બાળનાટકો/1 વડલો
જેમની ઘટામાં બેસીને નવાંનવાં પંખી-પંખિણીઓના પરિચય સાધ્યા છે; જેમની ડાળો પર હીંચતાં ખૂબ-ખૂબ ગાયું-નાચ્યું છે : અને જેમના માળામાં માતાનાં હેત મ્હાણ્યાં છે — એવા હરભાઈના વડલાશા વત્સલ ખોળે.
નાશિક જેલની દીવાલો વચ્ચે ‘વડલા’નો જન્મ થયો. ત્યાં એણે મારા સહકેદીઓને એક કરતાં વધારે વાર આનંદ આપ્યો. એ આનંદથી પ્રેરાઈને એને હું ગુજરાત પાસે ધરું છું.
‘વડલો’ ભાગ્યવંત છે, કેમકે એને પૂ શ્રી કાકાસાહેબનાં વાત્સલ્ય, શ્રી સોમાભાઈની પીંછીનાં માર્દવ, શ્રી દક્ષિણામૂર્તિનાં આદર અને અનેક મિત્રો અને મુરબ્બીઓના આવકાર મળ્યા છે.
—કૃo શ્રીo
તારે મંદિરિયે ફૂલ ધરવાને બાળકને કેમ જાવું પડે? વિશ્વ ભર્યું તારા પગલામાં, જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે. તારે મંદિરિયે નૈવેદ ધરવા, નિત નિત જાવું ગમતું ના: ભૂખ્યા જનોમાં તુજને પેખી કહેશું કે ‘‘લે લે, ભાઈ! ખા.’’ તારે મંદિરિયે દીપ ધરવાને, જાવું ઠીક નહિ અમને : જ્યાં જ્યાં વિશ્વ મહીં અંધારું, ત્યાં ધરશું દીપક તમને. તારે મંદિરિયે ફૂલ ધરવાને, બાળકને કેમ જાવું પડે? વિશ્વ ભર્યું તારા પગલામાં, જ્યાં હોય ત્યાંથી ફૂલડાં અડે,