અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`નાદાન'/માગ્યું

From Ekatra Wiki
Revision as of 12:11, 22 October 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


માગ્યું

નાદાન

વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું;
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું.
યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું;
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું.
બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું;
વિના સંકોચ જે દેખાય તે અંત :કરણ માગ્યું.
પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું;
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું.
જગત આ હો, અગર જન્નત, અગર દોજખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું.
પછી સોઽહમ્ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું.
અમે `નાદાન' રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, પૃ. ૬૨)