અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ઝીણા ઝીણા મેહ

From Ekatra Wiki
Revision as of 17:56, 19 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
ઝીણા ઝીણા મેહ

ન્હાનાલાલ દ. કવિ

ઝીણા ઝરમર વરસે મેહ,
         ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
         ભીંજે મારી ચૂંદલડી.

આજે ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
         ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
         ભીંજે મારા હૈયાની માલા;
         હો! ભીંજે મારી ચૂંદલડી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
         ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
         ટમકે મારા નાથનાં નેણાં :
         હો! ભીંજે મારી ચૂંદલડી.

આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ, ને
         મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
         હેરો મારા મધુરસચન્દા!
         હે! ભીંજે મારી ચૂંદલડી.

(ન્હાના ન્હાના રાસ, ભાગ-૧, પૃ. ૨૨)




ન્હાનાલાલ દ. કવિ • ઝીણા ઝીણા મેહ • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: અનાર શાહ