અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/તકદીરને ત્રોફનારી

From Ekatra Wiki
Revision as of 12:35, 22 August 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| તકદીરને ત્રોફનારી | ઝવેરચંદ મેઘાણી}} <br> <br> <poem> બાઈ! એક ત્રાજવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તકદીરને ત્રોફનારી

ઝવેરચંદ મેઘાણી



બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,
ત્રોફાવો રૂડાં ત્રાજવાં હો જી;
છૂંદાવો આછાં છૂંદણાં હો જી.

બાઈ, એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી!
છૂંદાવો ઘાટાં છૂંદણાં હો જી!

નાની એવી કુરડી ને, માંહી ઘોળ્યા દરિયા;
બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે,
પાલવ ઊંચા નો કર્યા હો જી. બાઈ! એક...

આભને ઉરેથી એણે આઘી કરી ઓઢણી,
બાઈ! એણે નવ લાખ ટીબકી બતાડી રે;
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. બાઈ! એક...

રામને રુદેથી એણે કોરે કરી પાંભરી,
બાઈ! એણે કીરતિની વેલડિયું ઝંઝેડી રે,
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. બાઈ! એક...

ભર રે નીંદરમાં સૂતેલા ભરથરી,
બાઈ! એના લલાટેથી લટડી ખસેડી રે,
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. બાઈ! એક...

પીઠ તો ઉઘાડી એણે જોગી ગોપીચંદની
બાઈ! એની જનેતાને આંસુડે ઝરડેલી રે,
કીધું કે આ મેં ત્રોફિયાં હો જી. બાઈ! એક...

મનડાં મોહાણાં મારાં, દલડાં લોભાણાં ને,
બાઈ! મેં તો કાયાને કીધલ ત્યાં ઉઘાડી રે,
લાડુડા એણે મૂકિયા હો જી. બાઈ! એક...

સુરતા રહી નૈ મારી, સૂતી હું તો લે'રમાં;
બાઈ! એણે સોયુંની ઝપટ જે બોલાવી રે,
ઘંટીનાં પડ જ્યું ટાંકિયાં હો જી. બાઈ! એક...

ગાલે ટાંક્યાં ગલફૂલ, કાંડે ટાંકી કાંકણી;
બાઈ! મારી ભમ્મર વચાળે ટીલ તાણી રે,
ત્રોફ્યાં ને ભેળાં ફૂંકિયાં હો જી. બાઈ! એક...
કલેજા વચાળે એણે કોર્યો એક મોરલો,
બાઈ! મેંતો અધૂરો ત્રોફાવી દોટ મારી રે,
કાળજડાં કોરાં રિયાં હો જી. બાઈ! એક...

ડેરે ને તંબૂડે ગોતું, ગોતું વાસે ઝૂંપડે;
બાઈ! મારાં તકદીરને ત્રોફનારી રે,
એટલામાં ચાલી ગઈ કિયાં હો જી. બાઈ! એક...

(1928)


(લાડુડા=ત્રાજવાં પાડવા માટે રંગના ટપકાં; સુરતા=નજર; કાંકણી=કંકણ.) નોંધ: જેણે આકાશની છાતીનો બરાબર મધ્ય ઉરભાગ છૂંદણે ટાંંક્યો, જેણે પુરાતન પુરુષ રામચંદ્રના તકદીરમાં કીર્તિની વેલડીઓ ત્રોફી, રાજયોગી ભર્તૃહરિના લલાટમાં જ્ઞાનવૈરાગ્યનો અમર યશ ટાંક્યો, ને બાલુડા ગોપીચંદની પીઠનાં તેની જનેતાનાં આંસુ વડે જગદ્‌વંદ્ય ભેખ ત્રોફ્યો, એવી એક નિગૂઢ વિધાત્રીના હાથમાં નીલા રંગની કુલડી છે તો નાની, પણ એમાં એણે દરિયાના દરિયા ઘોળ્યા છે. માનવીને ફક્ત પોતે ત્રોફેલાં ત્રાજવાંના સુંદર નમૂના જ બતાવ્યા, પણ ન બતાવી એની સોય (એની સંતાપીતલ શક્તિ) કે જે વડે એણે કોઈકનું કલેજું ને કોઈકનાં કપાળ ત્રોફ્યાં છે. ખોલી ખોલીને એ બતાવે છે પોતાના કરુણોજ્જ્વળ કારમાં ત્રોફણો; ને... હાય, એનાં ત્રોફણાંનું કીર્તિસૌંદર્ય કામી લેવાની અણસબૂરીમાં માનવીને નજરે નથી પડતી 'કમખામાં સંતાડેલ સોય' નામની કીર્તિ-ત્રોફણ કસોટી. વિધાતા છૂંદનારીની પાસેથી માનવીને રૂપ જોઈએ છે, પ્રસિદ્ધિ ખપે છે, પણ કલેજાના મર્મભાગ ઉપરનાં, સાચા સંવેદનનો રંગ પકડતાં તકદીરનાં ત્રોફણો ખમી ખાવાની તૈયારી નથી. - કવિ

(1940, 'એકતારો'માંથી)