અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

વિનોદ જોશી

ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

કાંખમાં ગાગર મેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઉગમણી શેરીએ ડેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
પરદેશી બેઠો પ્હેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

કોણી જાણે કેવડો, પેડું મઘમઘ થાય,
ગાગર છલકી જાય મલકે આંખ્યે માછલી;

રૂમઝૂમ રાણી સંચર્યાં શેરી ઝાકઝમાળ,
ડેલે દીધો સાદ ટુહુકે ભાંગ્યા ટોડલા;

હભળક ઊભા થઈ ગિયા પરદેશી સુજાણ,
ખેંચ્યાં તીરકમાન ઊભી શેરી થરથરે;

શેરડીનો સાંઠો પોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
હઈડેથી નાઠો હોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કાળજાની ગાંઠો ખોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ખોલી બે ફૂલપાંખડી વળતી પળ ભિડાય,
વણબોલાયાં વેણ હાંફે હળવે છાતીએ.

આંખ્યે સોણાં ઓગળી ડબડબ હાલ્યાં જાય,
પરદેશી મૂંઝાય ઝટ જઈ ઝાલે બાવડું.

રગ રગ ઝાલર ઝણઝણે નખ નખ દીવા થાય,
કુંજલડી સંતાય ધસમસ ધીંગા વાદળે.

ઓચિંતી વીજળી તૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
દરિયાની આબરૂ લૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ટેરવાંની ઝંખના ખૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કમ્મળની દાંડલી ચૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
બ્રહ્માની પાકી ડૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
એમાંથી વારતા ફૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્

ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્



આસ્વાદ: ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્ કાવ્ય વિશે – ઉદયન ઠક્કર

કેવળ કથાવસ્તુથી કવિતા બનતી હોતે, તો આ ગીતની અવેજીમાં વિનોદ આટલું જ લખતઃ વ્હૅમ, બૅમ, થેંક્યુ મૅમ! ‘બૉય મીટ્સ ગર્લ’નો વિષય બાવા આદામના બગીચાની જેમ સદા લીલોછમ્મ રહેવાનો.

કાવ્યની નાયિકાનું નામ ધ્યાનથી વાંચો. બહેનનું નામ મોંઘી કે જડાવબા નથી, સોનબા છે. અંગ્રેજીમાં યુવતી નામ વડે ન બોલાવતાં ‘બ્લૉન્ડ’ કે ‘બ્રુનેટ’ કહેવાય, ત્યારે તે વ્યક્તિ મટીને રૂપાળું પ્રતીક થઈ જાય છે; ગુજરાતીમાં ગોરાંદે, રૂપાંદે અને સોનલોનું તેમ જ સમજવું.

શરૂઆતથી જ કવિ કાંખ પર ભાર મૂકે છે. ગાગર ટેકવીને સોનબા રુમ્મક ઝુમ્મક હાલ્યાં જાય છે. કવિએ (હાશ!) તેની પાસે નાક લગીનો ઘુમટો તણાવ્યો નથી. સોનબા ક્યાં જઈ રહ્યાં છે વારુ? તો બચપણનું ફળિયું મેલીને ઊગતી યુવાનીના ડેલા ભણી, ગાગરમાં પરથમ પ્રિતીની થાપણ લઈને. ઊગમણી શેરીએ તો પરદેશીનો વાસ. (વિવિધભારતીનાં ગીતો સાંભળતાં સાંભળતાં ઊછર્યાં હોવાથી આપણને ‘આ પરદેશી તો કોણ’ એવી મૂંઝવણ થતી નથી.) પ્રેમની દુનિયા જ અચરજભરી, એટલે સંગાથીય સોનલને પરદેશી ભાસે. પાશ્ચાદ્ભૂમિમાં શમતો ચાલ્યો પાંચીકા-કૂકાનો ખણખણાટ અને યૌવને વીંઝી પાંખ. ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્.

ઘટનાની નાટ્યાત્મકતાને ઘૂંટવામાં અહીં પાર્શ્વસંગીતનેય (ઝીંગોરા હપ્પા!) કામે લગાડ્યું છે.

કેવડા, ગાગર અને માછલીની ભાષામાં કરાયેલું સોનબાની સુંદરતાનું વર્ણન જરા પરંપરિત. તેમના દૃશ્યે આંખને ચૂંટી ખણી ન હોય, તેમ પરદેશી હભળક ખડો થઈ ગયો. ‘ખેંચ્યા તીરકમાન ઊભી શેરી થરથરે’માં પરદેશીના કામાવેગનું ઉન્નત અને અણિયાળું વર્ણન. શેરડીનો પોલો પણ રસદાર સાંઠો તે કયો? સોનલના અસ્થિપિંજરેથી હૈયાનો હોલો તો ઊડી ઊડી જાય.

સોનલ આંખ ઊંચકે તો છે પણ માંડી નથી શકતી. તેણે અલંકારોય કેવાં કેવાં પહેર્યાં છે… રૂપક (ફૂલપાંખડી), ઉત્પ્રેક્ષા (કોણી જામે કેવડો), અને સજીવારોપણ (વેણ હાંફે)! ફૂલપાંખડી, છાતી, સોણલાં, ઇત્યાદિ શૃંગારરસને પોષક. અંતરામાં આવતા સોરઠા લોકકથાના વાતાવરણને અનિરૂપ. તેમાં ક્યાંક પ્રાસ જાળવ્યા છે (મઘમઘ થાય — છલકી જાય, સુજાણ અનુરૂપ. તેમાં ક્યાંક પ્રાસ જાળવ્યા છે (મઘમઘ થાય — છલકી જાય, સુજાણ — તીરકમાન…) અને ક્યાંક છોડી દીધા છે. (ભિડાય — વણબોલાયાં વેણ.)

તળપદી બોલીની એકસૂત્રતા જળવાઈ છે. (મેલો, આંખ્યે, હભળક, ગિયા, હઈડેથી, સોણાં, હાલ્યાં.)

પરદેશીએ બાવડું ઝાલ્યું તે સાથે બાહ્ય પટકથા પૂરી થઈ ને અંતર્કથા શરૂ. રુંવાડાં ઝાલર બન્યાં અને નખ સળગ્યા. પરદેશીએ સોનલને એમ સાચવી લીધી જેમ પાણીદાર મેઘ કુંજલડીને. પ્રણયીઓના મિલનવર્ણનમાં કામુક ચેષ્ટાના ઇશારા. વીજળીની જેમ શું ત્રાટક્યું? પછી વરસ્યું તે શું? કયા દરિયાની આબરૂ લુંટાણી? કમળ એટલે પાતળી કેડ્ય કે હોઠ કે અન્ય કશું? વિષ્ણુની ડૂંટીમાંથી પ્રકટ્યા બ્રહ્મા અને તેમાંથી સકલ સૃષ્ટિ, તેમ આ પરિરંભણમાંથી શું?

અર્થશર્કરા ઝાલીને ડગૂમગૂ ચાલતી શબ્દની પિપીલિકાઓ તે આવા આિમ ઉશ્કેરાટનું વહન શું કરી શકવાની? માટે કવિએ નાદથી કામ લીધું! નાડીમાં ધબકે તેવો, બીલોનાં ઢોલમાં ધ્રબૂકે તેવો, વીર્યસ્રાવના લયમાંથી છટકે તેવો નાદઃ ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્.

(‘જુગલબંધી’)