અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/પગરવ

From Ekatra Wiki
Revision as of 20:58, 24 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


પગરવ

ઉમાશંકર જોશી

પ્રભુ, તારો પગરવ જરી સુણાય,
         વનવનવિહંગના કલનાદે,
         મલયઅનિલના કોમલ સાદે.
         ઉડુગણ કેરાં મૂક વિષાદે
                  ભણકારા વહી જાય,
                  પ્રભુ, તારો પગરવ અહીં સુણાય.

ગિરિનિર્ઝરના નૃત્યઉમંગે,
સરિતતણા મૃદુમત્ત તરંગે.
ઋતુનર્તકીને અંગે અંગે
         મંજુ સુરાવટ વાય,
         પ્રભુ તારો પગરવ અહો સુણાય!

અહોરાત જલસિંધુ ઘૂઘવે,
ઝંઝાનિલ મઝધાર સૂસવે,
વ્રજઘોર ઘન ગગન ધૂંધવે.

         ધ્વનિ ત્યાં તે અથડાય,
         પ્રભુ, તારો પગરવ દૂર સુણાય.

શિશુક્લબોલે, પ્રણયહિડોંળે
જગકોલાહલના કલ્લોલે,
સંત-નયનનાં મૌન અમોલે
         પડ્યા મૃદુ પથરાય,
         પ્રભુ, તારો પગરવ ધન્ય સુણાય.

૧૫-૧-૧૮૪૮




ઉમાશંકર જોશી • પ્રભુ તારો પગરવ જરી સુણાય • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: શબ્દ સૂરની પાંખે