ચિત્તવિચારસંવાદ/ભાષાભિવ્યક્તિ
અખાજીના કવિત્વનો એક મહત્ત્વનો ઉન્મેષ તેમની દૃષ્ટાંતકલા છે તેમ બીજો એક મહત્ત્વનો ઉન્મેષ તેમની ભાષાભિવ્યક્તિ છે. અખાજીની ભાષામાં માર્મિકતા, સચોટતા અને બલિષ્ઠતા છે. એમનો વિચાર એની ભાષાભિવ્યક્તિને કારણે જ આપણા ચિત્તમાં અંકિત થઈ જાય એવાં સ્થાનો ઘણાં જડે છે. અખાજીની આ વિશિષ્ટ ભાષાભિવ્યક્તિનાં લક્ષણો આપણે અહીં તેમની ‘ચિત્તવિચારસંવાદ’ રચનાને આધારે જોઈશું. અખાજીની ભાષાભિવ્યક્તિનું પહેલું ધ્યાન ખેંચે તેવું લક્ષણ વિશાળ શબ્દભંડોળ છે. તેમના શબ્દભંડોળમાં અલ્પપરિચિત શબ્દોથી માંડીને લોકરૂઢ તળપદા શબ્દો સુધીની વિશાળ શબ્દદુનિયાનું દર્શન આપણને થાય છે. વેદાંતની આ કૃતિમાં હિરણ્યગર્ભ, અસંભાવના, વિપરીત ભાવના વગેરે પારિભાષિક સંસ્કૃત શબ્દો હોય એ તો સ્વાભાવિક છે પણ કેટલાક સંસ્કૃત શબ્દપ્રયોગો તેની અલ્પપરિચિતતાથી ધ્યાન ખેંચ્યા વિના રહેતા નથી. જેમકે, અર્જુન (=મોર, ૧૧૮), ધામ (=પ્રકાશ, ૩૦૬). ‘અભ્યસો’ (=અભ્યાસ કરો, ૨૦) એ ક્રિયાપદ રૂપ ગુજરાતીમાં થોડું વિલક્ષણ ગણાય. ત્રણેક શબ્દો તો આપણને એવા મળે છે જે અખાજી વિલક્ષણ અર્થછાયા સાથે કોણ જાણે ક્યાંથી લાવ્યા છે. જેમકે, ‘પરબ્રહ્મ’ના અર્થમાં વપરાયેલો ‘શંભ’ એટલે કે ‘શંભુ’ શબ્દ (જુઓ હવે પછીની શબ્દાર્થચર્ચા), ‘સત્ત્વગુણ’ના અર્થમાં ‘સમોગુણ’ એટલેકે ‘શમગુણ’ (જુઓ હવે પછીની શબ્દાર્થચર્ચા), સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાંની સ્થિતિનું વર્ણન કરતી વખતે વપરાયેલા ‘અરબદ’ એટલે કે ‘અર્બુદ’ (=બે માસનો કાચો ગર્ભ), ‘નરબદ’ એટલે કે સંભવતઃ ‘નર્દબુદ’ (ગર્ભને બોલાવવાનો અવાજ) (આ બંને શબ્દો માટે જુઓ કડી ૨૪૨ની સમજૂતી). મધ્યકાળના વિશિષ્ટ કહેવાય એવા તદ્ભવ અને તળપદા શબ્દોનો તો અખાજી એક ખજાનો છે. અટાટ, અદબદ, અવઘાય, અહરું, અંથ, આઘુ (=આગળ), આપોપુ, આલાલુંબે, ઉપતેજ (=અપતેજ, તેજહીનતા), ઉફરૂં, કફ (=જામગરી), કાજગરી, ખરાર્ય, ખેવ, ગ્રથલ, ઘાટે ઘાલવું, ધંધ, નેડે, પખે, રણવેર, રૂસલ, સમોહોલે, સરાય, હડી (=અડી, મુશ્કેલી), હૂંસ વગેરે શબ્દો તથા આ પછીની શબ્દચર્ચા અને છેવટના શબ્દકોશને જોવાથી એનો અંદાજ આવશે. કેટલાક શબ્દો વિશિષ્ટ અર્થમાં વપરાયા છે અને ‘અજમાલ’ જેવા શબ્દનો અર્થ આજે આપણે બેસાડી શકતા નથી એ ત્યાં જોઈ શકાશે. આ બતાવે છે કે અખાજીનો શબ્દાનુભવ વિશાળ છે એટલું જ નહીં સૂક્ષ્મ પણ છે. ‘ભૂપ થાવા હીંડો છો’ (૧૯) જેવા રૂઢિપ્રયોગો પણ આ શબ્દાનુભવની નીપજ છે. અખાજીમાં શબ્દૌઘની શૈલી દેખાય છે તેમાં વીગતપ્રચુર ચિત્રાત્મકતાના એમના વલણની સાથે આ શબ્દાનુભવનો પણ ફાળો હોવાનું ગણી શકાય. અખાજી ફોડ પાડીને નામો લખવાનું ઘણી વાર પસંદ કરે છે. ‘ત્રણે ભુવનમાં જતો’ એમ કહેવાને બદલે ‘સ્વર્ગ મૃત્યુ પાતાલે જતો’ (૩૩) એમ કહેવાનું એ પસંદ કરે છે. ‘ઉત્તપત્તિ સ્થિતિ સંઘારણ ક્રમ’ (૧૨૯) તથા ‘સાગર તરંગ બુદબુદા’ વગેરે આ પ્રકારનાં દૃષ્ટાંતો છે. એમનો શબ્દૌઘ કેવી અસરકારક વાક્છટા ધારણ કરે છે તે નીચેનાં ઉદાહરણો પરથી જણાશે :
પુરાણ અઢાર અને ઇતીહાસ્ય,
ગીતા ભાગવત આગમ ઉપાસ્ય.
ધનુર્વેદ ને ગાંધર્વવેદ, વૈદવિદ્યા
જ્યોતિષનો ભેદ. (૬૧-૬૨)
દ્રુમ પરવત સાગર વન નદી,
મણી મંત્ર ચેટક ઓષધી (૨૬૮)
કામ ક્રોધ લોભ મોહો મછર માઇ,
ઈરષા મમતા આશા પ્રાઇ. (૨૯૪)
શબ્દૌઘની જેમ વાક્યૌઘનો પણ અખાજી ઉપયોગ કરે છે. એટલે કે સમાન પ્રકારનાં વાક્યો એક પછી એક જોશબંધ આવે છે. આ દ્વારા સર્જાતી વાક્છટા સવિશેષ આકર્ષક બને છે. જુઓ :
ફાટું આચરે ફાટું બકે. (૨૩૪). અવની હેમ ને અવની લોહ. (૨૬૪)
સેહેજે છૂટે સેહેજ્યે બંધાઈ, સેહેજ્યે કો દિન ચાલી જાઈ. (૧૬૧)
હૂંતું અરબદ નરબદ ધૂંધૂંકાર,
નહોતાં તત્ત્વ નહોતા આકાર,
ઉડગણ નહોતા ઉડપતી ભાણ,
નહોતા વેદ સમૃતિ પુરાણ,
નહોતું શિવ બ્રહ્મા ને વિષ્ણુ,
નહોતું શીત કેહે નોતું ઉષ્ણ. (૨૪૨–૪૩)
જેમ સંજ્ઞાશબ્દો અને વાક્યોની આવલિ અખાજી રચે છે તેમ ક્રિયા-શબ્દોની પણ રચે છે. તે દ્વારા ક્રિયાની સમગ્રતા કે એનું એક પૂરું ચક્ર સૂચવાતું હોય છે જેમકે– બોલે ચાલે ભોગવે સ્વાદ. (૨૩૧) નાના રૂપ આવે રહે જાઇ. (૨૭૧) વાક્યો સમાન ન હોય તોપણ એક પદાર્થ સાથે સંકળાયેલી ઘણીબધી ક્રિયાઓના નિર્દેશથી એક વિશિષ્ટ પ્રભાવ ઊભો થાય છે. નીચેનાં ઉદાહરણોમાં ‘સત્ય’ શબ્દને પુનરાવૃત્ત કરીને અખાજીએ આવો પ્રભાવ ઊભો કર્યો છે તે જોઈ શકાશે :
વિચાર કહે સાંભલ્ય તું ચિત્ત,
સત્ય વરતાવે ત્યેમ તું વર્ત્ય.
સત્ય દેખાડે સીધી વાટ,
સત્ય વિના તે ન પામે ઘાટ,
સત્ય આગઉ આગલ્ય કરે,
અને તે પુઠ્યે જો તું સંચરે.
પ્રવૃત્તિ નિવૃત્તિ ભોગવે સત્ય વડે,
તો કહીએ ભુલો નવ્ય પડે,
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ,
જ્ઞાન કથી રખે આણો ગર્વ. (૩૨૬–૨૮)
સમાન પ્રકારનાં વાક્યો કેટલીક વાર સામસામે તોળાતાં વાક્યો રૂપે પણ આવે છે અને એક જુદી જ છટા ઊભી કરે છે. ‘તે તે દીવસે ન હોઇ ને ન હોઇ જામિની’ (૨૪૦). ‘ત્યાહા શબ્દે ન હોઇને ન હોઇ સમાસ’ (૩૧૮).
‘વંશ વિચારે ને અંશ ઓલખે’ (૨૫૨)માં સામસામે તોળાતાં વાક્યો છે પણ એની ચમત્કૃતિ જુદા પ્રકારની છે. એક બાજુથી ‘વંશ’ અને ‘અંશ’નો પ્રાસ મળે છે, બીજી બાજુથી ‘વંશ વિચારે’ અને ‘અંશ ઓલખે’ એ બંને વર્ણાનુપ્રાસવાળી વાક્યરચનાઓ છે.
સામસામે તોળાતાં વાક્યોવાળી રચનાઓ પરસ્પરપૂરક તેમ પરસ્પરવિરોધી અર્થો લઈને આવે છે :
ત્યમ તુંનો તું અને તેનો તેહ. (૨૩૫). તે તે તું ને તું તે તેહ જ. (૧૫૪)
એ સિવાય પણ વિરોધાભાસી ઉક્તિઓ મળે છે :
વણમેલ્યું મલ્યું. (૧૦) પોતે ટલ્યાથી પોતે થયો. (૧૨) બીજા ઉદાહરણમાં તો ‘પોતે’ શબ્દને બે અર્થમાં (૧. અહં રૂપે, ૨. આત્મસ્વરૂપે) યોજીને શબ્દાર્થની ચમત્કૃતિ ઊભી કરી છે.
દૃષ્ટાંતોની જેમ આ બધી ભાષાપ્રયુક્તિઓને કારણે પણ અખાજીનો તત્ત્વવિચાર કોરો તત્ત્વવિચાર નથી રહેતો, એક જીવંત અનુભવ બનીને રહે છે.