અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ઝંખના

From Ekatra Wiki
Revision as of 21:27, 24 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


ઝંખના

ઉમાશંકર જોશી

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
               નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
               વિશ્વંભર ભરવા નયણે રે હો જી.
                           — સૂરજ...

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,
               મૂંગા ગિરિઓનાં મસ્તક ચે ઝંખતાં રે જી.
તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,
              રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી.
                           —સૂરજ....

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
               આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.
બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?
               જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.
                           —સૂરજ...

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!
               ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.
                           —સૂરજ...

વીસાપુર જેલ, મે ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૪૫)




ઉમાશંકર જોશી • સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: રાસબિહારી દેસાઇ • આલ્બમ: ગીતગંગોત્રી