કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/મારી આ તદબીરને

From Ekatra Wiki
Revision as of 11:59, 15 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૮. પરવરદિગાર દે

બસ એટલી સમજ મને પરવરદિગાર દે;
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
એ શું કે તારા માટે ફકત ઇન્તિજાર દે.

આવીને આંગળીમાં ટકોરા રહી ગયા,
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે,
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!

નવરાશ છે હવે જરા સરખામણી કરું,
કેવો હતો અસલ હું, મને એ ચિતાર દે.

તે બાદ માગ મારી બધીયે સ્વતંત્રતા,
પહેલાં જરાક તારી ઉપર ઇખ્તિયાર દે.

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે,
અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે.

દુનિયામાં કંઈકનો હું કરજદાર છું `મરીઝ',
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.
(આગમન, પૃ. ૧૫)