ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મનસુખલાલ મગનલાલ ઝવેરી
કાવ્યો, વિવેચનલેખો અને અધ્યાપનકાર્યથી ગુજરાતમાં જાણીતા થયેલા શ્રી. મનસુખલાલનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના ઑકટોબર માસની ત્રીજી તારીખે જામનગરમાં થયેલો. તેમના પિતાનું નામ મગનલાલ ઝવેરી અને માતાનું નામ જડાવબહેન. તેમની જ્ઞાતિ નાગોરી વણિકની. ઈ.સ. ૧૯૨૭માં શ્રી. હસમુખગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે. જામનગરની તાલુકા હાઈસ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લઈ ત્યાંની વિભાજી ઇંગ્લિશ સ્કૂલ અને નવાનગરની હાઈસ્કૂલમાં તેમણે માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૩૧માં મેટ્રિકની પરીક્ષા ૫સાર કરી ભાવનગરની શામળદાસ કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો. ત્યાંથી ૧૯૩૫માં ગુજરાતી અને સંસ્કૃત ઐચ્છિક વિષયો લઈને બી. એ.માં પ્રથમ વર્ગમાં પસાર થવાથી તેમને પીતાંબરદાસ પારિતોષિક, તથા લોર્ડ નૉર્થકોટ, ગૌરીશંકર અને ભાવનગર સાહિત્ય પરિષદના ચંદ્રકો એનાયત થયા તેમજ બે વર્ષ માટેની કૉલેજની ફેલોશિપ પણ પ્રાપ્ત થઈ. ત્યારબાદ ઈ.સ. ૧૯૩૭માં એમ.એ.માં ગુજરાતી મુખ્ય વિષય લઈને તેઓ બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. ૫છીથી થોડાંક વર્ષો મુંબઈની રૂઈઆ કૉલેજમાં અને રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કરીને હાલ તેઓ મુંબઈની સેન્ટ ઝેવીઅર્સ કૉલેજમાં તે જ વિષયના અધ્યાપક તરીકે કામગીરી બજાવી રહ્યા છે. તેમના જીવન ઉપર સૌથી વધુ પ્રબળ અસર પાડનાર તેમના મમતાળુ અને બુદ્ધિશાળી દાદાજી શ્રી. હરજીવનદાસ રતનશી ઝવેરી અને તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્મા–એ બે વ્યક્તિવિશેષો અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ તથા ‘સરસ્વતીચંદ્ર’એ બે ગ્રંથમણિઓ છે; તેમના જીવનનો ઉદ્દેશ તેમની કાવ્યભાવના દ્વારા તે કહી જાય છે: “સામાન્યોના રાગ ને દ્વેષ વચ્ચે રાખી હૈયાપાંખડીને અડોલ, આત્મા કેરી વર્ષવી સત્કલાને.” તેમનો પ્રિય લેખક કાલિદાસ, માનીતો ગ્રંથ ‘ભગવદ્દગીતા’, મનગમતો સાહિત્યપ્રકાર કાવ્ય, અને પ્રિય અભ્યાસવિષય કલામીમાંસા છે. હાઈસ્કૂલના છઠ્ઠા ધેારણ પછી છ વર્ષ લગી તેમણે અભ્યાસ તજી દીધો હોવા છતાં તેમનું વલણ હમેશાં અભ્યાસશીલ રહ્યું હતું. બાર-તેર વર્ષના તેઓ હતા ત્યારથી છાને ખૂણે નાનાં મોટાં માસિકમાં ગદ્યપદ્ય લખાણો આપવાનું શરૂ કરેલું. તેમણે રચેલા પહેલા પદ્યની પંક્તિ ‘કરી છે બેલ પર સ્વારી, અરે ભૂતનાથ ભિખારી!’-મહાદેવની સ્તુતિ માટેની હતી. પંદર વર્ષની ઉમરે જામનગરમાંથી પ્રગટતા ‘અંકુશ’ નામના સામયિકમાં વિવિધ લેખકોનાં પુસ્તકોમાંથી વીણેલા સુવિચારો ‘સુજ્ઞાનમાળા’ શીર્ષક હેઠળ તેઓ આપતા હતા. ત્યારબાદ ‘રંગરાગ’ નામના એક સાપ્તાહિકમાં કેટલીક વાર્તાઓ પણ તેમણે છપાવેલી હતી. એમનું પ્રથમ કાવ્ય ‘સતીનો શાપ’ ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ના દીપોત્સવી અંકમાં પ્રગટ થયું હતું. આમ ઉત્તરોત્તર શિષ્ટ માસિકોમાં તેમને સ્થાન મળવા લાગ્યું, તેવામાં જ તેમના ગુરુ શ્રી. રામેશ્વરદત્ત શર્માએ સંસ્કૃત સાહિત્યનો તેમને રસ ચખાડ્યાને પરિણામે તેઓ કાલિદાસ અને ભવભૂતિનાં કાવ્યનાટકોના રસિક અભ્યાસી બન્યા આના ફળરૂપે તેમની પ્રથમ ગ્રંથાકારે છપાયેલી કૃતિ ‘રામસંહિતા’માં ધર્મગ્રંથો ને પુરાણોમાંથી વીણેલા શ્લોકોનાં શિષ્ટ ને પ્રવાહી ભાષાંતરો, ‘अभिज्ञान शाकुन्तल’નો ‘શાપિત શકુંતલા’ના નામે અનુવાદ અને ‘मेघदूत;ની અનુકૃતિ રૂપે ‘ચંદ્રદૂત’ નામનું કાવ્ય ગુજરાતી સાહિત્યને મળ્યાં તેમનાં કાવ્યોની છંદશુદ્ધિ તરફ તેમનું પ્રથમ વાર ધ્યાન દોરનાર શ્રી. રામનારાયણ વિ. પાઠક હતા. તેમની વિદ્વત્તા અને કલાપ્રિયતાથી હાલ તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત લેખક મિલન, મુંબઈ લેખક મિલન, P. E. N. ગુજરાતીના અધ્યાપકોનો સંઘ આદિ સંસ્થાઓ સાથે સક્રિય સભ્ય તરીકે સંકળાયેલા છે. તેમની મોટા ભાગની કૃતિઓના પ્રકાશક તેઓ જાતે જ બન્યા છે; કેમકે તેમની અગાઉની કૃતિ ‘શાપિત શકુંતલા’ પ્રગટ કરતાં પ્રકાશકોની વેપારી વૃત્તિનો પોતાને કડવો અનુભવ થયો હતો એમ તેઓ કહે છે. રંગીન અને વાસ્તવલક્ષી કરતાં વિશેષે કરીને શિષ્ટ અને ભાવનાપ્રધાન કાવ્યકૃતિઓને પ્રૌઢ અને પ્રાસાદિક સંસ્કૃત ભાષા-સાહિત્યના સંસ્કારવાળી સ્વસ્થ અને ઋજુ ભાષા-શૈલીમાં નિરૂપીને શ્રી. મનસુખલાલે નવીન ગુજરાતી કવિસમુદાયની પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનાં વિવેચનો રસિક અને કુશળ અભ્યાસીના, લલિત અને સંમાર્જિત શૈલીમાં લખાયેલા, કર્તા, કૃતિ કે વાદચર્ચા ઉપરના મનનીય અભ્યાસલેખો છે.
કૃતિઓ
કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
૧. રામસંહિતા(પ્રથમ વિભાગ) *પ્રકીર્ણ શ્લોક સંગ્રહ *૧૯૨૬ *૧૯૨૬ *પોતે *અનુવાદ
૨. શાપિત શકુંતલા *નાટક *૧૯૨૭ *૧૯૨૭ *આર. આર. શેઠની કંપની, મુંબઈ *અનુવાદ
૩. ચંદ્રદૂત *ખંડકાવ્ય *૧૯૨૯ *૧૯૨૯ *પોતે *અનુકૃતિ
૪. અભિમન્યુ *ખંડકાવ્ય *૧૯૨૯ *૧૯૨૯ *પોતે *મૌલિક
૫. રામસંહિતા(દ્વિતીય વિભાગ) પ્રકીર્ણ શ્લોકસંગ્રહ *૧૯૨૬ *૧૯૨૯ *પોતે *અનુવાદ
૬. ફૂલદોલ *કાવ્યસંગ્રહ * ? *૧૯૩૩ *પોતે *મૌલિક
૭. આરાધના *કાવ્યસંગ્રહ * ? *૧૯૩૯ *આર. આર. શેઠની કું. મુંબઈ *મૌલિક
૮. દશમસ્કન્ધ (આ. ૧થી ૨૫) *કાવ્ય * - *૧૯૪૨ *કિતાબઘર, રાજકોટ *સંપાદન
૯. થોડા વિવેચનલેખો *વિવેચન? *? *૧૯૪૪ * પોતે *મૌલિક
૧૦. ગુજરાતી ભાષાનું વ્યાકરણ અને લેખન *પાઠયપુસ્તક *૧૯૪૨ *૧૯૪૬ વોરા એન્ડ કંપની, મુંબઈ *મૌલિક
૧૧. અભિસાર *કાવ્યસંગ્રહ * ? *૧૯૪૭ *પોતે *મૌલિક
અભ્યાસ–સામગ્રી
તેમના જીવન ને કવન માટે-’નવચેતન’–મે ૧૯૪૫.
‘ચંદ્રદૂત’ માટે–તેનો પ્રવેશક (શ્રી. રા. વિ. પાઠક).
‘ફૂલદોલ’ માટે-૧. ‘કાવ્યની શક્તિ’ (શ્રી. રા. વિ.પા.) ૨. ‘કૌમુદી’ સપ્ટેમ્બર ૧૯૩૪. ૩. ઈ. ૧૯૩૩નું ગ્રંથસ્થ વાઙ્મય.
‘આરાધના’ માટે-૧. ‘ઊર્મિ’, સપ્ટે. ઑક્ટો. ૧૯૪૦. ૨. રેખા’ ઈ.સ. ૧૯૪૦. ૩. ઈ.સ. ૧૯૩૯ નું ગ્રંથસ્થ વાઙ્મય.
‘અભિસાર’ માટે-૧. ‘રેખા’ માર્ચ ૧૯૪૮ ૨. ઈ.સ. ૧૯૪૭નું ગ્રંથસ્ય વાઙ્મય.
***