અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/હું તો અડધી જાગું
Jump to navigation
Jump to search
હું તો અડધી જાગું
વિનોદ જોશી
ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડિયે ઝૂલે તોરણિયાં અંજળનાં રે
અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે
ઉગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાંઈ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં…
(ઝાલર વાગે જૂઠડી, પૃ. ૧૬)