અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શોભિત દેસાઈ/વૃક્ષાયન
{{Heading| વૃક્ષાયન |શોભિત દેસાઈ}
ભલે પાનખરમાં છે નાદાર વૃક્ષો
વસંતોની લીલાનો આધાર વૃક્ષો
ખરા મૌન સેવક બનીને ઊભાં છે
અજાણ્યો વટેમાર્ગુ, આકાર વૃક્ષો
તવારીખમાં એ ગણાઈ ગયાં છે
ટક્યાં આંધીમાં જો જરા વાર વૃક્ષો
મ્યુઅરવુડની વંશાવલીની ખબર છે?
હજારો વરસથી ઊભાં યાર! વૃક્ષો
સમર્પિત કરી જાતને પૂરેપૂરી
પલળતાં રહે છે ધૂંઆધાર વૃક્ષો
નીકળતા નહીં જંગલોમાં અમાસે
વધુ ઘેરો કરવાનાં ઓથાર વૃક્ષો
મરેલું તું વાંચે છે કાપી જીવનને?
ધરે છે તને કોણ અખબાર? વૃક્ષો!
કુહાડીના હાથાથી પોતે હણાશે
છતાં આપે એવાં છે દાતાર વૃક્ષો
જરા થાક્યું કે પંખી પહોંચે પિયરમાં
કરે માની જેવી જ દરકાર વૃક્ષો
સુકાઈ, સળીઓ ધરે નીડ માટે
નભાવે કયો ધર્મ દેનાર વૃક્ષો?!
કદાપિ ન દેખાત એ કોઈને પણ
પવનના મતે છે ગુન્હેગાર વૃક્ષો
વધારે સભર થાય ખૂલી ભીતરથી
ઊભાં જંગલોમાં જે દળદાર વૃક્ષો
(નવનીત સમર્પણ, નવેમ્બર, 2020, પૃ.146)