આત્મપરિચય/પરિશિષ્ટ/ સખ્ય ઉષા જોષી

From Ekatra Wiki
Revision as of 12:13, 24 July 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સખ્ય ઉષા જોષી|}} <poem> સમાનો મંત્રસ્સમિતિસ્સમાની સમાનં મનસ્સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સખ્ય ઉષા જોષી

સમાનો મંત્રસ્સમિતિસ્સમાની
સમાનં મનસ્સહ ચિદૃ્યમેષામ્
સમાની વ આકૃતિસ્સમાના હૃદયાનિ વ:
સમાનમસ્તુ વો મનો યથા વસ્સુસહાસતિ
ઋગ્વેદ

કોલેજમાં નવા નવા હતા. લગભગ બધા જ ચહેરા અજાણ્યા. વર્ગમાં એક વાર પ્રોફેસર નોટ્સ લખાવતા હતા. પૂરું થયું એટલે એક વિદ્યાર્થી બોલ્યો : આ તો સુરત કોલેજના મેગેઝિનમાં કોઈ વિદ્યાર્થીએ પ્રગટ કરેલો લેખ છે. પ્રોફેસરે એના તરફ કરડાકીથી જોયું ને ચાલ્યા ગયા. અમે પાછળ ફરીને જોયું નહોતું કે કોણ છે. કોઈને ઓળખતા નહોતા. પણ અંદર અંદર વાતો કરતાં કોઈ બોલ્યું, કઈ સ્કૂલનો છોકરો હશે? ત્યારે બીજું બોલ્યું, એ તો ગુજરાતમાંથી આવે છે. તેની આ હિંમત! અને એણે વાંચ્યું કેટલું હશે? ઇન્ટરમાં હું ને મારી બહેનપણી એક બેન્ચ પર પાસે પાસે બેઠાં હતાં. બન્નેના વાળ લાંબા. પાછળથી છોકરાઓએ ચોટલા બાંધી દીધા. ઊભા થતાં ખબર પડી. અમે પાછળ જોયું જ નહીં. ચોટલા છોડીને ચાલી ગયાં. પછી કોઈએ પ્રોફેસરનું ચિત્ર બોર્ડ પર દોરી નીચે જાનન્તિ તે કિમપિ તાન્ પ્રતિ લખ્યું. પ્રોફેસર સમજી ગયા. છમાસિક પરીક્ષાના પરિણામ વખતે એમને બોલાવીને કહ્યું : તને હાઇએસ્ટ કરતાં ખાસ એક માર્ક ઓછો આપ્યો છે. ત્યારે જોયું કે આ જ પાછળ બેસી મસ્તી કરનાર હતા. એલ્ફિન્સ્ટન કોલેજના એક દિવસોમાં ગાંધીજી જેવી વિભૂતિનું વર્ચસ્ હતું. લાઇબ્રેરીનાં કબાટો વચ્ચે જગ્યા કરીને ગોઠવેલાં ટેબલખુરશીથી બનાવેલા વાચનાલયમાં અમારી મંડળી જામતી. વિવેકાનંદ, શ્રી અરવિંદ, રવીન્દ્રનાથની વાતો ચાલતી ત્યારે અમે પ્રથમ મળ્યાં. એ તરતના જ બંગાળી શીખેલા. એટલે એકાદ બંગાળી ગ્રંથ તો બગલમાં હોય જ. રવીન્દ્રનાથની કવિતા સાંભળીને ખૂબ આનંદ થતો. એ જીવન મુગ્ધાવસ્થાનું પર્વ હતું. પછી એલ્ફિન્સ્ટન કોલેજના મુખપત્રનો ગુજરાતી વિભાગ એમની કવિતાથી જ ભરાઈ જતો. એ કવિતાઓ મને ખાસ ગમતી નહિ. મને એમ પણ થતું કે રવીન્દ્રનાથની આવી સુન્દર કવિતાઓ આત્મસાત્ કરનારો માણસ આવી લાગણીવેડાથી લથબથ કવિતા શા માટે લખતો હશે? ત્યાર પછી ત્રણ વર્ષે એ બધી રચનાઓ એણે સ્વહસ્તે ફાડી નાખી. કંઈક રોષમાં અને કંઈક નિર્વેદથી, ત્યારે બહારથી તો મેં ખરખરો કરેલો, પણ અંદરથી તો હું ખુશ થયેલી. મને થયું કે હાશ, આ લાગણીવેડામાંથી હવે એ છૂટશે. એ દરમિયાન બહારથી શાંત અને કંઈક મીંઢા દેખાતા માણસનો વધુ પરિચય થતો ગયો. માણસમાં બુદ્ધિશક્તિ સતેજ હોય છતાંય એ લાગણીવશ બને તો મને એવા માણસ માટે સહાનુભૂતિ થતી નથી. એમનું પણ એવું જ. ગુસ્સામાં કાઈ કેટલીય ચોપડીઓ ફાડી હશે. એક વાર તો રોષમાં ને રોષમાં છેક ચર્ચગેટથી માટુંગા સુધી પદયાત્રા કરેલી, ત્યારે વિનોબાની પદયાત્રા શરૂ થયેલી નહીં. આથી એમની એ પદયાત્રાને અમે મિત્રો દાંડીકૂચ કહીને ઓળખાવતા. બી.એ.માં આવ્યા ત્યારે નવી ચોપડીઓ શોધી લાવીને અમને સૌને વાંચી સંભળાવે. વાંચવાની પદ્ધતિ એવી કે અમે પણ વસ્તુનું હાર્દ પામી શકતાં, અમારા પ્રોફેસરને છોકરાછોકરી સાથે બેસી વાંચે તે જરાય ગમે નહીં અને વાંક પુસ્તક લાવનાર ને વાંચનારનો જ ગણાતો. એટલે એમનો ગુરુ સાથેનો સમ્બન્ધ અહિનકુલન્યાયનો જ રહેતો. પછી કેટકેટલું વાંચતા. ટાગોર મૂળ બંગાળીમાં જ વાંચવાનો આગ્રહ તેથી બંગાળી જાતે શીખ્યા. જૈનેન્દ્રકુમાર, દોસ્તોએવ્સ્કી, સંસ્કૃત, મરાઠી, હિન્દી, શ્રી અરવિન્દ — જે સારું લાગે તે લાવીને વાંચી સંભળાવે. ઉપનિષદો વાંચતા ત્યારે લાગતું કે સૂર્યનો નિર્મળ પ્રકાશ ઝીલીને પુલકિત થયેલી આ પૃથ્વી, ઋષિઓનાં નદીતીરે આવેલાં તપોવન, વનરાજિનાં વૃક્ષશિખરોથી ઊંચે ને ઊંચે જતી યજ્ઞવેદીમાંથી નીકળતી ધૂમ્રશિખા ને પ્રફુલ્લિત પુષ્પોની સુરભિ સાથે વહ્યો આવતો ઉદ્ગાતાનો સામવેદગાનનો મધુર સૂર — આ બધું આંખો સામે સાકાર થઈ ઊઠતું. ત્યારે આખું જીવન જાણે યજ્ઞવેદીરૂપ બની રહે છે. હૃદયની સર્વભાવના, વાસના, આકાંક્ષા હવિ બની જાય છે. પ્રાણ વડે પ્રાણનું યજન કરીએ છીએ. સ્પન્દે સ્પન્દે મહાસમર્પણની ઋચા જાણે ઝંકૃત થઈ ઊઠે છે. અને આ અનુભૂતિની ક્ષણે જીવન એ એક મંગલોત્સવ જ છે એની પ્રતીતિ થાય છે. ટાગોર વાંચતા પણ કહેતા કે આપણી બધી ઇન્દ્રિયોને એમાં ઓતપ્રોત કરીને સમગ્રતયા એ અનુભૂતિનો સાક્ષાત્કાર કરવા મથીએ, ભગવાનનું ઐશ્વર્ય નિર્બંધ અનિરુદ્ધ બનીને આપણા સમસ્તમાં વ્યાપી જાય એવું કરીએ. દિચ્નાગ વાંચતાં વાંચતાં કહેતા કે કાલિદાસ, ભવભૂતિ, શંકરાચાર્ય ઇત્યાદિએ કેટલું સુંદર, અદ્ભુત, અનુપમ લખ્યું. એથી વિશેષ તો શું કરવાનું? પણ હવે શબ્દોના અર્થ ઘસાઈ ગયા છે, અતિશયોક્તિના અતિરેકે પણ બધાને અર્થહીન બનાવ્યા છે. મારે તો એ શબ્દોને એનો સાચો અર્થ આપવો છે, એને ગૌરવ આપવું છે. મારા બાગમાં થતાં સાહેલીનાં ફૂલની હું રોજ વેણી પહેરતી. એક વાર કોલેજથી કાકાને ઘેર ગઈ ને પાછા ફરતાં ગ્રાન્ટ રોડ સ્ટેશને આવીને જોયું તો ગાડી સ્ટેશન પર ઊભી હતી, તેથી સેકન્ડક્લાસનો પાસ છતાં ગમે તે ડબામાં ચઢી ગઈ. ભીડ ઘણી હતી તેથી અંદર જઈને એક સીટને અઢેલીને ઊભી રહી. પાંચેક મિનિટમાં પાછળથી : અરે ઉષાબેન! લો બેસો, કહીને ઊભા થયા. હું હસી. પછી બોલ્યા : ફૂલની સુગન્ધથી ઓળખ્યાં. હું તો વાંચવામાં મશગૂલ હતો. મેં કહ્યું : ઘ્રાણેન્દ્રિય આટલી બધી સતેજ છે કે વાસી ફૂલની પણ સુગંધ આવી. બધી જ ઇન્દ્રિયો સતેજ રાખવી પડે ને સાહિત્યની સૃષ્ટિ પ્રભુની સૃષ્ટિ જ ગણો ને! એવી જ સમૃદ્ધ ને વિસ્તૃત! સાહિત્ય દ્વારા આત્મીયતા વિસ્તરતી જાય. સહુ કોઈને જગતનું શ્રેષ્ઠ સાહિત્ય વાંચી સંભળાવે. પ્રત્યેક સમીપ આવનાર રસલહાણના અધિકારી બને. નવું વંચાવે અને વાંચવાને પ્રેરે. ટાગોરના સાહિત્યના પ્રચંડ અને પ્રબળ પૂરમાં પ્લાવિત થઈ ગયેલા. જગતના કોઈ પણ ખૂણાના શ્રેષ્ઠ સાહિત્યનો સહેજ પણ અણસાર મળે કે પ્રાપ્ત કરવા દોડી જાય. પ્રત્યેકને રસાસ્વાદ આકંઠ કરે ને કરાવે, છતાં આત્મતત્ત્વમાં સ્થિર રહેતા. ટાગોર માટે અસીમ પ્રેમ, ભક્તિભાવ. એમના મિત્ર હંસરાજ શાહ બોલ્યા : ટાગોર કરતાં ગાંધીજી મહાન, એમનું કર્તવ્યક્ષેત્ર, તેનો વ્યાપ અને અસર જુઓ. એમણે કહ્યું : મહાન કવિની પ્રતિભા, સંવેદના અને તિતિક્ષા જ ઉચ્ચતમ સાધ્ય-બ્રહ્મ સુધી પહોંચવાને સમર્થ છે. વ્યાપ કંઈ ઇંચ-ફૂટથી નહીં મપાય. ચર્ચા બહુ ચાલી અને એના આઘાતથી બીજે દિવસે તાવ આવી ગયો. એ પોતે ગામડામાંથી આવેલા એટલે લઘુતાગ્રંથિમાંથી છૂટે નહીં. મેં જોયું કે કશુંક સારું વાંચવામાં કે લખવામાં એ રોકાયેલા હોય ત્યારે જ એના સ્વભાવના ઉત્તમ અંશો બહાર આવે છે. આથી અમે રાધાકૃષ્ણન અને સુરેન્દ્રનાથ દાસગુપ્તાનાં પુસ્તકોનો અનુવાદ શરૂ કર્યો. રવીન્દ્રનાથ ફરી ફરી વાંચ્યા. એમના સ્વભાવની અને મારા સ્વભાવની પણ અનેક મર્યાદા છતાં, આ પ્રવૃત્તિ દરમિયાન જ અમે નજીક આવ્યા. બંગાળીનું ઘેલું ઘણાં વરસ સુધી લાગેલું. પછી વળી ફિલસૂફી લઈને એમ.એ. થવાનો તુક્કો સૂઝ્યો. સર્જકો કલ્પનાશીલ કહેવાય છે. એ સાચું હશે કદાચ, પણ એમની નિકટનાને તો એમના તરંગવેડાથી ઘણું સહેવાનું આવે. શરૂઆતનાં વર્ષોમાં આવી ડામાડોળ પરિસ્થિતિ, અનિશ્ચિતતા, ચિંતા — એવું ઘણું રહ્યું. વાદળ ઘેરાય, વીજળી થાય, કડાકા બોલે — એ બધું એમને ભાગે અને વૃષ્ટિ મારે ભાગે. આગ્રહ, સત્યાગ્રહ, દુરાગ્રહ અને હઠ — આ વચ્ચેની વ્યાવર્તક રેખા પારખવાનું સહેલું નથી. એમણે તો પહેલેથી જ ગાંઠ વાળેલી કે સિદ્ધાન્ત જોડે સમાધાન નહીં કરવાનું. કોઈની સેહમાં નહીં દબાવાનું, જે હોય તે તડ ને ફડ કરી નાખવાનું. આને એઓ આખાબોલાપણું, પ્રામાણિકતા, નિખાલસપણું વગેરે ગુણોથી ઓળખાવે, પણ ઘણી વાર એનો અતિરેક થાય, જ્યાં ગમ ખાઈ જવા જેવું હોય ત્યાંય ઉશ્કેરાઈને બોલે, સત્ય પોતાને જ પક્ષે હોય તેમ છતાં સામાનું મન દુઃખી ન થાય એવી રીતે એ કહેવું એવી કુશળતાને એઓ વહેવારુ ખંધાઈ ગણે. આને કારણે નાહકના દુશ્મનો વધે. મને ઘણાબધા મિત્રો હોય, સમ્બન્ધીઓ હોય તે ગમે. આપણને જીવનમાં એ બધાંની હૂંફની જરૂર રહે. પણ એમના આ સ્વભાવને કારણે મિત્રો પણ કેટલીક વાર અળગા સરી જાય. મને આ ન પરવડે. મહિનાના મહિના સુધી એ એમની બેઠકમાંથી બહાર ન નીકળે, બારી પકડીને બેસી રહે કે ચોપડીમાં માથું ઘાલીને બેસી રહે તો એમને ચાલે, પણ મને એ ગમે નહીં. સમાજમાં હળીએમળીએ, ઘણાના પરિચયમાં આવીએ, પ્રસંગે કે વારતહેવારે બહાર જઈએ એ બધું મને તો ખૂબ ગમે. પણ ઘણી વાર તો મહિનાઓ સુધી શહેરમાં પગ જ મૂક્યો ન હોય એવું બને. અમારે ઘેર મિત્રોની મંડળી ન’તી જામતી એમ નહીં. ઘણી વાર તો રાત આખી વાતોમાં ચાલી જાય. વાત સાહિત્યની જ ચાલે એવું નહીં. ખડખડાટ હાસ્ય પણ સંભળાય. આવે વખતે ગૃહિણીએ તો એમાં ભાગ લેવાને બદલે ઘણી વાર દૂર રહીને એકાએક આવી પડેલા મહેમાનોની ખાવાપીવાની વ્યવસ્થા કરવી પડે, ઘરનાં બાળકોને સુવડાવવાની જોગવાઈ કરવી પડે, એ પોતે જાહેર જીવનમાં બહુ ભાગ લેતા નથી તે છતાં મુલાકાતીઓની સંખ્યા એટલી વધી જાય કે જમવાનું રખડી પડે, કરવાં ધારેલાં કામો થાય નહીં, કાર્યંક્રમ બધો જ અસ્તવ્યસ્ત થઈ જાય. એને પરિણામે વળી કચવાટ, અસંતોષ, રોષ — એ વિષચક્ર ચાલુ થઈ જાય. પાર્ટી, મિજબાની, ગેટ-ટુ-ગેધર — એ બધાંમાં એમનો જીવ અકળાય. જુદી જુદી પ્રકૃતિના માણસો સાથે એમની પ્રકૃતિ અનુસાર વાત કરવાની આવડત એ પણ એક મોટી શક્તિ છે. આવે પ્રસંગે પરિસ્થિતિને વણસી જતી અટકાવવાનો ભાર મારે માથે આવી પડે. આથી આવી પાર્ટીમાં કોઈ વાર ગયાં હોઈએ ત્યારે એમને સાચવી લેવાની ચિંતામાં મારો અર્ધોે આનંદ જતો રહે. પણ હું એમાં એમને ઘસડીને લઈ ગઈ એનો કચવાટ તો પાછો ચાલુ જ. સ્વભાવે એઓ સોગિયા નથી. હસે, હસાવે. વાતવાતમાં જોડકણાં જોડીને સંભળાવે. એનો ખાનગી સંગ્રહ પણ મેં કરી રાખ્યો છે. ઘરનાં બધાંને રોજ નવાં નવાં નામે બોલાવે. બહારનું કોઈ આવ્યું હોય તે તો આ નવું નામ સાંભળીને વિચારમાં જ પડી જાય. પ્રાસ ખાતર કવિતાનો ભોગ આપનાર કવિની હાંસી પોતે રમૂજી પ્રાસ જોડીને ઉડાવે. લખાણમાં પણ નહીં લખાયેલા પુસ્તકનું કલ્પનાથી આલેખન કરીને એનું અવલોકન લખે, સભામાં પોતાની મંડળી સાથે ગયા હોય તો અળવીતરાં કર્યાં વગર રહે જ નહીૌં. આથી જ તો આ ઉંમરેય ઠરેલ માણસ તરીકેની એમની છાપ નથી એમ હું કહું ત્યારે જવાબમાં કહે, હું સાવ ઠરી જવા ઇચ્છતો નથી. આમ તો ઘણુંબધું કંઠસ્થ, યાદશક્તિ સારી. પણ કોઈ વાર સભામાં ભાષણ કરતાં છબરડો વાળે, ખોટું અવતરણ ટાંકે, અર્ધું યાદ રહ્યું હોય તો બાકીનું અર્ધું પોતાની કલ્પનાથી ઉમેરી દે. હું વચ્ચે કોઈ વાર સભા વચ્ચે સુધારી લઉં, તો જરા ગુસ્સે થાય, પણ પછી પોતાની ભૂલ કબૂલ કરે. કોઈ વાર કોઈ વ્યક્તિને કોઈ બીજી જ વ્યક્તિ માનીને વાત ગબડાવે. સાહિત્યકારે અવ્યવસ્થિત જ રહેવું જોઈએ એવી કંઈક એમની સમજ છે. ટપાલ ઘણી આવે. રોજના એ ઢગલામાં કોઈ વાર પૈસાના ચેક આવ્યા હોય તો એય અટવાઈ જાય, ક્યાંક જવાનું નિમંત્રણ આવ્યું હોય તો તેનો જવાબ આપવાનો રહી જાય, છેવટે તાર આવે. અમારો વાયદાનો વેપાર નહીં છતાં લેખની ઉઘરાણીના, કોઈ સમારંભમાં જવાની સંમતિ માગતા ને એવા તારો અચૂક મધરાતે જ આવે. મને લાગે છે કે પ્રતિભા સાથે પ્રમાદ અનિવાર્યતયા સંકળાયેલો હોય છે. લખાણ હંમેશાં છેક છેલ્લી ઘડીએ કે પછીથી વધારાની મુદત માગીને પૂરું કરવાનું રહે. કોઈ વાર તે જ રાતે બહારગામ જવાનું હોય ને લેખ પૂરો નહીં થયો હોય તો ગાડી પણ ચૂકી જવાય. બાળપણની વાતો બહુ રસથી આનંદથી અતિશયોક્તિથી રસપ્રદ બનાવીને કહે. પ્રસંગો સાથે સંકળાયેલા પરિચિતોની ભાવનાનો ઓપ આપીને વર્ણવે. સત્ય ઘણું વાર વેગળું હોય. સોનગઢની અષ્ટકોણી વાવનું ભવ્ય વર્ણન વાંચેલું ને સાંભળેલું. જોઈ ત્યારે બોલી દેવાયું : વડોદરાની બહુચરાજીની અષ્ટકોણી વાવ(માનસરોવર) આનાથી કેટલી મોટી છે. પણ બાળપણનાં વસ્તુ, સ્થળનો વિસ્તાર જુદો જ હોય છે એમ વિનોબામાં પણ વાંચેલું. બી.એ.માં પ્રથમ વર્ગમાં આવ્યા, ફેલોશીપ મળી. એમ.એ. થઈને કરાંચી ગયા. એકલા હતા ને કોલેજ સિવાય કોઈ કામ નહીં, તેથી ખૂબ વાંચ્યું. લાયબ્રેરીનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. આઠ વર્ષની ઉમરથી જ લખવા માંડેલું. કવિતા પહેલાં બહુ લખતા પણ કરાંચીમાં જગતસાહિત્યને ખૂબ પચાવ્યું, લખ્યું નહીં. મૌનની સાધના કર્યા વિના શબ્દ પોતાનું સ્વત્વ પ્રગટ કરતો નથી. પછી વિદ્યાનગર આવ્યા. મેગેઝિન એક પછી એક શરૂ કર્યે જ જતા. મુશ્કેલી આવ્યે બંધ પણ થઈ જતાં પણ પ્રવૃત્તિ નિરંતર ગતિમાન રહેતી. ઉપનિષદમાં કહ્યું છે યત્ કલ્યાણમભિધ્યાયેત્ તત્રાત્માનં નિયોજેત. જે તમને કલ્યાણ રૂપ લાગે તેને અર્થે જ જીવનબળને પ્રયોજો. પુસ્તકો એમનાં નિત્યસાથી. ગુજરાતી, મરાઠી, બંગાળી, હિન્દી અને ઇંગ્લીશ જાણે બધી માતૃભાષા અને સાહિત્યનું કામ એટલે આનંદનો મહોત્સવ. છેલ્લા દિવસો. એક વાર મેં કહ્યું, હવે પાંસઠ થયાં, આપણે ‘રામકૃષ્ણ’નું કામ જલદી પૂરું કરીએ. તો કહે, ‘અરે, હજી દશ વર્ષ જીવવું છે. જોને કેટલું બધું નવું નવું કામ આવે જાય છે. અમેરિકાથી પેલા ભાઈએ (નામ ભૂલી ગઈ) લખ્યું છે કે ગમે તેટલું મોઘું પુસ્તક ભલે હોય, તમે લખજો ને તરત મોકલીશ. તમે વાંચશો અને અમે ધન્ય થઈશું. મેં ચોપડી મંગાવીને લખ્યું કે સી પોસ્ટથી મોકલજો. તો પણ એમણે એરમેઇલથી મોકલીને કહ્યું : પુસ્તકને તમને મળવાની ઉતાવળ હોય ને! પછી કહે કે : આપણે ભગવાનને પ્રસાદ ધરીએ તેમાં સાકર હોય, તો તે ભગવાનની જ બનાવેલી હોય પણ આપણા તરફથી તુલસીદળ ઉમેરીએ તેમ ઉપર જઈશું ત્યારે ભગવાન આપેલી શક્તિ પાછી માગશે, અને એના ઉપયોગનો હિસાબ માગશે તે તુલસીદળ રૂપે આપવો પડશે. પોતાનામાં આત્મવિશ્વાસ ખૂબ જ. સાહિત્ય અને અન્ય વિષયોમાં રસ લે, વાંચે. ઊંડા ઊતરે અને આગળ ને આગળ ધપ્યે જાય. નિત્ય નવા પ્રયોગો કર્યે જ જાય અને બીજાને કરવા પ્રેરે. એક જ વાત એમની કે ખૂબ વાંચો, કામ કરો ને આગળ વધો, એ જ કુશળતાનો ઉચ્ચતમ ક્રમ. ચરૈવેતિ ચરૈવેતિ… પ્રચલામ્ નિરન્તરમ્ (‘સોનગઢનો કળાધર સુરેશ જોષી’ સં. ગીતા નાયક) ૧૯૩૮� એલ્ફિન્સ્ટ