અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/પંખી

From Ekatra Wiki
Revision as of 10:56, 17 October 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


પંખી

રઘુવીર ચૌધરી

કૂંલ્લડું બાંધ્યું ત્યારે
એ પંખીને હું ઓળખતો નહોતો.
દાણા નાખી
એની એક પગે રમવાની
ને પાંખ ભૂલી ચણવાની રીત જોતો.
કહેતો સહુનેઃ
રોજ એક નવું ફૂલ ખીલે છે.
પાછું વળતાં પંખી રોજ
અપરિચયનું કપૂર અમારી આંખોમાંથી ઊડે છે.
શક્ય છે હવે સંબોધન; સમજીને
કહ્યો મેં તો પહેલો અક્ષર
ને બીજે દિવસથી પંખીનો બધો ઉમંગ
ઓસરી ગયો.
પછી તો હું ને પેલું ખાલી પાત્ર.
બહુ દૂર તો નથી ગયું પંખી
પણ એને જોતાં જ થાય છે કે
સારું હતું એ બધું પાંખમાં રાખીને
મોભારે ચઢી
મારી પાસે જે નથી એની બારાખડી ગોખવા બેઠું છે.



આસ્વાદ: સંકુલ સંબંધનું કપૂર – રાધેશ્યામ શર્મા

‘પંખી’ શીર્ષકથી આરંભી છેક છેલ્લી પંક્તિ સુધી કાવ્યનાયકનો એક અજાણ્યા પંખી સાથેનો વિશિષ્ટ ભાવાત્મક સંબંધ અછાંદસ લયમાં પ્રવર્ત્યો છે.

નાયક કૂંલ્લડું બાંધે છે ને કોઈ પંખી આવે છે ત્યારે તો ઉભય વચ્ચે પરિચયનો સેતુ નહોતોપણ દાણા નાખવાની ક્રિયામાં ઓળખ સ્થાપવાની ખેવના હતી. દરમિયાન નાયકનું દર્શન રસપ્રદ છે: ‘એની એક પગે રમવાની ને પાંખ ભૂલી ચણવાની રીત જોતો.’

પ્રસ્તુત નિરીક્ષણ ઝીણું છે. અજ્ઞાત પંખી નાયકે નાખેલા દાણા ચણવા તો માંડે છે પણ એ પૂર્વે એક પગે રમે છે અને ખાસ તો ઉડ્ડયનના અંગસાધન એવી પાંખને ભૂલી જઈ ચણે છે. આહારની સ્થિતિના સ્તરે નિકટતમ પાંપને વિસારે પાડવાની પંખીની રીત પણ નિરીક્ષણમાં નોંધાઈ ગઈ.

અહીં એક વિશિષ્ટ વળાંક છે રચનાનો: ‘કહેતો સહુને રોજ એક નવું ફૂલ ખીલે છે.’ કૂલ્લડું–દાણા–પંખીની ચણવાની રીતના વર્ણન બાદ એકાએક નાયક ‘રોજ એક નવું ફૂલ ખીલે છે’ કહે એનું તાત્પર્ય શું? એમ માની શકાય કે પંખી સાથેની આઇડેન્ટિટી ધીમે ધીમે જામતાં પ્રતિ દિન એક અવનવું પરિચયપુષ્પ ખીલી રહ્યું છે? નાયકની અવચેતનામાં, એની પોતાની જાણ બહાર જે પ્રક્રિયા અધૂરીમધુરી પનખી રહી છે એનું ‘નવું ફૂલ’ એક સંકુલ પ્રતીક હોઈ શકે. સહુને કહેતા ફરવાની ચેષ્ટા મધુર સંબંધની પ્રસ્તાવના છે.

અજાણ્યું પંખી રોજ પાછું તો વળે છે પણ પાછું વધુ ને વધુ ઊંચે ચડે છે. ત્યારે એક સુગન્ધિત ઘટના ઘટે છે:

‘અપરિચયનું કપૂર અમારી આંખોમાંથી ઊડે છે.’

પંક્તિ માર્મિક રચાઈ. કેવળ નાયકની નહીં, પંખીની આંખમાંથી પણ અપરિચયનું કપૂર ઊડે છે. ‘અપરિચય’ શબ્દ સાથે ષષ્ઠી વિભક્તિ ‘નું’ જોડી કપૂર જેવી સુવાસિત વસને સાંકળી અ–પરિચિતતાનેય કપૂર શી શુભ્રતા અને સુગંધ અર્પી છે.

કપૂરનું અવલંબન લઈ નાયક સંબંધનો સેતુ આગળ લંબાવવા માગે છે – ‘શક્ય છે હવે સંબોધન; સમજીને કહ્યો મેં તો પહેલો અક્ષર’… પણ પહેલો અક્ષર ઉદ્ગારતાં બીજા દિવસે પંખીનો બધો ઉમંગ ઓસરી ગયો ને અંતે રહ્યું શું? ‘હું ને પેલું ખાલી પાત્ર.’ નાયક પણ જાણે અહીં રિક્ત પાત્ર બની રહ્યો!

અને પંખીય તે બહુ દૂર નથી ગયું કેમ કે એને પણ અપરિચિતતાનું કપૂર નાયક જેટલું જ સ્પર્શ્યું છે. નાયક એને થોડેક આઘેથી જોઈ અનુભવે છે, મારું હતું એ બધું પાંખમાં રાખીને મોભારે ચઢી –

‘મારી પાસે જે નથી એની બારાખડી ગોખવા બેઠું છે.’

નાયકની પાસે જે કંઈ હતું એ બધું પાંખમાં ગોપવી રાખીને પંખી મોભારે ચઢી બેઠું અને નાયકની પાસે જે નથી એની કક્કો–બારાખડી ગોખવા માંડ્યું છે. અપરિચિતતાના કપૂરનો આ ચમત્કાર (!) નહીં તો શું? નાયકનું નિજી સત્ત્વ જ જાણે લૂંટી લીધું પંખીએ અને નાયકની પાસે જે નહોતું અને નથી – એની એબીસીડી ભણવા લાગ્યું. આમ ભાવ અને અભાવને પરહરી, નાયક સાથે પંખી પણ તીવ્ર તાદાત્મ્ય (intense identification) અનુભવવા મથી રહ્યું. અપરિચયની વિલક્ષણ સ્થિતિ અહીં પરિચયના આગમન–અણસારનો પર્યાય બની જાય છે.

મનુષ્ય અને પક્ષીના સંકુલ સંબંધનું આ અછાંદસ કૃતિમાં આલેખન કવિ રઘુવીર ચૌધરીનું વિરલ પ્રદાન છે.

અભ્યાસી કવિતારસિકોને અહીં ટાગોરની ‘દુઈ પાખિ’ કૃતિ સાંભરે. ઉમાશંકરે બે પંખી’ શીર્ષકથી અનુવાદ કરેલો. ત્યાં વનપંખી પિંજરપંખીને કહે છે: ‘આપણે બંને મળીને વનમાં જઈએ.’ પિંજરપંખી ત્યારે વનના પંખીને કહે છે: ‘આવ પાંજરામાં એકાન્તમાં રહીએ.’ વનપંખી કહે છે: ‘ના, હું સાંકળમાં નહિ પકડાઉં.’ પિંજરપંખી બોલે છે: ‘હાય, કેમ કરી હું વનમાં બહાર પડું?’ અને અંતમાં કહે છે: ‘હાય, ઊડવાની મારામાં શક્તિ નથી!’ રવીન્દ્રનાથમાં, પંખીની ઊડવાની શક્તિ ખતમ થઈ ગઈ છે. જ્યારે રઘુવીરની રચનામાં પંખી અપરિચયનું કપૂર પાંખોમાં રાખી મોભારે ચઢી અભાવની બારાખડી ગોખે છે, ને ઊડે પણ ખરું…

એક જર્મન કમ્પોઝરનો પંખી અંગેનો સ્વપ્ન–અનુભવ પણ માણીએ:

Now I know from my experiences in dreams that at some time in my past life I have been a bird of that particular kind, because I know exactly the feeling of flying and living in the body of that bird.

– KARL – HEINZ STOCKHAUSEN (રચનાને રસ્તે)