ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)
‘દર્શક’ તખલ્લુસથી સાહિત્યમાં સુપ્રસિદ્ધ રા. મનુભાઈનો જન્મ વાંકાનેર તાલુકાના પંચાશીઆ ગામમાં સં. ૧૯૭૦ ના આસો વદી ૧૧ના રોજ થએલો. તેમનું મૂળ વતન વઢવાણ. પિતાનું નામ રાજારામ હરજીવનભાઈ અને માતાનું નામ શ્રી. મોતીબાઈ. તેમનું લગ્ન ઈ. ૧૯૩૭ના અરસામાં શ્રી. વિજયાબહેન પટેલ સાથે થયેલું છે. તેમનો શાળાનો અભ્યાસ માત્ર અંગ્રેજી પાંચ ધોરણ સુધીનો છે. વાંકાનેર હાઈસ્કૂલમાં થોડુંઘણું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ અનુભવની શાળા તેમની શિક્ષણસંસ્થા બની છે. હાલ સૌરાષ્ટ્રમાં આંબલા ગામમાં ગ્રામ દક્ષિણમૂર્તિ શાળામાં તેઓ શિક્ષક છે. તેમની જીવનભાવનાને ગાંધીજી, સ્વામી આનંદ, નાનાભાઈ, રવિશંકર ‘મહારાજ અને સ્વ. મેઘાણી વગેરે સંસ્કારસેવકોઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘડી છે. વિકટર હ્યુગોની ‘લા મિઝરેબ્લ’; ટૉલ્સટોયની ‘વૉર એન્ડ પીસ’ અને ‘વૉટ શેલ વી ડુ ઘેન’; રોમે રોલાંની ‘જીન ક્રિસ્ટોફ’; મુનશીની ‘ગુજરાતનો નાથ’; શરદબાબુની ‘સ્વામીનાથ’ અને ટાગોરની ‘ઘરે બાહિરે’ -નવલકથાઓએ તેમની વાર્તાકલા તેમજ જીવનદૃષ્ટિને સંસ્કારી છે. નાનપણથી લખવાનો શૉખ હોવાથી લેખક થવાની હોંશ તેમને હતી. તેવામાં ઈ. ૧૯૩૦ના સત્યાગ્રહના આંદોલનમાં પ્રત્યક્ષ ભાગ લેવાથી કેટલાક જીવન-અનુભવો, તેમને થયા. તે અરસામાં પ્રખર કેળવણીકાર શ્રી. નાનાભાઈના સમાગમમાં લેખક આવ્યા; ‘ઘરે બાહિરે’ની નવલકથાનું અનેક વાર મનન-પરિશીલન કર્યું; એ સર્વને પરિણામે પોતે પણ અનુભવોમાંથી વાર્તાઓ આ૫વી એવા દૃઢ નિશ્ચય સાથે તેમણે વાર્તાલેખનની પ્રવૃત્તિ આદરી. તેમના જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્માના ઉત્કર્ષ અને જગતના સુખને માટે જીવવાનો છે. એ ઉદ્દેશ સંપૂર્ણ સિદ્ધ તો જીવાતા જીવન દ્વારા જ કરી શકાય; તો પણ લેખનપ્રવૃત્તિ એ પ્રકારના જીવનની અતૃપ્ત ઝંખનાના કેફ રૂપે હોવાથી તેને પોતે ઉપાસી રહ્યા હોવાનું તેઓ કહે છે. એમના પ્રિય સાહિત્યપ્રકારો નવલકથા, નાટક અને મહાકાવ્ય છે. તેમના પ્રિય અભ્યાસવિષયો ઇતિહાસ ને ખેતીવાડી છે. તેમની પ્રથમ કૃતિ ‘જલિયાંવાલા’ ‘સૌરાષ્ટ્ર’ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થયેલી; તેની બીજી આવૃત્તિ તાજેતરમાં પ્રગટ થઈ છે. મુખ્યત્વે સત્યાગ્રહનાં આંદોલનો અને ગ્રામસેવામાંથી તેમની નવલોની વિષયપસંદગી થએલી છે. ભાવનાશીલ યુવક-યુવતી દેશસેવાના કાર્યમાં શા ભોગ આપે છે અને કેવી વૃત્તિઓ સેવે છે તે બતાવી સર્જાતા ઈતિહાસનું સુરેખ નિરૂપણ કરવાનો તેમનો પ્રયત્ન છે.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર *રચના સાલ *પ્રકાશન સાલ *પ્રકાશક *મૌલિક કે અનુવાદ?
- ૧. જલિયાંવાલા *નાટક *૧૯૩૫ *’ફૂલછાબ’ રાણપુર *મૌલિક
- *બી.આ. ૧૯૪૭ *ભારતી સા. સં. અમદાવાદ *મૌલિક
- ૨. ૧૮૫૭ *નાટક *૧૯૩૫ * ફૂ’લછાબ’ રાણપુર *મૌલિક
- *બી.આ. ૧૯૪૭ *ભારતી સા. સં. અમદાવાદ *મૌલિક
- ૩. બંદીઘર *નવલકથા *૧૯૪૬ *ભારતી સા. સં. અમદાવાદ *મૌલિક
- ૪. બંધન અને મુક્તિ *નવલકથા *૧૯૩૯ *ભારતી સા. સં. અમદાવાદ *મૌલિક
- ૫. કલ્યાણયાત્રા *નવલકથા *૧૯૩૯ *ભારતી સા. સં. અમદાવાદ *મૌલિક
- ૬. પ્રેમ અને પૂજા *નવલકથા *૧૯૪૪ *આદર્શ પુસ્તક ભંડાર, અમદાવાદ *મૌલિક
- ૭. દીપનિર્વાણ *નવલકથા *૧૯૪૪ *ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા *મૌલિક
- *બી.આ. ૧૯૪૬
- ૮. બે વિચારધારા *નિબંધ *૧૯૪૫ *ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા *મૌલિક
- ૯. ઇતિહાસ-કથાઓ રોમ *કથાઓ *૧૯૪૬ *ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા *મૌલિક
- ૧૦. ઈતિહાસ-કથાઓ ગ્રીસ *કથાઓ *૧૯૪૭ *ગ્રામ દક્ષિણામૂર્તિ, આંબલા *મૌલિક
અભ્યાસ-સામગ્રી
- ‘જલિયાંવાલા’ માટે:-- ‘કૌમુદી’ સપ્ટે, ૧૯૩૪
- તેમની અન્ય કૃતિઓ માટે: --તે તે સાલનાં ગ્રંથસ્થ વાઙ્મય.
***