અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...

From Ekatra Wiki
Revision as of 11:30, 19 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...|જયદેવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...

જયદેવ શુક્લ

તારા કણ્ઠમાંથી
ઊગી નીકળેલો
કુંવારો અજવાસ
મારી સૂની, અન્ધારી ગલીને
પ્રથમ વાર
આછું રણકાવે છે

તારા શબ્દો
મને મૂકી દે છે
વેનેઝુએલાના દરિયાકિનારે રવડતા,
આછા ખારા તડકા વચ્ચે;
જ્યાં તું રેતીનું ઘર બનાવી રહી છે.

તારા શબ્દોનો
રણકાર
આથમતી જતી
ધૂંધળાશમાં
સોનેરી પતંગિયું બની
કાનના અન્ધારમાં
ઝળહળે છે.

તારા શબ્દોનો
ભાવ
ન ચાખેલા-જોયેલા ફળની
જાંબલી તૂરાશભરી મીઠાશથી
ઊંચકી લે છે
ખબર ન પડે એમ,
એક સૂનો ધબકાર
જે મેં ધરબી રાખ્યો હતો.

ઊંડે...ઊંડે...
તારા અવાજના
અજવાળામાં
હું
તને અને મને
ન ઊગેલા દિવસના
બન્ને કાંઠે
જોઈ રહ્યો છું
સજળ આંખે.
નવનીત સમર્પણ, ડિસેમ્બર