સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વારી જાઉં રંગ બજાણિયા

Revision as of 17:00, 31 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩. વારી જાઉં રંગ બજાણિયા

અખો


વારી જાઉં રંગ બજાણિયા, તેં તો ભલો ભજાવ્યો ભેખ;
સ્થાવર જંગમ જોતાં જૂજવો, અંતર વસ્તુ એકની એક. વારી૦
પ્રથમ પડદો માયાનો રચ્યો, માંહે પ્રગટાવ્યા પંચે ભૂત;
આડે આવરણ છાયો અંગમાં, લાવ્યો લખચોરાશી રૂપ. વારી૦
ગગન ઘર રચ્યું વણ થંભનું, માંહે ચીતર્યા ચૌદ માળ;
વિશ્વરૂપે વસ્યો વિઠ્ઠલા, તેની ભણ્યા ભૂલી ગયા ભાળ. વારી૦
ચાર જુગની રૂડી રજની, ધર્યા દીપક બે શશી સૂર્ય;
ખટ દર્શને ખેલ મચાવિયો જોતાં જુગતું ભરપૂર. વારી૦
બ્રહ્માને મોટા ઠરાવિયા, શ્રુતિ સ્મૃતિ પૂરે શાખ;
બાળને બીક (જ્યમ) બાઉની, તેમ જીવ પડ્યા વાક્ય-જાળ. વારી૦
સાત સાગર ભર્યા નીરના, રેંટચક્ર ફરે વાયુવેગ;
નવસેં નવ્વાણું નદીની નીકમાં, ઉપર સીંચતો માળી મેઘ. વારી૦
રંગઢંગ તારા શું કહું, નહિ નંદવા ઠાલું ઠામ;
એવું લહી અખો લવતો રહ્યો, જોતાં સઘળે સરખો રામ. વારી૦

સ્વાધ્યાય

૧. ભક્તનાં લક્ષણ કહો.
૨. અવળવાણી એટલે શું? અખામાંથી તેમ જ બીજા કોઈ દાખલા આપો.
૩. બજાણિયે કેવો વેશ ભજવ્યો છે તે સમજાવો.