અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/હું તો અડધી જાગું

Revision as of 11:23, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું તો અડધી જાગું|વિનોદ જોશી}} <poem> ડાબે હાથે ઓરું સાજન લાપસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


હું તો અડધી જાગું

વિનોદ જોશી

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઉગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૬)