ચૈતર ચમકે ચાંદની/મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે
- પરાર્થે તરે આંખમાં આંસુ જ્યારે,
મળે મર્દને સ્ત્રીની ઊંચાઈ ત્યારે.
આ સ્ત્રીની ઊંચાઈ એટલે વિશ્વસુંદરી સ્પર્ધાની જેમ ઇંચ- સેન્ટિમીટરમાં માપવાની નથી, સ્ત્રીત્વના મહત્તામાં એ ઊંચાઈ તો માપવાની હોય છે, સ્ત્રીત્વનો એક ગુણ એટલે નારીસહજ કરુણાથી. આપણે કહેતા હોઈએ છીએ કે સ્ત્રીને તો વાતવાતમાં આંસુ આવે. મર્દ હોય તો રડે નહિ. ન રડવામાં મર્દાનગીનો વિશેષ ભલે બતાવવામાં આવે, પણ મર્દને પણ આંસુ તો આવે, ખાસ તો પોતાના જીવનમાં આવતી ટ્રૅજેડીથી. પણ જ્યારે પરાર્થે એની આંખો દ્રવી ઊઠે ત્યારે એ વધારે ઊંચો દેખાય. સામાન્ય રીતે આ પુરુષપ્રધાન દુનિયામાં પુરુષને જ ઊંચો માનવામાં આવે છે, પણ કવિએ સંકેતથી એવું બતાવ્યું છે કે સ્ત્રી એનામાં રહેલી કરુણાને લીધે પુરુષ કરતાં ઊંચી – મહાન છે.
પુરુષને એ ઊંચાઈએ પહોંચવું હોય તો તેનું હૃદય પારકાનાં દુઃખ જોઈને દ્રવિત થવું જોઈએ. પોતાનાં દુઃખે તો સૌ રડે. ખરેખર તો જે સ્ત્રીજાતિને આંસુ વહાવવાની એની સહજતાને કારણે રોતલ કહી વખોડવામાં આવે છે, તે આંસુનું મૂલ્ય કવિએ ઊંચું આંક્યું છે.
કવિએ સૂચવી જ દીધું છે કે પુરુષ કરતાં સ્ત્રીની ‘ઊંચાઈ’ વધારે હોય છે. પુરુષે એ ઊંચાઈએ પહોંચવું હોય તો પરદુઃખકાતર અને પછી પરદુઃખભંજન બનવું જોઈએ. તો એ ‘મર્દ’ બને અને એને સ્ત્રીની ઊંચાઈ મળે. ‘મર્દ’ શબ્દ અહીં સાભિપ્રાય છે.- મોટાંઓની અલ્પતા જોઈ થાક્યો,
નાનાની મોટાઈ જોઈ જીવું છું.
મોટાઓની અલ્પતા અને નાનાની મોટાઈ. મોટાઓની તો મોટાઈ હોય – પણ ના, કવિ કહે છે કે જે બધા માણસો મોટાઓ તરીકે ઓળખાય છે, સમાજમાં પૂજાય પણ છે, તે બધામાં કે તેમાંના ઘણાકમાં જે હલકટતાનું દર્શન થાય છે, તે જોઈ જોઈને થાક્યો છું. આજે આપણા સમાજના, દેશના કે દુનિયાના નેતાઓ તરફ જુઓ – જઘન્યમાં જઘન્ય પાપ કરવામાં પાછું વળીને ન જુએ એવા ઘણા છે. કહેવાય મોટા, પણ કામ એમનાં હલકાં. ભલભલા આદર્શવાદી દેખાતા લોકો, હજારોની આરાધના પામનારા તથાકથિત સંતમહાત્માઓ – જરા ઊંડે ઊતરો કે એમની લઘુતા, દંભ, પામરતા જોઈ આપણો ભ્રમ ભાંગી જાય. આ જગત પરથી વિશ્વાસ ઊઠી જાય. ‘અરે, આ મહાનુભાવ વિષે તો આપણા કેટલા ઊંચા ખ્યાલ હતા, આ તો આવા નીકળ્યા!’ આજે કયા મોટા નેતાને આપણો આદર્શ માનીશું?
તો પછી જગત જીવવા જેવું ક્યારે લાગે? કવિ કહે છે –‘નાનાની મોટાઈ જોઈ જીવું છું.’ રોજબરોજના જીવનમાં પોતાનો રોટલો પ્રામાણિકતાથી રળી ખાનાર અનેક લોકોમાં એવી માનવતા જોવા મળે કે જીવ રાજી થઈ જાય. કોઈ મોટા મહંતના, ધનવંતના અન્નકૂટમાંથી ગરીબને ટુકડો ન મળે એવું બને, પણ ક્યાંક ગરીબ જન જમવા બેઠો હોય અને બાજુમાં કૂતરું પણ આવી જાય તો કૂતરાને એનો ભાગ અવશ્ય મળવાનો. મોટાઈ એટલે આ સમભાવ. પોતે કશીક મોટાઈ બતાવે છે, એવો તો એને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. સત્કાર્ય શ્વાસ લેવા જેટલું જ એને સ્વાભાવિક હોય.
હવે પછી જે સૂક્તિ છે, તેમાં પણ એક એવો વિરોધાભાસ જોવા મળશે. સૂક્તિ છે :- મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં.
- કેવા કેવા પ્રભો દીધા
આસ્વાદો જગના મને! જાણતે શે હું કે શું શું છે ફિક્કું તુજ સ્વાદથી?
આ સૂક્તિમાં પણ આસ્વાદ અને ફિક્કાશનો વિરોધાભાસ છે. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ જગતમાં મને ચક્ષુ, નાક, જિહ્વા, ત્વક્ અને શ્રવણ દ્વારા વિશ્વના શ્રી અને સૌન્દર્યનું આકલન કરાવ્યું છે. અહીં કવિની ઉક્તિ એવી લાગે કે જાણે એ પ્રભુનો આભાર માને છે કે તેણે જગતના વિવિધ આસ્વાદો કરાવ્યા. પણ જગતના આસ્વાદો કરાવવા એ જાણે ઈશ્વરનું લક્ષ્ય નહોતું. કવિ કહે છે તેમ આ આસ્વાદો ન કર્યા હોત તો બધા સ્વાદોમાં ઈશ્વરનો સ્વાદ કેવો ચઢિયાતો છે, એનો કદી અનુભવ ન થાત. કવિની વાતને આપણી સાદી ભાષામાં મૂકીએ તો એમ થાય કે જગતના તમામ સ્વાદ ઈશ્વરના સ્વાદ આગળ ફિક્કા છે!
વક્રોક્તિ એ કાવ્યનું જીવિત છે. તે આવા નાનકડા સુભાષિતથી પણ સમજાય છે. હવે પછીની સૂક્તિનું વિવરણ સહૃદય વાચકો પોતે મનોમન કરશે એવી આશાથી આપું છું:- પી જાણે હાલાહલો હોઠથી જે
હૈયે તેણે અમૃતો છે પીવાનાં.
૧૭-૭-૯૫