ગુજરાતી બાળવાર્તા સંપદા/એક હજાર પારસમણિ

Revision as of 13:52, 28 July 2025 by Meghdhanu (talk | contribs)
એક હજાર પારસમણિ

હરીશ નાયક

ગંગાનો સોહામણો કિનારો. એને કિનારે એક કુટીર. એ કુટીરમાં એક સાધુ રહે. ભારે સિદ્ધ પુરુષ. ધારે તે કરી શકે, ધારે તેને રાય બનાવી દે. ધારે તેને રંક બનાવી દે. પાસે જ મોટું શહેર. રોજ શહેરમાંથી લોકો આવે. પોતાની મુશ્કેલી સાધુ મહારાજને કહે. સાધુ મહારાજ તેમની મુશ્કેલી દૂર કરી દે. દૂરદૂરથી લોકો આવે. જે આવે તેને ઉપદેશ આપે, બે-ચાર બોધ-વચનો કહે. એ બોધવચનો પ્રમાણે તેઓ જીવે, વર્ષમાં સુખી થઈ જાય. કોઈ ધનવાન પણ બને. કોઈ પ્રભુભક્ત પણ બને. સૌ કોઈ સુખે જીવન ગુજારે. દયાળુ અને પરોપકારી બને. કદી ન કરે ક્રોધ કે કદી ન કરે અભિમાન. ઘણા બધાને ન્યાયી બનાવી દીધા. ઘણા બધાને રંક બનાવી દીધા. આથી ચોમેર તેમની કીર્તિ ફેલાઈ ગઈ. દૂરદૂરથી લોકો તેમના ભક્ત બનવા લાગ્યા, જ્યાં ત્યાં તેમના ગુણગાન ગવાવા લાગ્યાં. એક દિવસની વાત છે. દૂરના દેશથી એક ધનવાન આવ્યો. ભારે ધનવાન. હીરા-મોતીનો વેપાર કરે. ખૂબ કમાય. કમાય એટલું વાપરે. બધું મોજ-શોખમાં ઉડાવી દે. આથી મિલકત વધે નહિ. કમાય ઘણું અને મિલકત વધે નહિ. આથી તેની ચિંતા વધતી જતી હતી. તેથી જ તે સાધુ મહારાજ પાસે આવ્યો હતો. સાધુ મહારાજ આગળ માથું નમાવી દીધું. સાધુ મહારાજે નજીકમાં બેસવા કહ્યું. હીરા-મોતીના શેઠ તેમના પગ આગળ બેસી ગયા. થોડી વારે સાધુએ પૂછ્યું : ‘ભાઈ! તમારું નામ શું?’ શેઠે કહ્યું : ‘મારું નામ ધનનંદ.’ સાધુએ પૂછ્યું : ‘તમારે કેમ આવવું થયું?’ ધનનંદ હસ્યો અને ધીમે રહીને બોલ્યો : ‘સાધુ મહારાજ! હું વર્ષોથી હીરા-મોતીનો ધંધો કરું છું. ખૂબ ખૂબ કમાઉં છું, પણ કંઈ કરતાં કંઈ બચતું નથી. એટલે મારી મૂડી એકાએક ચાર-છ ગણી વધી જાય તેવો માર્ગ બતાવો.’ સાધુ મનમાં હસી પડ્યા. ધીમે રહીને સાધુએ કહ્યું : ‘ભલે ભાઈ! હું તારી મૂડી ચાર-છ ગણી એકાએક કરી આપીશ. તું કાલે સવારે ત્રીજા પહોરે અહીંયાં આવજે.’ ધનનંદ શેઠ ખુશ થયા. સાધુ મહારાજને નમન કરી ચાલ્યા ગયા. આખી રાત ધનનંદ શેઠને તેના જ વિચાર આવ્યા કર્યા. બીજો પહોર થયો. શેઠ ઊઠ્યા. આવ્યા સાધુ મહારાજ પાસે. સાધુ મહારાજની કુટીરનું બારણું ખખડાવ્યું. સાધુ મહારાજે અંદરથી પૂછ્યું : ‘કોણ છે?’ ધનનંદ કહે : ‘એ તો હું ધનનંદ’, સાધુ ખડખડાટ હસી પડ્યા. પછી કહે : ‘હજી તો બીજો પહોરે થયો છે. જાઓ, ત્રીજા પહોરે આવજો.’ ધનનંદ શેઠ ગંગાકિનારે ગયા. ગંગાને કિનારે બેસી જાતજાતના વિચારો કરવા લાગ્યા. હવે મૂડી ચાર-છ ગણી થઈ જશે. પછી તો આપણે લીલાલહેર. કોઈ વાતનું દુઃખ નહિ રહે. આમ ક્યાંય સુધી વિચારો કરતા રહ્યા. છેવટે ત્રીજો પહોર થયો. તરત ધનનંદ ઊઠી સાધુની કુટીર પર ગયો. સાધુ તૈયાર થઈને ઊભા હતા. ધનનંદે રાજી થઈને કહ્યું : ‘સાધુ મહારાજ! હવે તમે મને મારી મૂડી ચાર-છ ગણી કરવાનો માર્ગ બતાવો.’ સાધુ મહારાજે થોડી વાર શાંત રહી કહ્યું : ‘ભાઈ! અહીંથી સીધેસીધો તું ચાલ્યો જા. એકાદ માઈલ દૂર જઈશ એટલે એક ગામ આવશે. એ ગામના પટેલવાસમાં જજે. ત્યાં બધા ખેડૂતો રહે છે. ત્યાં જઈ સૌથી પહેલા ઘેર જઈને આ એક રતલ ઘઉંનો લોટ આપી આવ.’ ધનનંદ આશ્ચર્ય પામ્યો. તેની જિજ્ઞાસા રહી ન શકી. તરત જ પૂછી નાખ્યું : ‘આમ કરવાથી મૂડી ચાર-છ ગણી થઈ જશે?’ સાધુ મહારાજે હસતાં હસતાં કહ્યું : ‘ઉતાવળા ન થાઓ, ભાઈ! તમે તેને એક શેર લોટ આપશો. એટલે તે એક પારસમણિ ભેટ આપશે. એ મણિ તું જેને અડકાડીશ એ વસ્તુ સોનાની થઈ જશે. પછી તો તારે લીલાલહેર છે ને? પણ એક વાત ધ્યાનમાં રાખજે.’ ધનનંદ કહે : ‘કંઈ?’ સાધુ મહારાજ કહે : ‘એ ખેડૂતની માતા કોઈનો લોટ લેતી નથી. એટલે તમે લોટ લેવા આજીજી કરજો. એમ કરશો તો તમે પારસમણિ પ્રાપ્ત કરી શકશો. નહિ તો નહિ.’ ધનનંદ કહે : ‘ભલે!’ વાત બરોબર યાદ રાખી લીધી. પારસમણિની આવી વાત સાંભળી ધનનંદ રાજી રાજી થઈ ગયો. ઉતાવળા પગે સામેના ગામ તરફ ચાલવા માડ્યું. થોડી વારમાં ગામ નજીક આવી ગયા. તેમના હર્ષનો પાર નહોતો. તરત પટેલવાસમાં જઈ સૌ પહેલાં ઘરનાં બારણાં ખખડાવ્યાં. અંદરથી કંઈ જવાબ ન આવ્યો. ફરી બારણાં પર ટકોરા મારી જોયા, છેવટે અંદરથી અવાજ આવ્યો : ‘આ વહેલી સવારે કોણ હશે?’ શેઠે તેમનું અને સાધુ મહારાજાનું નામ આપ્યું. તરત બારણાં ખૂલી ગયાં. ધનનંદના આનંદનો પાર ન રહ્યો. અંદરથી આવેલા એક નાના છોકરાએ પૂછ્યું : ‘ભાઈ! આટલા વહેલા શા માટે આવ્યા છો? તમારે આશરો જોઈએ તો અંદર આવો.’ ધનનંદ કહે : ‘ના ભાઈ! મારે આશરો જોઈતો નથી. હું તો આ શેર લોટ આપી સરસ પારસમણિ લેવા આવ્યો છું. આ લોટ લઈને મને પારસમણિ આપી દે.’ છોકરો કહે : ‘ઊભા રહો, હું મારાં દાદીમાને પૂછી આવું.’ થોડી વારમાં તે દાદીમા પાસે આવી પહોંચ્યો, અને પૂછ્યું : ‘દાદીમા, બહાર એક ભાઈ એક શેર લોટ આપવા આવ્યા છે. અને એના બદલામાં પારસમણિ માગે છે.’ દાદીમા કહે : ‘બેટા! આજનો દિવસ ચાલે તેટલો લોટ આપણી પાસે છે, એટલે એ ભાઈનો લોટ લેવાની ના પાડી દે. આવશ્યકતાથી વધારે વસ્તુ રાખવી મોટામાં મોટું પાપ છે.’ છોકરો તરત દોડતો-દોડતો શેઠ પાસે આવ્યો. ધનનંદ શેઠે તરત પૂછ્યું : ‘તું પૂછી આવ્યો?’ છોકરો કહે : ‘હા.’ ધનનંદ કહે : ‘શું કહ્યું?’ છોકરાએ માંડીને બધી વાત કરી. ધનનંદ ગૂંચવાયા. મનમાં કંઈક યાદ આવતાં પૂછ્યું : ‘પણ આ લોટ કાલ માટે લઈ લો ને એમ તારી દાદી માને કહે.’ છોકરાએ દાદીમાને વાત કરી. દાદીમા કહે : ‘બેટા! એને કહે કે કાલની ચિંતા અમને નથી. આ પ્રકારની સંગ્રહવૃત્તિ કરી અમે અમારી નૈતિક શક્તિ ઘટાડી દઈશું નહિ. બીજાનું પરિશ્રમ વિનાનું અન્ન અમને પચતું નથી. અમે મહેનત કરીશું. એટલાથી અમને સંતોષ છે. તમારી પાસેથી હરામનો લોટ લઈ અમે અમારી સંતોષવૃત્તિ ઘટાડી દેવા માગતા નથી.’ છોકરો દોડતો-દોડતો બહાર આવ્યો. ધનનંદ શેઠને વાત કરી. ધનનંદ આશ્ચર્ય પામી ગયા. તેઓ કહે : ‘ભાઈ! મને તારા દાદીમા પાસે લઈ જા.’ બન્ને દાદીમા પાસે આવી ગયા. દાદીમાએ પૂછ્યું : ‘કેમ આવવું પડ્યું?’ ધનનંદે માંડીને વાત કરી અને કહ્યું : ‘મને તમે પારસમણિ ન આપી શકો?’ દાદીમા કહે : ‘આપી શકું!’ ધનનંદ રાજી થઈ ગયા. ધનનંદ કહે : ‘તો મને એ પારસમણિ આપો. મારે એનાથી ધનવાન બની જવું છે. પછી આરામથી લીલાલહેર કર્યા કરીશ.’ દાદીમા કહે : ‘ભલે લઈ જજો. પણ મારી એક શરત છે.’ ધનનંદ કહે : ‘શી?’ દાદીમા કહે : ‘આ ગામમાં ત્રણ દિવસ કાળી મજૂરી કરો એ મજૂરી મને આપશો, એટલે હું તમને પારસમણિ આપીશ.’ ધનનંદ કહે : ‘ભલે!’ ધનનંદ ઊપડ્યા મજૂરી કરવા. એક જણને ત્યાં ચાર આના રોજ રહી ગયા. ત્રણ દિવસ કાળી મજૂરી કરી. છેવટે પેલા ખેડૂતે ત્રણ દિવસના બાર આના આપ્યા. ધનનંદ શેઠે આવીને દાદીમાને આપ્યા. દાદીમાએ કહ્યું : ‘જાઓ, એ પૈસા બહાર ગમાણમાં નાખી દો.’ ધનનંદને આશ્ચર્ય થયું. એકદમ પ્રશ્ન કર્યો : ‘કેમ?’ દાદીમા કહે : ‘તમે નાખી દો.’ ધનનંદ કહે : ‘પણ કંઈ કારણ?’ દાદીમા કહે : ‘તમે પહેલાં નાખી દો.’ ધનનંદ કહે : ‘પણ એમ નાખી દેવાનું કંઈ કારણ તો હશે ને?’ દાદીમા કહે : ‘તમે નાખી તો દો.’ ધનનંદ ખીજે ભરાયા. કહેવા લાગ્યા : ‘અમે ત્રણ-ત્રણ દિવસ કાળી મજૂરી કરી છે. એ મજૂરી પેટે આ બાર આના મળ્યા છે. એ કેવી રીતે નાખી દેવાય? ખરા પરસેવાના પૈસા કેમ છૂટે?’ દાદીમા હસી પડ્યાં. ધીરા અવાજે કહેવા લાગ્યાં : ‘ત્યારે ભાઈ! તમે મજૂરી કરો. મહેનત-મજૂરી કરશો એટલે આપમેળે તમને જાદુઈ પારસમણિ મળી જશે. મારી પાસે એવો કોઈ પારસમણિ નથી. પણ અમે કદી મહેનત-મજૂરી વિનાનું ખાતા નથી. એક દિવસનું અમારી પાસે અનાજ પડ્યું હોય તો બીજા દિવસની ચિંતા કરતાં નથી. તેથી અમે સૌ કોઈ સુખી છીએ. તમે પણ સંગ્રહવૃત્તિ છોડી દો અને સંતોષ રાખો. આખો દિવસ પરિશ્રમ કરો અને ઇમાનદારીથી જીવો. તો તમે એક નહિ પણ એક હજાર પારસમણિ મેળવી શકશો.’ ધનનંદ ખુશ થયા. સીધા ઘેર જઈ કામધંધો કરવા લાગ્યા. સંગ્રહવૃત્તિ છોડી દીધી. સંતોષ અને ઈમાનદારીથી જીવવા લાગ્યા. જોતજોતમાં ધન ઘણું વધી ગયું અને સુખેથી રહેવા લાગ્યા.