કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મંન મારું

From Ekatra Wiki
Revision as of 00:47, 13 November 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૫. મંન મારું

મને ઘેરે પતંગિયાનું ટોળું
કે મંન મારું ભોળું ભોળું!
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું
કે મંન મારું ભોળું ભોળું!

ઊડતાં ઊડતાં એ અહીં આવે
ને જાય મને ઊેંડે ડુબાડતાં :
મારી નમણી આંખો ને એની પાંખો
કે બેય નહીં સાથે ઉઘાડતાં.
આંખ ખોલું મીચું ને વળી ચોળું :
કે મંન મારું ભોળું ભોળું!

આટલા તે રંગનો તરણાને આંગણે
મેળો શો મબલખ ઊભરાય :
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું
મારે એકાન્તે અટવાય,
નહીં સંગના સરોવરને ડહોળું
કે મંન મારું ભોળું ભોળું!

૧૯૬૫(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)