ૨૧૮ અને અન્ય ૮ કાવ્યો ૧૯૫૮થી ૨૦૦૩: ૧૧ અન્ય કાવ્યો ૨૦૦૩થી ૨૦૧૮: ‘પુનશ્ચ’, ‘૮૬મે’ અને ‘અંતિમ કાવ્યો’ (મરણોત્તર)નાં ૧૨૩ કાવ્યો ૧૫ વર્ષનાં બે સર્જનાત્મક ગાળાની વચ્ચે ૪૫ વર્ષનો પ્રલંબ મૌનનો સમય. આ વિરલ અને વિચિત્ર સર્જનાત્મક પ્રક્રિયાને સતર્ક સમજણનો આધાર મળવો અશક્ય છે. કવિ પોતે પણ ‘સંભ[વિત]’ કારણનો ઉલેખ કરતાં નોંધે છે કે: ૧૯૫૯ પછી લગભગ ચાર દાયકાના મૌનનો જે અનુભવ થયો એમાં સંભવ છે કે ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો – મુખ્યત્વે ‘પાત્રો’ અને ‘ગાયત્રી’ – માં જે કવિતા છે એની સમકક્ષ એવી કવિતા – બલકે એને અતિક્રમી જાય એવી કવિતા-રચાય તો જ એ કવિતાનો કંઈ અર્થ છે એવો ભાવ હૃદયમાં સતત રહ્યો હતો એ મુખ્ય કારણ હોય.[2]

નિરંજન ભગત ગુજરાતી કવિતામાં આધુનિકતાના પ્રણેતા તરીકે સુસ્થાપિત છે. તેમની ‘પ્રવાલદ્વીપ’ની કવિતામાં તેઓ એક આધુનિક વિષય, નગર-કવિતા, પસંદ કરે છે. આધુનિક કલ્પનો અને પ્રતીકોથી આ વિષયને શણગારે છે અને પરંપરાગત સંસ્કૃત અક્ષરમેળ છંદમાં લયબદ્ધ કરે છે, આમ તેઓ ગુજરાતી કવિતામાં એક નવો જ પથ કંડારે છે. કાવ્યગ્રંથના પ્રકાશનમાં નિરંજન ભગત નાનકડા પુસ્તકોનું પ્રકાશન કરતા હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના સન્માન પ્રસંગે આપેલા પ્રતિભાવમાં (૨૫ માર્ચ ૧૯૯૪) પોતાના પ્રકાશનોની વિગતે વાત કરતાં નિરંજન ભગત લખે છે: ૧૯૪૩થી ૧૯૫૮ લગી, માત્ર પંદર વર્ષ લગી જ, કાવ્યો રચ્યાં અને તે પણ અલ્પસંખ્ય. જોકે એનું પાંચ નાનકડા સંગ્રહ રૂપે પ્રકાશન કર્યું હતું: ૧૯૪૯માં ‘છંદોલય’, ૧૯૫૦માં ‘કિન્નરી’, ૧૯૫૪માં ‘અલ્પવિરામ’, ૧૯૫૬માં ‘પ્રવાલદ્વીપ’ અને ૧૯૫૮માં ’૩૩ કાવ્યો. પછીથી ૧૯૭૪માં આ પાંચેય સંગ્રહોનું એક સંગ્રહ રૂપે, સમગ્ર કવિતા રૂપે, ‘છંદોલય’ શીર્ષકથી પ્રકાશન કર્યું હતું.[3] અહીં તેઓ એક વિશિષ્ટ (અને વિસ્મૃત?) આવૃત્તિની વાત વિસરી ગયા હોય તેમ લાગે છે. ૧૯૫૭માં એક સુંદર મુખપૃષ્ઠ – ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર, છગનલાલ જાદવ(૧૯૦૩-૧૯૮૭)ના દ્વિરંગી વર્તુલાકાર લીટીઓને લયબદ્ધ છંદમાં પ્રસ્તુત કરતા આધુનિક અને એબ્સટ્રેકટ ચિત્રથી સુશોભિત – સાથે ‘છંદોલય’ની આવૃત્તિ પ્રગટ થઈ હતી, જેનું ૧૯૭૨ અને ૧૯૭૪માં પુનર્મુદ્રણ થયું હતું.

UJO-Chandolay-Title.jpg


આ પુસ્તકને વિશિષ્ટ બનાવતી માહિતી અન્યથા વાચાળ અને શબ્દાળુ ‘નિ.’ના (નિરંજન ભગતના) ટૂંકા ‘નિવેદન’માં એટલી સહજ રીતે અપાઈ છે કે તેને તેના મૂળ સ્વરૂપે પ્રસ્તુત કરવાની લાલચ હું રોકી શકતો નથી.

Chandolau vishe-2.png


આમ આ સંગ્રહનું સંપાદન અને સંકલન ગુજરાતીના અગ્રગણ્ય કવિ અને સાહિત્યકાર, ઉમાશંકર જોશીએ કર્યું છે. આ સિવાય આખાય સંગ્રહમાં ઉમાશંકર જોશીનું નામ ક્યાંય આવતું નથી પણ પાછલા કવર ઉપરનું લખાણ તેમનું હોય તેમ લાગે છે. ક્રમ સર્જન-સમય પ્રમાણે (કાલાનુક્રમિક) રાખ્યો છે – ‘પ્રવાલદ્વીપ’નાં ૧૬ કાવ્યો તેમાં અપવાદ છે. ૧૯૫૬ સુધી નિરંજન ભગતે ૧૯૦ જેટલાં કાવ્યો લખ્યાં હતાં તેમાંથી ચૂંટીને ૧૩૫ કાવ્યો અહીં પ્રસ્તુત છે. ન પસંદ થયેલાં કાવ્યોમાંથી અડધોઅડધ ગીતો છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં મોટા ભાગનાં કાવ્યોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમાશંકર જોશીએ અમુક કાવ્યોનાં શીર્ષક પણ બદલ્યાં છે. તેની વિગત;

નિ.ભ.નું શીર્ષક ઉ.જો.નું શીર્ષક
જાગૃતિ હૃદયની ઋતુઓ
મૂંગી મૂરતી ઓ મૂંગી મૂરતી રે
વસંતવેણુ ઉર ઉદાસી
આષાઢ આયો આષાઢ
મન ભલે ના જાણું પ્રેમનું ટાણું
તને જોઈ વાર વાર સ્વપનની પાર
ઉરનાં દ્વાર ઉઘડ્યાં ઉરનાં દ્વાર
કોઈ બ્હાને મન નહીં માને
સાંજની વેળાનો વાગે સૂર સાંજની વેળાનો સૂર
આવ સખી, આવ વિરહને તીરે તીરે
કોણ રતિના રાગે રતિના રાગે
કોને કહું? એકલો

રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે. અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તૃત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ:

Chandolau vishe-1.png


— શૈલેશ પારેખ

  1. આ આવૃત્તિમાં ત્રણ કાવ્યો – ‘સિત્તેરમે’, ‘તમને જે અજાણ’ અને ‘શું તમારું મન મેલું નથી?’ – બે વાર છપાયાં છે. વીજાણુ આવૃત્તિમાં આ પુનરાવર્તન ટાળ્યું છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં ‘આપો ભૂમિ, આપો ભૂમિ’ અને ‘ચહેરો’; ‘કુમાર’માં; ‘હે વરમંડો વણનારા’; તેમના જીવનકાળ દરમિયાન ક્યાંય ન છપાયેલું ‘ચિત્તને જ્યાં ભય ન હોય’ (રવીન્દ્રનાથના ‘ચિત્ત જેથા ભયશૂન્ય’ – વ્હેર ધ માઈન્ડ ઈઝ વિધાઉટ ફીયર-નો ગેય અનુવાદ); – આ ચાર નિરંજન ભગતનાં અગ્રંથસ્થ કાવ્યો છે.
  2. ‘બૃહદ છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૨૦૧૮, પા. ૪૨૯-૪૩૦.
  3. ‘છંદોલય’, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પા. ૨૮૨. તે જ પ્રમાણે પછીથી ૨૦૦૭માં ‘પુનશ્ચ’ અને ૨૦૧૨માં ‘૮૬મે’નું પ્રકાશન કર્યું હતું.