અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નરસિંહરાવ દિવેટિયા/સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ

From Ekatra Wiki
Revision as of 19:15, 3 September 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
સ્મરણસંહિતા - સંપૂર્ણ કરુણપ્રશસ્તિ

નરસિંહરાવ દિવેટિયા

ખંડ ૧લો
(૧)
(ખંડ હરિગીત)


ઊછળી ઉલ્લાસથી
સિન્ધુ-ઉર પર રાજતા
હસે ઉજ્જ્વલ હાસથી
અણગણ તરંગો આજ આ; ૧

હાસ કાલે જે હતું,
હાસ તે આજે લસે;
સિત તરંગો! બન્ધુ મુજ!
કરજો ક્ષમા, ઉર ના હસે. ૨

ના હસે ઉર માહરું,
આજ હું લાચાર છું;
ના રૂવે ઉર માહરું,
ધારું અકથ કો ભાર હું. ૩

તમ સમા ઉલ્લાસથી
નાચતો જીવન-ઉરે
અન્ય સિન્ધુતરંગ હા!
આજે ન જીવનમાં સ્ફુરે! ૪

જાગતાં આથાર કો
દાબતો મુજ ઉરને;
અણદીઠો પાષાણ કો
રોકે નયનના પૂરને. ૫

વાણી વદવી ના ગમે,
મૂક ભાર વહું ઉરે;
તદપિ વાણીરૂપમાં,
એ ભાર ઉર હલકો કરે. ૬


(૨)
કાલ્ય ને દિન આજનો—
ભેદ બેમાં શો પડ્યો?
નાચતું ઉર થંભિયું;
ગૂઢાર્થ કોને એ જડ્યો? ૭

નાચશે ઉર શું ફરી,
પૂર્વના ઉલ્લાસથી?
મુખ ઉપર શું વ્યાપશે
શુભ ચન્દ્રિકા સુખહાસની? ૮

કાલ્ય જે રમતો હતો,
પૂર જીવનજોસમાં;
આજ એ ચાલી ગયો
હા! લાડકો મુજ રોષમાં!
પેલું રાતું બિમ્બ જો!
સિન્ધુમાં ડૂબી જતું:
પાછું કાલ્ય પ્રભાતમાં
ઉલ્લાસભર થાશે છતું. ૧૦

બાળ મુજ લુપ્ત જ થયો
મૃત્યુના પટ પાછળે;
શું છતો પાછો થશે?
હમને ફરી શું એ મળે? ૧૧

તારકિત રજની પટે
કાવ્યસંગીતો સુણે
કવિજનો ઉલ્લાસમાં,
મુજને ન તે શ્રવણે પડે. ૧૨

જિંદગી આ જગપટે—
બાજી છે અસમાન એ;
શક્તિસંગે ખેલિયે,
અણદીઠ ને બળવાન જે. ૧૩

મોહથી નિજ માનિયાં
શોગટાં જે આપણે,
શક્તિ તે મન ધારિયાં
હા! લે હરી બીજી ક્ષણે! ૧૪

દાવ રમિયે નવ નવા
શોગટાં જ બચાવવા,
ગૂઢ શક્તિ સમર્થ એ
ના દે કંઈ પણ ફાવવા. ૧૫

(૩)
માત, ભગિની, મિત્રને
ઉર પડ્યા આઘાત તે
તું ન શું જાણે કદી?—
ને શૂન્ય મૂક્યો તાત ત્હેં. ૧૬

માત દીન બની રહી,
ભગિની તો પડી એકલી;
અશ્રુ કા ના કૉણ ક્હે,
આ ક્ષણ લુહે સ્થિર મન કરી? ૧૭

માતભગિની ધૈર્યથી
ઉર વહેછે ભાર તે
જોઈ ઉર ધારી રહું;
હા તાત! તુજ ઉપકાર એ. ૧૮

તોય અશ્રુ ભેળવી,
સર્વ મળી ઉર ખોલતાં;
સ્મરણ તુજ અવસાનનાં
કંઈ મધુર મધુરાં ઘોળતાં: ૧૯

રોગશય્યામાં રહી
ચુમ્બનો ત્હેં યાચિયાં
સીંચવા ઉર શાન્તિ, તે
છેલ્લી વદાયતણાં થયાં! ૨૦

“મૃત્યુથી હું ના ડરું,
રૂડી ભૂમિ વિશે જવું;”—
તું વદ્યો શ્રદ્ધાભર્યો,
તે બળ મ્હને દેશે નવું. ૨૧

“એક, બે, ને ત્રણ થઈ
પેઢી ધાર્મિક ભાવની,–
બસ!–હવે એ અટકશે;”
તું પદ્યો કંઈ દીન ન બની. ૨૨

સ્નેહથી, સૌજન્યથી,
ઉર-ઉદારપણા થકી,
સર્વને પ્રિય તું થયો,
આનન્દવર્ષી વદનથી. ૨૩

ઉરહસ્યો અર્પીને,
નિત્યસહચારે વળી;
પુત્ર બનિયો મિત્ર મુજ,
ને હૃદયને તું રહ્યો ભરી. ૨૪

હિમગિરિનાં શિખરમાં
વિવિધ શોભા હિમ તણી
રવિકિરણ ક્ષણ ક્ષણ ભરે,
તે આપણે નિરખી ઘણી; ૨૫

આત્મના ઉલ્લાસ ત્ય્હાં
અનુભવ્યા આનન્દથી;
એમ આત્મવિકાસ તુજ
સાધ્યો સહજ સુખબન્ધથી; ૨૬

જ્ઞાનગિરિનાં શુઙ્ગને
ભક્તિકિરણો રંગતાં
હૃદયમનને ઠેરવ્યાં
શાં આપણે રહી સંગ ત્ય્હાં! ૨૭

સ્મરણ શાં શાં ઘોળું હું
ઉર વિશે સંગ્રહ કરી!
એ સ્મરણવ્યાપારથી
તુજ મધુર મૂર્તિ ઘડું ફરી. ૨૮

ઓ! તદપિ ઉરમાં વળી
શસ્ત્ર કેરો પાત શો?
ગૂઢ વિદ્યુતદ્યન્ત્રનો
સત્વર થયો આઘાત શો? ૨૯

વૃદ્ધિ ને ક્ષય નિયમતું
તત્ત્વ સૃષ્ટિક્રમ વિશ
જગનિયંતા! ત્હેં મૂક્યું,
તે તોડતો તું ક્યમ દીસે? ૩૦

જીર્ણ ઘટના જાય, ને
સ્થાન હેનું નવીન લે,
એહ વિશ્વવિકાસમાં
વ્યાપક નિયમ સઘળે પળે: ૩૧

એહ સ્થિર કમયોજના
આજ ત્હેં કમભંગથી,
બાળ મુજ પૂર્વે હરી,
તોડી; નિયમ શું દૃઢ નથી? ૩૨


(૪)
(વસન્તતિલકા)
તન્ત્રી તૂટી ગઈ બધી, રહી એક શેષ,
ત્હેને કરાઙ્ગુલિ રહી પકડી વિશેષ;
એ વાદ્યને ધરી ઉછંગ અમોઘ આશા
બેઠી પલાણી ભૂમિ-ગોળ જ, નન પાટા. ૩૩

એ ચિત્ર બાળ! તુજને અતિશે જ વ્હાલું,
શય્યાસમીપ લટકાવી હમેશ રાખ્યું;
ત્હેને વિલોકી ઉર આ કંઈ ઊભરાય;
ક્ય્હાં એ પ્રવાહ વહશે? કંઈ ના કળાય. ૩૪

(ખંડ હરિગીત)
તન્તુ એ અવ શિષ્ટ હા!
તૂટિયો આશાતણો,
બાળ! તુજ તે તાંતણે
આધાર જીવનનો ગણ્યો. ૩૫

મૃત્યુશય્યાએ રહી
ત્હેં વગાડ્યું વાદ્ય જે,
તું હવે ઊડી જતાં,
જો! મૂક પડિયું આજ એ. ૩૬

મૂક થઈ તન્ત્રી બધી,
વાદ્ય એ નીરસ થયું;
આત્મનું સંગીત તુજ
થઈ મૂક તે પણ સ્થિર રહ્યું. ૩૭

શ્યામ પડ તિમિરોતણાં
માર્ગ મુજ જો! આવરે;
ભીંત્ય દૃઢ પાષાણની
આ કોણ રચી ઊભી કરે? ૩૮

દ્વાર તહિં દેખાય ના,
કોણ એ દેખાડશે?
દિવ્ય બળથી ભીંત્ય એ,
હા! કોણ તોડી પાડશે? ૩૯

દ્વાર દેખું બંધ, ત્ય્હાં
વજ્રતાળું મારિયું;
કૂંચિયો વિધવિધ લઈ
ઊઘાડવાને હું મથું. ૪૦

ઊઘડે નવ દ્વાર એ;
પાય મુજ નીચે સરે;
ક્ય્હાં કળુંછું કળણમાં?
મુજને ખબર કંઈ નવ પડે. ૪૧

ધર્મબળ! મુજ બન્ધુઓ!
દિવ્યશ્રદ્ધા! માત ઓ!
કળણકર્દમ ડૂબતો
કો રોકજો ધરી હાથ ઓ! ૪૨


(૫)
મધ્યરજનિ-ઉછંગમાં
તારલા ચમકી રહ્યા;
ઘોર સિન્ધુતરંગમાં
ઘન ઘોષ કંઈ ઘુરકી રહ્યા. ૪૩

એ નિહાળું, એ સૂણું,
સુણું નિરખું ત્ય્હાં ત્હને;
પદપદે પ્રત્યક્ષ તું,
ક્યમ માનું તું નથી કો ક્ષણે? ૪૪

તદપિ રજનીકુહરમાં
શોધ કરતો તાહરી,
ભમ્યો તારક તારકે,
નવ ભાળ લાગી કહિં ખરી. ૪૫

ચન્દ્રમાં, રવિબિમ્બમાં,
રાત્રિયે ને દિન ઊગ્યે,
શોધિયો તુજને બધે,
પણ ગૂઢ તું કહિં નવ જડે.– ૪૬

“ગૂઢ શું છે, મૂઢ હે!”
વાણી હેવી શી થઈ?
તિમિરમાં તારક થકી
પ્રગટી અને ડૂબી ગઈ! ૪૭

“મૂઢ માનવ બાળ ઓ!”
વાણી પાછી ઊપનીઃ–
“ભસ્મ થયું તે શું હવે
ફરી રૂપ ધરશે માનવી? ૪૮

આત્મ નવ નજરે પડે,
ધર્મની ભ્રમણા બધી;
દેહ ભસ્મીભૂત તે
નવ આવશે જગમાં કદી. ૪૯

વીસરી જા ભસ્મને,
માણ્ય સુખ જીવનતણું,
નયનથી દીસે નહિં
ને नास्ति नास्ति, ખરું ભણું. ૫૦

તિમિર નથી, નથી ભીંત્ય કો
દૃષ્ટિ ત્હારી આગળે;
नास्तिताનું સત્ય જો,
તો ભીંત્યતિમિરો સરી પડે. ૫૧

ભીંત્ય નહિં, તો દ્વાર શું?
દ્વાર નહિં, પછી કૂંચી શી?
જીવવું, સુખ સેવવું,
એથી મધુર સ્થિતિ બીજી શી?” ૫૨

વાણી લુપ્ત થઈ ગઈ,
નવ પ્રતીતિ ઉર થઈ;
ઊનના ઉરમાં હતી,
તે ત્હેવી ને ત્હેવી રહી. ૫૩
રાત્રિ શમવા લાગી ત્ય્હાં,
પૂર્વમાં પ્રગટી ઉષા,
ને અવર વાણીતણા
મધુરાસ્વરો શ્રવણે ધસ્યાઃ— ૫૪

“વત્સ! આશ તજ નહિં,
તિમિર સહુ સરકી જશે,
બંધ દ્વાર ઊઘાડવા
લે કૂંચી આપું કર વિશે.” ૫૫

કૂંચી લઈ ઊઘાડિયું
દ્વાર,—ને આ શું દીઠું?
દિવ્ય મન્દિર આગળે
સંગીત થાતું કંઈ મીઠું! ૫૬