અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામનારાયણ વિ. પાઠક 'શેષ'/સિન્ધુનું આમંત્રણ

From Ekatra Wiki
Revision as of 07:47, 20 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સિન્ધુનું આમંત્રણ

રામનારાયણ વિ. પાઠક 'શેષ'

[અનુષ્ટુપ અને સ્રગ્ધરા]


આનન્દસિન્ધુ આમંત્રે સ્વયં હસ્ત ઉછાળતો,
રંગબેરંગી ઝાંયોનાં મોતીઓ વરસાવતો.

નહિ માર્ગ, નહિ કેડી, દ્વાર કે દરવાન ના,
જ્યાં હો ત્યાંથી અહીં આવો પાડ કે અહેસાન ના.

દેખાતા સામસામા જડજમીનતટો, તોય આ એક સિન્ધુ;
નોખા નોખા વસેલા મનુજ જગ પરે, આપણે એક બન્ધુ.
આવો, આવો, પ્રજાઓ! અહીં યુગ યુગનાં વૈર વામો ડઁસીલાં
સિન્ધુ સાથે મિલાવી નિજ સૂર, ગરવાં ગીત ગાઓ રસીલાં.

આવો ફિલ્સૂફ, આવો કવિગણ, રસિકો ને કલાકોવિદોયે!
ઊર્મિ, પ્રૌઢા તરંગો ચલ ગિરિવર-શા, રંગીલા બુદ્બુદોયે,
આ ઘેરા ઘોર ગર્તો અતલ ઊલટતા વારિઓઘો અગાધ,
તે વિસ્તારો વિશાળા સહુ દિશ સરખા, માંહી ખેલો અબાધ.

સહસ્ર સ્રોતથી ઘેલી નદી જીવનની વહે,
ઘડી શુદ્ધ ઘડી મેલી ક્ષણે ના સરખી રહે;

તેમાં આ તટથી પેલે જતાં જન મથી મથી,
અનુકૂળ વહી આવો પ્રવાહોના જ પંથથી.

અંધારાં ભેદવાને અહીંથી દિનકરે હસ્ત પ્હેલો ઉગામે,
વિશ્વોમાં એક ચક્રે ફરી અતુલ બલે અસ્ત એ આંહીં પામે;
જીવો નિ :સખ્ય સૌ આ અકલ સલિલથી આદિમાં નિર્ગમે છે,
ઊંચા નીચા ફરીને સમય નિજ થતાં આંહીં આવી શમે છે.

આવો સૌ પુણ્યશાલી, અમલ કરણીના પુણ્યનો આજ આરો,
નિ :સંકોચે પધારો ક્લુષિત થયલા! વારિધિ આ તમારો;
પ્રાયશ્ચિત્તો અહીંયાં પ્રજળી ન કરવાં દામણાં દુ :ખદાહે,
વામીને પાપપુણ્યો તણું મમત, રમો શુદ્ધ મુક્ત પ્રવાહે.


સુણાયે સાદ એ દેશ-કાલની પાર દૂરથી,
લોક લોક તણા ઊંડા અંતરતમ ઉરથી.
`નિત્ય એ સાદ આવે છે એમાં સત્ય કશું નથી'
`જવાશે જઈશું ત્યારે' કરી કોઈ પ્રમાદથી
ગયું ના, પણ એ સિન્ધુ હજી હસ્ત ઉછાળતો
આમંત્રે રંગબેરંગી મોતીઓ વરસાવતો.

(શેષનાં કાવ્યો, પૃ. ૧૧૦-૧૧૧)