દક્ષિણાયન/મદુરા
મદુરા! દક્ષિણભારતની સ્થાપત્યકલા અને ધાર્મિક સંસ્કારિતા અને વ્યાપારિકતાના કેન્દ્ર જેવા મદુરા તરફ અમે વળ્યાં. આજે સવારે તિનેવેલીથી પ્રારંભાયેલા અને સાંજે મદુરામાં પૂરા થયેલા પ્રવાસમાં હવા અને ભૂમિના ખૂબ મઝાના પલટા જોવા મળ્યા. કપડાંને ચીકણાં કરતો ભેજ, કંઠે પાણીનો સોસ પાડતો તડકો અને મઝાની મધ્યમ પ્રકારની વાયુલહરીઓ; પર્વતમાળા, પાલમાયરાનાં વન અને ખુલ્લાં ખેતરો; લુખ્ખી સડકો અને પીળી ધોળી અને રાતી જમીન; બધું એક રંજક વૈવિધ્યથી ઊભરાતું દર્શન બની રહ્યું છે. અમે પૂર્વોત્તરમાં ઈશાનમાં જતાં હતાં. ઇલાગિરિની પ્રલંબ હારમાળા ધીમે ધીમે ઉત્તરપશ્ચિમમાં સરકતી જતી હતી. તિનેવેલીની ભાગોળમાંથી વાદળાંઓએ પર્વતનાં શિખરો સાથે શરૂ કરેલી રમતો હજી પૂરવેગથી ચાલુ હતી. જોતાં થકાય જ નહિ તેવું એ દૃશ્ય હતું. દૂર દૂર સરતી પર્વતમાળા ‘આવજો, આવજો’ કહેતી વાદળોના રૂમાલ ઉડાડતી હતી. રંગોની મિલાવટ ઝડપથી શીખી રહ્યાં હોય તેમ વાદળાં ઘડીકમાં પર્વતનાં રંગ ધારણ કરીને દર્શકને ભુલાવામાં નાખતાં, તો ઘડીકમાં સૂર્યનાં કિરણોને પણ શરમાવે તેવી ઉજ્જ્વળતા ધરી લેતાં. અને તેમણે સાંજને વખતે તો પોતાની રંગલીલા પૂર ઠાઠમાં ઊજવી આપી. રંગોના મોટા વેપારી સૂરજ મહાશયે ઉદાર હાથે આ લોકોને રંગ ધીર્યા. સોનાનું એક મોટું ઝરણ આવીને પશ્ચિમની આકાશભૂમિમાં લાંબું રેલાઈ ગયું અને એમાં પોતાની પીંછીઓ બોળી બોળીને વાદળાંએ આકાશને ચીતરી નાખ્યું. પૃથ્વી પરનાં માણસોની કળામાં મૂર્ત થતી પ્રતિભાનું ઉપમાન ક્યાંયથી પણ જડી શકે તેમ હોય તો તે આ વાદળમાંથી જ મળી શકે એમ લાગે છે. ક્ષણે ક્ષણે નવીનતા ધરતું અને સદાયે રુચિરતા પ્રગટાવતું સ્થૂલ મૂર્તિમાન સૌંદર્ય પૃથ્વી પર જો કોઈ હોય તો તે વાદળોનું જ છે. હવે જમીન વધારે સ્પષ્ટ રીતે બદલાવા લાગી. ડાંગરનાં ખેતર તદ્દન અદૃશ્ય થઈ ગયાં. તાડ પણ જતા રહ્યા. ભેજવાળી માટીને બદલે ચરોતરના જેવી ગોરમટી આવવા લાગી અને ખેતરો પણ તુવેરનાં આવવા લાગ્યાં. ડુંગરો તો દૂર જતા રહ્યા હતા અને અદૃશ્ય થતા વહાણની ટોચ જેવાં પોતાનાં શિખરમુખો ક્ષિતિજ ઉપર ટેકવી અમને જોઈ રહ્યા હતા. હવે એ ક્યારે જોવા મળશે એ ખ્યાલે હું ઉદ્વિગ્ન બન્યો. ખુલ્લાં વિશાળ ખેતરોમાંનાં કેટલાંક તાજાં ખેડાયેલાં હતાં. ક્યાંક બેચાર એકરમાં કેળની ગીચ વાડી આવી જતી, કાઠિયાવાડ જેવા પાણી ખેંચવાના ઢેકવા અને સૂંઢિયા કોસ પણ આવવા લાગ્યા. મલબારની બેશુમાર હરિયાળીએ આંખોને ધરવી ધરવીને અજીર્ણ રોગી બનાવી દીધી હતી; તેમને હવે આ ભૂમિપરિવર્તનથી મોટી રાહત મળી. લાડુ ખાધા પછી મીઠું પાણી પીતા હોઈએ તેમ આ ખુલ્લાં ખેતરો અને તેમાં ઊગેલી તુવેરની આછી લીલોતરીને નિહાળતાં અમે આગળ જવા લાગ્યાં. અવારનવાર આવતી કેળની વાડી તો કેળાંનાં બટકાં જેવી ગળી લાગતી. સાંજે આઠ વાગ્યે મદુરા અને દક્ષિણની આબરૂના માથામાં ઝટકો મારે તેવા ઝટકામાં બેસીને શ્રી રત્નમણિરાવની કંપનીમાં, અમારા આગમનનું સૂચન આપતાં કેટલાંક બાળકો શુદ્ધ ગુજરાતીમાં ‘કોઈ આવ્યું, કોઈ આવ્યું!’કરતાં એક ઘરમાં પેઠાં. શું અમે ગુજરાતમાં જ આવ્યાં હતાં? હા, એ શુદ્ધ ગુજરાત હતું. ગુજરાતી વેપારીઓની એ પૂરી ગુજરાતી ઢબની દુકાન હતી. ગુજરાતી ઢબના ગાદીતકિયા અને ગુજરાતી ઢબની ઘરસજાવટ અહીં હતી અને એ સૌમાં અમારા યજમાનો આ ભૂમિની રહીસહી અપરિચિતતાને મટાડી દેતા હતા. મદુરાના વિકાસમાં ગુજરાતીઓનો ફાળો વિશેષ છે. અહીંનો કાપડ અને ઝવેરાતનો વેપાર એમના હાથમાં છે. વળી અમારા લત્તામાં વસતા સૌરાષ્ટ્રી લોકો મૂળ ગુજરાતમાંથી જ આવેલા છે. મદુરાને મદ્રાસ ઇલાકામાં અમદાવાદનું સ્થાન અપાવવામાં અત્યારના કે આ જૂના ગુજરાતીઓનો કીમતી ફાળો છે. અહીં જે ગુજરાતી ભાઈઓ મળ્યા તેમણે ગુજરાતની વેપારી સંસ્કૃતિ બરાબર જાળવી રાખી હતી.
- સૈકાઓથી અહીં વસેલા આ લોકો પોતાને સૌરાષ્ટ્રી કહેવડાવે છે, પણ સૌરાષ્ટ્ર ક્યાં છે તેની તેઓને ખબર નથી. કાઠિયાવાડી લોકોની ભાષાને મળતી ભાષા તેઓ ઘરમાં વાપરે છે. જોકે બીજા બાહ્ય આચારવિચારમાં તેઓ અહીંના લોકો જેવા જ બની ગયા છે. વતન છોડી પરદેશને પોતાનો કરનાર ગુજરાતનાં ઘણાં માણસો કે જાતિઓમાં આ જાતિનો ઇતિહાસ પણ રસિક હોવો જોઈએ.
સવારના પહોરમાં થોડુંક ગુજરાતી જાણનાર અમારા તામિલ નોકરને લઈ અમે મંદિરનાં દર્શન માટે નીકળ્યાં. દક્ષિણ ભારતના ગૌરવ વિશે, તેની સ્થાપત્યકલા વિશે જયારે જ્યારે કંઈ વાંચ્યું અથવા સાંભળ્યું છે ત્યારે મદુરાનું નામ હંમેશાં મોટા મહિમાપૂર્વક ઉલ્લેખાતું દીઠું છે. એ મહિમા શેનો છે? મદુરાની પ્રાચીનતાનો, સ્થાપત્ય-સમૃદ્ધિનો અને તેની જીવતી ધાર્મિકતાનો. ગ્રીક ઇતિહાસકાર ટૉલેમીના ગ્રંથમાં મદુરાનો Modoura તરીકે ઉલ્લેખ છે. અહીંના પાંચ રાજાઓ સમુદ્રમાંનાં મોતીનાં ખેતરોને લીધે પારાવાર સમૃદ્ધ થયા હતા. અશોક સંબંધી અહીં ઉલ્લેખ મળી આવે છે. પાંડવો પણ અહીં આવી ગયા હતા એમ કહેવાય છે. અહીંના સ્વતંત્ર પાંચ રાજાઓ આખા દક્ષિણને પોતાની બાથમાં લેનાર પલ્લવ વંશમાં આખરે અંકાઈ ગયા. અમુક વખત મદુરાને તેઓએ રાજનગર પણ બનાવેલું. દસમી સદીના આરંભમાં આ પલ્લવોને ચૌલોએ હરાવ્યા. આ ચૌલોના પ્રતાપી અમલમાં તાંજોર અને ત્રિચિનાપલ્લીનાં મંદિરો બંધાયાં. ચૌલોને દક્ષિણમાંથી હઠાવી તેમના પર આધિપત્ય મેળવનાર મૈસૂરના હોયશલ રાજાઓ અને તે પછી છેવટે દક્ષિણની રાયસમૃદ્ધિના છેલ્લા ઉજ્જવળ સિતારા જેવા વિજયનગરના રાજાઓની આણ અહીં ફરતી હતી. વિજયનગરના નાયબ સૂબાઓ અહીંના રાજકર્તા હતા. વિજયનગરની પડતી દશામાં તેઓ સ્વતંત્ર રાજા બની ગયા હતા. આ રાજાઓની સાથે અહીંના મંદિરનું નામ અનેક દંતકથાઓથી સંકળાયેલું છે. મદુરા એ દક્ષિણ હિંદનાં જાણીતાં મંદિરનગરોમાંનું એક છે. આવાં નગરો, ઉત્તરહિંદનું કાશી બાદ કરતાં માત્ર દક્ષિણમાં જ મળે છે. પ્રજાના જીવનમાં ધર્મભાવના કેટલી દઢ થયેલી છે તે આમાંથી ખૂબ જોવા મળે છે. સમગ્ર જીવનનો અને માનવવ્યવહારનો અધિષ્ઠાતા ઈશ્વર જ છે, રાજા પણ માત્ર તેનો અનુચર જ છે, એ ભાવનાથી રાજાની રાજધાનીઓમાં મંદિરો જ મુખ્ય સ્થાને હોય છે. વિજયનગરને બાદ કરતાં દક્ષિણના રાજવંશોની રાજધાનીઓનું અસ્તિત્વ આજે રાજમહેલો નહિ; પણ દેવમંદિરો જ અવશેષ રૂપે જાળવી રહ્યાં છે. દંતકથા કહે છે કે આ સ્થળે પૂર્વે કદંબવન હતું. સાબિતીરૂપે આજે પણ મંદિરમાં એક ઝાડને કદંબ તરીકે બતાવાય છે. આ કદંબવનમાં શિવનું સ્વયંભૂ લિંગ દેવદેવીઓથી પૂજાતું રહેતું. એક વખતે માનાવર નગરનો ધનંજય વેપારી પશ્ચિમ કિનારેથી પાછો ફરતો હતો. રસ્તામાં પડાવ નાખી તે જંગલમાં ફરવા લાગ્યો. ફરતાં ફરતાં તેણે એક સ્થળે ઇંદ્રને પેલા સ્વયંભૂ લિંગની પૂજા કરતો જોયો. બીજે દિવસે ધનંજયે પાંડ્ય રાજાને વાત કરી અને તેણે ત્યાં નગર રચવાનો સંકલ્પ કર્યો. સુંદરેશ્વર શિવે રાજાને સ્વપ્નમાં કહ્યું કે ‘કાલે એક સર્પ તારી પાસે આવશે અને નગરની રચના કેવી રીતે કરવી તે તને બતાવશે.’બીજે દિવસે સુંદરેશ્વર પોતે જ સર્પરૂપે આવ્યા. મોઢું અને પૂંછડું પોતાના વિશાળ શરીરની વચ્ચે લાવીને શરીરથી તેમણે નગરનો આકાર સૂચવ્યો અને પછી ચાલીને નગરની હદ નક્કી કરી આપી. રાજાએ – હલાશયે વાંકા સર્પાકારે નગર બાંધ્યું. દેવની પ્રતિષ્ઠા થઈ. મહિમા વધવા લાગ્યો. શિવનો સદાનો ભક્ત ઇંદ્ર કોક પાપ કરી બેઠો હશે. દેવોને પાપ કરવા ક્યાં દૂર જવું પડે છે! તે ચૈત્રી પૂનમે અહીં પાપપ્રક્ષાલન કરવા આવ્યો અને દેવે તેને પાપમુક્ત કર્યો. કૃતજ્ઞતા રૂપે તે અષ્ટ ઐરાવત – પુંડરીક, વામન, કુમુદ, અંજન, પુષ્પદંત, સાર્વભૌમ અને સુપ્રદીપ ઉપર સુંદરેશ્વરની સ્થાપના કરી આપતો હતો. કથા આગળ ચાલે છે. પાર્વતીજી પોતે પાંચ રાજાની પુત્રી તરીકે મીનાક્ષી નામે અવતર્યાં. સુંદરેશ્વર રાજા પાસે તેનો હાથ માંગ્યો. ધન્ય ભાગ્ય! મહાન ધામધૂમથી દેવ સાથે રાજદુહિતાનું લગ્ન થયું. આજે અહીંના દેવ સુંદરેશ્વર છે; પણ મહિમા તો મીનાક્ષી દેવીનો જ અધિકતર છે. લગ્નજીવનની બધી કામનાઓ ફલિત કરનાર તેના કૃપાકટાક્ષો છે. આજે પણ દર વર્ષે મીનાક્ષી સુંદરેશ્વરનાં લગ્ન ધામધૂમથી ઊજવાય છે અને એ લગ્નમુહૂર્તે અનેક યુગલો અહીં મંદિરમાં જ આવીને સંલગ્ન થાય છે. એમાં કોઈને શંકા નથી કે સુંદરેશ્વર અને મીનાક્ષી અહીં હાજરાહજૂર છે. તેઓ માત્ર સમાધિમાં કે સ્વપ્નમાં જ દર્શન નથી દેતાં, પણ માણસો સાથે પ્રત્યક્ષ વ્યવહારમાં પણ અવતરે છે. મદુરાનું મંદિર ધીમે ધીમે વિદ્યા અને ધર્મનું મહાન ધામ બનવા લાગ્યું. તામિલ સાહિત્ય અહીં સર્જાવા લાગ્યું. વિદ્વાનોનો અહીં સંગમ થવા લાગ્યો. એવી એક સભામાં એક વાર સુંદરેશ્વર પોતે કવિ બનીને આવ્યા. તેમણે પોતાની દિવ્ય પ્રતિભાશક્તિ બતાવી અને સૌને પ્રસન્ન તથા કૃતાર્થ કર્યા. આ જ મંદિરમાં કારાઇકલ અમ્માઈ નામની એક મોટી સ્ત્રીસંત થઈ ગઈ. મંદિરના રજતમંડપમાં નટરાજને નૃત્ય કરતાં. તેણે સાક્ષાત્ જોયેલા. આજે તેનું મંદિર અહીં છે. રાજપુરુષોએ તેમ જ ધનાઢ્યોએ મંદિરને ઘણી બક્ષિસો આપેલી છે, ઘણાં ચણતરો કરાવી આપ્યાં છે. આવી રીતે જંગલોમાં એકલા પૂજાતા શિવલિંગમાંથી આ વિશાળ નગર જેવા લાગતા મંદિરનો વિકાસ આમ ભક્તોની પેઢી દર પેઢીએ થયેલો હોય એ તદ્દન સંભવિત છે. મૂળ શિવલિંગના ફરતી નાની વેદી રચાઈ હશે, તેની ફરતા મંડપો રચાયા હશે, ગોપુર બંધાયાં હશે, તેને ફરતા વળી નવા કોટ અને નવાં ગોપુર, વળી કોટ અને ગોપુર બંધાયાં હશે. નવા નવા ભક્તોએ નવી નવી રચનાઓ, મંડપો, સ્તંભો વગેરે ઉમેર્યાં હશે. એક કળીમાંથી જુદી જુદી પાંદડીઓ વિકસે તેમ ક્રમશઃ આ મંદિર વિકસતું ગયું છે. અત્યારે જે રૂપમાં મંદિર છે તે રૂપમાં જ તેની રચના પ્રારંભથી થઈ છે તેમ નથી; એટલે જ અહીં પ્રથમ આવનારને મંદિરમાં સુગ્રથિત યોજના જેવું કંઈ છે કે નહિ તે તરત દેખાતું નથી. અહીંનાં ઘણાં ગોપુરો, આડાઅવળા સ્તંભમાર્ગો, અંદરના ઘણા મંડપો, એ આ કથનને ટેકારૂપ છે અને મદુરાની પરમ ભવ્યતા જેમાં સમાઈ છે તે બહારના કોટનાં ચાર ગોપુરો તો જુદે જુદે વખતે થયેલી ચાર જુદી જુદી સ્પષ્ટ રચનાઓ છે. અહીંનું કેટલુંક ઉત્તમ શિલ્પ ૧૮ મી સદીનું અદ્યતન છે. ઉત્તર ગોપુર તો ઠેઠ ૧૯ મી સદીમાં કોક ભક્તવરે ચણાવેલું છે. આખા દક્ષિણમાં ભવ્યતાની હદે પહોંચતાં હોય તેવાં બે જ મંદિરો છે મદુરાનું અને રામેશ્વરનું. શિલ્પસ્થાપત્યનાં આ બે અમર મહાકાવ્યો છે. ગગનગામી ગોપુરમ્વાળાં, વિશાળ પ્રાકારોવાળાં, નાનીમોટી શિલ્પરચનાઓથી મધુર બનેલાં એવાં તો સેંકડો મંદિરો દક્ષિણમાં છે. કેટલાંક મંદિરોનો મહિમા પણ આ બેના જેવો કે તેથીયે અધિક છે. પણ એ બધાં સંસ્કૃતમાં રચાયેલાં ‘કિરાતાર્જુનીય’, ‘શિશુપાલવધ’ આદિ જેવાં કૃત્રિમ મહાકાવ્યો છે. મહાકાવ્યની ખરી ભવ્યતા અને મહત્તા જેમ રામાયણ અને મહાભારતથી અન્યત્ર નથી મળતી, તેમ જ દ્રાવિડી સ્થાપત્યની ભવ્યતા અને મહત્તા આ બે સ્થળથી અન્યત્ર ઉપલભ્ય નથી અને આમાં રામેશ્વરના મંદિરને હું રામાયણ સાથે સરખાવું અને મદુરાના મંદિરને મહાભારત સાથે. આ બંને શિવમંદિરો છે; છતાં બંનેના વાતાવરણમાં અને સ્થાપત્યમાં ઘણો ફેર છે. સ્થાપત્યની દૃષ્ટિએ રામાયણના કથાનક પેઠે રામેશ્વરનું મંદિર એક પ્રકારની સરળતા ધરાવે છે. મદુરાનું મંદિર મહાભારત પેઠે અનેક પ્રકારે સંકુલ છે. રામાયણની સરળ અને તેના બનાવોની સીધી અને વિશાળ ઉત્તુંગ બૃહત્તા મહાભારતની જંગલનાં જાળાં જેવી કથાઓને પ્રાસાદિકતામાં ટપી જાય છે તથા રામેશ્વરના એ ઊંચા સીધા અને પહોળા સ્તંભમાર્ગો મદુરાના આડાઅવળા માર્ગો કરતાં આંખને વધારે પ્રભાવિત કરે છે. છતાં મહાભારતનાં અનંત પાત્રોના નિરનિરાળા મધુર કરુણ ઉગ્ર આલેખન જેવી અહીંની શિલ્પસમૃદ્ધિ રામેશ્વરમાં નથી. રામાયણની કથાને ટૂંકમાં કહેવી સહેલી છે, પણ મહાભારતને માટે તેવું શક્ય નથી. તે જ રીતે મદુરાના મંદિરનું પણ વર્ણન આપવું સહેલું નથી. તોય મહાભારતનાં પર્વો પેઠે મંદિરના મુખ્ય વિભાગ વર્ણવી તેનો થોડો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરી જોઉં. આ મંદિરની રચનાની સમગ્રતાનો ખ્યાલ તો આકાશમાંથી જ આવી શકે. માટે આપણે આકાશમાંથી આ મંદિરને જોઈએ. લગભગ બે ફર્લીંગ જેટલી લંબાઈની ચાર દીવાલોના સમચોરસ કોટની મધ્યમાં મીનાક્ષીના મંદિરનો સુવર્ણઘુમ્મટ રતૂમડાં ગોપુરોની ઊંચી પાંદડીઓમાં સુવર્ણરંગી પરાગના પુંજ જેવો ચળકતો દેખાશે. સુંદરેશ્વરનું શિખર તેના કરતાં ઓછું દીપ્તિવાળું લાગશે, કારણ અહીં મહિમા મીનાક્ષીદેવીનો જ વધારે છે. એ સુવર્ણશિખરની આજુબાજુ ફરતો એક પછી બીજો એમ બે નાના કોટ દેખાશે. મુખ્ય કોટના ખૂણામાં ક્યાંક નાનાં છાપરાં કે વાડા દેખાશે અને એમાં હાથીઓ હશે તો તે પણ નાની ભેંસો જેવા દેખાશે. માણસો તમે બહુ થોડા જોઈ શકશો કારણ તેમનો અવરજવર પેલા પૂર્વ ભાગમાં છાપરાથી ઢંકાયેલા મંડપમાર્ગોમાં થઈને જ પ્રધાનતઃ રહે છે. મંદિરની અંદરનું સ્થાપત્ય તો તમે કંઈ જોઈ શકશો નહિ. માત્ર કુલ ગણતાં ૨૧ થવા જતાં ગોપુરમ્ની ટોચો દેખાશે. અલબત્ત, એમાં સૌથી ભવ્ય તો મુખ્ય કોટનાં ચાર ગોપુરમ્ હશે. પણ એની ગગનગામી કાયાનું રોમાંચક દર્શન તો પૃથ્વી પરથી જ થઈ શકે છે. કોઈ પણ વસ્તુની ઊંચાઈનો ખ્યાલ તેનાથી નીચા હોઈએ તો જ મેળવી શકાય ને? માટે હવે નીચે જ જઈએ. પૂર્વનું પેલું મહાન છતાં નિષિદ્ધ ગણાતું ગોપુરમ્ તજીને મીનાક્ષીની સામેના નવા રચેલા નાના ગોપુરમ્માંથી જ આપણે પેસવાનું છે. એના દરવાજાની ગોળ કમાન ઉપર, તેનાં બે પડખાંની ઉપર, અંદરની લાંબી ગોળાકાર છત ઉપર, તેમ જ ડાબેજમણે ભીંતોને અડતી અનેક મૂર્તિઓ છે. દરવાજાની કમાન ઉપર આખો શિવપરિવાર, શિવપાર્વતીને કેન્દ્રમાં રાખી ગ્રુપફોટો પડાવવા બેઠો હોય તેમ વિરાજે છે. એમના મૂળે નૈસર્ગિક કુદરતી માટીના રંગોની ઉપર નાટકનાં પાત્રોની બનાવટ જેવા રંગો લગાવી દીધેલા છે. શિવના રાજત્વની અને રાજકુટુંબની ભવ્યતાની બધી છાપ પહેલી નજરે જ પાડી દેવી જોઈએ. એટલે શિવનો કોઈ પણ વંશજ પોતાનું ગૌરવ દેખાડવામાં કમી રાખતો નથી. આ બાજુ ગણપતિ રહ્યા, એમના પૂરા દુંદાળા ઠાઠમાં. અંદર બંને બાજુ થાંભલા ઉપર અહીંના નાયક રાજાઓની રાણીઓ દેવભક્તિ કરતી ઊભી છે. ઉપર છત પર પણ ઘણું છે. આજુબાજુમાં દેવને ધરાવવાના નૈવેદ્યની દુકાનો છે. નાળિયેર, કેળાં અને ફૂલ વેચતા વેપારી અને ખરીદતા ભક્તોનો સારો કોલાહલ છે. તમારે જોડા પણ આ કોઈ દુકાનવાળાની સંભાળમાં જ મૂકી જવા જોઈએ. આગળ જતાં ડાબી બાજુએ અહીંનું ક્ષેત્રતીર્થ આવે છે. એને ફરતી રવેશની ભીંતો પર સુંદરેશ્વરની લીલાઓ આલેખાયેલી છે. આ રવેશની લીલાઓ જોઈ આગળ વધતાં જમણે હાથે ઉત્તરાભિમુખ થઈએ અને એક વિશાળ ઉત્તરદક્ષિણ લંબાયેલા ઊંચા મંડપમાં પ્રવેશ કરીએ. આ છે મીનાક્ષીદેવીના ગર્ભગૃહ આગળની પ્રલંબ વીથિ. બંને બાજુએ આવેલા થાંભલા હૃદયને થડકાવે એવી ભવ્યતાવાળા છે. દક્ષિણ હિંદની શિલ્પપ્રતિભાનું વિશિષ્ટ સર્જન કહી શકાય તેવી એક રચના અહીં તેના ઉત્તમ રૂપે આલેખાયેલી છે. એક હાથી બેઠો છે અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ઊભેલો સિંહ પોતાના પંજામાં હાથીની ઊંચી કરેલી સૂંઢને પકડી રહ્યો છે. સિંહના ફાટેલા મોંમાંથી જીભ લટકી રહી છે અને તેના અણીદાર દાંત દેખાય છે. સિંહની આકૃતિ ભયાનક લાગે છે; હાથી દીન બની ગયેલો છે. સિંહ અને હાથીના આ આયોજનમાં સિંહનું કદ મૂળ જેટલું જ રહ્યું છે. હાથીને તેના પગમાં સમાઈ શકાય તેટલા નાના બનવું પડ્યું છે, એટલે એ કોઈ બીજું જ પ્રાણી બની જતો લાગે. તથાપિ આ આયોજન કેટલીક વાર એવાં સુરેખ બને છે કે એ વિસંવાદને વિચારવાની આપણને તક નથી રહેતી. દક્ષિણના શિલ્પીઓએ આ રચનાનો ઠેર ઠેર ઉપયોગ કર્યો છે અને પોતપોતાની શક્તિ પ્રમાણે તેમાં સુરૂપતા-કુરૂપતા ઉપજાવી છે. અહીં સ્તંભો પર એકાંતરે આ ગજસિંહરચના હતી અને એકાંતરે પૂરા માનવ-કદથી પણ મોટી એવી પ્રતિમાઓ હતી. બેલૂરની પ્રતિમાઓનું માધુર્ય અહીં નહોતું, તો એમની જે પ્રબળ લૌકિકતા તે બેલૂરમાં પણ નહોતી. પેરૂર અને પદ્મનાભનાં મંદિરોમાં જોયેલી પ્રતિમાઓના શિલ્પની હથોડીએ જ આ પ્રતિમાઓ ઘડાયેલી લાગતી હતી. આ પ્રતિમાઓમાં પાંચ પાંડુપુત્રો, વાલી, સુગ્રીવ, હરિશ્ચન્દ્ર, રતિ વગેરે છે એમ અમારો ભોમિયો કહેતો હતો. આ લાંબી વીથિની વચ્ચે જ મીનાક્ષીની વેદી તરફ જવાનું પ્રવેશદ્વાર આવી જાય છે. મહારાણીના નિવાસગૃહને છાજે તેવી શોભા અહીં કરેલી હતી. મંદિરના મુખ્ય ગોપુરદ્વારેથી પેસતાં શરૂ થયેલા દ્વારપાળો જુદે જુદે આકારે, રૂપે કે રંગે જ્યાં જ્યાં પ્રવેશદ્વાર જેવું આવે ત્યાં આવતા-જતા હતા. મંદિરોમાં દેવમૂર્તિને જે સ્થળે રાખવામાં આવે છે તેને ગર્ભાગાર કહે છે તે શાને તે અહીં પ્રવેશતાં ચોખ્ખું સમજાયું. સાચે જ ગર્ભાશય આવું હશે. અહીં ક્યાંયથી પ્રકાશ કે હવાનો પ્રવેશ થવા દેવામાં આવતો નથી. બીજાં કેટલાંક સ્થળોએ તો આથી પણ ભયાનક અંધારું અનુભવવાનું મળ્યું, છતાં આયે અસહ્ય તો હતું જ. અંદર પેઠા પછી એક અંધારા મંડપની સામી બાજુએ મીનાક્ષીદેવીને દીઠાં. ભક્તજનોની ભીડ હતી. અમારા નૈવેદ્યની સાથે અમને પણ દેવીની પાસે જવાનો લાભ મળ્યો. હવામાં કોરા કોપરેલની છાક ભરેલી હતી. બળતી દીવીઓ, લોકોનો ઘોંઘાટ અને ગરમી ઊભા રહેવું મુશ્કેલ કરી મૂકતાં હતાં. બહારના અજવાળામાંથી અંદર આવતાં ઝંખવાયેલી આંખો પહેલાં તો કશું જોઈ ન શકી. ક્રમે ક્રમે એ અંધારો ચોક ઊજળો થવા લાગ્યો. આ ડાબી બાજુએ તીરુમલ્લનાયક અને તેમની બે રાણીઓ ત્રણે મીનાક્ષીનાં પરમ ભક્તો હાથ જોડીને ઊભાં છે. આમ જમણે પડખે મીનાક્ષી સુંદરેશ્વરનું શયનમંદિર રહ્યું. દક્ષિણાના પ્રાર્થી પૂજારીએ બારણું જરાક ઉંઘાડ્યું પણ દેવના શયનમંદિરમાં દૃષ્ટિપાત કરવાની ધૃષ્ટતા ન કરતાં અમે જાગતાં મીનાક્ષીનાં જ દર્શન કરી લેવાં યોગ્ય માન્યાં. અનેક ભક્તહૃદયોની અંજલિ નૈવેદ્ય અને અર્ચનાનો પૂજારીને હસ્તે સ્વીકાર કરતાં મીનાક્ષી મહારાણીની છટાથી ઊભાં હતાં. પણ એ તે દેવી હતાં તેથી કે પછી પથ્થરનાં હતાં તેથી જ આટલી બધી સહનશક્તિ દાખવી શકતાં હશે? આટલી બંધિયાર હવા, રાતદિવસ ભક્તોની ભીડ અને આરોગવાનાં બેશુમાર નૈવેદ્ય પ્રાકૃત માનવને તો મરણશરણ જ પહોંચાડી દે. એ તો દેવત્વનો જ પ્રતાપ! એમને શ્વાસ લેવાની તો જરૂર ન હતી અને નૈવેદ્ય અને અર્ચનાના પ્રત્યક્ષ ફળનો ભાર પૂજારીઓ જ લઈ જતા હતા એટલે તેઓ સર્વથા ચિંતામુક્ત હતાં. મંદિરના પૂજારીઓ દૈવી પ્રતાપથી આ અમાનુષ સંજોગોને પણ અનુકૂળ થઈ ગયા હતા. હું હૃદયમાં ભક્તિની સરવાણી પ્રગટાવવા મથ્યો, પણ તે હાથ ન આવી તે ન જ આવી. સુંદરેશ્વરની સંમુખનો, દ્રાવિડી સ્થાપત્યના રત્નમુકુટ જેવો આખો પૂર્વમંડપ અપૂર્વ શિલ્પસમૃદ્ધિથી ભરેલો છે અને તેમાંયે સુંદરેશ્વરની બરાબર સામેનો નંદીમંડપ એ આ રત્નમુકુટમાં પણ શિરોમણિરૂપ છે. સુંદરેશ્વરની આરાધના કરતી હોય તેમ શિલ્પકળા પોતાનું ઉત્તમોત્તમ નૈવેદ્ય લઈને અહીં દેવની સન્મુખ બેઠી છે. દ્વારની આગળ એક ઊભા લંબચોરસ મંડપમાં શિવનાં બેનમૂન સૌંદર્યભર્યાં શિલ્પ-આલેખનો અહીં મૂકવામાં આવ્યાં છે. મંડપના ચાર ખૂણા પરના ચાર સ્તંભ શિલ્પની ભવ્યતમ કલ્પનાના નમૂના છે. દરેક સ્તંભ એક સ્વયં શિલ્પવૃક્ષ જેવો બની રહ્યો છે. એની ચોરસ છ છ ફૂટ પહોળી બાજુઓ ઉ ૫૨ મૂળથી માંડીને ૩૦ ફૂટની ઊંચાઈએ પહોંચતાં ઝૂકતી ડાળીઓ જેવા પથ્થરના ઝુકાવા સુધી અપ્રતિમ કૌશલ, સુરેખ આલેખન અને મનોરમ પ્રતિમાવિધાન દ્રાવિડી શિલ્પપ્રતિભાના ચિરંજીવ સ્મારક જેવું વિરાજી રહ્યું છે. બેલૂરના થાંભલા અહીં યાદ આવ્યા વિના રહેતા નથી. ચન્નકેશવને ચરણે ઠલવાયેલી એ કળા મોરલીની મીઠી નાજુક સુરાવલિનો ખ્યાલ આપે છે, જ્યારે કૈલાસવાસી શિવના સમ્મુખે પથરાયેલી આ કળા વીણાના પ્રૌઢ ગંભીર ઝણઝણાટને સ્મરાવે છે. બંનેમાં મીઠાશ છે, રોચકતા છે; છતાં એકમાં છે તે બીજામાં નથી. અનંત અલંકરણો અને નાજુક આલેખનોમાં રાચતી હોયશલ કળા અને પ્રૌઢ બળવાન છતાં સુરૂપ આલેખનો ઉપજાવતી દ્રાવિડી કળા, દક્ષિણની આ બે ભિન્ન શિલ્પકળાની પરાકાષ્ઠા બેલૂર અને મદુરામાં પહોંચેલી દેખાય છે. મંડપના ચાર ખૂણાના ચાર થાંભલા ઉપરાંત બીજા સ્તંભો ઉપર પણ પ્રતિમાઓ આલેખેલી છે. સ્મશાનવાસી જોગી શિવ પણ અહીં પૂરા રાજત્વના ઝળહળાટથી આલેખાયેલા છે. મીનાક્ષી અને સુંદરેશ્વરના ગૃહસ્થજીવનના કેટલાયે પ્રસંગો અહીં મૂક્યા છે. આપણા બીજા દેવોને પણ અહીં માનભર્યું સ્થાન છે. પણ તેમાંયે વિષ્ણુને તો સવિશેષ છે. શિવપાર્વતી અને તેમનો હસ્તમેળાપ કરાવતા વિષ્ણુ – આ ત્રિમૂર્તિ અહીં ઘણી લોકપ્રિય છે અને તેનાં કેટલાંયે સુંદર શિલ્પો અહીં મળે છે. પેલા ખૂણાઓ પરના ચાર મોટા થાંભલામાંથી એક આખો વિષ્ણુને માટે કાઢી આપ્યો છે. વિષ્ણુ, લક્ષ્મી, બ્રહ્મા અને ગરુડ ત્યાં બેઠાં છે. હાથીનું ચામડું ઓઢીને ઊભેલા આઠ હાથવાળો કૃત્તિવસસ્ શિવ અને રૌદ્ર મધુર તાંડવનૃત્ય કરતા નટરાજ જોયા જ કરીએ તેવા છે. આ મંડપથી પૂર્વમાં જતાં ગોપુર તરફની લાંબી સ્તંભવીથિ શરૂ થાય છે. અહીં દરવાજા આગળ બંને બાજુએ બબ્બે ભવ્ય પ્રતિમાઓ સુંદરેશ્વર તરફ અભિમુખ થઈ ઊભેલી છે. આમ ઉત્તરની બાજુએ વીરભદ્રનાં બે સ્વરૂપ છે: એક યશવીરભદ્ર, બીજો અઘોર વીરભદ્ર. દસ હાથવાળો પ્રચંડ યજ્ઞવીરભદ્ર દાંત ભીંસીને દક્ષ અને તેના યોદ્ધાઓને સંહારી રહ્યો છે. આમ જમણે નટરાજ અને કાલી છે. પેરૂરમાં માથે પગ અડાડતી જે નટરાજમૂર્તિ જોયેલી તેવી જ આ છે. નૃત્ય કરતાં કરતાં શિવના કાનમાંથી કુંડલ પડી ગયું. પાર્વતી બોલ્યાં: ‘નટરાજ! હવે એ હાથનો ઉપયોગ કર્યા વિના જ પાછું પહેરી લો.’શિવને શું અશક્ય હોય? પગના અંગૂઠા વતી કુંડલને ઉપાડી તેમણે કર્ણ ૫૨ પાછું આરોપી દીધું! એ સમર્થ અંગાભિનયમાં નટરાજ અહીં ઊભા છે. અને પાસે જ ત્રિલોકને થથરાવતાં કાલી ઊભાં છે. પણ એમનું જગજ્જનનીત્વ એમને ભારે પડ્યું છે. ભક્તોએ માનતામાં ચડાવેલું માખણ એમના શરીર ઉપર એવું કુસ્થળે ચોંટેલું રહે છે કે એ મહાકાલી પણ અહીં તો બિચારાં જ બની ગયાં લાગે છે. અહીંથી બહાર નીકળતાં હજાર સ્તંભનો મંડપ અધીરક્કલ આવે છે. આ મંદિર બાંધનારાઓને થાંભલાઓની તો ખોટ કદી પડી જ નથી. કાંજીવરમાાં, શ્રીરંગમૂમાં પણ આવા મંડપો છે. આ નટરાજનું સભાગૃહ કહેવાય છે. એના દક્ષિણાભિમુખ લાંબા પ્રવેશદ્વારની બાજુના થાંભલા પર આઠઆઠ ફૂટ મોટી આઠ પ્રતિમાઓ છે. સુંદરેશ્વરને નયન અર્પણ કરનાર ભક્ત કણ્પનયના અહીં ભક્ત્યાર્દ્ર વદને ઊભો છે. પણ આથીયે વિશેષ મનોરમ પ્રતિમાઓ અંદર આવેલી છે. તેમાં સરસ્વતીની પ્રતિમા ખાસ મનોહારિણી હતી. તેમાં બે હાથમાં એક અતિ નાની વીણા આપવામાં આવી હતી. શિલ્પકારે તેના હાથનાં હાડકાં ને પગની નસોને પણ બરાબર ઉપસાવી બતાવ્યાં હતાં. આપણા ચિત્રકારોએ આલેખેલી મોટાં બબ્બે તૂમડાંવાળી વીણાધારિણી સરસ્વતીથી આ કેટલી જુદી હતી! ચિત્રકારના જેટલી સરળતાથી શિલ્પી મૂળ જેટલા કદનાં પથ્થરનાં તૂમડાં ગોઠવી ન શકે, એ પણ આ નાનાં તૂમડાંનું એક કારણ હોય; પણ એનું મોઢું તો તે વધારે રૂપાળું કરી શકત. પણ રૂપાળું કોને કહેવું એ સામો પ્રશ્ન આ શિલ્પીઓ આપણને પૂછી શકે ખરા! અહીંની તેમ જ બેલૂર વગેરે ઉત્કૃષ્ટ કલાયુક્ત સ્થળોની પ્રતિમાઓ જોતાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવે છે. એ સૌમાં અંગોની સપ્રમાણ અને અતિમનોહર રચના છતાં આપણે ગ્રીક સ્થાપત્યમાં જોઈએ છીએ તેવું મુખસૌંદર્ય જવલ્લે જ જોવા મળે છે. વળી અહીં નવાઈની વાત તો એ છે કે સ્ત્રી કરતાં પુરુષની પ્રતિમાઓ વધારે સુરૂપ મુખવાળી હોય છે. આ સરસ્વતી સુમુખી ન હોવા છતાં મધુરદેહા તો હતી જ. અહીંના શિલ્પકારોએ સ્ત્રીને સુમુખી વડવા કરતાં સુદેહા અને વિશેષતઃ સુસ્તની બનાવવામાં ખાસ શ્રમ લીધો લાગે છે. મંદિરની બહાર રસ્તાની સામી બાજુએ આવેલો પુદુમંડપમ્ અથવા વસંતમંડપ પણ કેટલાંક રમણીય શિલ્પવિધાનોથી ભરેલો છે. અહીં સુંદરેશ્વરનાં દર વર્ષે લગ્ન થાય છે. એ વચલા મંડપને ફરતા રવેશમાં ખીચોખીચ દુકાનો છે. મંડપના પ્રવેશદ્વાર પાસે બહાર બે બાજુએ એક અશ્વારોહી અને તેના પદાતિ સાથિઓના સુયોજિત પ્રતિમાગુચ્છ છે. અંદરની બાજુ શિવપાર્વતી અને તેમને પાણિગ્રહણ કરાવતા વિષ્ણુનું મનુષ્યાકાર કદનું મનોરમ શિલ્પ છે. આમ ડાબે હાથ અનેક હાથાળા નટરાજ છે. એક સ્થળે શેરડી ખાતો હાથી પણ છે. મંદિરનાં ઉત્તમ શિલ્પવિધાનોના આ આછા વર્ણન ૫૨ થી કોઈ એમ રખે માની લે કે આ કેવળ નિર્જન શિલ્પસંગ્રહ જ છે; બલકે આ શિલ્પવિધાનો તો રડ્યાખડ્યા કળાપ્રેમીઓની જ ઉત્સુકતાનો વિષય બને છે. દેવની ભાવના જે જીવંત રૂપે અહીં વિદ્યમાન છે તે તો અન્ય રીતે જ પ્રગટ થાય છે અને તે જોયા સિવાયનું મંદિરનું શિલ્પસમૃદ્ધિનું દર્શન અધૂરું જ રહે. પ્રતિમાઓના કળાસૌંદર્ય કરતાં તેમનું દેવત્વ, તેમનું સામર્થ્ય અને મહિમા જ અહીંના ભક્તજનોને વધારે મહત્ત્વનાં છે. અહીં જીવતી શ્રદ્ધા છે અને એ શ્રદ્ધાનાં સ્વરૂપો ભૂતકાળ સાથે પોતાની સળંગતા આબાદ રીતે જાળવી રહ્યાં છે. મદુરાના મંદિરમાં શ્રદ્ધા, ભૂતકાળ અને ધર્મ ત્રણેને જીવતાં જોઈ શકાય છે. આ ધાર્મિકતાનું ઓછું મૂલ્ય આંકનારને માટે પણ અહીં બીજું એક મહત્ત્વનું તત્ત્વ વર્તમાન છે. એ છે મીનાક્ષી-સુંદરેશ્વરની કલ્પનાનું લોકોના જીવનમાં વણાઈ જવું. અહીંનો જે પ્રાકૃત વર્ગ છે તેના જીવનમાં તો મીનાક્ષી-સુંદરેશ્વર કોઈ દૂર હિમાલયવાસી અથવા અકલ્પ્ય દેવ નહિ, પણ પોતાનાં બધાં કાર્યોને પ્રેરનાર રક્ષનાર પ્રબોધનાર જીવતાજાગતા દેવ જ છે. દર વર્ષે મીનાક્ષી સુંદરેશ્વરનાં લગ્નનો ઉત્સવ ગજબની ધામધૂમથી ઊજવાય છે. તે વેળા સેંકડો યુગલો અહીં દેવની ચોરીએ આવીને પરણી જાય છે. પુરોહિતો બાર મહિનાની ખર્ચી કાઢવાની પ્રેરણાથી આ લગ્નો તરફ જોતા હશે; પણ આ મુગ્ધ દંપતીઓ તો સાચોસાચ જ દેવના લગ્નમુહૂર્વે અને દેવની ચોરીમાં જ લગ્નયોગ સાધી આખા જીવનની એક મહાસિદ્ધિ મેળવી લે છે અને વર્ષમાં ઋતુએ ઋતુએ આવતા ઉત્સવો, મેળાઓ એ એમના જીવનપટ સાથે વણાઈ ગયેલા કસબના તાર જેવા આનંદમય પ્રસંગો જ બની રહેલા હોય છે. એમનાં બાળકોના કે એમના પોતાના રોગદોગ અહીંના દેવતાઓ જ મટાડે છે. દેવોના જ આશીર્વાદથી, તેમના રક્ષણથી અને તેમની કૃપાથી જ આખું જીવન પ્રવર્તે છે. આમ માણસના જીવનમાં અહીં દેવનો હાથ ઘણો દાખલ થયેલો છે પણ દેવના સ્પર્શનું પરિણામ આટલું જ હોય તો કેમ ચાલે? હજી તો જીવનમાં કેટલું બધું બાકી છે? દેવત્વ અને દિવ્યતા જીવનમાં સક્રિય અને સાકાર થવાની હોય તો તેણે આથી ઘણા મહાન, ઘણા મધુર આવિર્ભાવો રચવા પડશે પણ આ ભોળા ભાવિક પ્રાકૃત લોકોની દેવપરાયણતા જેવી જ અહીંના વેપારીઓની અર્થપરાયણતા પણ ધ્યાન ખેંચે છે. મંદિરનો પૂર્વ ભાગ તેમ જ સામેનો પુદુમંડપ જાત જાતની દુકાનોથી ભરચક છે. વેપારની અછતે કે દ્રવ્યની લાલસાએ તેમનામાં એવી કૃપણતા અને જુઠ્ઠાઈ ઉપજાવી છે કે આપણને થઈ જાય કે દેવને ત્યાં આ શું? મીનાક્ષીનું મંદિર આખા નગરનું આધ્યાત્મિક, ભૌગોલિક, ધાર્મિક અને આર્થિક કેન્દ્ર છે. અહીં તમારાં ખિસ્સાં કપાઈ જાય કે વેપારી તમને છેતરે કે બ્રાહ્મણ તમને પાપમુક્ત કરી સ્વર્ગસ્થ થવાનો હક્ક અપાવે, તમારે બધું સરખી ભક્તિથી સ્વીકારવાનું રહ્યું! અમારે સદ્ભાગ્યે, સનાતની ધર્મભાવના પ્રત્યક્ષ કરાવતા આવા એક ઉત્સવ ઉપર જ અમે અહીં આવી ચડ્યા હતા. પદ્મનાભમાં ઊજવાતા લક્ષદ્વીપ જેવો અહીં કાર્તિકદીપશ્નો ઉત્સવ હતો. આજુબાજુનાં ગામડાંઓમાંથી હજારો માણસ શહેરમાં ઊમટ્યું હતું. દેવતાને આશ્રયે આવેલા લોકો તો દેવના જ મહેમાન હતા. મંદિરના વિશાળ મંડપોમાં એમની ટોળીઓ – સ્ત્રીઓ, બાળકો, પુરુષો – પડાવ નાખી બેઠી હતી. સુંદરેશ્વરની સામેનો મંડપ તો નાના નાના અસંખ્ય યજ્ઞાગ્નિઓથી ભરાઈ ગયો હતો. પથ્થરની ફર્શમાંથી અગ્નિના સેંકડો નાનકડા છોડવા જાણે કોઈ જાદુથી ખીલી ઊઠી પોતાની શિખાઓ ડોલાવી રહ્યા હતા. ભાવિકતાથી અર્ચતાં ભક્ત સ્ત્રીઓ અને પુરુષોના અને બ્રાહ્મણોના મંત્રજપનો ગુંજારવ એક અગમ્ય સંગીતના ગુંજન જેવો લાગતો હતો. રાતની રોશની માટે દીવાઓની તૈયારીઓ થઈ રહી હતી. દીવાની યોજના અહીં કરતાં પદ્મનાભના મંદિરમાં વધારે વ્યવસ્થિત અને સુઘડ હતી. અહીં લાંબા લાંબા વાંકાચૂંકા વાંસ, ભીંત ઉપર, કઠેરા ઉપર અને મૂર્તિઓને ફરતા બાંધી લઈ તેમના ૫૨ છાણના લોચાની બેઠકો બનાવી તે પર કોડિયાં મૂકવામાં આવ્યાં હતાં. દીવાની હારો તો વાંકીચૂંકી હતી જ અને એ રીતે કેટલીયે મૂર્તિઓની ખૂબી મારી જતી હતી. પણ આ ભક્તલોકોને દેવોના સ્થૂલ સૌંદર્યની જેમ પરવા નથી તેમ જ તેમની સુઘડતાની કે સ્વચ્છતાની પણ પરવા લાગતી નથી. બહારના મંડપોમાંના લોકોનું દૃશ્ય સૌથી વધારે રમણીય હતું. ચાર વર્ણના ચૌદસો કરનારી આપણી હિંદુ જાતિમાં અહીં પણ અનેક નાતજાતના લોકો તો હશે જ; પણ મને લગભગ બધાં સરખાં જ દેખાયા. કમ્મરે ધોતિયું અને કોઈકના જ શરીર પર પહેરણ અને નહિ તો સર્વતઃ ઊજળીશ્યામ કાયાવાળા પુરુષો અને કાંચળી વિના માત્ર એકલી સાડીમાં જ સજ્જ થયેલી તેવી જ શ્યામાઓ, તેમનાં બાળકો ને સૌના વિશિષ્ટ ખૂણાવાળા દ્રાવિડ ઢબના ચહેરાઓ, એ સૌમાંથી એક ચિત્રમય માનવસમુદાય બની રહ્યો હતો. નારંગી અને વાદળી રંગના મોટામોટા પટાવાળી કે કીરમજી અને લાલઘેરા બદામી રંગની સાડીઓ આ તરફ પ્રચલિત છે એ આપણને છેક અજાણ્યું નથી. શ્યામવર્ણી સ્ત્રીઓના અંગ પરની આવી સાડીઓ, તેમના અવ્યવસ્થિત દાંત અને જેના પ્રથમ દર્શને હું ગાંડો થઈ ગયો હતો તે પેલા કાનની લંબાઈ જેટલી જ લંબાઈવાળી બૂટમાં ઝૂલતાં અનેક આમળિયાનાં બનેલાં લોળિયાં એ બધું જોતો જોતો હું સાનંદ આશ્ચર્ય અનુભવતો હતો. પણ આ આપણને કુરૂપ લાગતી સ્ત્રીઓ પણ એક વસ્તુથી પરમ રૂપવતી બની જતી હતી. એ વસ્તુ હતી એક આછા પીળા રંગનું સૂર્યમુખીના જેવું નાનકડું આછી સુગંધીવાળું ગલગોટાળું ફૂલ, એક જાતનું દાઉદી. આ ફૂલોના ટોપલેટોપલા લઈને લોકો વેચવા બેઠા હતા અને સ્ત્રીઓ તેમને ખરીદી ખરીદી કાનમાં અને અંબોડામાં પહેર્યે જતી હતી. ગમે તેવી કાળી અરૂપ સ્ત્રી પણ કાનમાં એ ફૂલ પહેરતી કે નજર તેના તરફ ગયા વિના રહી શકતી નહિ. એ કાળી ભૂમિકા પર એક પીળું ફૂલ પણ કેટલું ખીલી ઊઠતું! આ ગ્રામલોકોનો મુખ્ય વિલાસ અને ૫૨મ શૃંગાર આ ફૂલો જ હતાં. એમાં અધૂરામાં પૂરું જ્યારે તેમની ફૂલગૂંથી શ્યામળ કાયા સૂર્યના ચળકતા તડકામાંથી પસાર થતી ત્યારે જે કાંઈ બાકી હોય તે પૂરું થઈ જતું. એ એક સંપૂર્ણ દેવ-ઉત્સવ અને માનવ-ઉત્સવ બની જતો. મંદિરના હાથીઓ પણ અહીંની અદ્ભુત વસ્તુ છે. દેવને પોતાના પર ધારણ કરવાના હકથી તેમનો ગર્વ ફૂલ્યો સમાતો નથી. ફળ વેચનારાઓને એમના તરફથી થતા ઉપદ્રવની ઘણી મનોરંજક કથાઓ છે. ઘણી વાર તે હસ્તી મહાશયો શાંત સ્થિતપ્રજ્ઞ પેઠે આકર્ષણોથી ભરપૂર અને માયાબજારમાંથી પણ અણીશુદ્ધ પસાર થઈ જાય છે. હવે આપણે મંદિરનાં ગોપુરમ્ જોઈએ. આ ગગનગામી ગોપુરો ઉપર ફોગટ ચઢવાની મહેનત ન કરવા મને શિખામણ મળી હતી. જ્યાં દેવનું દેવસ્થાન અને તેમના રંગમંડપો જ હવડ ધૂળવાળા અને મિલનતમ હતાં ત્યાં જેના પર ચડતાં દમ નીકળી જાય તેવાં આ નવ નવ માળનાં ગોપુરમ્ તદ્દન અવાવરું જ હોવાનાં. હા, તેનો વપરાશ થતો જ નથી એવું નથી; પણ એ ગોપુરમાં નિવાસ કરનાર ચામાચીડિયાંને જ મળવા ખાતર તેના ઉપર ચડવાની ઇચ્છા મને ન થઈ. વળી ગોપુરમાં જે જોવાનું છે તે તો બહારની બાજુએથી જ છે. એની આ બહારની બાજુએ કેટલી વિપુલ દર્શનીય સામગ્રી ભરી દીધી છે! ત્યાં એટલું બધું જોવાનું ભર્યું છે કે આંખ તેને જોઈ શકતી જ નથી. હાથી અંબાડી સાથે મલપતો મલપતો પસાર થઈ જાય તેટલા ઊંચા દરવાજા, એ તો ગોપુરની અત્યંત સ્વાભાવિક વસ્તુ જ સમજી લેવાની. તેવી જ બીજી સ્વાભાવિક વસ્તુ છે એના આધારસ્તંભ જેવા શાલવૃક્ષનાં સીધાં થડ હોય તેવા ૩૫-૪૦ ફૂટ ઊંચા ધરખમ પથ્થરના ચાર મહાન મહાસંભો. આપણી એક માળની ઊંચી હવેલી જેટલો જ આખા પથ્થરનો પહેલો માળ. તે ઉપર પછી ઈંટચૂનામાં ચણેલા લંબચોરસ મજલા એક પછી એક નાના થતા જતા કદમાં ગોઠવાતા જઈ, સાતમે, નવમે કે અગિયારમે માળે એક લાંબા લલાટ ઉપર સાત, નવ કે અગિયાર કળશની હાર ધારણ કરીને આકાશના મધ્ય ભાગમાં જઈને અટકી જાય છે. આ મજલે મજલે આખી દેવસૃષ્ટિ બેઠેલી હોય છે. ખૂણા પર ઊભેલા નટરાજ કે કાલીના હાથ તો વડને વડવાઈઓ ફૂટે તેમ ફૂટેલા હોય છે. દરેક મજલાના બારણાની બે બાજુએ દ્વારપાળો એકબીજાના માથા ઉપર પિરામિડ રચી ઊભા હોય છે. આપણે દેવોને તેત્રીસ કોટિ કલ્પ્યા છે અને આખી પ્રાણીસૃષ્ટિને તેમનાં વાહનરૂપે બનાવી છે, તેનો શો ઉપયોગ હશે તે અહીં સમજાય છે. આ પ્રતિમાઓ ઈંટચૂનામાંથી બનાવેલી હોય છે તેમ છતાં તેની સુરેખતા કે ટકાઉપણામાં કશી ઊણપ દેખાતી નથી. સો-સો ફૂટ ઊંચે આવેલી એ પ્રતિમાઓના ડોળા કે મોઢાં નીચેથી સ્પષ્ટ જોઈ શકાય છે; પણ કેટલીક વાર ભયાનક પ લાગતી તેમની આ અનંત લીલાઓ જોતાં થાકી જવાય છે. આંખ ઝડપથી ફરવા ઇચ્છે છે અને છેવટે અનેક ભપકાદાર વ્યક્તિઓથી ભરેલું એક ટોળું આંખને ઝંખાવીને પસાર થાય તેમ આ મહામૂર્તિસમુદાય આંખ આગળથી સરી જાય છે. આંખ તેમની બધી વિવિધતાને ઝીલવા જેટલી સમર્થ નથી હોતી તથા મન તેમને સંઘરી રાખવા જેટલી શક્તિ ધરાવતું નથી હોતું. મગજમાં ટકી રહે છે આ ભવ્ય દરવાજાનો અને તેના પર ગોઠવાયેલા, ક્રમે ક્રમે નાનાં થતાં જતાં બારણાંવાળા મજલાઓની મોટી ઊંચી રચનાનો આકાર. એને શાની ઉપમા આપવી તે સમજાતું નથી, કારણ એના જેવી બીજી એકે વસ્તુ કોઈ શિલ્પીએ કે કુદરતે જગતમાં સરજી નથી. અતિશય ધરાઈ ગયા હોઈએ તેવું ભાન લઈ અહીંથી બહાર જવું પડે છે. છતાં ય આ જોવાની ઇચ્છા તૃપ્ત થઈ છે એમ પણ કહી શકાતું નથી. મદુરામાં મંદિર ઉપરાંત જોવા જેવી બીજી બે વસ્તુઓ છે: તીરુમલ્લનાયકનો મહેલ અને તે બાંધવા માટે જોઈતી માટી મેળવવા ખોદાવેલું વેડિયર તેપ્પાકુલમ્ તળાવ. મહેલના સ્થાપત્યકારો ઇટાલિયનો હતા. ઈ. સ. ૧૬૨૩થી ૫૩ સુધીમાં આ મહેલ તૈયાર થયો હતો. એની કથાઓ ઘણી છે. અનેક રાજખટપટો આ મહેલમાં બનેલી છે. અંદર એક વિશાળ ખંડમાં પૂર્વે રાણીનો હોજ હતો તે બતાવવામાં આવે છે. છાપરામાં એક કાચની બારી છે. ત્યાંથી એક ચોર રાજાની સાથે શરત બકી, રાજાની બધી ચોકીઓ ભેદીને મહેલમાં પેઠો હતો અને એ કુશળતાના ઇનામ રૂપે શિરચ્છેદનો શિરપાવ પામ્યો હતો. મહેલમાં સ્થાપત્ય કરતાં શોભા વધારે છે. મહેલનું સૌથી આકર્ષક તત્ત્વ છે તેના બહારના થાંભલા. માત્ર ગોળાકાર છે છતાં તેનો સોળ ફૂટનો પરિઘ અને તેમની ઊંચાઈ છક કરી નાખે તેવી છે. એ ઈંટોના ચણેલા છે અને ગોપુરમ્ની ભવ્યતા સાથે પોતાની રીતે હરીફાઈ કરે છે. આવા ૩૦-૩૫ ફૂટ ઊંચા થાંભલાની એક સળંગ હાર રઘુવંશના પ્રતાપી રાજાઓ જેવી દક્ષિણના ભાગમાં શોભી રહે છે. ચોરસ તેપ્પાકુલમ્ની રમણીય સુંદરતા સંધ્યાકાળે ઓર ખીલી હતી. તેની વચ્ચે મંદિર છે અને તળાવ ખોદતાં હાથ લાગેલા મોટા ગણપતિની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મદુરાનું સૌથી મધુર દર્શન રાત્રે થયું. કાર્તિકદીપણ્ વર્ષનો મોટામાં મોટો દીપોત્સવ. આપણી દિવાળી જેવો જ. તે વ્યાપક રીતે લોકપ્રિય છે. અહીંના લોકો સાથિયા અને દીવાના અજબ શોખીન છે. વળી તે પાછળ તેમની જે સહજ કળાદૃષ્ટિ છે તે આપણે ત્યાં તો નથી જ. દરેકે દરેક ઘરે યથાશક્તિ પોતાની દીપમાળા પ્રગટાવી હતી. થોડાંક કોડિયાંથી માંડીને દીવાઓની હારો પર હારો જોવા મળતી હતી. તીરુમલ્લનાયકના મહેલમાં બેસતી સરકારી કચેરીએ પણ દીવા સળગાવ્યા હતા! આપણી સરકારો એ રીતે ઘણી ધાર્મિક કહેવાય. જોકે તે અમુક શહેરોમાં મુસલમાનોને સરકારી તાજિયા ભેટ આપે છે ખરી! રસ્તામાં લોકોએ ઠેરઠેર નાનીમોટી કાગળપતર કે તાડપત્રોની હોળીઓ પણ સળગાવી હતી. રસ્તામાં નાનાં મંદિરોમાં પણ ભીડ માતી ન હતી. મીનાક્ષીના મંદિરનું તો પૂછવું જ શું? તેનાં ગોપુરમ્ અને પ્રવેશદ્વારો ઝળહળી રહ્યાં હતાં અને રસ્તા પર પગ મૂકવાની જગ્યા ન હતી. આ ભીડમાં પણ લોકો ધસતા ધસતા મંદિરમાં દર્શનાર્થે જતાં હતાં. એક ન સમજાય તેવી ઇચ્છા મનેય આ ટોળામાં ઘૂસવા પ્રેરી રહી. લોકોનો આ ઉત્સાહ શેનો હતો? આટલી બધી દર્શનાકાંક્ષા શેની હતી? કોઈ વિરાટ શરીરધારી માનવના ઉપાંગ જેવા આ ટોળામાં પેસી તેના આ ઉલ્લાસનો સ્પર્શ મેળવવા હું બળપૂર્વક ઘૂસ્યો. ધક્કાધક્કી, પડાપડી, અનેક અજાણ્યાં શરીર સાથે ઘસાઘસ અને ભીંસાભીસ અનુભવતો અહીંતહીં હોલવાઈ જતી રોશનીથી ધૂંધળા બનેલા મંદિરમાં જઈ આવ્યો અને ભીડમાંથી તેવી જ રીતે ઠેલાતો ધકેલાતો બહાર નીકળ્યો. આ બધાને અંતે હું શું લઈ આવ્યો હતો? છાતી ઉપર મારો હાથ હતો શા માટે? કોઈ નવા દર્શનથી કાબૂ બહાર જતા હૃદયને શાંત કરવાને? ના, કિસ્સાનું પાકીટ કોઈ ખેંચી ન લે એટલા માટે! ત્યારે આ શું હતું? નરી પ્રાકૃતતા કે કોઈ દૈવી ચિત્ક્શક્તિની પ્રગૂઢ પ્રેરણા? મારામાં રહેલી ચિત્રશક્તિ આ દૃશ્યથી મને એવી કોઈ પ્રેરણાનું ભાન તો નહોતી જ કરાવતી.