અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/હે પ્રિયે...
મફત ઓઝા
તને ઝંખતી ક્ષિતિજો
આ અરવલ્લીની હારમાળાના પડછાયામાં આવી ચૂપચાપ બેસી ગઈ છે.
વૃક્ષો એમના જ પડછાયા ઓઢી તારા આગમનની પ્રતીક્ષા કરે છે.
દૂર દૂર એક વાદળી ચડે છે ને વેરાઈ જાય છે મારા મન જેવી,
પછી વરસાદ ક્યાંથી વરસે તારા આવવાના અષાઢ જેવો?
આડીઅવળી ફંટાતી કેડીઓ
ભૂલી પડેલી વન્ય કન્યાઓ જેવી
ટેકરીઓ ચડે છે ને ઊતરે છે કોતરોમાં,
તારા પાછા વળવાના પગલે પગલે હજીયે આછું લીલું ઘાસ
કેડીઓને તારી ઓળખ આપે છે.
તને હજીયે ના ઓળખી શકેલાં મારા શ્વાસનાં પતંગિયાં
ઊડ્યા કરે છે હવામાં ઓગળતાં પળેપળ —
તને શોધવા નીકળેલા અશ્વો
થાકીને ઊભા છે ત્રણ પગે ફીણ ફીણ થતાં;
ક્ષિતિજો એમને પલાણવા ઊંચા શ્વાસે ઊભી છે.
ક્યાં છે તારા હોવાપણાની શક્યતા આ પ્રદેશમાં?
વાયકા એવી વહી છે કે —
દેશવટે ચડેલો રાજકુમાર કાળા ઘોડે ને કાળાં લૂગડે
તને લઈ આકાશમાર્ગે ઊડતો હતો તે ફૂલોએ એમની સગી
આંખે જોયો હતો.
દક્ષિણથી ઉત્તર તરફ વહેતા આકાશમાં
તને ઊડી આવતાં પંખીઓએ જોઈ હતી ને ખેરવ્યાં હતાં પીંછાં.
કદાચ તને આપેલું પીંછું યાદ આવે ને તું પાછી વળી જાય...
તું પાછી ના વળી તો હવાઓ આખી રાત રડી હતી
ને ઉજાગરા કર્યા હતા આખા આકાશે!
કદીક તો તું પાછી વળીશ તારો મખમલી ભૂતકાળ ઓઢી–
સંભવ છે કે તારા આગમન સુધી
ક્ષિતિજો ચૂપચાપ બેસી રહેશે અરવલ્લીની હારમાળાઓ શોધી–
હે પ્રિય,
તારા આગમનની જાણ થશે — આ થીજી ગયેલી ક્ષણોને...?!
નવગુજરાત પ્રવાસીઃ દીપોત્સવી, ૧૭૮