અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નાથાલાલ દવે/અમારી રાત થઈ પૂરી
નાથાલાલ દવે
રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રિનો ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા! જુઓ વાગી રહી નોબત;
અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લી હવે પ્યાલી —
હવે છેલ્લી ચૂમી, ને ભૂલવી બેહિસ્તની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી.
ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,
અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.
જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી;
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ જુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત;
અમે મિસ્કીન મુસાફર—ગાનના શોખીન—નહિ ઇજ્જત.
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું,
અને વાત આ થઈ પૂરી.
રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી.
રાતવાસો પૂરો થયો છે. અને તે રાતવાસો પણ છે મુસાફરનો, જેને કોઈ પણ એક જ સ્થળે સ્થિર થઈને બેસવાનું નથી ને જેની દુનિયા જ જુદી છે, વ્યવહારની ને વેપારવણજની. હૃદયના સૂક્ષ્મ સંવેદનોને સ્ફુરવાનું કે કલાસાહિત્ય આદિના રસનું ને રસિકતાનું એમાં સ્થાન નથી. રસમાં રસ એને હોય તો પૈસા કમાવાનો; ને કોઈ સુંદર ગાનારીને ત્યાં ક્યારેક સાંજ ગાળીને દિલ બહલાવવાનો.
એની વણજારે કોઈક ગામને પાદર રાતવાસો કર્યો છે. એ કોઈ ખૂબસુરત નાજનીનને ત્યાં પહોંચે છે. રાત આખી સંગીતની ધૂમ મચે છે. ‘શરબત’ની પ્યાલીઓ ઊડે છે. રાત પૂરી થાય છે. ચંદ્ર આથમે છે. તારાઓ ડૂબે છે. ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણો મસ્જિદના મિનારા પર રમવા લાગે છે. મુલ્લાં બુલંદ સૂરથી અઝાન પોકારે છે ને પાક દીનોને નમાઝ માટે નોતરે છે. કાફલો ઊપડે છે. ને મુસાફરને એમાં જોડાયા વિના છૂટકો નથી.
મુસાફરની જિંદગીમાં આ મહેફિલ કંઈ પહેલી જ નથી કે અનુભવ નવો પણ નથી. પણ જીવનમાં ચમત્કારો ન બનતા હોય તેવું નથી. જેમનાથી આપણે ટેવાઈ ગયાં હોઈએ તેવી વસ્તુઓ પણ ક્યારેક આપણને અપૂર્વ જેવી લાગતી હોય છે, ને આપણી સૌન્દર્ય દૃષ્ટિ એકાએક ઊઘડી જતી હોય છે. આવી કોઈ ઊંડી રસાનુભૂતિ પછી જીવનનું જાણે નવું પર્વ શરૂ થતું હોય તેમ જીવનનાં આપણાં મૂલ્યો જ બદલાઈ જતાં હોય છે. ને વ્યવહારજીવન પ્રત્યેની આપણી દૃષ્ટિમાં ફેરફાર થઈ ગયો હોય છે.
આ કાવ્યના નાયકના જીવનમાં પણ આ રાત એવો કોઈ ફેરફાર કરી નાંખે છે. આ નાજનીન, એનું અંગલાવણ્ય અને એથી પણ વિશેષ તો એનું ગાન એના જીવનમાં નવાં નવાણ ફોડે છે ને એને રસની ને આનંદની કોઈ નવી જ સૃષ્ટિની ઝાંખી કરાવે છે.
આ ગીતસંગીતની દુનિયામાં જીવવાવાળાઓના અને પોતાના જીવનના રાહ જુદા જુદા છે તે તો એ જાણે જ છે, પણ પોતાનો જીવનરાહ શુષ્ક અને નીરસ છે, એનું ભાન એને પહેલીવાર આજે થાય છે. જવું તો એને પડે જ છે, ગયા વિના એને ચાલે તેમ નથી એટલે, પણ જતી વેળા એ આ વખતે હળવો ફૂલ જેવો થઈને જઈ શકતો નથી, હૃદયમાં દર્દ લઈને જાય છે, એક રાની આ મહોબત બનાવવા જેવી તો છે કાયમની, અને છતાં પોતે તેને કાયમની બનાવી શકતો નથી તેનું દર્દ.
(‘આપણો કવિતા-વૈભવ’)