ચિત્તવિચારસંવાદ/કૃતિ-પરિચય

Revision as of 14:19, 6 March 2026 by Shnehrashmi (talk | contribs)
કૃતિપરિચય

ચિત્તવિચારસંવાદ

ઈસવીસનના ૧૭મા શતકમાં થયેલા અખાભગત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અસામાન્ય પ્રતિભાશાળી કવિ છે. એ મધ્યકાલીન જ્ઞાનમાર્ગીધારા કવિ છે અને આ ધારામાં એમનું સ્થાન સર્વોચ્ચ છે. અખા ભગતની ઘણી કૃતિઓમાંની એક ઉત્તમ કૃતિ તે ‘ચિત્તવિચારસંવાદ’ છે. અહીં અખા ભગતની પ્રસ્તુત કૃતિની સંશોધિત વાચના મૂકી છે. ૪૧૧ કડીની આ કૃતિમાં વેદાંતવિચાર રજૂ થયો છે. વેદાંતવિચારને સમજવા માટે સંશોધકે આરંભમાં ભારતીય તત્ત્વવિચારની પરંપરા વિશે અભ્યાસ રજૂ કર્યો છે. જેમાં આરણ્યક, ઉપનિષદ, સૂત્રો, શ્રૃતિ-સ્મૃતિ, દર્શનો વગેરે વિશે સરળ શૈલીમાં છતાં વિશદતાથી ચર્ચા આપવામાં આવી છે. આ ભૂમિકા વાચક-અભ્યાસીને અખા ભગતની પ્રસ્તુતિ કૃતિ સમજવામાં મદદરૂપ બનશે. સંપાદકે કૃતિના વિષયવસ્તુનું વિશ્લેષણ વિવિઘ વર્ગીકરણ કરીને આપ્યું છે. કડી પ્રમાણે વિષયવસ્તુ રજૂ કર્યું છે. કૃતિ નિમિત્તે કવિનું મુખ્ય લક્ષ્ય સ્વ-સ્વરૂપની અટલેકે ચિદ્સ્વરૂપની શોધ કરવાનું છે. એ નિમિત્તે કવિએ જીવ, ઈશ્વર, પરબ્રહ્મ, માયા, ભક્તિ, જ્ઞાન, જ્ઞાની, ગુરુ વગેરે વિશે વિચાર રજૂ કર્યા છે. અદ્વૈત, માયા, જીવ, બ્રહ્મ જેવા અમૂર્ત વિચારને સમજવા માટે કવિએ સંખ્યાબંધ નિદર્શનો ઉપયોગમાં લીધાં છે. એ રીતે આખોય વિચારસંદર્ભ કાવ્યમયરીતે ભાવક સમક્ષ પ્રગટે છે. કૃતિમાં અખા ભગતે પિતા-પુત્ર વચ્ચે સંવાદ કરાવ્યો છે. એ રીતે આખોય કૃતિપ્રપંચ રસપ્રદ બન્યો છે. આ સંશોધિત કૃતિમાં દરેક પંક્તિનો અર્થ આપવામાં આવ્યો છે. સાથે કઠિન શબ્દોનો કોશ અને પારિભાષિક શબ્દ કોશ પણ આપવામા આવ્યા છે જે અભ્યાસીને ઉપયોગી થશે.