સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/આ સંપાદન વિશે–

Revision as of 07:25, 6 August 2025 by Shnehrashmi (talk | contribs)
આ સંપાદન વિશે-

આ સંપાદન વિશે- ગુજરાતી વિવેચનમાં એકવીસમી સદીમાં કાર્યરત મહત્વના વિવેચક તરીકે રમણ સોનીનું નામ મૂકી શકાય. એમના દસેક વિવેચનગ્રંથો પ્રકાશિત થયેલા છે તેમજ વર્તમાનમાં પણ એમની સાહિત્યપ્રવૃત્તિ સાતત્યપૂર્ણ રીતે શરૂ છે. એમની વિવેચનપ્રવૃત્તિનો એક આછો આલેખ ઉપસી આવે એવા હેતુસર એમના વિવેચનગ્રંથોમાંથી અહીં લેખો પસંદ કરેલ છે. અભ્યાસમાં સરળતા ખાતર એમનાં લખાણોનું થોડું જાડું વિભાજન કરેલ છે. અહીં મેં એમનાં પ્રતિનિધિ વિવેચન-લખાણોને ચાર વિભાગમાં વહેંચ્યાં છે. રમણ સોનીના પ્રમાણમાં નાના લેખો કરતાં દીર્ઘલેખોમાં એમની વિવેચક તરીકેની પ્રતિભાનો ખ્યાલ વધારે આવે છે. એમણે વિવેચનનું વિવેચન વધારે કર્યું છે. એમના છ વિવેચકો વિશેનાં નમૂનેદાર લખાણો અહીં સમાવ્યાં છે. રમણ સોની દરેક વિવેચકના વિવેચનની તપાસનો એક દાયરો બનાવે છે, જેમ કે વિવેચકને ઘડનારાં પરિબળો, એમણે જે- તે ક્ષેત્રમાં કરેલી કામગીરી, એમના વિવેચનનું સમયદર્શી મૂલ્ય, એમની વિવેચનાની વિશિષ્ટતા, એમના વિવેચનની શૈલી વગેરે. ટૂંકા ફલકમાં પણ કોઈ સર્જકના કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તેનો નમૂનો બની રહે તેવા લઘુલેખો ગાંધીયુગના વિવેચનની એક ઐતિહાસિક રૂપરેખા પણ પ્રસ્તુત કરી આપે છે. આ ઉપરાંત અહીં સમાવાયેલાં દરેક લખાણમાં અભ્યાસીને એમની સાહિત્યપદાર્થ પ્રત્યેની નિર્ભેળ પ્રીતિનાં દર્શન થશે. એમનાં લખાણો વિશદ હોવાથી એમાં વાગ્મિતા અને ભારેખમપણું ક્યાંય દેખાતાં નથી. આ બાબત એમની વાચકો અને અભ્યાસીઓ પ્રત્યેની પ્રતિબદ્ધ નિષ્ઠા દર્શાવે છે. રમણ સોનીનાં અહીં સમાવેલાં લખાણો વિવેચનાત્મક હોવા છતાં તમને એ સુબોધતાનો અહેસાસ કરાવે છે.

–પ્રવીણ કુકડિયા