સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભગ્ન સ્વપ્નની નાવ

Revision as of 02:48, 2 April 2026 by Meghdhanu (talk | contribs)
૧. ભગ્ન સ્વપ્નની નાવ

ઝીણાભાઈ દેસાઈ - ‘સ્નેહરશ્મિ’

મારી નાવ કરે કો પાર?

કાળાં ભમ્મર જેવાં પાણી.
જુગ જુગ સંચિત રે! અંધાર.
સૂર્ય ચંદ્ર નહિ, નહિ નભ જ્યોતિ,
રાત દિવસ નહિ સાંજ સવાર!
મારી નાવ કરે કો પાર?

ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર,
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોત-પછાડ!
મારી નાવ કરે કો પાર?

નથી હીરા, નથી માણેક, મોતી
કનક તણો નથી એમાં ભાર.
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?