માડી મને સાંભરે રે/ઘેઘૂર લીમડાની શીળી છાંય
ઘેઘૂર લીમડાની શીળી છાંય
હરીશ મંગલમ્
માતાનું નામ દીવાબેન અને પિતાનું નામ જેઠાભાઈ. બંને અભાવોમાં ઊછર્યા હતાં. માની મા નાતરે ગયેલી. માને માને પિયરમાં સગા ભાઈ ન હતા. પણ કાકાના છોકરા સપૂત કે સગા ભાઈ કરતાંય સારું રાખતા. પિતાનાં મા-બાપ એમને નાના મૂકીને મરી ગયેલાં. એમના સિવાય ઘરમાં કોઈ હતું નહિ. પિતાના કાકાના બે દીકરા નાથો અને ધૂળો. નાથા–ધૂળાનાં મા-બાપ એમને નાના મૂકીને મરી ગયેલાં. બધી જ જવાબદારી મારા પિતાની. નાથો અને ધૂળો કામમાં પથરા ! માથે પડેલાં ! ! સ્વભાવે નાથો હોલા જેવો, પણ ધૂળો હતો ડાંડ. આમ, માની જવાબદારી અનેકગણી. માએ નિશાળ જોયેલી નહિ. બિલકુલ અભણ. પરંતુ કક્કાનો ‘ક’ અને આંકનો ‘એકડો’ય ન શીખેલી મા-માં હતી ઘર આગળના ઘેઘૂર લીમડાની શીળી છાંય. એટલે જ તો પિતાને મળેલી નાથાધૂળાની જવાબદારી માએ કશાય અણગમા વગર હોંશે હોંશે પાર પાડેલી. વાતમાં ને વાતમાં મા કહેતી, "ભૈ, ઘણાં દુઃખ વેઠ્યાં સઅ્. ઘૉણીમઅ્ પીલાતા કસરિયાની જૅમ પીલાયૉ શીઍ આખી જિંદગી. શાર વાજે ઊઠીન્અ દૈણું દરતી. પૉન્શેર દૈણું ! તેર જણૉનું ખાવાનું એટલઅ્ દરરોજ દરવું પડતું પસઅ, બળ્યૉ ! આ ઑઘૅ ઊતરીન્અ, એક ગાઉ હંડીન્અ કૂવામ્અથી પૉણી ભરી લાવવાનું. તારા બાપ હવારની નારીમ્અ. તૉહણુ ભરીન્અ ઘેશ ખૈ હાળ્યમ્અ બેહતા. માર્અ રૅંટ્યા ઉપર નરીઓ ભરવાની. તેર જણૉના રોટલા ટીપવાના. ગયા માટ્અ ચાર લાવવાનીં, ઇંમ્અ વરી, આ ધૂળીયાન ચ્યૉયથી બરિયા બાપ પધાર્યા. આખી દેયમ્અ બરિયા જ બરિયા. અન્અ તુ જોવઅ તો...આખી દેયમ્અ કૉણૉ જ કૉણૉ. એક બાજુ પરુ હેંડ્યુ જાય ન્અ માર્અ બદુ શ્યાપ કરવાનું. બાપ, ઇંને તો બઉં... મજૂરી કરાઈ સૂઅ. પણ, ભગવૉને બચાઈ લીધ્યો... વરી, હૉજ માટ્અ ઘૅશ ઓરવાની. રાત્ય હોય તાણં મૉરાલગણ તૉણા કરવાના. કોક વાર મોદની ઓકડી પારવામ્અ મદદ કરતી. ઑમ ધરીનીય નવરાશ નૈ...તાણં તો તમે બદૉ હાવ નૅનૉ નૅનૉ. કો’ક અધઅ્મૂતર્અ તો ધ્યૉન રાખવાનું એ તો વરી જુદું.’ આમ માની વાતોમાં ક્યાંય સુધી અમે ખેંચાઈ જતાં, ‘ભૈ, પણ, તારા બાપે બઉ મજૂરી કરી સઅ્ હૉ !’ અને મા રડમસ થઈ જતી. મા સાવ સીધીસાદી. અશિક્ષિત હોવું એ મારી માનું જમા પાસું હતું. મને થયા કરતું કે અત્યારની ભણેલી સ્રીએ નાથા-ધૂળાની જવાબદારી ઉઠાવવાનો વિરોધ કર્યો હોત. કામના અસહ્ય બોજથી લદાયેલી કોઈ પણ સ્રીએ નારીવાદી સંસ્થાનો આશરો લીધો હોત. નારીસ્વાતંત્ર્યનું બ્યૂગલ ફૂંક્યું હોત. જ્યારે મારી માએ ઊં-કે-ચાં કર્યા વગર આખી જિંદગી સુધી જવાબદારીઓ નિભાવી. કૌટુબિક પ્રેમ અને ભાવનાનું પ્રતીક એટલે મારી મા. આજે પણ મા કહે છે, "ભૈ, બંનેએ બઉ...ઉ...મજૂરી કરી સઅ્. ઑઘૉની ધાર પર આપરુ ઘર અતુ. જૅમ જૅમ સગવડ થતી જૈ ઈમ ઈમ બદૉએ નવા ગૉમમ્અ ઘર કર્યા. આપરા પાહણ કૉણિયો પૈશોય નૈ. તાણં તો અભલો અન્અ પૂંજીયો મોટા ખરા પણ મજૂરી કરીઍ અન્અ મૉડ મૉડ પૂરું થાય એટલું આવતું. બચત તો હૅની થાય ?!" અને આંખો નીચે ઢાળી, પગના અંગૂઠાથી લીંપણની ઑકળિયો ખોતરતી મા ધીમા અવાજે કહેતી. "આ નાથો અન્અ ધૂળો બૅય ભૂલી જ્યા...મારા ઓળશ્યા એય અમદાવાદમ્અ લૅર કર્અ. આ તો પારેલું પજે પડ્અ એવું સઅ્, ભૈ ! અમે ચેટ-ચેટલી વેઠ્યો કરી... બદી ધૂરમ્અ...તારા બાપ તો ઢીલા થૈ જ્યેલા. મૅ મારૉ સૉદીનો કલ્લૉ કાઢીન્અ આલ્યૉ’તૉ. તાણં તો હૌ અગલોર * થી પૈશા લાવતૉ. ધના ખત્રીના ઈ કલ્લૉ મૂશીન્અ પૈશા લાયૉ. તારા બાપન્અ અન્અ દરબારન્અ બૌ હારાહારી. દરબારન્અ ઘર કરવાની વાત કરી. એટલે દરબારે ખરી મોખાની જમીન માપી આલી. જમીન હારી અતી એટલે મોત્યાન્અ દાજ થૈ. તારા બાપ અન્અ મોત્યો બૅય બાથંબાથ આયેલા કૂઅ ના પૂસૉ વાત. પણ દરબારે મોત્યાન્અ જમીન ના આલી તે ના જ આલી. ઑમ આ ઘર કરતૉ તો બૌ હૅરોન થ્યો. શીઍ.’ અને માના ચહેરા પર બદલાતા હાવભાવ મારા હૃદયને સ્પર્શી જતા. નાની બહેન નામે પશી. દસેક વર્ષની ઉંમર. સાથળમાં ગાંઠ નીકળેલી. સમય જતાં ગાંઠ પાકી. પરુ વળેવા માંડ્યું. મા રાતદિવસ સારસંભાળ રાખે. બાવળની છાલ પાણીમાં ગરમ કરી પરુ સાફ કરે. મા એટલી બધી કાળજી લે કે એની પોતાની તબિયતનું પણ ભાન ના રહે. પશીને મટ્યું ત્યાં સુધી સેવા કરી. કમનસીબે ગાંઠ ફરીથી વકરી. પશીને દવાખાને દાખલ કરી. દવા કરાવવાથી મટી ગયું. ઘેર લાવ્યા પછી ફરી ગાંઠ પાંગરી....વકરી બધા જ પ્રયત્નો છતાં પશી ચાલી ગઈ. ત્યારે મા ‘મારી પશલી...’ કરી ખૂબ રડેલી. હૈયાફાટ રડેલી. મને યાદ છે–મૂંગોમંતર થઈ હું આ બધું જોઈ રહેલો. સુવાવડ થયા પછી હંસાભાભી ધુણવા માંડી ને સાત દિવસની બેબીને મૂકી મૃત્યુ પામી. સાત દિવસની બેબીને માએ કાળજે વળગાડી. ગળથૂથીથી માંડી બકરીનું દૂધ આપી ત્રણ માસની કરી. આટ-આટલો કામનો બોજ છતાં મા સહેજ પણ ફરજ ચૂકી નથી ! મા ઢસરડા કરતી રહી. અમે બધાં મોટાં થયાં. ચાર બેહનો દા’ડિયે જતી. મજૂરી પૂરજોશમાં ચાલતી ત્યારે સાંજે પડે, પાંચશેરી મુજબ અધમણ અનાજનો હિસાબ લાગતો. પિતા વણાટકામ કરતા એટલે પછેડીઓમાંથી પૈસા મળતા. બહેનોને મા પ્રત્યે લાગણી હતી. બહેનો કૂંડાળામાં ઘેંશ ખાતી હોય કે અમથી બેઠી હોય ત્યારે માને કહેતી, "મા, તું ઘેર ર્અ...અવ્અ અમે મજૂરીએ જઈશું". મા ધરાર ના પાડતી, "મજૂરી ઉઘરી સઅ્ ત્યૉ હુદી જવું પડ્અ, બુન ! પસઅ્ ઉનારામૉ બૅહકોર જ શીઍ ન્અ ! !" અને આમ ને આમ માને સાઠ વરસની ઉંમર સુધી કામમાં જોતરાયેલા રહેવું પડ્યું પછી તો બે ભાઈઓ અમદાવાદમાં મિલમાં જોડાયા. માતા-પિતાને હૈયાધારણ થઈ. પણ મોટો છોકરો કબીરપંથમાં જોડાઈ ગયો. ભજનકીર્તનમાં મિલનું કામ વિસરાતું ચાલ્યું ! બીજો ભાઈ ઘણો વ્યવહારું. એણે ઘરનું બધું જ સંભાળી લીધું : ત્રણ બહેનોનાં લગ્ન, એમનાં સીમંત, નાના ભાઈઓનાં લગ્ન, વગેરે. તદુપરાંત દર મહિને ઘેર પૈસા મોકલતો. ગજા બહારનો બોજ વેઠતો. મિલનું થ્રોસલ ખાતાનું લોહીનું પાણી થઈ જાય એવું કામ, માથે બેહદ ચિંતા, ગંદુ રહેઠાણ, વગેરે વમળોમાં ભાઈ અટવાઈ પડ્યો. એક સાંજે લોહીની જબરજસ્ત ઊલટી સાથે મોતને ભેટ્યો. ચાલીસ વર્ષની નાની ઉંમરે ઉપર ચાલ્યો ગયો. ઘરનો મોભ તૂટી પડ્યો, માતાનું હૃદય ચિરાઈ ગયું. કાળજે ઘા થયો, ના કહેવાય કે ના સહેવાય એવા કસમયનો ! એક ચમકારા સાથે વીજળી પ્રકાશ પાથરીને હાથતાળી દઈ દે એવું ભાઈના જવાથી ઘરનાં બધાંએ અનુભવ્યું. માનું અંતર હલબલી ઊઠ્યું. જ્યારે ભાઈનું શબ ઠાઠડીમાં મુકાઈ રહ્યું હતું ત્યારે માને આંખે અંધારાં આવી ગયાં હતાં. દાંત બંધાઈ ગયા હતા. ભાઈને યાદ કરીને મા હજીય રડી પડે છે. માને મારા બાળપણ વિશે પ્રશ્ન પૂછતો ત્યારે કહેતી, "ભૈ, અરી, તુ તો અતો ભૂરિયો અન્અ ભફલા જેવો ! તન્અ રમાડવા પેલી શોમા પંડ્યાની સોરી ઝૂંટવીન્અ હાથમ્અથી લૈ જતી. પણ તું બઉ અન્યારી..." અને હાથ લાંબાટૂંકા કરતી. માની આ ટેવ હજીય અકબંધ છે. હું, ધનજી અને ઈશ્વરની ત્રિપુટી. ગામના નાગામાં નાગા પટેલનાં ખેતરમાંથી મગફળી, એરંડા ચોરી લાવતા. ગામની ઘંટીમાં પડેલાં દળણાંમાંથી બાજરી, ઘઉંનાં ખિસ્સા ભરી લેતા અને વેચવાવાળી પાસેથી સક્કરિયાં, ચીભડું લઈ ખાતા. ત્યારે મા સમજાવતી, "મારા શિયા, આ આપરું કૉમ નૈ. કો’ક જોઈ જાય તો ક’શે ક્અ આ તો ફલૉણીનો શિયો સઅ. એક ટંક ભૂશ્યા રઈઍ, પણ ચોરી ના કરાય" અને ઉમેરતી, "જા, ભૂશ્યો થ્યો હૉય તો પેલા બાજરીના હૂણામ્અ ફાળ્ય રોટલો અશૅ, જા..." ત્યારે માની સામે હું ટગર ટગર જોઈ રહેતો. અત્યારે હું વિચારમાં ગરકાવ થઈ જાઉં છું કે માને કયા ક્લાસમાંથી આ શિક્ષણ મળેલું ? ! મા અભણ છે, છતાંય એનામાં સાચી સમજ છે, એનું મને ભારોભાર ગૌરવ છે.
અસહ્ય દુઃખ વેઠીને માએ મને મેટ્રિક સુધી ભણાવ્યો. કૉલેજમાં મૂકવાનો હતો ત્યારે મોટી બહેનને વિનંતી કરી એણે મારા માટે વ્યવસ્થા કરી. માંડ છ મહિના કૉલેજમાં ગયો હોઈશ અને પોસ્ટ ઍન્ડ ટેલિગ્રાફ ખાતામાંથી કારકુનની નોકરીનો ઑર્ડર મળ્યો. મા ઘણી ખુશ થયેલી, હું પણ. મારા માનસપટ પર ઘણાં સ્વપ્નો સરકવા માંડ્યા – માને નિયમિત પૈસા મોકલીશ. માને હવે કાળી મજૂરીએ નહિ જવા દઉં. માની કોઠીમાંથી અનાજ ખૂટવા નહિ દઉં. આમ ચક્રવાત સર્જાયો મારા મનમાં. માએ પોતાની આપવીતી સંભળાવતાં કહેલો પ્રસંગ મને યાદ આવ્યો ! ઘરમાં પૈસા થઈ રહ્યા હતા. વરસાદના અભાવે નીંદામણનું કામ બંધ જેવું હતું. કોઠીઓ સાવ ખાલીખમ થઈ ગઈ હતી. નાના માટલામાં માંડ એકાદ ટંક ચાલે એટલું અનાજ હતું. વસમા દિવસો એકસામટા ત્ટી પડ્યા. માતા-પિતામાં ચડભડ થઈ. મારા પિતા એટલે ગાળોનો ભંડાર પણ ચોખ્ખાબોલા. એમણે ગામ છોડી થોડા દિવસ ઝામરા (સાબરકાંઠા) જતા રહેવાનો વિચાર કર્યો અને એક સવારે, મનમાં ભારે ખચકાટ સાથે માત-પિતા નાનાં છોકરાંને લઈને ઝામરા ઊપડી ગયાં. ગામ ઝામરામાં માના કાકાના છોકરા રહે. એમણે અને ઝામરાના દરબારે એક વણકર કુશળ વણાટીને પૂરેપૂરો સહકાર આપ્યો. સહકાર મળતાં પિતાએ વણાટકામ ધમધોકાર ચલાવ્યું. મા મજૂરી કરતી. ઘણી વખત મા, દૂર ડુંગરાઓમાં ટીમરાં વીણવામાં ખોવાઈ જતી. ક્યાંય દૂર જતી, જાનવરોની ચિંતા કર્યા વગર. અને આમ ગાડું રગડવા માંડ્યું.
મારે નોકરી પર જવાનો દિવસ આવી ગયો. હરખ નામનો અજાણ્યો શબ્દ ઘરમાં ઘૂમરીઓ લઈ રહ્યો હતો. સમય થયો એટલે હું અને વળાવનારાં ઘરમાંથી બહાર નીકળ્યાં. માએ ખભા પર હાથ મૂકીને કહ્યું હતું, ‘જો, ભૈ ! બહાર નીકર્યા એટલ્અ હાસવીન્અ રવાનું... પારકી સોરી એટલ્અ બુન બરોબર અન્અ પારકુ બૈરુ એટલ્અ મા બરોબર...’ અને ઝાંપેથી આગળ જતાં જતાં મા એકદમ બોલી ઊઠી હતી, ‘ભૈ, ઊભો ર્અ... બલ્યારી આવ્અ સઅ્ !’ મેં જોયું તો સામેથી રામી આવી રહી હતી. રામીની ચામડી અબનૂસ જેવી હતી અને તે બહુ જ વઢકણી હતી. માનું માનવું હતું આવી સ્રી અપશુકનિયાળ ગણાય ! ગ્રામજીવનમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા બધાંની જેમ માને પણ વળગેલી હતી. અહીં માને મારા પ્રત્યે અપાર મમતા હતી તે અપ્રગટ શ્રદ્ધા પ્રગટે છે. હું સુખરૂપ નોકરીના સ્થળે પહોંચું એવી આશા હતી એની પાછળ. શુકન-અપશુકનની પરવા કર્યા વગર હું સડસડાટ નીકળી પડ્યો હતો ત્યારે માનો જીવ અધ્ધર થઈ ગયો હતો. બસો બત્રીસના પગારમાં માને દરમહિને સાઈઠ રૂપિયા મોકલતો. તોય મા કહેતી, ‘ભૈ, જો, તન્અ તકલીફ પડતી હોય તો દહ રૂપ્યા ઓસા મોકલજે !’ અને હું વિચારમાં ડૂબી જતો. મને થતું કે, મા કેટલી સારસંભાળ રાખે છે ! હવે માને પથ્થર ફાટી જાય તેવી પિતાની ગાળો ખાવી પડતી નથી. હવે મૂંગામૂંગા થઈ રેંટિયા ઉપર નળીઓ ભરવી પડતી નથી. હવે ટોપલો લઈને લાકડાં વીણવા જવું પડતું નથી. હવે લ્હેર છે માને પોતાના ગામમાં. તેર જણાંનું મોટું કુટુંબ. બોજ વહન કરતાં કરતાં મા હવે પહોંચી ગઈ છે. એંસીએ. માને લગીરેય ચિંતા નથી હવે. છોકરા વ્યવસ્થિત નોકરીએ વળગી ગયા છે. માને આંખે દેખાય છે. શરીર નીરોગી છે. ગામ ફલુથી અમદાવાદ છોકરાઓની ખબર કાઢી જાય છે ! માનું મન ચોખ્ખું છે. તોછડાઈથી બોલતાં આવડતું જ નથી. કો’ક દિવસ ધમકાવે તોય અમને એમાં ગુસ્સાપણું દેખાતું નથી. હમણાં જ મા આવી હતી. હું-પત્ની નોકરીએ જઈએ. શાળામાંથી બેબી આવે એટલે મા વાતો કરે. માની બોલીથી બેબીને મજા પડે અને હસ્યા કરે. મા કહે, ‘તું હું અશ અશ કર્અ સ્અ’લિ ? શ્યમ અમે તન્અ મૉંણહ જેવૉ નથી લાગતૉ ?! તું હું ભણ્અ સ્અ, તારુ રેદુ ? અને બેબી તાળીઓ પાડી પાડીને વધુ હસતી. પોતાના ગામનાં લોક જીવતાં લાગે. અહીં તો બધાંનાં ઘર બંધ અને લોક અંધ—એવું માને લાગ્યું. આ લોકથી મા ઉદાસ રહેતી. મા મને દરરોજ કહ્યા કરે, ‘ભૈ, આ બદૉ બાયણૉ શ્યમ બંધ સઅ્ ? આ તો હારૉ મૉણહ સઅ્ ક્અ હું ?’ અને એનો જવાબ આપવા હું પ્રયત્ન કરતો પણ માને ગળે ઊતરતું નહિ. મા માથું હલાવી છીંકણી સૂંઘતી માના ચહેરા પર જોતો ત્યારે મને લાગતું કે આ ઘર, આ લોક, આ વિસ્તાર વિશે મા ઊંડે ઊંડે કંઈક વિચારી રહેલી લાગતી. માને ફાવ્યું નહિ એટલે નાછૂટકે ઘેર જવા રવાના થઈ. જતાં જતાં માએ કહ્યું, ‘ભૈ, કાગર-બાગર લખજે.’ ત્યારે હું જોરથી બોલ્યો’તો ‘કાગળ-બાગળ શું લખે ! બેબીને સાચવવા અઠવાડિયું રોકાઈ જઈ હોત તો શું થાત ? તું ઘેર જઈને શું માખીઓ મારીશ ?’ અને માના પગ રસ્તામાં જ થંભી ગયા. મા મારી તરફ ફરી બોલી. ‘જો...એવું ના બોલ્ય...પાશી વળુ સું અન્અ મારી ઠાઠરી બંધાય ત્યૉ હુદી ઑંય રઉ...!’ વાતાવરણ હળવું કરવા હું ગણતરીપૂર્વકનું હસ્યો. બેબી હસી પડી. મા હજીય ઊભી જ હતી. ‘સારું મા તું જા’ – એમ કહ્યું ત્યારે જ માએ સ્ટેશનની દિશામાં પગ ઉપાડ્યા. હજી, મા જીવે જ્યાં માણસો વસે છે એવા ગામમાં...
૦