ગુજરાતી નિબંધ-સંપદા/જ્યોતીન્દ્ર દવે/ખોટી બે આની

From Ekatra Wiki
Revision as of 17:33, 23 June 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search


ખોટી બે આની

જ્યોતીન્દ્ર દવે


હમણાં થોડા દિવસ પર મારા હાથમાં, કોણ જાણે ક્યાંથી, ખોટી બે આની આવી ચડી હતી. એ બે આની ખોટી છે એમ જ્યારે મોદીએ પાછી આપતાં અર્ધ તિરસ્કારયુક્ત અવાજે મને જણાવ્યું ત્યારે ‘કયો મોરલો આ કલા કરી ગયો?’ એમ મને થયું. પરંતુ એ પ્રશ્નનું નિરાકરણ થઈ શકે તોપણ એથી એટલી બે આની પૂરતી મારી ગરીબાઈ ઓછી થાય એમ નહોતું. એ પ્રશ્ન પડતો મૂકી એ બે આનીને શી રીતે ચલાવવી તેનો મેં વિચાર કરવા માંડ્યો.

હાથમાં વર્તમાનપત્ર રાખી વાંચવાનો ડોળ કરી મેં ટ્રામના કંડક્ટરને એ બે આની જરા પણ અચકાયા વગર આપી. એણે ટિકિટ આપીને બે આની લેવા પ્રયત્ન કર્યો. જૂઠી વસ્તુને પોતાની જાહેરાત કરવાનું ઘણું મન હોય છે: એ ન્યાયે કંડક્ટરના હાથમાંથી એ ચંચળતાની મૂર્તિ સરીને નીચે પડી અને સાચી બે આની જેવો અવાજ કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. કંડક્ટરે બે આની ઉપાડી, વિસ્મયથી તેને ફેરવી ફેરવીને જોઈ, રાજાની નિર્દોષ પ્રતિકૃતિ સામું થોડી વાર એ ઘૂરક્યો ને પછી કંઈ પણ બોલ્યા વગર બે આની મારા હાથમાં પાછી મૂકી. એનું જ અનુકરણ કરી મેં બે આની પાછી લીધી, વિસ્મયથી થોડી વાર હું તેના સામું જોઈ રહ્યો, ફેરવી ફેરવી મેં તેનું બારીક અવલોકન કર્યું: રાજાની પ્રતિકૃતિ સામું ઠપકાભરી નજરે જોયું ને પછી કંઈ પણ બોલ્યા વગર એ બે આની ગજવામાં મૂકી બીજી કાઢી એને આપી. એક આનો પાછો આપી વિજયની નજર ફેંકી કંડક્ટર એને પંથે પળ્યો.

ચા પીવાની સામાન્ય ઇચ્છા તો મને હંમેશ જ રહે છે, પરંતુ હૃદયના ઊંડા ઊંડાણમાંથી ‘ચા! ચા!’નો પોકાર ન ઊઠે ત્યાં સુધી પૈસા ખરચીને રેસ્ટોરાંમાં ચા પીવા હું, બનતાં સુધી જતો નથી. પંદરવીસ મિનિટ પૂર્વે જ ચાનો સંયોગ થયેલો હોવાથી હૃદયમાંથી ચાનો પોકાર ઊઠવાની હજી કંઈક – અર્ધાએક કલાક જેટલી – વાર હતી, છતાં આ પ્રસંગે હું એવા પોકારની વાટ જોયા વગર ખોટી બે આની ચલાવવા માટે આનો ખરચી નાખી મને કદી નહિ મળેલો એવો વ્યવહારકુશળતાનો યશ મેળવવાની મહત્ત્વાકાંક્ષાથી એક રેસ્ટોરાંમાં દાખલ થયો. એકલી બે આની પકડાઈ જવાનો સંભવ વધારે, એમ લાગવાથી મેં સાવચેતી વાપરી ચારેક આના જેટલો ખરચ કરવો એમ ધારી ચા ઉપરાંત બીજું કંઈ પણ મંગાવ્યું. ચા પૂરી કરી હું પૈસા આપવા ગલ્લા પાસે ગયો. ‘ચાર આના લો!’ વેઇટરે બૂમ પાડી. પૈસા લેવા માટે ગલ્લા પાસે ઊભેલા પુરુષની આંખો ઘણી નબળી હોય એમ મને લાગ્યું અને “એ ઉપકાર ગણી ઈશ્વરનો” હું હરખાયો.

પરંતુ હિન્દુસ્તાનના હરખની પેઠે મારો હરખ પણ અકાલીન ને અકારણ નીવડ્યો. બે ખરા આના વચ્ચે ખોટી બે આની મૂકીને મેં એને આપી ને રોફભેર ચાલવા માંડ્યું, પણ બે પુરુષ વચ્ચે ચાલતી હોય તોપણ સ્ત્રી તરફ જ જોનારની નજર ખેંચાય એમ એની નજરે બે આના વચ્ચે રહેલી બે આની જ પડી! “શી—? મિસ્ટર!” એણે મને બૂમ મારી. આશ્ચર્ય પામતો હોઉં એવી રીતે હું પાછો ફર્યો.

“કેમ?” મેં પૂછ્યું.

“યે નહિ ચલેગી” કહી એણે બે આની પાછી આપી.

“કેમ?”

“ખોટી હૈ.”

“ખોટી શેની? મેં લીધી ને!”

“દૂસરી દો.”

“તું કોઈ બીજાને પધરાવી દેજે.”

“નહિ, દૂસરી દો.”

“ખોટી શાથી થઈ? એના ઉપર છાપ નથી? અને આપણે એને ખરી માનીને ચલાવવા માંડીએ એટલે એ ખોટી હોય તોયે ખરી જ થઈ જશે –”

પણ એના મોં સામું જોઈ વાક્ય પૂરું કરવા કરતાં બેઆની બદલી આપી ચાલ્યા જવું વધારે સલામત લાગવાથી મેં તેમ કર્યું.

આ પછી મેં બેચાર દિવસ સુધી એ બે આની ચલાવવા માટે તનતોડ મહેનત કરી, પણ વફાદારીની વધારે પડતી ભાવનાવાળી એ બે આનીએ મારો ત્યાગ ન જ કર્યો. આપણે લક્ષ્મીને અને સ્ત્રીને ચંચળ કહીએ છીએ, પરંતુ ગરીબ બિચારો પુરુષ, લક્ષ્મી ને સ્ત્રીના પાશમાં સપડાયેલો, ગમે તેટલાં ફાંફાં મારે પણ એકેના પાશમાંથી છૂટો નથી થઈ શકતો. કદાચ તેટલા જ માટે, માત્ર પોતાના માનસિક સંતોષને ખાતર, એ સ્ત્રી તથા લક્ષ્મીને ચંચળ જાત કહેતાં શીખ્યો હશે!

આખરે અંતિમ ઉપાય તરીકે ભિખારીને આપી દઈને કે દહેરામાં નાખીને એની પીડામાંથી મુક્ત થવાના મરણિયા નિશ્ચય પર હું આવ્યો. પરંતુ એટલામાં મને એક યુક્તિ સૂઝી. એક કાણા પાનવાળાની દુકાને જઈને મેં બે પૈસાનાં પાન ખરીદી તેને એક રૂપિયો આપ્યો. એણે બે પૈસા કાપી લઈ બાકીનું પરચૂરણ આપ્યું. પરચૂરણ ગણી જોતાં યુક્તિપૂર્વક પેલી ખોટી બે આની મેં એના ભેગી સેરવી દીધી. પછી જાણે અચાનક જ નજર પડી હોય એમ એ બે આની મેં બહાર કાઢી કંઈક સાશંક દૃષ્ટિએ એના તરફ જોઈ “આ બે આની ખોટી છે, બીજી આપ” એમ કહી પાનવાળાને પાછી આપી.

પાનવાળાએ બે આની પાછી લીધી અને કહ્યું: “મારી પાસે બીજી બે આની નથી. તમે બે આના આપો તો હું પાવલી આપું.”

મેં બે આના આપી એની પાસેથી પાવલી લીધી.

‘જંગ જીત્યો રે મારો કાણિયો!’નું ગીત ધીમે અવાજે ગાતો હું ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં બેત્રણ મિત્રો મળ્યા. તેમને બે આનીની કથા કહી અને મારા વિજયનું અખંડ સ્મરણ જાળવવા તેમને ચા પીવા પાસેના રેસ્ટોરાંમાં લઈ ગયો. ચા પી પૈસા ચૂકવવા પેલા પાનવાળાની પાવલી મેં રેસ્ટોરાંના માલિકને આપી. એણે પાવલીને જમીન પર પછાડી ને રૂપાનો ઢોંગ કરતી એ પાવલી કલાઈના અવાજે કકળી ઊઠી! “યે પાવલી નહિ ચલેગી. દૂસરી દો.” અનુભવે રીઢો બનેલો હું કંઈ પણ બોલ્યો નહિ ને બીજી પાવલી બદલી આપી. અપૂર્વ પરાક્રમ કર્યા પછી હારેલા વીર યોદ્ધાની પેઠે, ત્યાંથી પાછો ફર્યો અને ‘જંગ જીત્યો રે મારો કાણિયો’ની બીજી પંક્તિ ‘વહુ ચલે તબ જાણિયો!’ હતાશ હૃદયે સંભારી.

“લાવો, હું એ ચલાવી આપીશ.” મારા એક મિત્રે કહ્યું. એ અતીવ શ્રદ્ધાળુ હૃદયને આઘાત ન પહોંચાડવાના ઇરાદાથી મેં તેને પાવલી આપી.

થોડા દિવસ પછી એ મિત્ર મને પાછો મળ્યો, મેં પૂછ્યું: “કેમ! પાવલી ચાલી ખરી કે?”

“અરે હા, તે જ દિવસે મેં કોઈને પોરવી દીધી!”

આમ મારી પાવલી ચાલી ખરી પણ તેથી મને કંઈ પણ લાભ થયો નહિ. એ મિત્રે મને પેલી પાવલીના બદલામાં બીજી પાવલી આપવી જોઈતી હતી, પરંતુ ત્યાર પછી અનેક વાર મળવા છતાં, મારી પાવલી ચલાવવાની પોતાની કલાની વારંવાર પ્રશંસાયુક્ત કથા કરવા છતાં, એણે એ પાવલી પરના મારા હક્ક વિશે શબ્દ સરખો ઉચ્ચાર્યો નથી!

[મારી નોંધપોથી]