વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/ઈયોનેસ્કો

From Ekatra Foundation
Revision as of 02:49, 22 January 2026 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ઈયોનેસ્કો


પ્રિય મિત્ર રામભાઈ,

એકૅડેમીનું ચોથું સંમેલન અત્યંત સફળ રહ્યું. તમને અને તમારી કાર્યવાહક સમિતિને ધન્યવાદ. સંમેલનના એક સક્રિય ભાગીદાર હોવાથી આથી વિશેષ કંઈ લખું તો ઔચિત્યભંગ થાય. એક ખામી રહી ગઈ. સદ્ભાગ્યે એ પાછળથી પણ સુધારી શકાય તેવી છે તેથી એ વિશે થોડુંક વિગતે લખું છું. શનિવાર ૨જી ઓક્ટોબર ૨૦૦૪ની રાત્રે એકીસાથે ઈયોનેસ્કોનાં બે નાટકો રજૂ કરવાની તમારી હિંમત માટે પણ ધન્યવાદ. ગુજરાતી રંગભૂમિ માટે પણ આવા પ્રસંગો તો વિરલ ગણાય. બંને નાટ્યપ્રયોગો પણ ઉત્કૃષ્ટ રહ્યા. આ માટે પણ આર.પી. અને ચંદુને, અને તેમની ટીમને, જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં. પ્રેક્ષકગણે આવાં નાટકો ઝીલ્યાં તે બદલ તેઓ પણ અભિનંદનના અધિકારી છે. છતાં ઈયોનેસ્કોને સમજવો ને પામવો દુષ્કર છે. નાટ્યપ્રયોગને અંતે આ બંને નાટકોની થોડી આલોચના થઈ હોત તો સંમેલનીઓ મૂંઝવણને બદલે સમજણ સાથે લઈને ગયા હોત. (આ ‘સંમેલની’ શબ્દ શબ્દકોશમાં નથી; આવો શબ્દપ્રયોગ પહેલી વાર થયો હોય તો એક નવો શબ્દ ઘડવાનો યશ તમારે મને આપવો પડશે!) વળી આપણી પાસે ‘લેસન’ના રૂપાંતરકાર સિતાંશુ યશશ્ચંદ્ર, ‘ચેર્સ’ના રૂપાંતરકાર અને દિગ્દર્શક આર.પી.શાહ અને ‘લેસન’ના દિગ્દર્શક અને અભિનેતા ચંદ્રકાંત શાહ જેવા મહારથીઓ પણ હતા. એમાંના કોઈ પણ એક જણે આ નાટકોનું મર્મ અને રહસ્યનું આપણને આકલન કરાવ્યું હોત. હવે એમની ગેરહાજરીમાં મારા જેવા અદના ભાવકની નુક્તેચીનીથી તમારે સંતોષ માનવો પડશે.

ઈયોનેસ્કો

સૌથી પહેલી વાત કે ઇયોનેસ્કો ન સમજાય તો ખિન્ન ન થવું! આ તો નાટ્યક્ષેત્રે એક નવું પ્રસ્થાન છે. માર્ટીન એસ્લીને પહેલી વાર આ પ્રસ્થાનને Theatre of the Absurd એવું નામ આપ્યું અને ત્યારથી આ સંજ્ઞા દૃઢ બની ગઈ છે. આ એબ્સર્ડિટીનું મૂળ આલ્બેર કામુના ‘મીથ ઑવ્ સિસિફસ’માં જોઈ શકાય. ઇયોનેસ્કોએ પોતે જ કાફકા પરના એના નિબંધમાં એબ્સર્ડની જે વ્યાખ્યા આપી છે તેમાં ભાગ્યે જ કશું ઉમેરવાની જરૂર રહે: ‘Absurd is that which is devoid of purpose... Cut off from his religious, metaphysical, and transcendtental roots, man is lost; all his actions become senseless, absurd, useless.’ ઈયોનેસ્કોએ નાટકના પરંપરાગત સ્વરૂપનો, પુરોગામી નાટ્યપ્રણાલીઓનો સદંતર પરિહાર કર્યો છે. એનાં નાટકોમાં કથાવસ્તુ, પાત્રાલેખન, તાર્કિકતા, કૌટુંબિક-સામાજિક સંબંધો, કશું જ નથી. આ નાટકોનું સ્વરૂપ અતંત્ર અસંબદ્ધ કૉમેડીનું છે. આ વિશ્વમાં આધુનિક મનુષ્યના અસ્તિત્વની અર્થહીનતાને એ નિરૂપે છે. ઇયોનેસ્કોએ વીસથી વધુ નાટકો લખ્યાં છે. તેનાં મુખ્ય નાટકોમાં Bald Soprano, The Chairs, The Lesson, Exit the king, Macbeth, Rhinocerosનો સમાવેશ થાય. ઈયોનેસ્કોને એબ્સર્ડ થિયેટરનો પ્રણેતા ગણવામાં આવે છે. એબ્સર્ડ થિયેટરના બીજા નોંધપાત્ર સર્જકોમાં છે: સેમ્યુઅલ બેકેટ (Waiting for Godot), આર્થર એડાર્માવ, એન.એફ. સિમ્પસન, હેરોલ્ડ પિન્ટર (The Dumb Waiter), એડવર્ડ એલ્બી (Who’s Afraid of Virginia Woolf?) સેમ સ્ટોપર્ડ, ટોમ સ્ટોપર્ડ (Rosencrantz and Guildenstan Are Dead)

ધ ચેર્સ

ઈયોનેસ્કોના The Chairsનું આર.પી.નું રૂપાંતર ઉત્કૃષ્ટ કક્ષાનું છે. આર.પી.એ. શરૂઆત અને અંત ઈયોનેસ્કોના જ મુખ્યત્વે રાખ્યા છે. પણ નાટકમાં સંક્ષેપ પણ કર્યો છે અને થોડાક ફેરફારો પણ કર્યા છે. મૂળે એબ્સર્ડ નાટક, અને ઇયોનેસ્કો સાથે કોણ બાથ ભીડી શકે? પણ આર.પી.એ એ સાહસ કર્યું છે અને ઇયોનેસ્કોની એબ્સર્ડિટીમાં અભિવૃદ્ધિ કરી છે. એનું ઉત્તમ દૃષ્ટાંત છે નાયિકાનાં નાયકને પ્રેમનાં લથપથ સંબોધનો. નાયિકા નાયકને સંબોધે છે: ‘ઓ મારા મહિયારા’ અને ઑડિયન્સમાં હાસ્યનું મોજું ફરી વળે છે. વળી થોડો સમય રહીને સંબોધે છે: ‘ઓ રંગરસિયા’ અને ફરીથી વધારે જોરથી હાસ્યનું મોજું ઊછળે છે. આર.પી.ને સ્પષ્ટતાથી અભિપ્રેત છે કે પ્રેમ જેમ જેમ ઘટતો જાય તેમ પ્રેમભર્યાં સંબોધનો ઉત્કટ બનતાં જાય! ઇયોનેસ્કો વાંચે તો એ પણ ખુશ થઈ જાય. આટલા ટૂંકા ફલકમાં પણ બંને પાત્રોનો વિરોધ દિગ્દર્શક અને અભિનેતા-અભિનેત્રીની કુશળતાથી સુંદર રીતે મૂર્ત થયો છે. નાયક (મનુ પટેલ) પ્રવક્તાની રાહ જોવામાં ઉત્સુક હોવા છતાં શાંત છે, સ્વસ્થ છે; નાયિકા (બિનીતા શાહ) વ્યસ્ત અને વ્યગ્ર છે. આખું સ્ટેજ ખુરશીઓથી ભરાઈ જાય છે ત્યારે નાયક-નાયિકા વચ્ચેનું અંતર વધતું જાય છે અને નાયિકાની માંડ સ્ટેજ પર ઊભા રહેવાની જગ્યા રહે છે ત્યારે બિનીતા જે રીતે દીવાલનો આશ્રય લેવાનો અભિનય કરે છે તે પણ ઉત્તમ હતો. ઑડિયન્સ નાટકનું હાસ્ય જરૂર માણી શક્યું. એક પછી એક ડોરબેલ વાગતા જાય છે. અતિથિઓ આવતા જાય છે, ખુરશીઓમાં ગોઠવાતા જાય છે – આ બધા અદૃશ્ય અતિથિઓનું આગમન છે તે જ નાટકની એબ્સર્ડિટી, આ એબ્સર્ડિટીને પણ ઓડિયન્સ પામી શકેલું. પણ પ્રવક્તા આવે છે. એનાં ચપોચપ ઈસ્ત્રીબંધ વસ્ત્રો, બાંકી હૅટ, એમાં ફૂમતું - આ બધાં પરિધાનો કેવાં બોલકાં છે પણ પ્રવક્તા અબોલ છે! ઇયોનેસ્કોએ આ નાટકને ‘tragic farce’ તરીકે ઓળખાવ્યું છે. આ farce તો ઑડિયન્સ માણી શક્યું પણ એની ટ્રેજેડીનો મર્મ, એની ટ્રેજેડીનું રહસ્ય પામી શકાયું ખરું? આપણા શાસ્ત્રકારોએ, ખાસ કરીને વૈયાકરણીઓ, આલંકારિકો અને તત્ત્વજ્ઞાનીઓએ અર્થનો શો અર્થ થાય એની ઊંડાણથી ચર્ચા કરી છે. ઈયોનેસ્કો અર્થની અર્થહીનતાનો અર્થ શો થાય એની ચકાસણી કરે છે. બુદ્ધ, મહાવીર, ઈશુ, ગાંધી આ સૌ પયંગબરો આવી ગયા. એમણે માનવજાતને ‘સંદેશો’ આપ્યો. બુદ્ધ અને મહાવીરે મૈત્રી, કરુણા, ઉપેક્ષા (જૈન પરિભાષામાં માધ્યસ્થ્ય) અને મુદિતા એવો સંદેશ આપ્યો. ઈશુએ કહ્યું: Love thy neighbour. ગાંધીએ અહિંસા, સત્ય, અસ્તેય વગેરે સાથે એકાદશ વ્રતો આપ્યાં. માનવજાતે આ દિશામાં, આ સંદેશાને ગ્રહણ કરવામાં, એક પગલું પણ માંડ્યું છે ખરું? તો એમણે મૈત્રી, કરુણા વગેરે તત્ત્વાર્થો રજૂ કરવાને બદલે ક, ચ, ટ, ત, ૫ એમ માત્ર અર્થહીન ઉદ્ગારો જ કર્યા હોત તો શો ફેર પડત? આ માનવજાતની ટ્રેજેડી છે અને આ મર્મને, રહસ્યને ઈયોનેસ્કો સંકેતે છે. ઈયોનેસ્કો સૂચવે છે કે Language doesn’t communicate, આજની ટેલિવિઝનની જાહેરખબરો, રાજકારણીઓનાં વચનો, ધર્મગુરુઓનાં ભાષણો આ અર્થહીનતાના જ નમૂના નથી?

ધ લેસન

લેસનના રૂપાંતરકાર છે સિતાંશુ યશશ્ચંદ્ર. સિતાંશુની સર્જકતા નાટકની વાણીમાં સોળે કળાએ ખીલી ઊઠી છે. સિતાંશુ મૂળને વફાદારીથી અનુસરે છે. પણ સાથે સાથે એને ગુજરાતીતાનું રૂપ આપે છે અને એમ નાટકના સંવાદો વધારે સ્વાભાવિક બને છે. આમાં પણ ‘સંદેશો’ની જેમ સિતાંશુએ કરેલા ફેરફારો - ઉમેરાઓ લાક્ષણિક છે. વિદ્યાર્થિની એકીસાથે એક નહીં પણ અનેક વિષયોમાં પીએચ.ડી. કરવા માગે છે એ સિતાંશુની એબસર્ડિટીની અભિવૃદ્ધિ છે. આમાં ભવિષ્યમાં રચાનાર ‘સિંહવાહિની સ્તોત્ર’ કાવ્યના પૂર્વપડઘા પણ સાંભળી શકાય. આ નાટકમાં ઈયોનેસ્કોનાં નાટકોનાં લગભગ બધાં જ મુખ્ય તત્ત્વો જોવા મળે છે: ભાષાની અર્થહીનતા, વ્યક્તિની અકારણ આક્રમકતા, અત્યાચાર અને હિંસા, સમૂહ વિચારણાની વિનાશકતા. આ નાટકમાં પણ ટૂંકા ફલકમાં બંને પાત્રોનું રૂપાંતર, દિગ્દર્શક (ચંદ્રકાંત શાહ) અને અભિનેતા (ચંદ્રકાંત શાહ) અને અભિનેત્રી (ઈશાની શાહ)ની કાબેલિયત સૂચવે છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ઈશાની જે રીતે શરૂઆતમાં જ બે ટૂંકા ચોટલા લઈને લટકમટક કરતી કૉલેજકન્યાનું રૂપ લઈને આવે છે તે ઘડીભર તો એને ૧૮-૨૦ વર્ષની કન્યા બનાવી દે છે. નાટકની શરૂઆતમાં એ હસતી-રમતી, નાચતી-કૂદતી પ્રસન્નતાની મૂર્તિ છે. પ્રોફેસર ભીરુ, અચકાતો, વાત વાતમાં ક્ષમાપ્રાર્થી છે. જેમ નાટક ખીલતું જાય છે તેમ પાત્રોનું સંપૂર્ણ પરિવર્તન થાય છે. પ્રોફેસર સરમુખત્યારી રાક્ષસનું રૂપ લે છે અને વિદ્યાર્થિની વધુ ને વધુ સંકોચાતી જાય છે અને છેવટે તો માંડ માંડ એની પીડા (‘મારો દાંત દુખે છે’)માં જ આશ્રય શોધે છે. બંને પાત્રોના અભિનયનો આ કમાલ હતો. આ નાટકનું હાસ્ય માણવું પ્રમાણમાં સરળ હતું. બે વત્તા બે, ચાર વત્તા ત્રણ – આ બધાના સરવાળાના સાચા જવાબથી પ્રોફેસર પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે અને ‘મિસ, તમે જરૂર પીએચ.ડી. કરી શકશો’ એવા સધિયારાથી પ્રેક્ષકગણ ખુશખુશાલ થઈ જાય એમાં શી નવાઈ? આ જ પ્રમાણે ભાષાશાસ્ત્રની બિરંદી પણ હાસ્યજનક હતી. ફ્રેંચમાં ‘ફ્રાન્સનું પાટનગર પૅરિસ છે’નો ઈટાલિયનમાં અનુવાદ થાય ‘ઈટલીનું પાટનગર રોમ છે!’ કોણ કહી શકશે કે આ અનુવાદ ખોટો છે? આ એબ્સર્ડિટી ઑડિયન્સ પૂરેપુરું માણી શકેલું, આગળ એક એબ્સર્ડ નાટક જોયા પછી આ એબ્સર્ડીટીને પામવાની શક્તિ પણ સંકોરાયેલી. આ નાટકની પરાકાષ્ઠા ઈયોનેસ્કોના બીજા એક નાટક ‘જેક’ના શબ્દોની યાદ અપાવે છે. ‘Oh, words, what crimes are committed in your name?’ શબ્દની શક્તિ કેવી સંહારક છે તેને ઈયોનેસ્કો ઉત્કટ રીતે મૂર્ત કરે છે. ‘છને કંઈ નહિ છ, ૨ ને કાનો માતર રો’ આ શબ્દો ફરીને પ્રોફેસર ઉચ્ચારે છે, એના સૂરમાં જે બુલંદી છે, ત્યારે ચંદુ માત્ર ઈશાની ઉપર જ નહીં, સ્ટેજ ઉપર જ નહીં, સમગ્ર ઑડિયન્સ ઉપર છાઈ જાય છે. આવો યાદગાર અભિનય તો નાટ્યાનુભવની વિરલ મૂડી છે. શાસ્ત્રવચન છે एकः शब्दः सम्यक् ज्ञातः सम्यक् प्रयुक्तः स्वर्गे लोके च कामधुग् भवति । (એક શબ્દ, યોગ્ય રીતે જાણેલો, યોગ્ય રીતે પ્રયોજાયેલો, સ્વર્ગમાં અને આ લોકમાં કામધેનુની ગરજ સારે છે.) સાચું. પણ ઈયોનેસ્કો આની ૧૮૦ ડિગ્રી વિરુદ્ધ વિપરીત દશાનો ચોટડૂક પ્રશ્ન પૂછે છે કે શબ્દના સદુપયોગની આ ફલશ્રુતિ હશે. પણ એના દુરુપયોગની શી ગતિવિધિ? શબ્દનો દુરુપયોગ સંહાર સર્જે છે. ઇયોનેસ્કોએ આ નાટક લખ્યું ત્યારે હિટલર અને સ્ટાલિનનું શાસન ચાલતું હતું. આ સરમુખત્યારોએ ભાષાનો ને ભાષા દ્વારા કેવડો મોટો સંહાર સર્જ્યો? ઈયોનેસ્કો આગળ વધીને સૂચવે છે કે ભાષાનો વિનાશ અનિવાર્યપણે જીવનનો વિનાશ સર્જે છે. છેલ્લે એક દૃશ્ય ઉપર ધ્યાન ખેંચવું જરૂરી માનું છું. સદ્ભાગ્યે ‘ગુજરાત ટાઈમ્સ’ના સમર્થ પત્રકાર રમેશ જાધવે એમના ઉત્કૃષ્ટ અહેવાલમાં ‘લેસન’નું આ જ દૃશ્ય ફોટામાં મઢી લીધું છે એ આ અહેવાલમાં આપ્યું છે. પ્રોફેસર માત્ર વિદ્યાર્થિનીનું ખૂન જ નથી કરતો, એ માટે એને સ્થૂલ શસ્ત્રની પણ જરૂર નથી. શબ્દથી જ સંહાર થાય છે. પણ એ વખતે જે અભદ્ર, કઢંગી હાલતમાં પગ પહોળા કરીને વિદ્યાર્થિની ખુરશી પર પથરાય છે તે પર ધ્યાન ગયેલું? પ્રોફેસર વિદ્યાર્થિનીનું માત્ર ખૂન નથી કરતો, એના ઉપર બળાત્કાર પણ કરે છે એ સૂક્ષ્મ અભિનયથી સૂચવાય છે. ફરીથી આર.પી., બિનીતા, તોરલ, સિતાંશુ, ચંદુ, ઈશાની, પૂર્ણિમા સૌને જીવનભર સ્મૃતિમાં જડાઈ રહે તેવી એક યાદગાર રાત્રિની અનુભૂતિ માટે હાર્દિક અભિનંદન.

સંમેલનમાં જેઓ આવ્યા તેઓ ધન્ય થઈ ગયા -
હજારો ઓલિયા મુરશિદ ગયા માશૂકમાં ડૂબી
અને જે ના આવ્યા
ન ડૂબ્યા તે મુઆ એવી કલામો સખ્ત ગાઈ છે.

ભાનુબહેનનું સ્વાસ્થ્ય સારું હશે. ‘હસતે મુખે પ્રારબ્ધના કરતા જશું પરિહાસ’ એમ નાજુક અસ્વસ્થ તબિયતે પણ સાહિત્યકારો-સંગીતકારોની સરભરા કરનાર વીરાંગના પત્ની તમને મળી છે. સુશીલા યાદ પાઠવે છે. કુશળતા ચાહું છું.

એ જ
મધુસૂદન કાપડિયાનાં સ્નેહસ્મરણ.