દૃશ્યાવલી/કુમાઉંના પહાડોમાં
૧. ત્યારે આકાશ સ્વચ્છ હોય છે… ફરી એક વાર પાછા પહાડોની યાત્રાએ.
આ વખતે કુમાઉંના અલ્મોડા, કૌસાની, રાનીખેત, નૈનીતાલ આદિ વિસ્તારોમાં જવાનું આયોજન હતું. કુમાઉં અર્થાત્ પ્રાચીન કૂર્માચલનો આ પહાડી વિસ્તાર અત્યંત દર્શનીય છે. જોકે અહીં ગઢવાલ વિસ્તારનાં બદ્રી-કેદાર જેવાં પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામો કે ભાગીરથી, અલકનંદા અને મંદાકિની જેવી પવિત્ર નદીઓ નથી, પણ તેથી શું?— અહીંથી જ એક પ્રાચીન માર્ગ પિથોરાગઢ થઈ કૈલાસ-માનસરોવર જાય છે. આ વિસ્તારમાં પણ અનેક પ્રાચીન તીર્થો છે પણ સૌથી વિશેષ તો એ છે કે સમગ્ર કૂર્માચલનું એક આગવું પહાડી સૌન્દર્ય છે.
ભલે થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ હોય, પણ ઑક્ટોબર- નવેમ્બરના દિવસો આ વિસ્તારમાં ફરવા માટે સારા છે. ઉનાળામાં અહીં ઠંડક ભલે અનુભવાતી હોય, પણ વાદળ-ધુમ્મસમાં અહીંથી દેખાતાં હિમશિખરો દિવસો સુધી અદૃષ્ટ થઈ જતાં હોય છે. પરંતુ આ દિવસોમાં આકાશ ઘણુંખરું સ્વચ્છ રહે છે અને એકદમ ભૂરું. એ હિમશિખરો અનંતતાનો પ્રથમ દર્શને જ અનુભવ કરાવી દે છે.
દિલ્હીમાં થોડા દિવસ રહ્યા પછી તો તે અનુભવ વધારે સઘન રીતે થાય છે. હવે દિલ્હીથી સીધી કાઠગોદામની ગાડી થઈ છે. પહેલાં કાઠગોદામ જવા માટે આગ્રા કે લખનઊ જવું પડતું. કાઠગોદામ છેલ્લું સ્ટેશન. એ પછી પહાડો શરૂ થઈ જાય.
આપણે પોતે જ્યાં સુધી કોઈ સ્થળે ગયા નથી હોતા, અને જ્યારે એને વિશે સતત સાંભળતા આવ્યા હોઈએ, ત્યારે આપણા માનસપટ પર એ સ્થળની એક અવનવીન ચિત્રણા થતી રહે છે. જ્યાં સુધી નહોતો ગયો, ત્યાં સુધી જાણે કાઠગોદામ મારે મન એક દુર્ગમ એવું પહાડીઓ વચ્ચે વસેલું સ્થાન હતું.
અમારી ગાડી કાઠગોદામ એક્સપ્રેસ દિલ્હીથી રાત્રે ૧૧ વાગ્યે ઊપડવાની હતી. પરંતુ સ્ટેશન પર તો રાત વેળાએ વહેલા આવી જવું સારું. એટલે અમારે સારો એવો સમય જૂની દિલ્હી સ્ટેશનના પ્લૅટફૉર્મ પર વિતાવવાનો હતો.
આ વખતની મારી આ યાત્રા મારા પુત્ર મધુસૂદનના પરિવાર સાથે ગોઠવાઈ હતી. દિલ્હી સ્ટેશન પર પ્લૅટફૉર્મની એક ઓછી અવરજવરવાળી જગ્યાએ શેતરંજી પાથરી અમે નિરાંતે ગપસપ કરતાં પૅસેન્જરોની આવનજાવન જોતાં બેઠાં હતાં. ગાડીઓ આવે-જાય, પેસેન્જરો ચઢે-ઊતરે – એમની દોડાદોડ, વ્યગ્રતા પછી પાછી શાંતિ. લાલ ખમીસવાળા હમાલો અને એ બધી રેલવેસૃષ્ટિ જોતાં જોતાં, અને ભાગ્યે જ સમજાય એવી ગાડીઓના આવવા-જવાની જાહેરાતો સાંભળતાં આપણને દાર્શનિક વિચારો આવવા લાગે..
સ્ટેશન પર બેઠાં બેઠાં મેં મધુ અને શર્મિષ્ઠાને યાદ અપાવી કે, આવી અમારી એક યાત્રામાં જ એ બેનો ભેટો થયેલો, અને પછી તેઓ પરણી ગયેલાં. એટલે હસતાં હસતાં મેં શર્મિષ્ઠાને પ્રવાસના લાભ (કે ગેરલાભ!) ગણાવ્યા. અનન્ય અને ભૂમિકા એ વિનોદમાં જોડાયાં. મેં જોયું કે હવે જ્યારે જનરેશન ગૅપ – બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, ત્યારે આવા સહપરિવાર પ્રવાસ કુટુંબના સભ્યોને જુદી રીતે નિકટ લાવે છે.
થોડી ઠંડી હતી, પણ એથી સ્ટેશનની ભીડ સહ્ય બનતી હતી. ત્યાં અમારી ગાડી સમયસર પ્લૅટફૉર્મ પર આવી, પણ રિઝર્વેશનની સ્લિપો લગાડ્યા વિનાની. એટલે શરૂમાં થોડી દોડાદોડી અને અવ્યવસ્થા જેવું, પણ પછી બધું ગોઠવાઈ ગયું.
સવારે હલદ્વાની આવ્યું. કાઠગોદામથી આગળનું સ્ટેશન. અહીં અમને મધુનો મિત્ર સંજય લેવા આવવાનો હતો. સંજયનું ઘર અલ્મોડામાં છે. ત્યાં એના પિતા ડૉ. કૈલાસચંદ્ર જોશી કુમાઉં યુનિવર્સિટીના અલ્મોડા કૅમ્પસના ડાયરેક્ટર અને ઉપકુલપતિ છે. એમનો ઘણો આગ્રહ હતો કે તેઓ એ પદે છે ત્યાં સુધી અમે એક વાર એ વિસ્તારમાં જઈ આવીએ.
સ્ટેશને અમે ઊતર્યાં. સામાન પણ ઠીક ઠીક હતો. ઊતરનારાઓમાં અમદાવાદના પણ કેટલાક પરિચિત પ્રવાસીઓ હતા. સંજય ક્યાંય દેખાય નહીં. અમને થયું એ કાઠગોદામ તો રાહ નહીં જોતો હોય? ત્યાં દૂરથી વેગથી આવતો સંજય દેખાયો.
સંજય એકલો નહોતો, સાથે એની નવોઢા પત્ની નીતા પણ હતી. સંજય-નીતાએ સાથે નમીને મને પ્રણામ કર્યા. પછી અમે સ્ટેશનની બહાર આવ્યાં અને એમણે નક્કી કરી રાખેલી જીપ-ગાડીમાં ગોઠવાઈ ગયાં. ચા રસ્તે પીવાની રાખી. થોડી વારમાં કાઠગોદામ વટાવી જીપે પહાડી માર્ગે આરોહણ કર્યું. ઠંડી બરાબરની.
કુમાઉં વિસ્તારની આ મારી પહેલી વારની યાત્રા હતી. આ રમણીય પ્રદેશ વિશે ઘણુંબધું વાંચેલું, સાંભળેલું, રઝળપાટના શોખવાળા મારા માટે કોણ જાણે કેમ અહીં આવવાનો યોગ સધાયેલો નહીં. સાગરની જેમ પહાડોનું પણ એક રહસ્યમય આકર્ષણ હોય છે. સાગર ચંચલ છે, ક્ષણે ક્ષણે એનું રૂપ બદલાય છે, પહાડો અચલ હોય છે અને છતાં ભારવિ કહે છે તેમ અ-પૂર્વવત્ ભાસે છે. જીપમાં બેસીને હું વિચારતો હતો કે કેટલો પ્રાચીન પુરાતન આ માર્ગ છે, શતાબ્દીઓથી ખૂંદાયેલો માર્ગ! – ડામરની સડક ભલે હમણાંની હોય, પણ મારે માટે તો એ માર્ગ પહેલી વારનો હતો. ઉપરથી નીચે પથરાયેલું હલદ્વાનીનગર દૂર થતું દેખાતું હતું. આ વયે પણ હજી આંખોમાં વિસ્મય અનુભવાય છે. મારી બાજુમાં બેઠેલા અનન્ય માટે તો આ સમગ્ર વિસ્મય જ વિસ્મય હશે.
ભીમતાલ અને ભવાલી આવતાં કુમાઉંનું અસલ રૂપ પ્રકટ થતું લાગ્યું. ચીડ અને દેવદારુનાં ઝાડની સઘનતાવાળી પહાડીઓ વચ્ચે લહેરીના ભીમતાલનું દર્શન પ્રસન્નકર બની ગયું. આ ભીમતાલ, જેને વિશે કાકાસાહેબ કાલેલકરે એમના હિમાલયના પ્રવાસમાં એવું વર્ણન કર્યું છે કે, એ વાંચેલું ત્યારે થયેલું કે આપણને ક્યારે આવાં સુંદર સરોવર જોવા મળશે? મને યાદ આવ્યું કે, કાકાસાહેબે એનું નિર્મળ નીર જોઈ એમાં ઊતરી નાહવાનું કર્યું, તો એ એવું ઠંડું લાગેલું કે કાકાને કહેવું પડેલું કે આ તે પાણી કે સહસ્ર વીંછી? કાકાસાહેબને એ સરોવર તો બાણ ભટ્ટની કાદમ્બરીમાં આવતા અચ્છોદ સરોવર જેવું લાગેલું! એટલું જ નહીં, ક્યાંકથી કોઈક મહાશ્વેતા આવશે એવી કલ્પનામાં ડૂબી ગયેલા કાકાની એ કલ્પના અમને પણ ત્યારથી વળગેલી!
અલબત્ત કાકા ગયા હતા વીસમી સદીના આરંભમાં, અને અમે આવ્યા છીએ સદીના અંત ભાગે. વળી એ તો પગપાળા હતા – જ્યારે અમે જીપમાં.
અમે જીપમાંથી જ એ સરોવર જોયું. કાંઠે થોડી વાર જીપ ઊભી રાખી એટલું જ. પાછા વળતાં અહીં આવવાનું તો હતું જ.
થોડી વારમાં અમારી જીપ લઘન દેવદારુની ઘાટીવાળે માર્ગ જતી હતી. આ ભવાલી વિસ્તાર. અહીંની હવા, જ્યારે ક્ષયરોગના દર્દીઓને માટે કોઈ દવા નહોતી ત્યારે, એકમાત્ર દવા હતી. અહીંનાં વૃક્ષોમાંથી વહેતો પવન દર્દીઓને લાભ કરતો! કેટલાં બધાં સ્વાસ્થ્યકેન્દ્રો દેખાતાં હતાં! કેટલાક ધનિકોએ અહીં પોતાને માટે આવાસો બંધાવી રાખેલા છે – હવા ખાવા માટે.
હવે તો ચા પીવી જ પડશે. જીપ ઊભી રાખી. નીચે ઊતર્યાં. બાજુમાં જ નદી વહી રહી હતી – એ શરૂથી અમારી સાથે છે. નદી પર સામે પાર જવા એક પુલ હતો. વરાળ નીકળતી ચાની સાથે ગરમ ભજિયાંના સ્વાદમાં ઠંડી ઉમેરો કરતી હતી.
અલ્મોડા શહેરમાં અમે પ્રવેશ કર્યો ત્યારે તડકા પથરાયા હતા. વાહનોની આવનજાવન વધી હતી. ત્યાં એક સ્થળે જીપ ઊભી રહી. સંજય-નીતા નીચે ઊતર્યાં. એમણે ફોન કરી પૂછ્યું કે, અમારે ક્યાં ઊતરવાનું છે. યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વીજળી નહોતી આવી. અમારી વ્યવસ્થા પહાડી પર બાંધેલા કૃષિ અનુસંધાન કેન્દ્રના અતિથિગૃહમાં હતી. જીપ ઢાળ ચઢી ત્યાં પહોંચી ગઈ. ડૉ. જોશીના એક કર્મચારી પણ આવી ગયા હતા. સુંદર સ્વચ્છ અતિથિગૃહ! – પહાડો હોય ત્યાં થોડાં પગથિયાં તો ચઢવાં જ પડે. અમે અમારા ઓરડામાં ગયાં.
ત્યાં ઉત્તર દિશાની મોટી બારીનો પડદો જેવો હટાવ્યો કે દૂર દેખાઈ રહી બરફથી આચ્છાદિત ભવ્ય પર્વતમાળા! અનન્ય, ભૂમિકા તો જોઈ જ રહ્યાં! મધુ-શર્મિષ્ઠા બાજુના રૂમમાં હતાં. હું તો બારી પાસે બેસી જ ગયો. ભલે ઠંડો પવન આવે, પણ મારે કાચની બારીમાંથી હિમાલય નહોતો જોવો. બારી ખોલી સીધી નજર એ ચમકતી ચોટીઓ ઉપર. ધન્ય! ધન્ય! અલ્મોડા આવવાનું મુલતવી રાખ્યું હોત તો?
કુમાઉંની આ યાત્રા માટે નીકળવાની મારા મનમાં તબિયતને કારણે અવઢવ હતી. એક મિટિંગ માટે હું દિલ્હી તો અઠવાડિયાથી હતો, પણ ત્યાંથી પાછો અમદાવાદ જવા વિચારતો હતો. એક રીતે મધુ- શર્મિષ્ઠાનો આગ્રહ મને ખેંચી લાવ્યો હતો. તેમાં ઉમેરાયું હતું સંજયના પિતા ડૉ. જોષીનું નિમંત્રણ. હિમગિરિનાં દર્શનથી ભાવવિભોર બની મેં મધુને પછી કહ્યું કે અહીં ન આવ્યો હોત તો હું શું ખોઈ બેસવાનો હતો, તેની પણ મને ખબર ન પડત. હવે તો આ શિખરોનાં દર્શન કરીને જ માત્ર પાછા જવાનું થાય તોય વસવસો ન થાય. પછી તો ચા પણ બારી પાસે જાણે હિમગિરિની સન્નિધિમાં પીધી!
બપોરના જમવાનું સંજયને ઘરે હતું. અતિથિગૃહનાં પગથિયાં ઊતરતાં કૃષિ અનુસંધાન કેન્દ્રની ઇમારતો જોઈ. પછી મુખ્ય સડક પર આવ્યા. ત્યાંથી કાચાં પગથિયે થઈ નીચે ઢોળાવ તરફ જવાનું હતું. ડૉ. જોશીના નિવાસના આંગણામાં પહોંચ્યાં તો ત્યાંથી પણ એ જ હિમાલય-દર્શન! આંગણામાં આછા ગુલાબી શ્વેત પુષ્પોથી આચ્છાદિત પદમનું ઝાડ. ડૉ. જોશીએ સ્વાગત કર્યું. સંજયનાં મમ્મી તો અમને – ખાસ તો ભૂમિકા અને અનન્યને – જોઈને હર્ષઘેલાં થઈ ગયાં હતો.
અમે તડકામાં જ ખુરશીઓ નાખીને બેઠાં. વાતોમાંથી વાતો નીકળી. ડૉ. જોશીએ કહ્યું કે કુમાઉં શબ્દ કૂર્માચલમાંથી ઊતરી આવ્યો છે. આ કૂર્મ અથવા કચ્છપ અથવા કાચબો – એ દશાવતારી વિષ્ણુનો બીજો અવતાર. એ કૂર્મ ઉપરથી આ પહાડો કૂર્માચલ કહેવાય છે. પરંતુ હું કૂર્મ અવતાર અને પહાડો વચ્ચે શું સંબંધ છે તે સમજી શક્યો નહીં. ઘણા પહાડોની પીઠ આમ તો કાચબાની પીઠ જેવી હોય છે.) ડૉ. જોશી બોલ્યે જતા હતાઃ કુમાઉં પ્રદેશના ત્રણ જિલ્લા છે – અલ્મોડા, નૈનીતાલ અને પિથોરાગઢ. આ બધો ઘણોઘણો પ્રાચીન વિસ્તાર છે.
પણ તેમણે કહ્યું : આજનું આ જે અલ્મોડા છે તે અંગ્રેજોનું ઘડેલું છે. મને યાદ આવ્યું કે આ દેશનાં ઘણાંખરાં સુંદર હિલસ્ટેશનો અંગ્રેજોની દેન છે. ગમે કે ન ગમે આ સત્ય સ્વીકારવું પડે. હિમાલયનાં શીમલા હોય, દાર્જિલિંગ હોય, મસૂરી હોય, શિલોંગ હોય કે પછી દક્ષિણના પહાડોનાં ઊટી, મહાબળેશ્વર હોય. આપણું માઉન્ટ આબુ પણ એમાં આવી જાય.
જોશીએ કહ્યું કે, કેટલાક અંગ્રેજો ૧૮૧૫માં આ પ્રદેશમાં આવ્યા. એ પછી ૧૮૪૧માં અંગ્રેજો આ દેશમાં સંપત્તિ ધરાવે એવો કાયદો થતાં તેમણે અહીં ચાના બગીચા શરૂ કર્યા. એ સાથે શિક્ષણની સંસ્થાઓ, અને ખાસ તો લશ્કરી કૅમ્પ. અત્યારે હવે અહીં ચાના બગીચા રહ્યા નથી, પણ અંગ્રેજોએ શરૂ કરેલી ઘણી સંસ્થાઓ છે. અને હા, લશ્કરી કૅમ્પ પણ ખરો.
ડૉ. જોશીનું ઘર ઢોળાવ પર હતું. ત્યાંથી નીચે કેટલીક ઇમારતો દેખાતી હતી. તે હતું યુનિવર્સિટી કૅમ્પસ.
વાતો દરમિયાન પણ મારી નજર તો હતી પેલી હિમાચ્છાદિત લંબાયમાન ગિરિશ્રેણી પર. હું વચ્ચે બોલી ઊઠ્યો : ‘કેવી ભવ્યતા છે!’
સંજયે કહ્યું કે, અંકલ, તમે ભાગ્યવાન છો. અઠવાડિયા પહેલાં તો અહીં વાદળઘેર્યું વાતાવરણ જામેલું. વરસાદ સાથે કરા પડેલા. હવામાન ઠરી ગયેલું. અમને થતું હતું કે, જો આવું જ વાતાવરણ રહેશે તો અમારી કુમાઉં યાત્રાનો આનંદ જ માર્યો જશે, પણ તમારાં સદ્ભાગ્યે અત્યારે આકાશ એકદમ સ્વચ્છ છે.
મેં હસતાં હસતાં કહ્યું કે, અમારી યુરોપયાત્રા વખતે સ્વિત્ઝર્લેન્ડમાં અમારા યજમાન સ્વીસ પ્રોફેસર બાખે કહેલું કે, “When angels travel, sky is clear.’ – જ્યારે દેવદૂતો મુસાફરી કરે છે ત્યારે આકાશ સ્વચ્છ હોય છે. એ વખતે સ્વિત્ઝર્લેન્ડના આલ્પ્સ દર્શન વખતે અમારે માટે આકાશ સ્વચ્છ હતું, તેમ આજે હિમાલયદર્શન વખતે પણ સ્વચ્છ છે! કેમ કે, અમે યાત્રા કરીએ છીએ. સૌ હસી પડ્યાં.