નારીસંપદાઃ વિવેચન/સંપાદક-પરિચય

Revision as of 10:05, 6 June 2026 by Shnehrashmi (talk | contribs)


સંપાદક-પરિચય


વાર્તાકાર, કવયિત્રી, વિવેચક અને સંપાદક પારુલ કંદર્પ દેસાઈનો જન્મ ૨૯ ડિસેમ્બર,૧૯૬૧ના રોજ મહુવામાં. મીરાં, અખો, લાભશંકર ઠાકર અને મધુ રાયની કૃતિઓમાં ભંગુરતાનું નિરૂપણ વિષય પર સિતાંશુ યશશ્ચન્દ્રના માર્ગદર્શન હેઠળ એમ. એસ. યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે તોલાણી આટ્‌ર્સ કૉલેજ, આદિપુરમાં(કચ્છ) જોડાયાં. બાર વર્ષ મહિલા આટ્‌ર્સ કૉલેજ, ધનસુરામાં અધ્યાપક તરીકે સેવા આપીને ૧૯૯૭થી ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિરમાં રીડર અને પછી ૨૦૦૯થી નિયામક તરીકે કાર્યરત રહીને ૨૦૧૯માં નિવૃત્ત થયાં. ‘મધુ રાયની વાર્તાકલા’ (ઈ. ૧૯૮૭), ‘ભંગુરતાના સર્જક પરિમાણ મીરાં, અખો, લાભશંકર ઠાકર, મધુ રાય’ (ઈ. ૧૯૯૮), ‘ગ્રંથચર્યા’ (ઈ. ૨૦૦૭), ‘ગ્રંથયોગ’ (ઈ. ૨૦૨૦) જેવા વિવેચનસંગ્રહો; ‘ગુજરાતી નવલિકાચયન’ (ઈ. ૨૦૦૯), ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૫થી ૮ના સંપાદનસહાયક), ‘પન્નાલાલની વાર્તાસૃષ્ટિમાં’ (ઈ. ૨૦૧૨, દૃષ્ટિ પટેલ સાથે સહસંપાદન) જેવાં સંપાદનો; ‘એક ડગલું આગળ’ (ઈ. ૨૦૧૪) વાર્તાસંગ્રહ તેમની પાસેથી મળે છે. આ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું દ્વિતીય પારિતોષિક મળ્યું છે.

– આશકા પંડ્યા