અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

From Ekatra Wiki
Revision as of 11:40, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્| વિનોદ જોશી}} <poem> ઝીંગોરા હપ્પા ઝ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

વિનોદ જોશી

ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

કાંખમાં ગાગર મેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઉગમણી શેરીએ ડેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
પરદેશી બેઠો પ્હેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

કોણી જાણે કેવડો, પેડું મઘમઘ થાય,
ગાગર છલકી જાય મલકે આંખ્યે માછલી;

રૂમઝૂમ રાણી સંચર્યાં શેરી ઝાકઝમાળ,
ડેલે દીધો સાદ ટુહુકે ભાંગ્યા ટોડલા;

હભળક ઊભા થઈ ગિયા પરદેશી સુજાણ,
ખેંચ્યાં તીરકમાન ઊભી શેરી થરથરે;

શેરડીનો સાંઠો પોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
હઈડેથી નાઠો હોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કાળજાની ગાંઠો ખોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ખોલી બે ફૂલપાંખડી વળતી પળ ભિડાય,
વણબોલાયાં વેણ હાંફે હળવે છાતીએ.

આંખ્યે સોણાં ઓગળી ડબડબ હાલ્યાં જાય,
પરદેશી મૂંઝાય ઝટ જઈ ઝાલે બાવડું.

રગ રગ ઝાલર ઝણઝણે નખ નખ દીવા થાય,
કુંજલડી સંતાય ધસમસ ધીંગા વાદળે.

ઓચિંતી વીજળી તૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
દરિયાની આબરૂ લૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ટેરવાંની ઝંખના ખૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કમ્મળની દાંડલી ચૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
બ્રહ્માની પાકી ડૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
એમાંથી વારતા ફૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્