સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ‘કલાપી’
જેલમના પ્રવાહના અવાજનું વર્ણન કવિએ છટાથી અનેક ઉપમાઓ વાપરીને કર્યું છે. વાક્ય મોટાં મોટાં છે, પણ તે આડંબર કરવા માટે નહિ, પરંતુ નદીના પ્રવાહની અને એના અવાજની ભવ્યતાનો કાંઈક પણ અણસારો આપવાની ઇચ્છાથી. આ વાક્યોને જો યોગ્ય વિરામો આગળ અટકીને વાંચવામાં આવશે, તો વાક્યના વળાંકો, વિરામો, આરોહઅવરોહ (ચડ-ઊતર) ઉપરથી નદીના વહેણનો કાંઈક ખ્યાલ આવશે, અને શબ્દોની સુરાવટમાંથી એ વહેણના અવાજનો પણ કાંઈક પડઘો સાંભળવા મળશે. વિકટ રસ્તાનું વર્ણન છે તે ઉપરથી સમજાય છે કે સ્વર્ગનું સ્વપ્ન કાંઈ પથારીમાં પડ્યા પડ્યા અનુભવાતું નથી. તે માટે તો મૃત્યુને હાથમાં લઈને ફરવાની તૈયારી જોઈએ. કવિશ્રી કલાપી સ્વભાવે પૂરા સાહસિક હતા. એકવાર ગિરનાં જંગલોમાં સિંહ જોવાની ઇચ્છા થઈ આવતાં રસાલાને પાછળ છોડી પોતે એકલા ચાલ્યા ગયા. રસાલાના માણસોએ મોડે મોડે એમને શોધી કાઢ્યા ત્યારે એ કશા ગભરાટ વગર, પોતે સિંહ જોવામાં નિષ્ફળ નીવડેલા એટલે, એટલું જ બોલ્યા કે ‘સિંહને સિંહ ન મળ્યો!’ આ વર્ણનમાં તેઓ કહે છે, ‘મૃત્યુ જેવા ભયંકર છે, પણ મનને રીઝવે છે.’ મૃત્યુ જેવી ભયંકરતાથી જેનું મન રિઝાતાં શીખ્યું છે તે જ આ ભૂમિ ઉપરનું ‘સ્વર્ગનું સ્વપ્ન’ ક્ષણવાર પણ પામી શકે, એવું એ વિકટ રસ્તાના વર્ણન પરથી આપણને જાણે કવિ કહેતા ન હોય! ‘...જેલમ ગઈ તે ગઈ જ!’ એવા શબ્દોથી કાશ્મીરનો પ્રવાસ તે પલકભરનું શમણું છે એનો ખ્યાલ આવે છે.] પર્વત પરની આડી અવળી સડક પર અમારી ગાડી ચાલવા લાગી. સફેદાના લીલા સોટા અને ચિનારના સોનેરી ગોટા નજરે પડતા બંધ થયા. તેઓની જગ્યાએ મયૂરપિચ્છ જેવાં ચળકતાં સરોનાં અસંખ્ય વૃક્ષો અને બીજા જુદા જુદા રંગના સુશોભિત ગાલીચા દરેક ડુંગર અને ખીણમાં પથરાઈ ગયા છે. સ્લેટના પર્વતોની દીવાલો અને ઘીટ વૃક્ષઘટા ડાબી બાજુ પર ઝૂમી રહી છે. જમણી બાજુએ ઊંડી ખીણમાં જેલમ નદી વહે છે. આ જેલમ, જેમાં બારામુલ્લાં સુધી કિસ્તી ચાલી શકે છે, આજે જે માત્ર તળાવ જેવી સ્થિર દેખાય છે, તેમાંથી પહેલાં મુગ્ધાના નૂપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાળાના રથના ઘૂઘરા જેવો, પછી મદોન્મત્ત ગંધમાદનની ગર્જના, સિંહના ઘુર્ઘર ઘોર અથવા વાંસઝાડીમાં ફૂંકાતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સાથે ખડખડી પડેલા કૈલાસ શિખરના ગગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલુમાંથી શંકરજટા પર અને શિવમસ્તક પરથી મેરુ પર્વત પર પડતી ભાગીરથીના ઘુઘવાટ જેવો, પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અનેક ઇંદ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઊછળતાં, નીચે જતાં, ફેલાઈ જતાં અને ભેગાં થતાં ફીણના ગોટાને ઉત્પન્ન કરતો, ભમર અને વમળને જન્મ આપતો, ખેંચી જતો અને લય કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઈ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્થરોને ધ્રુજાવતો, પાતાળ ફોડી નાખવા યત્ન કરતો, કાશ્મીરને સપાટ કરવા મથતો, આંખને પોતાના તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો, ફોડી નાખતો, નદીના ઊકળતા, ઊછળતા, પછડાતા ધોધનો ગંભીર અવાજ બહાર નીકળી ચારે દિશામાં ફેલાય છે, સૃષ્ટિના સંધિબંધ તોડી નાખવા ઇચ્છતો હોય તેમ દેખાય છે, અને બીજા દરેક અવાજને દબાવી દે છે તેથી પક્ષીઓ મૂંગાં હોય, વૃક્ષો હાલતાં અને ઘસાતાં છતાં અવાજ ન કરતાં હોય, અને પવન સાચવી સાચવીને સંચરતો હોય તેમ ભાસે છે. આથી યુદ્ધમાં ગયેલા પતિઓને માટે શોક કરવાથી પડતાં અનેક સહસ્ત્ર સુંદરીઓનાં અશ્રુ જેવાં, વરસાદની અખંડ હેલી જેવાં, અને વસંતમાં ઊંચી ચડી વીખરાઈ જતી શ્રીમંતોના જળયંત્રમાંથી નીકળતી જળધારા જેવાં જળબિંદુઓ અહર્નિશ ચોપાસ છંટાયા કરે છે. ગંગા શંકરે મસ્તક પર ધરી અને મને શા માટે નહિ, એવી રીસથી જેલમ જાણે પર્વતો પરથી નીચે સૃષ્ટિ પર અને સૃષ્ટિ પરથી નીચે પાતાળમાં શંકર પાસે જઈ પ્રલય કરવા માગતી હોય તેવી દેખાય છે. ડાબી અને જમણી તરફના ઊંચા ડુંગરો અને ઝાડીમાંથી તે નદીનાં જ બચ્ચાં જેવા અસંખ્ય ધોધ વહી આવતા, માતુશ્રીને મળતા અને અવાજમાં વધારો કરતા નજરે પડે છે. આ અદ્ભુત જળના સુંદર દેખાવ સિવાય આંખ અને મનને હરી લેનાર, ઊંચા નીચા, લીલા અને ભૂરા, બરફથી ઢંકાયેલા અને બરફ વિનાના, ગોળ અને અણીવાળાં શિખરોવાળા, પાણીનાં ઝરણ અને પુષ્પલતાવાળા, ઊંડી ગુફાવાળા, દૃષ્ટિમર્યાદાથી પણ વિશેષ લંબાઈ અને પહોળાઈવાળા પર્વતો, તેઓની રમણીયતા, તેઓની કલ્પી ન શકાય તેવી ઊંચાઈ અને તેઓ પરના અસંખ્ય નાના પ્રકારના રંગનું ગૌરવ કાંઈ મન પર ઓછી અસર કરે તેવાં નથી. આ રસ્તો ઘણો જ વિકટ છે. એક બાજુએ ઊંચા પર્વતો અને બીજી બાજુએ એક હજારથી વધારે ફૂટ ઊંડી જેલમના ઘુઘવાટાથી ગાજી રહેલી ખાઈ આવી રહેલી છે. કેટલાએક પર્વતો કાળા સખત પથ્થરના છે, કેટલાએક સ્લેટના છે, અને કેટલાએક માટીના છે. આ દરેક પર્વત પર સરખાં જ સુશોભિત વૃક્ષો આવી રહેલાં છે. ઊંચાઈમાં પણ ઘણાખરા સરખા જ. ગિરના જેવા કાળા કાગડાના વિચિત્ર જાતના અવાજ, કોઈ કોઈ કુંજમાં મધ્યાહ્ન સમયે છૂપી રહી મધુર ગાયન કરતાં ચંડોલોના સુસ્વર, અને વર્ષાની શાંત રાત્રિનું ભાન કરાવતા તમરાંના ધ્વનિ દરેક પર્વત પર સંભળાય છે. જેલમ નદીનાં ઊછળતાં ફીણ દરેક ડુંગર પરથી દેખાય છે, સામે ટેકરીઓ પર ચરતાં ઢોર, પહાડી બકરાં અને ફરતાં જંગલી માણસો દરેક જગ્યાએથી નજરે પડે છે, અને નાનાં મોટાં ઝરણ, ખળખળિયા અને ધોધથી દરેક પહાડ સુશોભિત દેખાય છે; પણ ધૂળના પર્વતો તો નિરંતર ભીના જ રહે છે, પાસેથી પસાર થતી દરેક વસ્તુને શીતલ કરી દે છે અને ઝાડની અતિઘીચ કુંજગલીઓથી છવાયેલા છે. આ પર્વતો પર અસંખ્ય ગડગડિયા નાના મોટા પથ્થરો ધૂળની સાથે નીચે સડક પર અને સડક પરથી નીચે ખાઈમાં ઠેઠ જેલમ સુધી ધસી પડે છે. આના સપાટામાં જે કોઈ પ્રાણી અથવા ચીજ આવી જાય છે, તેનો તત્કાળ નાશ થાય છે, અને ફરીથી દૃષ્ટિએ પડતાં નથી. આવા અકસ્માતોથી ઘણી વખત ઘણા જીવોનું નુકસાન થાય છે. ચોમાસામાં ધરતીકંપ, વાવાઝોડું, વંટોળિયા અથવા ઝપાટાની વખતે જ આવા અકસ્માતો બને છે તેમ નથી, પણ ધૂળ અને નાના ગોળ પથ્થરો હંમેશાં ખર્યા જ કરે છે. આમ થવાથી કેટલાક મજૂરો સડક સાફ કરવા દરરોજ કામે લાગેલા જ હોય છે, અને રસ્તે ચાલતી ગાડીને દબાઈ, દટાઈ, છૂંદાઈ અથવા ઘસડાઈ જવાની નિરંતર ધાસ્તી રહે છે. પથ્થરનું દરેક ચોસલું હમણાં આવી પડશે એમ દેખાય છે. આમાંથી બચવાનો એકે ઉપાય નથી, કેમકે આવા પર્વતો ઘણા લાંબા છે અને સડક હંમેશાં તેની અડોઅડ જ ચાલી જાય છે. આ જીવને હાનિકર્તા છે, પણ આંખને આનંદ આપે છે; મૃત્યુ જેવા ભયંકર છે, પણ મનને રીઝવે છે; રોગથી પણ વિશેષ દુઃખ આપનાર થઈ પડે તેવા છે, પણ વિચારોને પ્રફુલ્લ કરે છે; ત્યાંનું રહેઠાણ મૃત્યુનું સહોદર છે, પણ મનને તે છોડી જવું ગમતું નથી; અને આ દેખાવો માંસાહારી પશુઓ, એકાંત, બરફ અને ઝાડીથી વિકરાળ છે, પણ સર્વ રમણીય વસ્તુઓમાં શ્રેષ્ઠ, દૃશ્ય વસ્તુઓમાં સર્વોપરી અને સર્વ આહ્લાદક, સુખકર, શાંત કરનારી અને શીત ચીજોમાં ઉત્તમ છે. જેલમ માતાએ સંગાથ છોડ્યો. અરે! તેણે એક માની માફક શ્રીનગરમાં અને શ્રીનગરથી કોહાલા સુધી અમારી સંભાળ લીધી. તેના ખોળામાં અમને રમાડ્યા, તેના પયથી અમારું પોષણ કીધું, હાલરડાં ગાઈ અમને આનંદ આપ્યો, ઘૂઘરો વગાડી રીઝવ્યા, નવીનવી વસ્તુઓ દૃષ્ટિ આગળ ધરી તૃપ્ત કીધા, આખરે સીતાની માફક પૃથ્વીમાં સમાઈ ગઈ. તેના પ્રથમના ઇરાદા પ્રમાણે બલિરાજા પાસે ચાલી ગઈ. વજ્ર જેવા આ સ્વર્ગના પાષાણોને ફાડી દૃષ્ટિથી અગોચર થઈ ગઈ. પર્વતોને આડા ધરી સંતાઈ ગઈ. કોણ જાણે ક્યાંય દૃષ્ટિમર્યાદા બહાર દોડી ગઈ! હવે તેનાં ફરી દર્શન ક્યારે થશે? તેના વિના ઘીટ, સુંદર, રમણીય, વિશાળ અને નવપલ્લવ વૃક્ષો અને વેલી પણ શૂન્ય દીસવા લાગ્યાં. તેના વિના મોટી મોટી ખીણો સૂની ભાસવા લાગી. તેના વિના મહાન પર્વતો અને બરફથી ઢંકાયેલાં શિખરો પણ અલંકારવિહીન દેખાવા લાગ્યાં. જેલમ માતા ગઈ તે ગઈ જ!
સ્વાધ્યાય
{{Hi|૧. જેલમનું વર્ણન કરો.