કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪૮. એક ફળ
Revision as of 12:40, 4 September 2021 by KhyatiJoshi (talk | contribs)
૪૮. એક ફળ
નિરંજન ભગત
રસ્તાની ધારના વૃક્ષની ડાળ ઉપર એક ફળ પાક્યું,
એની છાલ લીસી લીસી
એનો ગલ પોચો પોચો,
હર્યુંભર્યું
રસથી કસથી.
ન કોઈએ એને તોડ્યું,
ન કોઈએ એને ચાખ્યું,
કે ન કોઈએ એને ઝોળીમાં નાંખ્યું,
કે ન કોઈએ એને છાબમાં રાખ્યું.
દિવસ પછી દિવસ વહી ગયા,
એની છાલ ભૂકો ભૂકો,
એનો ગલ સૂકો, સૂકો,
હવે નથી રસ,
હવે નથી કસ,
એનું બીજ પણ ખરી ગયું
ધરતીમાં સરી ગયું.
૨૦૦૪
(બૃહદ છંદોલય, પૃ. ૩૩૯)