અથવા અને/સર્જક-પરિચય
જયદેવ શુક્લ
ગુલામમોહમ્મદ શેખનો જન્મ 1937, સુરેન્દ્રનગરમાં. એસ.એસ.સી. પછી મ.સ. યુનિવર્સિટી, વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ અને ત્યાંથી એમ.એ. (ફાઇન) 1961માં. પરિણામ પછી તરત કળાનો ઇતિહાસ વિભાગમાં અધ્યાપનઃ 1961થી 1963 અને 1969થી 1981. વચ્ચેના ગાળામાં એ.આર.સી.એ. રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડનમાં અભ્યાસ. ફેકલ્ટીના ચિત્રકળા વિભાગમાં 1981થી 1992. • પ્રકાશનોઃ ૧/ ‘અથવા’ (કાવ્યો) – 1974 ૨/ ‘અથવા અને’ (કાવ્યો) – 2013 — સંવર્ધિત આવૃત્તિ ૩/ ‘નીરખે તે નજર’ – 2016 (દૃશ્યકળાવિષયક લેખો) ૪/ ‘ઘેર જતાં’ – 2018 (આત્મકથનાત્મક નિબન્ધો) ૫/ દૃશ્યકળા – 1996, લલિતકળાદર્શન – 2 જ્ઞાનગંગોત્રી શ્રેણીઃ 30 (સમ્પાદન) ૬/ અમેરિકન ચિત્રકળા – 1964 (અનુવાદ)
•
ગુજરાતી ભાષાના તેજસ્વી અને વિલક્ષણ કવિ, નિબન્ધકાર, દેશ અને દુનિયાના પ્રતિષ્ઠ ચિત્રકાર, દૃશ્યકળાને ઝીણી નજરે જોનારા સંવેદનશીલ કળાસમીક્ષક ગુલામમોહમ્મદ શેખ વિષે થોડુંકઃ
ગુલામમોહમ્મદ શેખ સુરેન્દ્રનગરથી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવે છે. આરમ્ભના દિવસોમાં સુરેશ જોષીને મળવાનું બને છે. ધીમે ધીમે સુરેશ જોષીનું, વિશ્વકવિતાનું અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના અધ્યાપકો-કળાકારોનું હૂંફાળું છત્ર મળતાં આ યુવાનમાં સર્જનાત્મક ઊથલપાથલો શરૂ થાય છે. ભોગીલાલ ગાંધીને ત્યાં મળતી શનિવારી બેઠકોમાં રિલ્કે, માલાર્મે, સેન્ટ જ્હોન પર્સ, બૉદલેર, ઑક્તોવિયો પાઝ, યેમિનેઝ, લૉર્કાની કવિતાના સ્વાદે ગુલામમોહમ્મદ શેખને વિશ્વકવિતાનો અને ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ઉત્સાહી અધ્યાપકોએ વિશ્વકળાનો અઘરો રસ્તો સુઝાડ્યો.
નર્મદથી રાજેન્દ્ર–નિરંજન અને ઉશનસ્–જયન્ત પાઠક સુધીની ગુજરાતી કવિતાની પરમ્પરા, તેની સંરચના, પદાવલિ ને વિષયો પરના આધુનિકતાવાદી કવિઓ ને કવિતાના અપૂર્વ આક્રમણે આપણી રૂઢ માન્યતાઓને સૌ પ્રથમ તો ચોંકાવીને આઘાત આપ્યા. ક્યારેક શબ્દોની આનુપૂર્વીમાં ન સમાતી કે શબ્દોની પરમ્પરિત વ્યવસ્થાને તોડતી 'અથવા' (પ્રથમ આવૃત્તિ : 1947) તથા 'અથવા અને' (સંવર્ધિત આવૃત્તિ : 2013)ની કેટલીક કાવ્યકૃતિઓ ગુજરાતી અછાન્દસ કવિતાનું મહત્વનું સ્થિત્યન્તર છે. આ સન્દર્ભે ગુલામમોહમ્મદ શેખ આપણી અછાન્દસ ગુજરાતી કવિતાના પ્રથમ બલિષ્ઠ કવિ છે.
કવિ સુરેન્દ્રનગર છોડીને વડોદરા શહેર સાથે મેળ બેસાડવા મથે છે. અન્દરના અને બહારના વિશ્વ સાથે સંઘર્ષ અનુભવે છે. આ સંવેદનોની નોખી, ભદ્રતાના આગ્રહીઓના નાકનાં ટેરવાં ચઢી જાય એવી કેટલીક ભાષાભાતો આવી કવિતાઓમાં મળે છે. શેખનું ‘શહેર’ કાવ્ય ખાસ્સું નોખું છે. ‘સંસ્કારનગરી’નો અંત જોઈએ–
ત્યારે ભૂંડ જેવો ભૂખ્યો ચન્દ્ર
રસ્તા પર જીભ ઘસતો,
નસકોરાં ફુલાવતો
આમતેમ ભટક્યા કરે છે. (અથવા અને – પૃ. 115)
એવું થાય છે કે
આ થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદનીને
મસળી આખા શરીરે ઘસું,
તો મારા શરીરમાં ઠરી ગયેલા જ્વાળામુખીઓ
ફરી ઊગે. (15)
અહીં ચન્દ્ર અને ચાંદની પ્રણય, મિલન કે વિરહથી સાવ જુદા જ ભાવોનું પ્રાગટ્ય થાય છે. આ કલ્પનો, ઉપમાઓની તાજપ કાવ્યની જુદી જ દિશા તરફ ભાવકને લઈ જાય છે.
‘જેસલમેર’ ગુચ્છનાં 1, 3 ક્રમનાં કાવ્યો અને ‘જેસલમેરનાં સ્વપ્ન’ મનમાં જાગ્યા કરે છે. અનેક કાવ્યોનાં સ્પર્શ, દૃશ્ય, સ્વાદનાં કલ્પનો ભાવકોને સંકોર્યા કરે છે. એમાંથી પરમ્પરા સાથે જોડાયેલાં, અનેક પેઢીઓના હાથના સ્પર્શનો આનન્દ અને વેદના, માત્ર બે જ પંક્તિમાં અદ્ભુત રીતે અત્યંત લાઘવથી આલેખાયાં છેઃ બારણે લોઢાના કડે
આઠ પેઢીના હાથનો ઘસરકો. (47)
અન્ય કાવ્યોમાં 'પિત્તળની ચામડીનો બોદો રણકાર'થી શરૂ થતું કાવ્ય (16), ‘મૃત્યુ’ (34-5), ‘અંધકાર અને હું’ (31-2), ‘જેરામ પટેલનાં રેખાંકનો’ (46-7), ‘સ્વજનને પત્ર (નીલિમા –સમીરાને)’ (80), ‘ચહેરો’ (135-6), ‘સ્વપ્નમાં પિતા’ (93), ‘મનોહર સ્થળે માંદગી’ (145-9), ‘પાછા ફરતાં’ (150-54), વગેરે કાવ્યો પાસે ભાવકોએ અટકીને આગળ જવું પડશે.
‘સ્વપ્નમાં પિતા’ કાવ્યમાં નાયકનો કહો કે કવિનો સંવેદનશીલ કણ્ઠ સાંભળી શકાય છે. અન્તમાં મોતિયાળી આંખે મા કાવ્યનાયકનો ખાટલો ખોળતી દેખાય છે. માં દીકરાને ખોળે છે ત્યારે દીકરો પોતાનું બાળપણ ખોયાવાની વેદના જણાવે છે. ભાવક અહીં બેવડી વેદનાથી હલબલી જાય છે. આરમ્ભે પિતાની અબોલ અભિવ્યક્તિ પણ અડે છે.
પાછળ લાકડીને ટેકે
ઊભી ક્ષિતિજને શેઢે
મોતિયામાંથી મારો ખાટલો શોધતી મા.
મા, મનેય ભળાતું નથી–
હમણાં લગી હાથમાં હતું
એ બાળપણ અહીં જ ક્યાંક
ખાટલા નીચે ખરી પડ્યું છે. (93)
ઓરડે અજવાળું અંધારે બોળ્યું છે (147)
•
માંદગી દરમિયાન શરીર-મનની સ્થિતિ કવિએ સચોટ રીતે લાઘવથી વ્યક્ત કરી છે. ત્રીજા કાવ્યના અંતની પંક્તિઓ પણ મને રોકે છેઃ હવે તો
ભૂલા પડેલા પંખી જેવી રાત કવેળા ઊઠી છે
સદ્યસ્નાતા બપોર કાવેરી પર પડખું ફરે છે
સામે, સોનમહોરના પાંદડે પાંદડે સાંજ ખખડે છે. (149)
‘અથવા અને’નાં કાવ્યોમાંથી પસાર થતાં કવિ ગુલામમોહમ્મદ શેખનું બહુકોણીય સર્જકવ્યક્તિત્વ મારા મનને વિધવિધ રીતે સ્પર્શતું રહ્યું છે.
ઘેર જતાં (નિબન્ધસંગ્રહ)
ગુલામમોહમ્મદ શેખના નિબન્ધો વિષે સૌ પ્રથમ નોંધવું છે કે સુરેશ જોષીના નિબન્ધોના કુળથી જુદા અને નિજી લય-લહેકાવાળા, સંવેદનોથી સભર તાજપભર્યાં ગદ્યથી ટટ્ટાર છે.
શેખ ઇન્દ્રિયબોધ કરાવતાં વિવિધ કલ્પનો સાથે સહજતાભર્યું, સંકુલ વાતાવરણ રચવામાં સફળ થયા છે. 'ઘેર જતાં' (25), 'દીવાલ' (37), 'દાદા' (45) , 'મા' (49), 'ઉત્તર' (55), 'ભાઈ' (61), 'ગોદડી' (77) આદિ નિબન્ધો સૂક્ષ્મ સંવેદનના નોખા ચઢાવ-ઉતાર સાથે ભાવકોને સ્પર્શે છે.
ગુલામમોહમ્મદ શેખ ક્યારેક નિબન્ધને (દા. ત. 'ગોદડી')વાર્તાની નજીક લઈ જઈ શકે છે. લલિત નિબન્ધના અઢળક ફાલ વચ્ચે 'ઘેર જતાં' સંગ્રહ પોતાના સામર્થ્યથી નોખો સિદ્ધ થાય છે.
નીરખે તે નજર (દૃશ્યકળાવિષયક લેખોનો સંગ્રહ)
કળા - દૃશ્યકળા-ચિત્રકળા વિષે કેટલી ઝીણવટથી વિચારી શકાય અને કેટલી સૂક્ષ્મતાથી લખી શકાય તેના માનદણ્ડ તરીકે ‘નીરખે તે નજર’ને કળાજગત હંમેશ કેન્દ્રમાં રાખશે. ભારતની અન્ય ભગિની ભાષાઓમાં થયેલાં કળાવિષયક શ્રેષ્ઠ પુસ્તકોની હરોળમાં, પ્રતિનિધિરૂપ ઉત્તમ છબિઓ અને લખાણની સમૃદ્ધ વિચારણાને કારણે ગુલામમોહમ્મદ શેખના ગુજરાતી ગ્રન્થ ‘નીરખે તે નજર’ને મૂકવો પડે એવું વિત્ત તેમાં છે.
આ સંચયના લેખોમાં શેખે જે મોટી બાથ ભીડી છે તેનું વિદ્યાપ્રેમી ભાવક સઘન વાચન કરશે ત્યારે તેના હાથમાં એક ખજાનો હાથ આવશે. ‘નીરખે તે નજર’ના ‘ભારતીય ચિત્રપરમ્પરા–પૂર્વભૂમિકા (પૃ. 09), ‘સદીની ખેપ’ (71), ‘રસના અને રચનાની વાર્તાઃ ભારતીય કથનપરંપરા’ (103), ‘ભાવકનું ચિત્રજગત’ (129), ‘મરુભૂમિની સંગમકળાઃ શેખાવટીનાં ભીંતચિત્રો’ (143), ‘ભેરુ’ (235), ‘ઝાકળ-શી કોમળ સંવેદના’ (225), ‘વિધાન પરિષદ (ભોપાલ) પ્રવેશદ્વારનું ચિત્ર’ – આ લેખો ઉપરાન્ત વારંવાર સેવવા જેવો ગ્રંથ છે, ‘નીરખે તે નજર’.
• કલાકાર ગુલામમોહમ્મદ શેખનાં દેશમાં ને વિદેશમાં અનેક ચિત્રપ્રદર્શનો થતાં રહે છે. • અતિથિ કળાકાર તરીકે શિકાગો, ફિલાડેલ્ફિયા, (અમેરિકા) અને ઉમ્બેરડિટે (ઇટલી)ની કળાશાળાઓમાં તેમણે કામ કર્યાં છે. • અમેરિકાની છ યુનિવર્સિટીઓનાં નિમન્ત્રણથી વ્યાખ્યાનયાત્રાઓ પણ કરી છે.
વિવિધ સમ્માનો: • કાલિદાસ સમ્માન – 2002 • રવિશંકર રાવળ પુરસ્કાર – 1997-99 • રવિ વર્મા પુરસ્કારમ્ – 2009 • પદ્મશ્રી – 1987 • પદ્મભૂષણ – 2014 • નરસિંહ મહેતા એવૉર્ડ – 2017
— જયદેવ શુક્લ
જશોદાનગર, એચ.ડી.એફ.સી. બેન્કના ખાંચામાં, કૉલેજ માર્ગ, સાવલીઃ 391770 જિ. વડોદરા