દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કિમિદં વ્યાહૃતું મયા

From Ekatra Foundation
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કિમિદં વ્યાહ્યતં મયા

અક્ષર અક્ષર વચ્ચે
થોડું ખરબચડું
પણ સાચ હજો

થોડા પથરા
થોડા ઠળિયા
થોડાં પીંછાં
થોડી ચગદેલી આંગળીઓ
થોડું લોહી
થોડાં આંસુ
થોડો ખારો કડવો તેજાબી પણ સ્વાદ હજો

ડૂસકાં ચીસો રાડ
થથરતાં જાનવરોનો ભાંભરિયો ઘોંઘાટ
તૂટતાં નળિયાં બળતાં વળિયાંનો તતડાટ
તરડતા કાચ ભાંગતાં ઠામ

વછડતાં જોડાં
નીંદર હબક્યાં બાળ
બટકતી કળી ઉખેડ્યો છોડ
ખોખરાં કાઠ વહેરતી કરવતનો ખોંખાર હજો

અક્ષર અક્ષર વચ્ચે
થોડા ઘાવ ફફોલા રાખ ધુંવાડા
થોડો પણ સૂનકાર હજો

આ કોરા કાગળ ઉપર
ખોળવા લયને
ચારેકોર ખોદતો જાઉં
હાથમેં બિન ધાગે કી સ્યાહ ટપકતી સૂઈ લઈ કે
ટપકે ટપકે
લીટી
દોરો
ટપકું લીટી
લીટી ટપકું
ટપકું ટપકું લીટી ટપકું ટપકું
... - - - ...

લીટી ટપકે આંક્યા મારા અક્ષર વાંકા રાંક કગરતા
કાગળ પાસે
નથી ઝાઝું કંઈ જોતું
ફૂટ્યાં નસીબ
છોને અરથ મળે ના
મળે ફક્ત જો અવાજ
થોડો લીંટાતો લટ
ટીપે ટીપે કરી તરીશું
ખરબચડું સાચું ખારું કડવું તેજાબી
તતડ ખોખરો સૂનો
અક્ષર અક્ષર વચ્ચે
લય શોધું છું રામ