નાટક વિશે/રંગભૂમિ : પૂર્વ પશ્ચિમ પરિસંવાદ

Revision as of 01:19, 3 June 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
રંગભૂમિ : પૂર્વ પશ્ચિમ પરિસંવાદ

ઑક્ટોબરની ૨૪મીથી માંડીને ૨૯મી લગી નવી દિલ્હીમાં યુનેસ્કો, ભારતીય નાટ્યસંઘ અને ભારતના શિક્ષણમંત્રણાલયના સહઉપક્રમે રંગમંચ વિશેનો એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ થયો એ ઉપક્રમમાં ઈન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ કરવો જોઈએ અને એમાં પણ પરિસંવાદની ક્ષણે ક્ષણે અને બોલાયેલા શબ્દે શબ્દમાં જાણે હાજર હોય એવાં આઈ. ટી. આઈ. નાં પ્રમુખ મિસ રોઝામોન્ડ ગિલ્ડર અને મહામંત્રી ઝેવા ડારકાન્તેનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ. પરિસંવાદમાં ભારતના શિષ્ટમંડળ નિરીક્ષકો તથા વિશેષ આમંત્રિતો ઉપરાંત ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, કમ્બોડિયા, સિલોન, ચેકોસ્લાવાકિયા, ફ્રાન્સ, પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની, હંગેરી, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયેલ, જાપાન, લાઓસ મલયેશિયા, ફિલિપાઈન્સ, પોલેન્ડ, સિંગાપુર, થાઈલેન્ડ, ટ્યુનિસિયા, સંયુક્ત આરબ–પ્રજાસત્તાક, ઉગાન્ડા, બ્રિટન, અમેરિકા, સોવિયેત રશિયા અને યુગોસ્લાવિયાના મંચવિવેચકો, નિર્માતાઓ, કલાકારો, નાટકના અધ્યાપકો, લેખકો વગેરે પણ પોતપોતાના પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવી હાજર હતા. ચર્ચાનો વિષય આમ તો “ટોટલ થિયેટર” હતો. અને પ્રથમથી ઘડાયેલા કાર્યક્રમ મુજબ એમાં “ટોટલ થિયેટર”ના પૂર્વના ખ્યાલ અને ટોટલ થિયેટરના પશ્ચિમના ખ્યાલની માંડણી માંડીને, પછી નાટ્ય-લેખસ્ક્રીપ્ટ, સંગીત, નૃત્ય, મૂકાભિનય, યંત્રના ઉપયોગથી મળતી સગવડ, વેશભૂષા, મેક-અ૫ અને સંનિવેશ જેવા વિવિધ અંગોમાં `ટોટલ થિયેટર’ના જે અંશો રહ્યા છે તે વિશેની ચર્ચા કરવાની હતી. પછી નિર્માણના પ્રશ્નનોની અને નિર્માતાના, લેખક, સંનિવેશસાધક, સંગીતકાર, નટ વગેરે સાથેના સંબંધોની ચર્ચા થવાની હતી. પછી નાટ્યગૃહના સ્થાપત્યનો ટોટલ થિયેટરની નજરે વિચાર કરવાનો હતો પછી “ટોટલ થિયેટર”માં પ્રેક્ષકોનો પ્રતિભાવ – ઓડિયન્સ રિસ્પોન્સ – એ વિષયની ચર્ચા થવાની હતી અને સમારોપમાં પૂર્વ અને પશ્ચિમ બન્નેની ટોટલ થિયેટર પરની સમગ્ર અસર મોજૂદ હાલત અને ભાવિ શક્યતાઓ સાથે ખાસ તો, એશિયાના દેશો રંગમંચની બાબતમાં એકમેકની નજીક કઈ રીતે આવે, સહકાર વધે, એ વિશે ચર્ચા કરવાની હતી. ચર્ચા કરવાની હતી એમ હું કહું છું ત્યારે જ એક એકરાર કરી લેવો જોઈએ. એટલી હકીકત છે કે આંશિક એટલે કે આ મુદ્દાઓ વિશે જેમાં ઉલ્લેખ હોય એવું ઘણું બોલાયું. પણ મૂળ વાત તે “ટોટલ થિયેટર” એટલે શું એ વાતની સ્પષ્ટ અને ગળે ઊતરે, સહુને માનવી પડે એવી વ્યાખ્યા, ન મળી. જે તે દેશને પોતાને ત્યાં નાટકને નામે જે ચાલતું હતું તેથી ઘણો અસંતોષ હતો. પોતે જે કહેવા માગે છે તેની પોતાને સંતોષે એવી અભિવ્યક્તિ મળી નથી રહેતી એ આ અસંતોષના મૂળમાં હતી એમ એક રીતે કહી શકાય, પણ આમ કહો ત્યાં જ એક નવી વાત જોવા મળે. નવી એટલે આપણે અને કદાચ બીજા ઘણાઓ જે પહેલી જ વાર સાંભળીએ એવી, વાત છે. ઘણા નવા દેશો – નવા એટલે હમણાં જ પ્રાગટ્ય પામેલા – ઈમર્જ થયેલા – દેશોમાં તો રંગભૂમિનું સાવ નવું નિર્માણ કરવાનું છે. ધર્મ કે સત્તાના પ્રાબલ્યથી આ કલા ત્યાં પાંગરી જ નથી. અફઘાનિસ્તાનના જુવાન પ્રતિનિધિથી માંડીને સિલોનના બધી વાતે પ્રભાવિત થઈ, જે જોવા મળે તે બધું પોતાના દેશમાં લઈ જવાની ઇચ્છા રાખનારા પ્રતિનિધિ સુધીમાં આ ઇચ્છાનો જબરો પડઘો પડતો. ટ્રેડિશન સામેનો – પરંપરાગત રૂપ સામેનો – એમનો વાંધો જો હોય તો એટલો જ હતો કે આવી કશી વસ્તુ એમને ત્યાં હતી જ નહીં. સાવ સામે છેડે બ્રિટનના નામી નિર્માતા મિસ જૉન લીટલવુડ હતાં. આ બાઈ અત્યંત તેજસ્વી, સાવ મૌલિક, લોક સાથેના નાટકના વિચ્છેદ થઈ ગયેલા કે એ કહે એ મુજબ કદી પણ પૂરેપૂરી રીતે ન સ્થપાયેલા સંબંધને પહેલામાં પહેલી તકે સ્થાપવાની પ્રબળ આકાંક્ષા એ ધરાવે છે. ક્યારેક તો મોજૂદ હાલતને ઢમઢોળવા, ધક્કો આપવાનો પણ યત્ન સાથે સાથે કરતી હોય એવું લાગે. શબ્દે, શબ્દે એક એક અંગભંગીમાં, તરવરાટ સાથે નિષ્ઠાના દર્શન થાય. ફ્રાન્સના અતિ પ્રસિદ્ધ નાટ્યવિદ મોસિય પ્લાંન્સો, બ્રિટનના બીજા પ્રતિનિધિ જૉન હેરિસન અને ઈઝરાયલના નાટક તથા ફિલ્મના દિગ્દર્શક અને ત્યાંના વિશ્વવિદ્યાલયનાં નાટ્યવિદ્યાના ગુરુ પીટર ફ્રેં વગેરેએ દેખીતી ઉત્કટ રીતે નહીં છતાં પૂરી નિષ્ઠાથી બેચાર વાતો કરી અને એમને માટે આ અનુભવ તારણ હતું એમ બેધડક કહી શકાય. માત્ર આંજી દેવાને માટે એમાંનું કોઈ બોલતું ન હતું. અને છતાં આ ટોટલ થિયેટરની કોઈ વ્યાખ્યા બાંધી શકાતી ન હતી. એમાં પછી સ્ક્રીપ્ટ અને સ્પોકનવર્ડ, બોલાતા શબ્દની વાત આવી. ગર્ભિત રીતે નાટકકારની સર્વસત્તા ચાલે એવી પરિસ્થિતિ ટાળવી જોઈએ એવો મુદ્દો રજૂ થયો. એમાંથી નાટક એ લોકશાહી કલા છે કે નહીં એવો પ્રશ્ન પણ પુછાયો કોઈ દેશની લધુમતીઓ એટલું પ્રભુત્વ માંગે કે બહુમતીનું નામનિશાન ન રહે એવા દાવા પણ થયા. સામે છેડેથી માણસોની વાત પણ કરવામાં આવી. પૂર્વ જર્મનીના પ્રતિનિધિમંડળમાં મિસિસ કેથી-રુલિક-વેઈલર હતાં. જેમણે બર્નોલ્ડ બ્રેખ્ત સાથે નાટ્યલેખનથી માંડીને નિર્માણ લગી સહકાર્ય હતું. એ તથા બીજા, પૂર્વ જર્મનીના પ્રતિનિધિ વોલ્ફેગેંગ એબરમેનને તો આ પ્રશ્ન જ ન હતો. કારણ કે એમના મત મુજબ તો બ્રેખ્તે આ અને આવા બધા પ્રશ્નોના જવાબ ક્યારનાય આપી દીધા છે. એટલે એ લાખ વ્યાધિના એક ઇલાજ તરીકે બ્રેખ્તનું નામ દ્યે છે. અને ધાડી રમૂજ એ રીતે થાય કે પૂર્વ જર્મનીના શિષ્ટમંડળમાંથી જેવું બ્રેખ્તનું નામ દેવાય કે તરત જ પશ્ચિમ જર્મનીમાંથી એનો પ્રતિકાર થાય. એમાં ટોટલ થિયેટરની આધારશિલા તે “ઓડિયન્સ રિસ્પોન્સ” એમ વાત આવી. વચ્ચે વળી “નેશનલ થિયેટર”ની વાતનો ઉલ્લેખ થયો. વચ્ચે સાવ પાયા વિનાની વાતો થતી હોય એવી પણ લાગણી થઈ. પરિસંવાદ એટલે પરીઓનો સંવાદ એવી પણ એક લાગણી થઈ. પણ સર્વ શાણપણથી, મૂળ વાતને એટલે કે ટોટલ થિયેટરની વાતને બાજુએ મૂકીને બોલવાનું લક્ષણ સ્વીકારાયું. પરિસંવાદને અંતે ઠરાવો થયા અને ઘોષણા પણ થઈ. એ પરિસંવાદની ચર્ચાને પરિણામે થયેલાં છે. એમ બેધડક નહીં કહી શકાય. પણ એનો વિરોધ કરવા જેવું ઘણું ઓછું હતું એ રીતે સ્વીકાર થયો હતો એમ કહી શકાય. તો આની ફલશ્રુતિ શું? ફલશ્રુતિનું તારણ એ તો દરેકે દરેકની સૂજસમજ પર જ આધાર રાખનારી વસ્તુ છે. મારા પૂરતું હું એમ કહી શકું છું એમાં થોડાક સમાનધર્મા અને કદાચ સમાનકર્માને મળવાનો આનંદ અને લાભ હતો. આમ તો નાટકની પ્રવૃત્તિને નડતી ચાર મોટી અડચણો: એક નાટક, બીજું ભજવનારા, ત્રીજું ભજવણીનું સ્થળ, અને ચોથી તે પ્રેક્ષક. આ ચારે વત્તે ઓછે અંશે આખી દુનિયાના રંગમંચના પ્રવર્તકોને પીડે છે એ વાત વગર કહ્યે પણ પ્રગટ થઈ. સહુને માટે પ્રેક્ષક એ ઘણો મોટો કોયડો છે. અને વગર કહ્યે પણ સહુનો યત્ન, મળેલા પ્રેક્ષકને પોતાની પાસે જ રાખી મૂકવો, એ દિશામાં છે. કદાચ મન મનાવવા ખાતર એને જુદું નામ અપાય તો એથી મૂળ પદાર્થ નામશેષ નથી બનતો. ઓડિયન્સ પાર્ટીસીપેશન જેવી મોટી અને ભારેખમ વાત પણ અંતે તો પ્રેક્ષકને જાળવવાની વાત બની જાય છે અને તે પણ મૂળ ગુણ કે લક્ષણના યોગ્ય વિનિયોગને બદલે અમુક પ્રકારના ઉત્તેજનાના, ગ્રંથિ પેદા કરવાના માર્ગે. આમાં પરસ્પર સહાય જરૂર મળે. પણ કશું બન્યું બનાવ્યું ન મળે. કદાચ બીજાની ભૂલનું પુનરાવર્તન પણ અનિવાર્ય બની જાય એનો અર્થ એ નથી કે કોઈને પણ ઘરકૂકડી થવાનું કહેવામાં આવે છે. બીજી બાબતોમાં તો હશે કે નહિ પણ નાટકની બાબતમાં તો આખું વિશ્વ, મારું, તમારું, આપણું છે, કોઈ કોઈને કશી વસ્તુ લેતાં ઉપયોગતાં રોકી ન શકે પણ આને પડખે જ બીજી એક વાત જોવી જોઈએ તે એ છે કે વ્યક્તિને આલાપ, પોતે એને કિંમત પૂરેપૂરી ભરપાઈ કરવા સદા તત્પર રહે ત્યારે જ મળે છે. પરિસંવાદનો, ઘણાને મળવાના અને સમાનધર્મા તથા સમાનકર્તાના અનુભવોની આપલે કરવાનો લાભ એ મોટું જમાપાસું પણ બીજો મોટો લાભ તો પ્રયોગો જોવાનો. જેને વિષે ખૂબ સાંભળ્યું હતું તે ઈન્ડોનેશિયાના રામાયણના બેલે, તથા જાપાનના નોહપ્લેના મૂળમાં ચેક (Czech) અંતર્ગત ભાગ પણ હવે સ્વતંત્ર રૂપે વિકસેલા ક્યોગેન પ્લે, તથા એક પેન્ટોમાઈમ તથા ઓસ્ટ્રેલિયાના કઠપૂતળી “ટીન્ટુકી” બ્રેખ્તની નિર્દેશન પદ્ધતિ વિશેનું તવારીખી ચિત્ર એ ઉપરાંત ભારતનાટ્યમ્, મણિપુરી, કુડીઅટ્ટમૂ, કુચીપુડી, કથકલી ચરઆંગણાનો નાટકના સર્વ અંશોનો સમન્વય જેવો મૃણાલિની સારાભાઈનો અભિનય દર્પણનો પ્રયોગ ઉપરાંત બંગાળની જાતરાનો અને શંભુમિત્રની બહુરૂપી મંડળીના `રાજા’ અને ઈડિપસના પ્રયોગો જોવા મળ્યા. છેલ્લે દિવસે દિલ્હીના આ પ્રવૃત્તિમાં રસ લેનારાઓએ હૉઝ ખાસ પર ગોઠવેલું જમણ, એ પુરાણી ઇમારતને પણ યાદ રહી જાય એવું હતું. ઝાઝું કશું કહેવા ન મેળવ્યું હોય તોય બે વાતે આ પરિસંવાદ યાદ રહેશે. એક તો કશું જ ગુમાવ્યું નથી. અને બીજું વર્ષોથી મનમાં, ચાલતાં કેટલાંક વિચારોને અણધાર્યું સમર્થન મળ્યું. આ કામ કરવાનું છે અને વ્યક્તિએ પોતે જ કરવાનું છે. જો યશ મળે તો ઠીક છે પણ ન મળે તો એનો હરખ શોક કોઈ સાંભળવાનું નથી. પણ સ્તુતિ મળો કે નિંદા, આ કામ કરવા બદલની ભારેમાં ભારે કિંમત ચૂકવવા તો તૈયાર રહેવું જ પડશે.