રામનારાયણ વિ. પાઠક : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પિંગળશાસ્ત્રી રામનારાયણ

From Ekatra Wiki
Revision as of 03:38, 28 October 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પિંગળશાસ્ત્રી રામનારાયણ

ગુજરાતી સાહિત્યમાં પિંગળનો વ્યવસ્થિત અભ્યાસ એ અર્વાચીન યુગની દેણગી છે. દલપતરામે ‘દલપત પિંગળ’, નર્મદે ‘પિંગળપ્રવેશ,’ હીરાચંદ કાનજીએ ‘પિંગળાદર્શ’, જીવરામ અજરામ ગોરે ‘ભગવતપિંગળ’, અને રણછોડભાઈ ઉદયરામે ‘રણપિંગળ’ના ત્રણ ભાગ (ઈ. સ. ૧૯૦૨થી ૧૯૦૫) આપ્યા તેને આપણી અર્વાચીન સાહિત્યયુગની ઓગણીસમી સદીના ઉત્તરાર્ધની એક મહત્ત્વની સિદ્ધિ લેખી શકાય. વળી નવલરામે દેશી પિંગળની આવશ્યક્તા વિશે જે અંગુલિનિર્દેશ કર્યો તે પણ અતિ મહત્ત્વનો લેખાય. રમણભાઈએ છંદ અને પ્રાસ બાબત કેટલીક રસપ્રદ ચર્ચા કરી. આપણે ત્યાં આ પિંગળની સેવામાં મહત્ત્વનું પ્રકરણ એક શરૂ થાય છે કેશવ હર્ષદ ધ્રુવથી. તેમણે સંધિ-ન્યાસ, યતિ વગેરેની પહેલપ્રથમ શાસ્ત્રીય ચર્ચા આરંભી. એ પછી એમણે ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા નિમિત્તે ‘પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના’નાં વ્યાખ્યાનો ૧૯૩૧માં આપ્યાં, જેમાં તેમણે ઋગ્વેદકાળથી આરંભી અપભ્રંશકાળ પર્યંતનો છંદોનો વિકાસક્રમ-ઉત્ક્રાંતિક્રમ આલેખવાને સુંદર પુરુષાર્થ કર્યો. આ દરમ્યાન ૧૯૧૧માં ગેપાળરાવ બર્વેએ ‘ગાયનવાદન પાઠમાળા’માં ગુજરાતી છંદોનો રાગ-તાલના સંદર્ભમાં અભ્યાસ આપતો એક ઉલ્લેખનીય ગ્રંથ આપ્યો. ખબરદારે પણ ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે પદ્યચર્ચા-વિષયક પાંચ વ્યાખ્યાનો ‘ગુજરાતી કવિતાની રચનાકળા’ અંગેનાં ૧૯૩૯માં આપ્યાં, જેમાં તેમણે અખંડ પદ્યના પ્રયોગ, પ્રયત્નતત્ત્વ આદિ વિશે કેટલાક, સંજાના વગેરનો દૃષ્ટિએ ઠીક ઠીક વિવાદાસ્પદ એવા અભિપ્રાયો પણ ઉચ્ચાર્યા. વળી ગુજરાતીમાં પ્રવાહી પદ્યરચના — સળંગ અગેય પ્રવાહી પદ્યરચના બાબત પણ નર્મદથી માંડીને અનેક સર્જકોના સક્રિયપણે પ્રયોગો ચાલતા જ હતા. ન્હાનાલાલ, બલવંતરાય વગેરેની એ દિશામાંની કામગીરીએ અનેક વિચારવમળો ગુજરાતી સર્જકો-વિવેચકોમાં જગાવ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં રામનારાયણ પાઠકે ઉત્કટ કાવ્યરસથી પ્રેરાઈને જ પિંગળક્ષેત્રે પ્રવેશ કર્યો. રામનારાયણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપર આપવા ધારેલ છ વ્યાખ્યાનોમાંથી ત્રણ વ્યાખ્યાનો તો પદ્યને અનુલક્ષીને જ આપ્યાં. આ હકીકત અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્યના વિકાસમાં તેઓ પદ્યનું પ્રદાન કેટલું મહત્ત્વનું લેખે છે તેની નિર્દેશક છે. તેમણે એ વ્યાખ્યાનમાં પદ્ય બાબત કેવા ફેરફારો થયા છે, પદ્યમાં નવાં નવાં કયાં રૂપો સિદ્ધ થતાં જાય છે, પદ્યક્ષેત્રે વૃત્તોના વિસ્તાર અને મિશ્રણથી કેવી વૈચિત્ર્યમય રચનાતરેહો સર્જાતી જાય છે અને ‘બ્લૅન્કવર્સ’ કે સળંગ અગેય પદ્યરચના સિદ્ધ કરવાના પ્રયત્નોમાં ગુજરાતની સર્જકતાએ કેવું યોગદાન આપ્યું છે – આ બધું તપાસવા-મૂલવવાનો એક સુચિંતિત ઉપક્રમ તેમણે રાખ્યો હતો. રામનારાયણે એ પછી ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ વિશેની વ્યાખ્યાનમાળામાં પણ છંદોરચના બાબત કેટલાંક મહત્ત્વનાં નિરીક્ષણો રજૂ કર્યાં છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પદ્યક્ષેત્રે જે પ્રયોગો થયા તેમાં સંસ્કૃત તેમ જ અંગ્રેજી સાહિત્યના સંપર્કે મહત્ત્વનો ફાળો આપ્યો જણાય છે.[1] રામનારાયણે ઊંડા રસથી પદ્યરચનામાં થતા ફેરફારોને અવલોક્યા છે અને તેનું વિશ્લેષણ કરી તેમાંથી પિંગળદૃષ્ટિએ કેટલાંક વ્યાપક વલણો તારવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે.

રામનારાયણે પિંગળના રસથી જેમ અર્વાચીન સાહિત્યને તેમ પ્રાચીન મધ્યકાલીન સાહિત્યને જોવા – તપાસવામાંયે ઊંડો રસ દાખવ્યો છે. તેમાં એમનું સંશોધનાત્મક વલણ પણ દૃષ્ટિગોચર થાય છે. એ વલણે જ તેમની પાસેથી ‘પ્રાચીન ગુજરાતી છંદો’ નામનો એક સુંદર સંશોધનગ્રંથ સંપડાવ્યો છે. કેશવ હર્ષદ ધ્રુવના ‘પદ્યરચનાની ઐતિહાસિક સમાલોચના’ એ ગ્રંથ પછીનો આ એક અગત્યનો ગ્રંથ છે. આ ગ્રંથે, અનંતરાય રાવળ કહે છે તેમ, ‘સ્વ. ધ્રુવ જ્યાં અટક્યા છે ત્યાંથી, એટલે અપભ્રંશ-અપભ્રંશોત્તર કાલથી ..... પદ્યરચનાની એ સમીક્ષાને છેક દયારામ સુધી પહોંચાડી એ અભ્યાસની સળંગતા’[2] સાધી આપી છે. રામનારાયણે હેમચન્દ્રના છન્દોનુશાસનને તેમ જ દલપતરામના ‘દલપત પિંગળ’ને ગુજરાતી ભાષાની અસ્મિતાની દૃષ્ટિએ સીમાનિર્દેશક ગ્રંથો લેખ્યા છે.[3] આ ગ્રંથોના વચગાળાના સમયપટની ગુજરાતી કવિતાના છંદોવિધાનના અભ્યાસનું એમનું કાર્ય એ સમર્થ પ્રયત્નો વચ્ચેનો પૂરક – એ પ્રયત્નોને સાંકળતી કડીરૂપ થઈ રહેતું જણાય એ સ્વાભાવિક છે. રામનારાયણ આ ગ્રંથથી જ આપણા એક સમર્થ પિંગળશાસ્ત્રી તરીકે પ્રતિષ્ઠિત થાય છે. તેમણે આ ગ્રંથમાં દેશીના પ્રવાહનો ઠીક ઠીક વીગતે અભ્યાસ કર્યો છે, પરંતુ એ અભ્યાસ કરતાં પૂર્વે યોગ્ય રીતે જ અપભ્રંશ અને જૂની ગુજરાતીના અક્ષરમેળ અને માત્રામેળ છંદોનું સ્વરૂપ ચર્ચ્યું છે. તેમણે આ કામ કરતાં એ નિરીક્ષણ પણ કર્યું છે કે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના ગાળા દરમ્યાન કોઈ નવું સંસ્કૃત વૃત્ત અસ્તિત્વમાં આવ્યું નથી.[4] વળી આવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તો તોટક, ભુજંગપ્રયાત આદિ વધુ વપરાયાનું પણ તેઓ જણાવે છે.[5] આ વલણ પાછળ માત્રામેળ છંદોનો પ્રવાહ કારણભૂત હોવાનું તેમનું અનુમાન છે, રામનારાયણ માત્રામેળ છંદોનું સ્વરૂપ અનાવૃત્તસંધિ અક્ષરમેળથી અત્યંત ભિન્ન માને છે.[6] માત્રામેળ તેમ જ લયમેળ છંદોમાં આવતાં સંધિનાં આવર્તનોનો સંગીત સાથે, તાલના તત્ત્વ સાથે નિકટનો સંબંધ હોવાનું તેઓ માને છે.[7] અનાવૃત્તસંધિ અક્ષરમેળ વૃત્તોમાં યતિ ‘રચનાના બંધારણના માર્મિક અવિશ્લેષ્ય અંશ’[8] સ્વરૂપે જણાય છે. શ્લોકના સંવાદમય બંધારણમાં તેનું પ્રદાન છે. આ યતિ વિરામ કે વિલંબનનો નિર્દેશક હોય છે. માત્રામેળની યતિને રામનારાયણ ઉપર્યુક્ત યતિથી વિભિન્ન આગન્તુક લેખે છે.[9] આ સંદર્ભે હરિવલ્લભ ભાયાણીએ ચર્ચા કરી છે અને તેઓ માત્રામેળ છંદોમાં આવતી યતિ આગન્તુક હોવાના એમના મતને ‘ઘણો નબળો’ લેખી, છંદોના પઠન-ગાનની પરંપરાને—એમાંનાં પરિવર્તનોને પણ લક્ષ્યમાં લેવાની જરૂરિયાત પર, એ દિશામાં વધુ અન્વેષણ થાય એ પર ભાર મૂકે છે.[10] જો ‘યતિ અનાવૃત્તસંધિ અક્ષરમેળમાં છંદનું અંગ છે અને માત્રામેળમાં તે આગન્તુક બને છે, તો પ્રાસ માત્રામેળમાં છંદનું અંગ છે, અને અનાવૃત્તસંધિ અક્ષરમેળમાં તે આગંતુક છે.’[11] રામનારાયણે અપભ્રંશમાં પ્રાસ વ્યાપક બનતો ગયાની નોંધ લીધી જ છે.’[12] તેમણે એ પણ જણાવ્યું છે કે ‘પ્રાસનું અપભ્રંશમાં ગમે તેટલું મહત્ત્વ હોય, પણ અનાવૃત્ત-સંધિ અક્ષરમેળવૃત્તોમાં તે માત્ર અલંકાર છે.’[13] અને આ વિધાનના કારણરૂપે તેના લઘુગુરુના સ્થિરક્રમવાળું બંધારણ હોવાનું તેઓ દર્શાવે છે. માત્રામેળ છંદોમાં પ્રાસનું ચલન ઘણું બધું હોવાની તેમની પ્રતીતિ છે. આ છંદોમાં પ્રાસ ‘તુકાન્ત’ તરીકેય કામ આપે છે.[14] વળી વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં અત્યાનુપ્રાસનો કરેલો ઉલ્લેખ બતાવતાં તેઓ ‘પ્રાસ એ અનુપ્રાસ નથી’ તેનીયે સ્પષ્ટતા કરે છે.[15] રામનારાયણ પ્રાસને શબ્દાલંકાર તરીકે તેમ છંદના એક માર્મિક અંગ તરીકે યથાસંદર્ભ સ્વીકારવાના અભિપ્રાયના છે.[16] જોકે ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’માં રામનારાયણે ‘પ્રાસ જોકે પિંગલનો છે છતાં એની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે’ (પૃ. ૪૫.) એવો અભિપ્રાય ઉચ્ચાર્યો છે તે ઉમાશંકરને યથાર્થ જણાતો નથી. તેઓ તો પ્રાસને એક જાતનો શબ્દાલંકાર જ ગણવાના મતના છે.[17] આપણે આ તબક્કે એટલું જ કહીએ કે આ પ્રશ્ન વધુ ઊંડાં સંશોધન અને ચર્ચાવિચારણા માગી લે છે. માત્રામેળ છંદોના રચનાવિધાનમાં — એના ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ તથા સપ્તકલ સંધિઓમાં સંગીતના અનુક્રમે ષણ્માત્રક દાદરા, અષ્ટમાત્રક લાવણી, દશમાત્રક ઝપતાલ અને ચૌદમાત્રક દીપચંદી તાલોનું અનુસંધાન હોવાનું તેમનું પણ મંતવ્ય છે. તેઓ માત્રામેળ છંદોમાં તાલનું એના જીવાતુભૂત તત્ત્વ તરીકે મહત્ત્વ દર્શાવે છે.[18] તેઓ લખે છે : ‘સંગીતના તાલોની એક માત્રાના સ્થાને ભાષાના અક્ષરની એક માત્રા મેળવવાથી સંધિઓ અસ્તિત્વમાં આવ્યા છે, અને સંધિની અંદરનો તાલ તે, તે તે સંગીતના તાલમાંથી તે સ્થાને ઊતરી આવેલે છે.’[19] રામનારાયણે ગુજરાતી સાહિત્યમાં — દેશીઓમાં; પદ, ભજન, ગરબી આદિના ઢાળોમાં સપ્તકલ સંધિઓવાળા રચનાવિધાનની વ્યાપકતાનો વિશેષભાવે નિર્દેશ કર્યો છે. રામનારાયણે ગુજરાતી દેશીઓને પિંગળબદ્ધ કરવામાં, એમનું શાસ્ત્રીય ભૂમિકાએ વિશ્લેષણ કરી તેમની ગતિવિધિ પર પ્રકાશ પાડવાનો જે સમર્થ પ્રયાસ કર્યો તે ગુજરાતી પિંગળક્ષેત્રે એમના એક મહત્ત્વના પ્રદાનરૂપ છે. દેશીઓની માત્રાસંખ્યાનો વિચાર કરતાં, એમાં કેટલીકમાં, અમુક મેળ રચવા માટે જે માત્રાઓ ખૂટતી હોય તે પૂરવાનોયે પ્રશ્ન ખડો થાય છે અને એવે તબક્કે એ માત્રાઓ પૂરવાનું કામ શાસ્ત્રનિયત રીતે થઈ શકતું હોય છે — એવું પણ તેમનું એક મહત્ત્વનું નિરીક્ષણ છે.[20] તેઓ જાતિપિંગળમાં પ્લુતને સ્વીકારવાની હિમાયત કરે છે તે આવા જ નિરીક્ષણને કારણે જણાય છે.[21] રામનારાયણ દેશીઓને ગેય-પાઠ્ય માને છે. દેશીઓ પાઠ્ય હોવાથી જ પિંગળના અધિકારક્ષેત્રમાં આવે છે એમ તેઓ કહે છે તો તે સાથે ‘દેશીનું ખરું મૂર્ત સ્વરૂપ તે ગવાય એ છે’ એમ પણ જણાવે છે.[22] રામનારાયણે ‘પ્રાચીન ગુજરાતી છંદો’ ગ્રંથમાં પ્રાચીન ગુજરાતી છંદોનો ખ્યાલ આપતાં એ છંદોની પરંપરાનો — અપભ્રંશ સાહિત્યના છંદવારસાનોયે યથાવશ્યક નિર્દેશ કર્યો છે. તેમણે આ છંદોની ચર્ચા કરતાં એમનો પ્રભાવ દાખવતાં પ્રાચીન (મધ્યકાલીન) કાવ્યરૂપોનો જે પરિચય આપ્યો છે તે પણ ધ્યાનાર્હ છે. તેમણે તત્કાલીન કાવ્યોના નિબદ્ધ અને અનિબદ્ધ એવા બે મુખ્ય વિભાગ આપ્યા છે. નરસિંહ-મીરાંનાં પદો; અખો, ધીરો, ભોજો – એમનાં ભજનો; દયારામ વગેરેની ગરબીઓ, એવાં કાવ્યોનો અનિબદ્ધમાં તો ‘જેમાં વસ્તુની પ્રતીતિ માટે ગૂંથણી કરી હોય, વસ્તુસંદર્ભ હોય, એ બધાં’નો નિબદ્ધ કાવ્યોમાં તેઓ સમાવેશ કરે છે.[23] આ નિબદ્ધ કાવ્યોમાં નાટકો, વર્ણનાત્મક પ્રબન્ધો, સંઘાતો વગેરેનો સમાવેશ થાય છે. રામનારાયણ પ્રબન્ધોમાં નાના મોટા પ્રબન્ધોનો નિર્દેશ કરે છે. વળી એમાં વૃત્તબદ્ધ, જાતિબદ્ધ અને દેશીબદ્ધ પ્રબન્ધોનું વર્ગીકરણ તેઓ આપે છે. વૃત્તબદ્ધ પ્રબન્ધોમાં ‘રૂપસુંદરકથા’ જેવાં કાવ્યો; જાતિબદ્ધ પ્રબન્ધમાં શામળની પદ્યવાર્તાઓ, રાસાઓ જેવાં કાવ્યો તો દેશીબદ્ધ પ્રબન્ધોમાં પ્રેમાનંદનાં આખ્યાનો જેવાં કાવ્યોનો તેઓ સમાવેશ કરે છે.[24] રામનારાયણ જાતિ-દેશીના મિશ્રણવાળા પ્રબંધોનીયે ચર્ચા કરે છે. તેઓ ‘કડવું’ શબ્દ દેશ્ય હોવાની સંભાવના કરે છે, જે હવે નિરાધાર ઠરી છે. વળી ‘રાસ’ શબ્દ, ‘ઠવણિ’ શબ્દ વગેરેની; વલણ, ઊથલો, દેશીના રાગો, પૂર્વછાયો વગેરેનીયે કેટલીક ઉપયોગી ચર્ચા આ પિંગળચર્ચાના ગ્રંથમાં વણી લેવાઈ છે.

રામનારાયણે ૧૯૫૧માં, મહારાજા સયાજીરાવ ત્રીજા સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે પિંગળ-વિષયક ત્રણું વ્યાખ્યાનો મ. સ. વિશ્વવિદ્યાલયમાં આપ્યાં હતાં. આ વ્યાખ્યાનોમાંનું પહેલું અક્ષરમેળ વૃત્તો, બીજું માત્રામેળ કે જાતિછંદો અને ત્રીજું પદ કે દેશી વિશે હતું. આ ત્રણેય વ્યાખ્યાનો આ પછીના એમના મહત્ત્વના ગ્રંથ ‘બૃહત્‌ પિંગલ’ના જાણે પૂર્વસાર(‘સિનોપ્સિસ’)રૂપ ન હોય એવાં છે. વ્યાખ્યાતાએ પોતે પણ એ અંગેને સંકેત પ્રથમ વ્યાખ્યાનના આરંભે જ કરેલું છે. તેઓ પ્રથમ વ્યાખ્યાનમાં સંસ્કૃત વૃત્તોની પરિભાષા ને જાતિ છંદોની પરિભાષામાં અલગતા હોય એ ઇષ્ટ લેખે છે.[25] વળી અક્ષરમેળ વૃત્તનાં સંધિ, યતિ, યતિભંગ, યતિખંડો વગેરેની ચર્ચા તેઓ કરે છે. રામનારાયણ અક્ષરમેળ વૃત્તોમાં શ્લોકાર્ધ સિવાયની બધી યતિઓ નહિ જેવા ઉચ્ચારના વિલંબન સ્વરૂપની ગણે છે.[26] તેઓ સંસ્કૃતમાં યતિ પૂર્વે ગુરુ આવતો હોવાનુંયે તારવે છે.[27] તેઓ યતિ-ખંડને કાવ્યનું જીવંત ઉપાંગ લેખે છે અને તેને સ્વતંત્ર રીતે ગોઠવીને નવો શ્લોકબંધ કરી શકાય છે એમ જણાવે છે.[28] તેઓ યોગ્ય રીતે જ અક્ષરમેળ વૃત્તો લઘુગુરુના ન્યાસથી નહીં પણ સંધિઓના ન્યાસથી અને સંધિઓ તે લઘુગુરુના ન્યાસથી થાય છે —એમ કહેવાના વલણના છે.[29] રામનારાયણ તોટક આદિ છંદોને માત્રામેળ છંદમાં મૂકવાનું કામ નવા પિંગળનું હોવાનું જણાવે છે.[30] તેઓ અક્ષરમેળ છંદોને ‘અનાવૃત્ત-અક્ષરસંધિમેળ’ છંદો કહેવા જોઈએ એમ નિર્દેશે છે ને એવા છંદો પૂરતું જ ‘વૃત્ત’ શબ્દને નિયત કરે છે.[31] તેઓ મનહર, ઘનાક્ષરી વગેરેએ અક્ષરમેળમાં મૂકવાના મતના નથી. તેઓ એ છંદોમાં જાતિછંદોનાં લક્ષણ જુએ છે, પરંતુ આ છંદો સંખ્યામેળ ગણાવાય છે તે સામે તેમનો વાંધો જણાતો નથી. રામનારાયણ અનુષ્ટુપનેય સંખ્યામેળમાં મૂકવાનું પસંદ કરે છે.[32] રામનારાયણ ‘કહેવાતા સંખ્યામેળ છંદો પણ માત્રામેળનાં જ વિશિષ્ટ રૂપો’[33] હોવાનું જણાવે છે. તેઓ ‘માત્રામેળ’ છંદો માટેનું શાસ્ત્રીય નામ તો ‘આવૃત્તમાત્રાસંધિમેળ’ – એ નિર્દેશ છે.

રામનારાયણે છંદચર્ચા કરતાં અક્ષરસંધિઓ તેમ જ માત્રાસંધિઓનાં સ્વરૂપ, પંક્તિમાં તેમના પરસ્પરના અન્વય-મેળ વગેરેની સદૃષ્ટાંત સૂક્ષ્મ ચર્ચાવિચારણા કરી છે. કેટલાક ચતુષ્કલ છંદોમાં પહેલા ચતુષ્કલમાં જ-ગણની ઉપસ્થિતિ શા માટે નિષિદ્ધ લેખાઈ તેની ચર્ચામાં તેઓ જે રીતે ઊંડા ઊતરે છે તે ધ્યાનપાત્ર છે.[34] રામનારાયણે દેશીઓના પિંગળની ચર્ચા કરતાં તેના સંગીત સાથેના સંબંધનેય સવિવેક વર્ણવ્યો છે.[35] દેશીઓમાં આવતા તાનપૂરકો, તેમાંની ધ્રુવપંક્તિઓ કે ટેક કે આંકણી – આ સર્વ વિશેની તેમની વિચારણા રસપ્રદ છે.

રામનારાયણે ‘ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ’માં જે મુદ્દાઓ ચર્ચ્યા તેનું વીગતે, સોદાહરણ, સર્વગ્રાહી નિરૂપણ ‘બૃહત્‌ પિંગલ’માં મળે છે. ‘બૃહત્‌ પિંગલ’માં રામનારાયણે પંદર પ્રકરણો અને વીસ પરિશિષ્ટોમાં કાવ્યમાં છંદનું કાર્ય, અક્ષરનું સ્વરૂપ, લઘુગુરુવિવેક, વૈદિક છંદોનું સ્વરૂપ અને તેના પ્રકારો; અક્ષરમેળવૃત્તોનું સ્વરૂપ અને તેમના મેળ-મિશ્રણો, તેમાં આવતા સંધિઓ, યતિઓ, યતિભંગ આદિની ચર્ચા; માત્રાગર્ભ વૃત્તોનું સ્વરૂપ અને અનુષ્ટુપ; માત્રામેળ વૃત્તોનું સ્વરૂપ અને તેમના મેળ-મિશ્રણો; ડિંગળના છંદો, ગઝલના છંદો; સંખ્યામેળ છંદો; મરાઠીમાંથી આવેલા ઓવી, અભંગ આદિ છંદો; દેશીઓનું સ્વરૂપ; તથા પ્રવાહી છંદ કે સળંગ પદ્યરચનાના પ્રયત્નો – આમ લગભગ ગુજરાતી પિંગળનો સર્વગ્રાહી અભ્યાસ આપ્યો છે. પિંગળની પરિભાષા, છંદોના વિશ્લેષણની પદ્ધતિ તથા તેની ઉચ્ચારણની દૃષ્ટિએ સમસ્યાઓ — આ સર્વનો વ્યવસ્થિત, સપ્રમાણ અભ્યાસ અહીં થયો છે. જે ચર્ચાઓ આ પૂર્વેના એમના પિંગળગ્રંથોમાં થઈ છે તે વધુ વિસ્તૃત રૂપમાં અને ઊંડાણથી, વધુ પરિષ્કૃત સ્વરૂપે અહીં રજૂ થઈ છે. રામનારાયણની સમગ્ર પિંગળ-ચર્ચાના મહત્ત્વના બધા મુદ્દા એમના આ ‘બૃહત પિંગલ’ ગ્રંથમાંથીયે પામી શકાય. આ ‘બૃહત્‌ પિંગલ’ ગ્રંથ આપણા ગુજરાતની પિંગળ-અભ્યાસની આજ સુધીની પરંપરાનું સર્વોત્તમ ફળ છે. એ એમની શાસ્ત્રપ્રતિભાનું તેમ એમની કાવ્યરસિકતાનુંયે સર્વોત્તમ ઉદાહરણ છે. આકરગ્રંથ એવા આ એક ગ્રંથથીયે રામનારાયણ ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ રહે એમ છે. રામનારાયણે પિંગળની ચર્ચા કરતાં શબ્દની અર્થવાહકતાનો સંદર્ભ પણ ખ્યાલમાં રાખ્યો છે અને ‘કોઈ પિંગલ, શબ્દની અર્થવાહકતાની ઉપેક્ષા કરી શકે જ નહિ’[36] એમ સ્પષ્ટતા પણ કરી છે. તેમણે ‘છન્દની પઠનપદ્ધતિ બદલાતાં છન્દોવિકાસની નવી દિશા ઊઘડે છે’[37] એવી પણ એક ખૂબ વિચારપ્રેરક વાત કરી છે. પિંગળ રામનારાયણને બંધિયાર નહીં પણ ‘ભાષાની પેઠે, કાવ્યની પેઠે વિકાસશીલ વિષય’ જાણાયો છે અને આ ‘બૃહત્‌ પિંગલ’ લખવાના સમર્થ પુરુષાર્થ પછીયે હજુ આ ક્ષેત્રે વધુ સંશોધન-વિચારણાને અવકાશ છે જ એમ અવારનવાર તેમણે સંકેત કર્યો છે. રામનારાયણે કવિતાના અભ્યાસીઓ — વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા સત્પ્રયોજનથી ‘મધ્યમ પિંગલ’ રચવાની યોજના કરેલી અને તદ્‌નુસાર લગભગ ચાર પ્રકરણો પણ લખેલાં, પરંતુ પછી તેમનું અણધાર્યું અવસાન થતાં એ કાર્ય અધૂરું રહ્યું, જે હીરાબહેન પાઠક અને નગીનદાસ પારેખની પ્રેરણાથી ચિમનભાઈ ત્રિવેદી અને કાન્તિલાલ કાલાણીએ ઉપાડ્યું ને હવે તે પૂર્ણ થઈ ને પ્રગટ થવામાં પણ છે. આ ‘મધ્યમ પિંગલ’નું કાર્ય રામનારાયણ કવિતાના શિક્ષણમાં પિંગળની સમજ — ફાવટને કેવું અગત્ય આપે છે તેનું દ્યોતક છે.

રામનારાયણની કાવ્યમર્મજ્ઞ તરીકેની સાહિત્યસાધનામાં લયવિચાર-છંદો-વિચાર-પિંગળવિચાર આટલો બધો મહત્ત્વનો બની રહ્યો એ ઘટના જ એમની કાવ્યગત સૂક્ષ્મ ભાવનકલાની સંકેતક છે. કાવ્યમાંના અર્થ તરફ આ ગાંધીયુગીન વિવેચકનું ધ્યાન જાય તો તો તે સ્વાભાવિક છે; પરંતુ કાવ્યનો અર્થ શોધતાં તેઓ કાવ્યના લય તરફ વળ્યા, કાવ્ય-લયમાં નિહિત કાવ્યાર્થને પકડવા જતાં તેઓ છંદોવિજ્ઞાની-પિંગળશાસ્ત્રી થયા એ ઘટના પણ અતિ રોમાંચક છે. એમની પિંગળસાધના પાછળ એમની કાવ્યગત સૌન્દર્યસાધનાનું જ તપોબળ વરતાય છે.


  1. ૧. અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય, પૃ. ૩.
  2. ૨. સમાલોચના, પૃ. ૪૩૫.
  3. ૩. પ્રાચીન ગુજરાતી છંદો, ૧૯૮૮, પૃ. ૫.
  4. ૪. એજન, પૃ. ૧૭.
  5. ૫. એજન, પૃ. ૧૮.
  6. ૬. એજન, પૃ.૪૨.
  7. ૭. એજન, પૃ.૪૨.
  8. ૮. એજન, પૃ. ૪૨.
  9. ૯. એજન, પૃ.૪૪.
  10. ૧૦. કાવ્યમાં શબ્દ, ૧૯૬૮, પૃ. ૧૧૮-૨૧૦.
  11. ૧૧. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૪૫.
  12. ૧૨. એજન, પૃ. ૪૯.
  13. ૧૩. એજન, પૃ. ૨૮.
  14. ૧૪. એજન, પૃ. ૪૪.
  15. ૧૫. એજન, પૃ. ૪૫.
  16. ૧૬. એજન, પૃ. ૪૬-૪૭.
  17. ૧૭. શૈલી અને સ્વરૂપ, ૧૯૬૦, પૃ. ૧૮૬-૧૮૭.
  18. ૧૮. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૩૪.
  19. ૧૯. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૩૬.
  20. ૨૦. એજન, પૃ. ૩૬૦-૩૬૧.
  21. ૨૧. ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ, ૧૯૫૨, પૃ. ૨૮-૨૯.
  22. ૨૨. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૩૬૮-૩૬૯.
  23. ૨૩. એજન, પૃ. ૧૩૧.
  24. ૨૪. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૧૩૧-૧૪૩.
  25. ૨૫. ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ, પૃ. ૧.
  26. ૨૬. એજન, પૃ. ૫.
  27. ૨૭. એજન, પૃ. ૬.
  28. ૨૮. એજન, પૃ. ૯.
  29. ૨૯. એજન, પૃ. ૧૮.
  30. ૩૦. એજન, પૃ. ૨૪.
  31. ૩૧. ગુજરાતી પિંગલ નવી દૃષ્ટિએ, પૃ. ૨૫.
  32. ૩૨. એજન, પૃ. ૪૫, ૪૭.
  33. ૩૩. એજન, પૃ. ૪૯.
  34. ૩૪. એજન, પૃ. ૩૨.
  35. ૩૫. એજન, પૃ. ૫૦-૫૧.
  36. ૩૬. પ્રાચીન ગુજરાતી છંદો, પૃ. ૩૬૪.
  37. ૩૭. બૃહત્‌ પિંગલ, પૃ. ૬૯૧.