૧૮. ગમે
બને પ્રિય મને બધું, જીવનમાં ચહું એ ઘડી :
કરાલ નગરાજ ને મૃદુલ પુષ્પની પાંખડી;
ગમે સકલ વાસ્તવિક, સ્વપનાં ય સર્વે મને;
સપાટી પરનાં તુફાન, તળિયાની શાંતિ ગમે.
ગમે નયનનીર ને સ્મિત તણી ગમે દીવડી;
વિશાળ રણશુષ્કતા, ધરણી ધાનના વર્ણની;
ગમે સરલ પંથ ને ભટકવું ય વ્હાલું બને;
ગમે તિમિર, તેજ, ને પ્રલયસર્જનો સૌ મને.
અનંત તુજ કાળમાં નહિ ક્યહીં ય એવી ઘડી,
રહું સકલ સાથ, જે સમય, ઉરને ભેળવી ?