સંજ્ઞા
૧૯૬૭માં જ્યોતિષ જાનીના તંત્રીપદે શરૂ થયેલું ત્રિમાસિક. આ સામયિકના અંકોમાં પ્રગટ થયેલી નોંધપાત્ર કૃતિઓએ ‘સંજ્ઞા’ને એ સમયનું ધ્યાનાર્હ સામયિક બનાવ્યું હતું. દોસ્તોએવ્સ્કીની પ્રસિદ્ધ કૃતિનો અનુવાદ ‘ભોંયતળિયાનો આદમી’ નામે સુરેશ જોષીએ કર્યો છે. હરિવલ્લભ ભાયાણીની પ્રતિરૂપ, કલ્પન, બિંબ અંગેની ચર્ચા, દિગીશ મહેતા, મધુ રાય અને નલિન રાવળની ટૂંકી વાર્તાઓ, પ્રબોધ પરીખ, મહેન્દ્ર દવે, સુરેશ જોષી, ઉશનસ્ અને સુન્દરમનાં કાવ્યો અહીં પ્રકાશિત થયાં છે. ‘સંજ્ઞા’માં પ્રગટ થયેલી સુરેશ જોષીની દીર્ઘ મુલાકાત, જયંત પારેખે લીધેલી નાટ્ય દિગ્દર્શક પ્રવીણ જોષીની મુલાકાત તેમજ ચન્દ્રકાન્ત બક્ષીની વિવાદી વાર્તા ‘કુત્તી’, સિતાંશુ યશશ્ચન્દ્રની ‘જટાયુ’ કાવ્યકૃતિ, લાભશંકર ઠાકરનું એકાંકી ‘વૃક્ષ’ જેવી નોંધપાત્ર કૃતિઓનું પ્રકાશન અહીં થયું છે. ‘સંજ્ઞા’એ કવિતા, વાર્તા અને નાટક જેવા સ્વરૂપ વિષયક વિશેષાંકો આપ્યાં છે.
— કિશોર વ્યાસ‘સામયિક કોશ’માંથી સાભાર