દક્ષિણાયન/ધનુષકોડિ

From Ekatra Foundation
Revision as of 17:10, 24 June 2025 by Akashsoni (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ધનુષકોડિ

મદુરાથી ધનુષકોડિ સુધીનું ૧૧૦ માઈલનું અંતર રાતોરાત જ ટ્રેનમાં કાપી નાખ્યું. રાતની ટ્રેનમાં ખાસ હાડમારી નહિ પડશે એમ ધારેલું; પણ મહામહેનતે છેલ્લા ડબ્બામાં એક બેઠક મળી. ત્યાં પણ એક જણ આખા પાટિયાનો કબજો લઈ લંબાઈને પડેલો. એ અમારી ભાષા સમજે નહિ અને ઊઠે પણ નહિ. આટલી બધી જીદ શાને? તેની સાથે થોડી ગરમાગરમ લેવડદેવડ થઈ ત્યાં ઘટસ્ફોટ થયો. એ મુફલિસ ભાઈ એક રેલવે-અમલદારની જગ્યા સાચવીને બેઠા હતા. એ અમલદાર આવી પહોંચ્યા. કુંભાર કરતાં ગધેડાં વધારે ડાહ્યાં હોય છે, એ ન્યાયે પેલા સેવક મહાશયે ફોગટની તકલીફ લીધી હતી. આ અમલદારે આવીને બેઠકનો કબજો લીધો. મેં સુલેહની વાટાઘાટો શરૂ કરી. તે શ્રીમાન ઘણા જ અનુકૂળ નીવડ્યા. ‘કંઈ વાંધો નહિ, હું તો નીચે પણ સૂઈ જઈશ, તમે આરામથી સૂઓ.’ભાંગ્યાતૂટ્યા અંગ્રેજીમાં તે વાત કરતા હતા. મેં પૂછ્યું, ‘કઈ જવાબદાર જગ્યા તમે ધરાવો છો? સ્ટેશન માસ્તર? ક્લાર્ક?’તેમણે નમ્રતાપૂર્વક સસ્મિત જવાબ આપ્યો, ‘ના જી. I am a menial. હું તો એક ચાકર છું. ધનુષકોડિના સ્ટેશને પાણી પાવાનું કામ કરું છું!’મીનાક્ષીના મંદિરના વંશપરંપરાગત પૂજારીના એ પુત્રે પાંચ ચોપડી અંગ્રેજી ભણીને મંદિરની વૃત્તિ કરતાં આ દસેક રૂપિયાની રેલવેસેવા પસંદ કરી હતી. પૃથ્વી પરના તમામ જીવનનો પાયો આર્થિક છે, એ કથનનું આ કેટલું ઉત્તમ ઉદાહરણ હતું! પેલા નમ્ર અમલદારે તેમનું બ્રહ્મત્વ ધીરે ધીરે પ્રગટ કરવા માંડ્યું. શાક, કાચાં કેળાં વગેરેનાં પોટલેપોટલાં એમણે માથે લીધાં હતાં, ધનુષકોડિના અમલદારોને આપવા માટે. તેમાંથી તેઓ પ્રમાણસર ભાગ પાડવા લાગ્યા. છેવટે અમે સૂતા; પણ રાતે એક વાગ્યે એમણે એવી રીતે ઊલટી કરવા માંડી કે પહેલપ્રથમ તો મને ખબર જ ન પડી કે ડબામાં આ શું થઈ રહ્યું છે. એમનું દુઃખ ઓછું કરવાનો તથા મને ઊંઘ આવવા દેવા માટે રામનું સ્મરણ કરી મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. સવારે સાડાપાંચે હું જાગ્યો ત્યારે એ સજ્જન કે જે ઘણા બીમાર થઈ ગયેલા હશે એમ મેં કહ્યું હતું, તેઓ અતિ સ્ફૂર્તિપૂર્વક પેલાં શાકનાં જુદાં જુદાં પોટલાં પાછા ફરી વાર બાંધવા-છોડવા લાગી ગયા હતા! ધનુષકોડિ અને રામેશ્વર એક દક્ષિણપૂર્વ – ઈશાન તરફ લંબાતી જતી અણીવાળા ત્રિકોણાકાર બેટ પર આવેલાં છે. એ બેટ અને હિંદની મુખ્ય ભૂમિ વચ્ચે આવેલી પામવનની ખાડી ઉપર પુલ બાંધી લીધેલો છે. એ પુલ અમે ઊંઘમાં જ ઓળંગ્યો. અમે જાગ્યા ત્યારે ત્રિકોણની ધનુષકોડિ પહોંચતી લાંબી અણી ઉપર ટ્રેન ધપી રહી હતી. અહીં એક જુદી જ જાતની રમણીયતા હતી. ઝાડપાનનું આજુબાજુ નામનિશાન ન હતું. ગાડીના રેતાળ રસ્તાની આજુબાજુએ નાનકડાં ખાબડાં શરૂ થયાં, ખાબડાંમાંથી નાનાં તળાવ થવા લાગ્યાં અને જોતજોતાંમાં તો બંને બાજુએ દૃષ્ટિમર્યાદા લગી પહોંચતાં પાણી આવી પહોંચ્યાં. પણ એ મહાસાગરનાં ઘોર ગંભીર નહિ પણ આછા તળાવના જેવાં નાનકડી લહેરોવાળાં પાણી હતાં. એમ લાગે કે આ પાણીમાં તો પગે ચાલીને જ ઠેઠ ત્યાં લગી ફરી આવી શકાય. આમ બે બાજુનાં પાણી વચ્ચે પુલ જેવા સાંકડા રેતીના રસ્તે ગાડી ચાલતી હતી. આછાં વાદળથી છવાયેલું આકાશ રેતીના રંગનું જ હતું. બાજુનાં લીલાં કાળાં પાણીની આછી લહેરો સહેજ ચમકારા મારતી હતી. રસ્તાની પડખે ક્યાંક પથ્થરના નાના ટેકરા પણ આવી જતા હતા. ધનુષકોડિ, આ તરફનું છેલ્લું સ્ટેશન આવ્યું. સ્ટેશન ૫૨ જ પેટીપોટલાં મૂકી અમે સ્નાન માટે નીકળ્યાં. ધનુષકોડિમાં સ્નાનનો જ મહિમા છે. અહીં મંદિર કે દેવાલય જેવું કશું નથી. ધનુષકોડ ગામ પણ નાનકડું છે. રેલવેના સેવકો અને યાત્રીઓ ઉપર જીવતા થોડાક પુરોહિતો સિવાય અહીં કોઈ રહેતું લાગતું નથી. સિમેન્ટનાં ચણેલાં કેટલાંક મકાનો અને થોડાંક ઝૂંપડાંના બનેલા એ ગામને દક્ષિણે મૂકી અમે પૂર્વમાં સ્નાનઘાટ તરફ ચાલ્યાં. જ્યાં સ્નાનનો મહિમા છે તે સમુદ્ર અહીંથી ત્રણ માઈલ દૂર છે. રેતી ખૂંદતા જવાનું અને આવવાનું. સવારનો પહોર હતો. વાદળાંને લીધે સૂર્ય ક્યારે ઊગ્યો તેની ખબર ન પડી. આખે રસ્તે રેતીનો રસ્તો જ ધ્યાનનું કેન્દ્ર બની રહ્યો. જે ભાગમાં ભરતી આવી ગઈ હતી ત્યાંની રેતી દબાયેલી હતી. એવો ભાગ આવતાં મન રાજી થતું. બાકીને રસ્તે રેતીમાં ખૂંચી જતા પગને કેવી રીતે શરીરનો ઓછો ભાર આપી સંભાળીને મુકાય કે જેથી ચાલવું સહેલું પડે તેની ચિંતા રહ્યાં કરતી. દક્ષિણે રેતી ઊંચી થઈને સમુદ્રને ઢાંકી દેતી હતી. ઉત્તરે દરિયો દૂર હતો અને તેનો રંગ ક્ષિતિજમાં તો રેતી જેવો જ લાગતો હતો. સ્ટેશનેથી સાથે થયેલો કોઈ એક પંડાનો સાગરીત અમારું પોટલું ઊંચકવાની માગણી કરતો આ બાજુ સારી કહી શકાય એવી હિંદીમાં તીર્થમહિમા વર્ણવતો હતો અને ગુજરાતીઓના પંડા પાસે જ અમને લઈ જવાની ખાતરી આપતો હતો. અહીં સૌથી ઉત્તમ કાર્ય નાગપૂજાનું ગણાય છે. નિઃસંતાન દંપતી નાગપૂજા કરી દુષ્ટ ગ્રહોને રીઝવીને સંતાન મેળવી શકે છે. બ્રાહ્મણને ચાંદી કે સોનાના ધનુષનું દાન કરવાનું અને નાગની પૂજા કરવાની. બ્રાહ્મણો નાગની પ્રતિમા અને ધનુષો તૈયાર જ રાખે છે. તમે તે ખરીદી તેનું દાન તેને જ કરી દો. તમારા મનોરથ સફળ થઈ જાય અને બે આંગળના એક ધનુષ પર જ તેને વેચાણ અને દાનનો લાભ મળ્યાં કરે. પુણ્યલાભ કરતાં સમુદ્રદર્શનની આકાંક્ષા મારામાં બળવત્તર હતી. પેલો માણસ અમને છોડે એમ ન હતો એટલે તેની વાતો સાંભળતાં સાંભળતાં અમે સમુદ્રને ઘાટે આવી પહોંચ્યાં. આ શુષ્ક રસ્તામાં એક જ આકર્ષક વસ્તુ જોવા મળી. કેટલાક માછીમારો એક લાંબા દોરને દસ દસ હાથને અંતર ઊભા રહી ખેંચતા હતા. એ જેને ખેંચતા હતા તે સમુદ્રમાં નાખેલી અદૃશ્ય જાળ હતી. એમની ગતિ મિનિટે બે હાથની ભાગ્યે હશે. શરીરને ઘણા જોરથી તેઓ આંચકો આપતા હતા. દરેક આંચકા સાથે તાલ જાળવતું એમનું ગીત ચાલી રહ્યું હતું. દક્ષિણ આફ્રિકાના જંગલીઓના સંગીતની યાદ આપે તેવા તેના સૂર હતા. અમારા પેલા સાથીએ કહ્યું: ‘દોઢબે કલાકે તેમની જાળ બહાર નીકળશે. શી ધીરજથી આટલી સખત મહેનતનું કામ તેઓ કરી રહ્યા હતા! રેતીની સપાટ ભૂમિ ઉપર નિયમિત અંતરે ઊભેલાં, લાલધોળાં ફાળિયાં તથા જાંગિયા પહેરેલા અને વિચિત્ર પ્રકારનું ગીત ગાતા એ માછીમારોનું દૃશ્ય અતિ વિશિષ્ટ હતું. અહીંના લોકો કહે છે રામચંદ્રજીએ અહીંથી બાણ મારી છૂટા રહેતા બે સમુદ્રોને ભેગા કર્યા હતા. વાલ્મીકિ જુદું જ કહે છે. સમુદ્રને રીઝવવા માટે રામ વ્રત લઈને ત્રણ રાત અહીં પડી રહ્યા; પણ સમુદ્ર ન જ આવ્યો. છેવટે સામયુક્ત ક્ષમાનીતિ તેમને વંધ્યા લાગી. प्रशमश्च क्षमा चैव आर्जवं प्रियवादिता। असामर्थ्यकला ह्येते निर्गुणेषु सतां गुणाः ॥१५ ॥ न साम्ना शक्यते कीर्तिर्न साम्ना शक्यते यशः। प्राप्तुं लक्ष्मण लोकेऽस्मिञ्जयो वा रणमूर्धनि || १७ || (वाल्मीकिरामायण, युद्धकाण्ड, सर्ग २१) હે લક્ષ્મણ! નિર્ગુણને તો બળથી જ જિતાય અને એમ કહી રામે સમુદ્રનાં સાતે પાતાળને શોષી નાખે તેવાં બાણ છોડવા માંડ્યાં. રામ ખરેખર ક્રોધાવિષ્ટ બની ગયા હતા. લક્ષ્મણે ઠપકો પણ આપ્યો કે, ‘તમારા જેવા તો કદી ક્રોધપરાયણ થતા નથી. ક્રોધ કર્યા વિના પણ તમે એને હરાવી તો શકશો જ. તમારામાં વીરતા ક્યાં ઓછી છે?’છતાં રામે સાગરને દારુણ વચનો સંભળાવ્યાં અને બ્રહ્માસ્ત્ર યોજ્યું. પૃથ્વી પ્રકંપિત બની, દિશાઓ ધૂંધળી બની, સપ્તલોકમાં હાહાકાર મચી ગયો અને સ્નિગ્ધ વૈડૂર્યના જેવા નીલધેરા વર્ણનો રક્તામાલ્યાંબર ધારણ કરેલો, પોતાનાં બધાં રત્નો પહેરેલો અને કંઠમાં સર્વપુષ્પમયી માળાવાળો સમુદ્ર આવ્યો. તેણે પોતાના વર્તનને ન્યાયયુક્ત ઠરાવ્યું. विधास्ये राम येनापि विषहिस्येऽप्यहं तथा। न ग्राहा विधमिष्यन्ति यावत्सेना तरिष्यति। हरीणां तरणे राम करिष्यामि यथा स्थलम् || २४ || (वाल्मीकि रामायण, युद्धकाण्ड सर्ग २२) એમ કહી સમુદ્રે પુલ બાંધવાની સગવડ કરી આપી. રામની સેનાએ પુલ બાંધ્યો અને રામનું અવતારકૃત્ય સિદ્ધ થયું. દ્વીપોમાં વસતી પ્રજાઓ કોણ જાણે અસાધારણ રીતે બળવાન હોય છે. લંકામાં રહેતા રાવણે ત્રિભુવનને ડોલાવ્યાં હતાં. આજે પણ જગતની દ્વીપવાસી પ્રજાઓ ખંડવાસીઓને મુકાબલે ઘણી વધારે સમર્થ છે. રામની છાવણી અહીં પડી હશે ત્યારે આ સ્થળ કેવું શોભી રહ્યું હશે! આજુબાજુના પ્રદેશમાં મહાન આંદોલન થઈ રહ્યું હશે અને સમાજવિદ્રોહીને હણવાનો ઉત્સાહ અહીંની હવાના કણેકણમાં વ્યાપી ગયો હશે; પણ આજે સાગર પારથી આવીને રાવણ કરતાંયે શતગુણા સામર્થ્ય ધરાવતા હિંદના શાસકોનો સામનો આ સ્થળેથી હવે થવાનો નથી. અહીં તો આજે સ્નાન કરીએ અને પોતાને બાળક ન હોય તો નાગપૂજા કરી હિંદની ઓછી વસ્તીમાં થોડો વધારો કરીએ! સમુદ્રનાં પાણી અત્યંત નિર્મળ રમણીય હતાં. કિનારો સપાટ હતો. રેતી ચોખ્ખી હતી. પવન નીકળ્યો હતો. મોજું તો સમુદ્રનું જ. આછા વાયરામાં પણ તેની લહરી છાતી જેવડી ઊંચી ઊઠે છે. લંકાના કિનારાને અડી અડીને પાણી દૂર દૂરથી હર્ષભેર ચાલ્યાં આવ્યાં હતાં. સૂરજ ઘડી વાર નીકળ્યો. સાગરનાં કંચન જેવાં પાણી ઘડી વાર ઝળહળી ઊઠ્યાં. ઝગમગાટ ઝગઝગાટ! પૂર્વ દિશાને મંડિત કરતા સૂર્યના પ્રકાશમાં એ પૂર્વસમુદ્ર પ્રકાશની સાથે જ મળી જતો હતો. આકાશ અને સાગર મળે છે કે જુદાં પડે છે તે કળાતું ન હતું. મેં પાણીમાં પ્રવેશ કર્યો. કેટલાંય દંપતીઓ સજોડે સ્નાન કરતાં હતાં. હું સાગરનો તારો હોત તો! આ પાણીમાં તરતો તરતો ઠેઠ લંકા પહોંચી જાત. પણ ત્યાં તો એક મોટા મોજાએ એક જ હિલોળાથી મને નીચે પાડી દીધો! અહીં સમુદ્રના સંગમનું અદ્ભુત દૃશ્ય દેખાય છે એમ બધા યાત્રીઓએ મને કહેલું, પણ અમે કઋતુએ આવ્યાં હોઈશું તેથી હો કે પેલાં વાદળને લઈને હો, એક આછાઘેરા લીલારતૂમડા પટ સિવાય બીજું કંઈ જોવાનું ન મળ્યું. એ સમુદ્રસંગમનું દૃશ્ય તો કન્યાકુમારીમાં જ જોઈ શકાયું. અહીં કિનારાથી થોડેક દૂર જતાં સાગર અપાર્થિવ તત્ત્વ બની વાદળઘેરા આકાશમાં ભળી જતો હતો. ત્યાં ક્ષિતિજ નહોતી, સાગર નહોતો, હતું એક ધૂંધળું આકાશ. કન્યાકુમારી જેવી ખડકાળી જમીનની સુરેખ અણી પણ અહીં ન હતી. સમુદ્રને જોવાની કન્યાકુમારી જેવી ઊંચી જગ્યા પણ અહીં ન હતી. અહીં સર્વત્ર રેતીવાળો સપાટ પ્રદેશ પડ્યો હતો. આમ ઉત્તરમાં સમુદ્ર વળાંક લઈ પશ્ચિમમાં વધતો જતો હતો. દક્ષિણમાં તો પશ્ચિમે સહેજ ચડતો જતો. કન્યાકુમારીની સુરેખ મનોરમ આકૃતિનું થયેલું દર્શન આના કરતાં વધારે સુંદર હતું. છતાં અહીંની આ કિનારાની આરક્ત રેતી અને આ નિર્મળ પાણીનાં લાંબાં લાંબાં મોજાં એય ક્યાં ઓછાં સુંદર હતાં? બ્રાહ્મણોની આશા પૂરી કરી અમે પાછાં વળ્યાં. ભીનાં કપડાં પેલા અમારા અનુસહચરે ઉપાડી લીધાં. દૂર દક્ષિણમાં એક સ્ટીમરનું ભૂંગળું ધુમાડા કાઢતું દેખાયું. મનારથી રોજ નવ વાગ્યે આવતી એ મેલબોટ હતી. એની ટપાલ અને ઉતારુઓ લઈ ટ્રેન ઊપડવાની હતી. મોડા પડવાના ભયે અમે પગને વેગ આપ્યો. ટ્રેન સ્ટેશન ઉ ૫૨ થી નીકળી બોટના ઉતારુઓને લેવાને પિઅર-ગોદી ઉપર ગઈ. ગોદીની નીચે દરિયો ઊછળતો હતો. પવન વધ્યો હતો. વાદળ ચડ્યાં હતાં અને ઘડીકમાં તો વરસાદ આવી પહોંચ્યો. હવે અહીંથી લંકા કેટલું દૂર? એકવીસ માઈલની આ પાલ્કની સામુદ્રધુની ઓળંગો એટલે આ રામેશ્વરના બેટ જેવો જ સામે મનારનો બેટ આવે. એક કાળે તો લંકા ખંડસ્થ ભૂમિનો જ એક ભાગ હતો. આજે એક છીછરી સામુદ્રનદી બેની વચ્ચે વહી રહી છે; પણ પાછી જમીન પાણી ઉપર પોતાનું સરસાપણું જમાવવા મહેનત કરતી લાગે છે. બંને ખંડભૂમિમાંથી રેલવે રામેશ્વર અને મનારના ટાપુઓ ઓળંગી ઠેઠ દરિયાકિનારે પાણીમાં પગ ઝબોળતી આવી પહોંચી છે અને કિનારા પર ઊભી ઊભી સામસામે હાથ લંબાવી રહી છે. આ એકવીસ માઈલમાં પણ સાત માઈલ લગી તો ખડક અને નાના ટાપુની હાર ચાલુ રહે છે. એ આદમનો પુલ. રેલવે કંપની આ આદમબાવાના પુલને અને બીજા દરિયાને બાંધી ઠેઠ સિલોનમાં રેલવે લઈ જવા માગે છે. તે પછી લંકા અને ભારતનો વિરહ મટી જશે અને ભૂમિની એકતા સ્થૂલરૂપે અંશતઃ પણ વ્યાવહારિક કાર્યરૂપે સંપૂર્ણ સધાશે. અત્યારે તો અહીં રોજ આંટાફેરા કરતી ગોશેન ગ્લાસગો સ્ટીમર – દરિયાની આગગાડી જમીનની આગબોટ સાથે વાત કરતી હોય તેમ ઝોલાં ખાતી હતી. દરિયો જોવાની ખૂબ મઝા આવતી હતી. દૂર દૂરથી મોજાં ચાલ્યાં આવતાં હતાં. ક્યાંથી આવતાં હતાં? એનું નીકળવાનું સ્થાન ક્યાંથી? દરેક સ્થળે કિનારા તરફ જ મોજાં ધસતાં હોય છે. તેઓ પણ હોડી કે સ્ટીમર પેઠે આ કિનારેથી નીકળી પેલે કિનારે અને ત્યાંથી અહીં એમ નિયમિત આવજા કરતાં હોય તો! પણ મોજાં એટલે તરંગ અને તરંગ જો યોજનાપૂર્વક કામ કરે તો પછી તરંગ કોને કહીશું? વરસતા વરસાદમાં ગાડી ઊપડી. વાદળમાં ઢંકાઈ ગયેલા દરિયાને પ્રણામ કર્યા. ટ્રેન આગળ વધી. વરસાદ પાછળ રહી ગયો. પામવન થઈ અમે રામેશ્વર પહોંચ્યાં ત્યારે મઝાનો તડકો પડી રહ્યો હતો.